બિલકીસબાનો કેસ : દોષિતોના છુટકારા અંગે BJP, AAP અને કૉંગ્રેસ મૌન કેમ?

બિલકીસબાનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મયુરેશ કોન્નુર
    • પદ, બીબીસી મરાઠી
  • બિલકીસબાનોના કેસમાં 1992 અને 2014 બંને પરિપત્રોને બાજુએ રાખીને માફી આપી દેવામાં આવી
  • 11 ગુનેગારો આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા તેમને છોડી મૂકવાના નિર્ણયથી દેશભરમાં પ્રશ્નો ઊઠી રહ્યા છે
  • જેલમાંથી બહાર આવ્યા પછી તેમનું હાર પહેરાવીને અને મીઠાઈ ખવડાવીને સ્વાગત થયું અને મીઠાઈ વહેંચવામાં આવી તેની પણ એક વર્ગ દ્વારા નિંદા થઈ રહી છે
  • કાનૂની, સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણથી પણ આ નિર્ણયની ટીકા થઈ રહી છે
  • 6,000 જેટલા અગ્રણી નાગરિકોએ એક પત્ર તૈયાર કરીને મુખ્ય ન્યાયાધીશને મોકલ્યો છે અને સજામુક્તિને રદ કરવાની માગણી કરી છે
  • ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસીને એટલું જ કહ્યું કે, "આ બાબતમાં અમારે કંઈ કહેવાનું નથી."
લાઇન

આ વર્ષે લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "મહિલાઓ પ્રત્યેનું આપણું વલણ બદલાવની જરૂર છે." તેમણે કહ્યું હતું કે, "નારી સશક્તિકરણથી જ ભારતનાં સપનાં પૂર્ણ થશે. ભારતના વિકાસમાં જરૂરી છે કે સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે. મહિલા સશક્તિકરણને આપણે સમર્થન આપવું પડશે."

વડા પ્રધાનના નિવેદનને આવકાર પણ મળ્યો હતો અને નારી અધિકારો અંગેના મહત્ત્વના નિવેદન તરીકે તેને ગણવામાં આવ્યું હતું.

પરંતુ એ જ દિવસે બાદમાં 2002ના બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 ગુનેગારોને ગોધરાની જેલમાંથી છોડી દેવાયા.

ગુજરાત સરકારે બનાવેલી એક સમિતિએ આ ગુનેગારોને માફી આપવાની અરજીને મંજૂર કરી દીધી. બિલકીસબાનો કેસ 2002નાં ગોધરા રમખાણો પછી સૌથી વધુ ચર્ચાયેલા કેસ પૈકીનો એક છે.

27 ફેબ્રુઆરી, 2022ના રોજ બિલકીસ અને તેનો પરિવાર ઘરેથી નાસી રહ્યો હતો, ત્યારે તેના પર ગૅંગરેપ થયો હતો. તેમની ત્રણ વર્ષની દીકરી અને તેના પરિવારના 14 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી.

ત્યારે પણ રાજ્યમાં ભાજપની સરકાર હતી અને આજે પણ ભાજપની સરકાર છે. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા અને અત્યારેમાં બીજી મુદત માટે વડા પ્રધાન બન્યા છે.

વિપક્ષે ગુનેગારોને સજામુક્તિ આપવાના નિર્ણયની ભારે ટીકા કરી છે, પરંતુ ભાજપે ગુજરાતમાં કે દિલ્હીમાં ક્યાંય સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આ 11 ગુનેગારો આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા તેમને છોડી મૂકવાના નિર્ણયથી દેશભરમાં આઘાતની લાગણી છે.

એટલું જ નહીં જેલમાંથી બહાર આવ્યા પછી તેમનું હાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને સ્વાગત થયું અને મીઠાઈ વહેંચવામાં આવી તે કૃત્યની પણ એક વર્ગ દ્વારા નિંદા થઈ રહી છે.

કાનૂની, સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણથી પણ આ નિર્ણયની ટીકા થઈ રહી છે. 6,000 જેટલા અગ્રણી નાગરિકોએ એક પત્ર તૈયાર કરીને મુખ્ય ન્યાયાધીશને મોકલ્યો છે અને સજામુક્તિને રદ કરવાની માગણી કરી છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં પણ રજૂઆતો થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયની વિરુદ્ધની એક અરજી સ્વીકારી છે અને તેના પર આગળ સુનાવણી થવાની છે.

line

ગણતરીપૂર્વકનું મૌન?

