ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ મતદાન, શું છે સમગ્ર કાર્યક્રમ?

ઇમેજ સ્રોત, Getty Images
આજે ગુજરાત રાજ્યના ચૂંટણીપંચ દ્વારા સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
છ મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લાપંચાયત, 231 તાલુકાપંચાયત અલગ-અલગ બે તબક્કામાંઓમાં યોજાશે.
પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જ્યારે બીજા તબક્કામાં નગરપાલિકાની સાથે પંચાયતની ચૂંટણીઓ યોજાશે.
ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા EVM મશીન દ્વારા જ કરવામાં આવશે.

મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ
- 1 ફેબ્રુઆરી - જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 6 ફેબ્રુઆરી - ઉમેદવારી નોંધણીની છેલ્લી તારીખ
- 8 ફેબ્રુઆરી - ઉમેદવારી ફોર્મની ચકાસણી
- 9 ફેબ્રુઆરી - ઉમેદવારી પરત ખેંચી શકાશે
- 21 ફેબ્રુઆરી - મતદાન યોજાશે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી)
- 22 ફેબ્રુઆરી - પુનર્મતદાન
- 23 ફેબ્રુઆરી - મતગણતરી

નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ
- 8 ફેબ્રુઆરી - જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 13 ફેબ્રુઆરી - ઉમેદવારી નોંધણીની છેલ્લી તારીખ
- 15 ફેબ્રુઆરી - ઉમેદવારી ફોર્મની ચકાસણી
- 16 ફેબ્રુઆરી - ઉમેદવારી પરત ખેંચી શકાશે
- 28 ફેબ્રુઆરી - મતદાન યોજાશે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી)
- 1 માર્ચ - પુનર્મતદાન
- 2 માર્ચ - મતગણતરી
રાજ્યની છ મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 192 , સુરત મહાનગરપાલિકામાં 120, વડોદરા મહાનગરપાલિકામાં 76, રાજકોટ મહાનગરપાલિકામાં 72, ભાવનગરની મહાનગરપાલિકામાં 52, અને જામનગરની મહાનગરપાલિકામાં 64 બેઠકો છે.
આ ચૂંટણીઓ અગાઉ નવેમ્બર 2020માં યોજાનાર હતી, પણ કોરોના વાઇરસના સંક્રમણના પગલે ચૂંટણીઓને ત્રણ મહિના માટે પાછળ ઠેલવવામાં આવી હતી. મહામારીને સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓમાં મતદાન અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

ચતુષ્કોણીય જંગ

ઇમેજ સ્રોત, Getty Images/AFP
સ્થાનિતસ્વારાજની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય થઈ જતાં ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે.
એકાદ મહિનાથી ભાજપ, આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીઓેને ધ્યાનમાં રાખીને હાલ ભાજપ પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ વિવિધ જગ્યાઓ સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.
જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાત આવ્યા હતા અને સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓને લઈને મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને પક્ષના નેતાઓ સાથે બેઠક કરી હતી.
આપના ધારાસભ્ય