11 ગુનેગારો આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા તેમને છોડી મૂકવાના નિર્ણયથી દેશભરમાં આઘાતની લાગણી છે

ઇમેજ સ્રોત, CHIRANTANA BHATT

ઇમેજ કૅપ્શન, 11 ગુનેગારો આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા તેમને છોડી મૂકવાના નિર્ણયથી દેશભરમાં આઘાતની લાગણી છે

2012માં દિલ્હીમાં નિર્ભયા ગૅંગરેપ સમયે દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને દેખાવો થયા હતા, તેને આજે પણ સૌ યાદ કરે છે. તેની સામે બિલકીસબાનો કેસમાં ગુનેગારોને છોડી મૂકવાના નિર્ણય સામે કોઈ દેખાવો થયા નથી. શાસક પક્ષે પણ આ વિશે મૌન સેવ્યું છે, તે બાબત તરફ વિશ્લેષકો ધ્યાન દોરી રહ્યા છે.

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેને આ વિશે બીબીસીએ પૃચ્છા કરી ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, "આ બાબતમાં અમારે કંઈ કહેવાનું નથી."

ભાજપના રાજ્યના કે કેન્દ્રના કોઈ નેતાઓએ પણ આ મુદ્દે કોઈ નિવેદન કર્યું નથી.

તેમાં અપવાદ છે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, જેમણે હાલમાં જ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ગત મંગળવારે મહિલા પર અત્યાચારો અને "શક્તિ બિલ" ચર્ચા થઈ રહી હતી ત્યારે ગૃહમાં ફડણવીસે કહ્યું હતું કે, "ગુનેગારોએ તેમની સજા ભોગવી છે અને સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર પ્રક્રિયા કરીને તેમને સજામુક્તિ આપવામાં આવી છે."

"આ રીતે ગુનેગારોનું સ્વાગત કરવામાં આવે તે ખોટું છે. તેને વાજબી ઠરાવી શકાય નહીં."

line

2002નાં રમખાણોના પડછાયા

દેવેન્દ્ર ફડણવીસ: આ રીતે ગુનેગારોનું સ્વાગત કરવામાં આવે તે ખોટું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેવેન્દ્ર ફડણવીસ : આ રીતે ગુનેગારોનું સ્વાગત કરવામાં આવે તે ખોટું છે

ભાજપ શા માટે આ મુદ્દે મૌન છે? ગુજરાત સરકારની સમિતિએ નિર્ણય લીધો અને ભાજપે તે વિશે કોઈ ટિપ્પણી નથી કરી તે દર્શાવે છે કે રાજકીય રીતે આ સ્થિતિ મુશ્કેલ છે.

ગુજરાતમાં અને બીજાં રાજ્યોમાં પણ ભાજપને ચૂંટણીમાં ધાર્મિક ધ્રુવીકરણનો ફાયદો થાય છે, તેવું માનવામાં આવે છે. ડિસેમ્બરમાં ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેની પહેલાં જ આ ગુનેગારોને છોડી મૂકવામાં આવ્યા છે.

દિલ્હીસ્થિત રાજકીય બાબતોના પત્રકાર રાધિકા રામશેષન કહે છે, "પ્રથમવાર એવું બન્યું કે સરકારી હુકમથી લેવાયેલા નિર્ણય વિશે ભાજપ બચાવની સ્થિતિમાં જણાય છે. તેના પરથી એવું કહી શકાય કે આ બાબતમાં કેવું વલણ લેવું તેની કદાચ અસ્પષ્ટતા છે."

રામશેષન કહે છે કે, "ગુજરાતની બહાર બિલકીસબાનો કેસના કારણે બહુ ટીકા થઈ રહી છે. ખાનગીમાં ભાજપના સ્રોતોએ મને જણાવ્યું કે આ મુદ્દો ગુજરાતની બહારનો જ મુદ્દો છે, કેમ કે ગુજરાતમાં 2002થી અમે ઘણા આગળ નીકળી ગયા છીએ."

"જોકે ગુજરાત કે ભારતમાં 2002ને એટલી સહેલાઈથી ભુલાવી શકાય તેમ નથી. આ મુદ્દો કોઈને કોઈ સ્વરૂપે સામે આવતો જ રહેશે."

એ રીતે જ અત્યારે તે મુદ્દો ફરી બેઠો થઈ ગયો છે. બિલકીસબાનો ગુજરાતમાં રમખાણો વખતે લઘુમતી અને સ્ત્રીઓ પર થયેલા અત્યાચારનો ચહેરો બની ગયાં હતાં.

ન્યાય મેળવવા માટે દાયકાઓ સુધી લડત આપવી પડી હતી. બે દાયકા પછી પણ ગુજરાતમાં રમખાણો અને ધ્રુવીકરણની અસર ગુજરાતના રાજકારણ પર વર્તાય છે.

દિલ્હીસ્થિત રાજકીય વિશ્લેષક અશોક વાનખેડે કહે છે, "ભાજપ ભલે આ વિશે કશું બોલવા તૈયાર ના હોય, પરંતુ 11 ગુનેગારોનું કોઈ હીરો હોય તેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું તે બાબતનો ઢાંકપીછોડો થઈ શકે તેમ નથી."

"આની પાછળ ભાજપ જ છે, કેમ કે ભાજપના સમર્થન વિના આવી રીતે કોઈ સ્વાગત કરી શકે નહીં. તેની પાછળની સ્ટ્રેટેજી એ છે કે ગુજરાતમાં સજામુક્તિના બહાને હિન્દુત્વનું કાર્ડ ચલાવવું અને સાથે જ કેન્દ્રમાં અને રાષ્ટ્રીય કક્ષાએ સેક્યુલર છબિ જાળવી રાખવી."

"તેથી આ વિશે કશું બોલતા નથી. જે કરવાનું થાય છે તે પક્ષના નેતાઓ કરી જ રહ્યા છે."

line

માત્ર હિન્દુત્વ કે અન્ય મુદ્દા?

કાનૂની, સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણથી પણ આ નિર્ણયની ટીકા થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાનૂની, સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણથી પણ આ નિર્ણયની ટીકા થઈ રહી છે

શું આ બાબતને માત્ર હિન્દુત્વ અને ધાર્મિક ધ્રુવીકરણના પરિપ્રેક્ષ્યથી જ જોવી જોઈએ? ગુજરાતના સિનિયર પત્રકાર પ્રશાંત દયાળ પણ માને છે કે આ નિર્ણય અને તેનું ટાઇમિંગ બંને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ લેવાયા છે.

"આનંદીબહેન પટેલ ગુજરાતમાં મુખ્ય મંત્રી હતાં, ત્યારે 2014માં એવો નિર્ણય લેવાયો હતો કે મહિલા વિરુદ્ધના અપરાધમાં કોઈને માફી આપવી નહીં."

"તેના કારણે આવા ગુનામાં 20 વર્ષ સુધી જેલમાં રહેલા ગુનેગારોને પણ સજામુક્તિ મળી નહોતી. પરંતુ બિલકીસબાનોના કેસમાં 1992 અને 2014 બંને પરિપત્રોને બાજુએ રાખીને માફી આપી દેવામાં આવી."

"ગુજરાતમાં અત્યારે મહિલા વિરુદ્ધના અપરાધોમાં 450 જેટલા ગુનેગારો છે. તે બધાને માફી મળવી જોઈતી હતી, પરંતુ માત્ર 11ને જ છોડવામાં આવ્યા. આવું શા માટે?," એવો સવાલ તેઓ ઉઠાવે છે.

તેમનું કહેવું છે કે માત્ર હિન્દુત્વ માટે નહીં, પણ સ્થાનિક જ્ઞાતિગણિતને આધારે પણ નિર્ણય લેવાયો છે.

"મારું વિશ્લેષણ એ છે કે આ કેસ ગોધરાનો એટલે કે આદિવાસી વિસ્તારનો છે. ભાજપને લાગે છે કે આદિવાસી વિસ્તારમાં તેમની પકડ ઢીલી પડી છે. આદિવાસીઓ તેમનાથી દૂર થઈ રહ્યા છે. તેથી તે મતબૅન્કને પાછી લાવવા આ નિર્ણય લેવાયો છે."

"આ 11 આરોપીઓમાં કેટલાક આદિવાસી છે. છોટુ વસાવાનો પક્ષ અને આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે અને કૉંગ્રેસ પણ આદિવાસી પટ્ટામાં સક્રિય છે, એટલે ભાજપને અસલામતી લાગે છે."

પ્રશાંત દયાળનો એવો અભિપ્રાય છે કે, "ભાજપને લાગે છે કે આદિવાસી મતો જતા રહેશે તો 20-25 બેઠકો ઓછી થશે. આ મતોને પાછા મેળવવાના ઉપાય તરીકે જ માફી આપવામાં આવી છે."

ગુજરાતમાં ધાર્મિક મુદ્દાના આધારે રાજકારણ ભાજપે લાંબા સમયથી ગોઠવી દીધું છે, એટલે માત્ર તેને ઠીક કરવા માટે બિલકીસબાનો કેસમાં માફીની જરૂર નથી.

line

કૉંગ્રેસની ખામી અને આપનું મૌન

રાજ્યમાં ભાજપ સામે પોતે જ મુખ્ય પડકાર છે એવો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ પણ આ વિશે મૌન ધારણ કર્યું છે

ઇમેજ સ્રોત, @AAMAADMIPARTY

ઇમેજ કૅપ્શન, રાજ્યમાં ભાજપ સામે પોતે જ મુખ્ય પડકાર છે એવો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ પણ આ વિશે મૌન ધારણ કર્યું છે

ગુજરાતમાં કૉંગ્રેસ અને આપ શું કહે છે, તેના પર પણ સૌની નજર છે. કૉંગ્રેસ આજે સોશિયલ મીડિયામાં ભાજપ પર સતત પ્રહારો કરી રહી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડા પ્રધાનને સીધો સવાલ કર્યો હતો કે "ઉન્નાવ - ભાજપના એમએલએને બચાવાયા. કઠુઆ - બળાત્કારીઓની તરફેણમાં રેલી. હાથરસ - બળાત્કારીઓને સરકારનો સાથ. ગુજરાત - બળાત્કારીઓની મુક્તિ અને સન્માન. ગુનેગારોને ટેકો આપીને ભાજપે મહિલા પ્રત્યેની પોતાની માનસિકતા દેખાડી દીધી છે. આવા રાજકારણની તમને શરમ નથી આવતી, વડા પ્રધાનજી?"

જોકે ઘણાનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં કટાક્ષ અને પત્રકારપરિષદોમાં ટીકા સિવાય બીજું કશું કરવામાં આવી રહ્યું નથી. કૉંગ્રેસ પાયાના સ્તરે કશું નક્કર કરી રહી નથી.

રાધિકા રામશેષન કહે છે, "કૉંગ્રેસ ગુજરાતનાં 2002નાં રમખાણોનો મુદ્દો ઉઠાવીને બહુ નુકસાન ભોગવી ચૂકી છે. પરંતુ ચૂંટણી નજીક હોય ત્યારે બનતી ઘટનાઓ પર તેમણે કાળજી રાખવી પડે."

"કૉંગ્રેસ એકાદ નિવેદન કરે તો ભાજપ તેના આધારે હિન્દુત્વને ફરી કેન્દ્રમાં લાવીને ફાયદો ઉઠાવી શકે છે. ગુજરાતના રાજકારણમાં કેન્દ્રસ્થાને હિન્દુત્વ જ છે."

બીજી તરફ રાજ્યમાં ભાજપ સામે પોતે જ મુખ્ય પડકાર છે, એવો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ પણ આ વિશે મૌન ધારણ કર્યું છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

તેના કારણે સવાલો ઊભા થઈ રહ્યા છે. આથી જ આપ પર ઘણી વાર તે સોફ્ટ હિન્દુત્વ અપનાવે છે, તેવી ટીકા થતી રહી છે.

"2020માં દિલ્હીમાં પણ રમખાણો થયાં હતાં, પણ આપે કોઈ સ્ટૅન્ડ લીધું નહોતું કે એક શબ્દ પણ બોલી નહોતી. હિન્દુત્વના મુદ્દે કોઈ સ્ટૅન્ડ ના લેવાની બાબતમાં આપ કાળજી રાખે છે. ક્યારેય આ મુદ્દે વલણ સ્પષ્ટ કર્યું નથી અને એવું જ બિલકીસબાનો કેસમાં છે."

રામશેષન કહે છે, "ગુજરાતમાં વિપક્ષ તરીકે કૉંગ્રેસનું સ્થાન આપ લઈ રહી છે. તે જાણે છે કે હિન્દુત્વના મુદ્દે કૉંગ્રેસ છટકામાં આવી જઈને ભૂતકાળમાં ખરાબ રીતે હારતી આવી છે."

"તેથી તે માત્ર પ્રજાકલ્યાણના મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રીત કરે છે. આ બહુ સ્પષ્ટ સ્ટ્રેટેજી છે. આપ શહેરી મધ્યમ વર્ગને આકર્ષે છે, જેના માટે રમખાણોનો મુદ્દો બહુ સંવેદનશીલ છે. તેથી હિન્દુત્વના મુદ્દે કેજરીવાલે હાથ અદ્ધર કરી દીધા છે."

બિલકીસબાનો કેસની અસર ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં અને રાષ્ટ્રીય રાજકારણમાં કેવી થાય છે, તેના પર પણ સૌની નજર છે.

સિટીઝનશિપ (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ, નૂપુર શર્માના વિવાદ પછી સોશિયલ મીડિયા ઉપરાંત શેરીમાં પણ ધ્રુવીકરણ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.

ગુજરાત પછી ભાજપશાસિત વધુ એક રાજ્ય કર્ણાટકમાં પણ ચૂંટણી યોજાવાની છે, ત્યાં પણ હિજાબનો મુદ્દો આ વર્ષની શરૂઆતમાં ભારે ચગ્યો હતો.

બિલકીસ કેસમાં રાષ્ટ્રીય વિવાદ થાય તો તેની અસર કર્ણાટકમાં પણ થઈ શકે છે. આ મુદ્દે ચર્ચાઓને કદાચ કાબૂમાં રાખવામાં આવશે, પણ તે મુદ્દે થનારું રાજકારણ કાબૂમાં રહેવાનું નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન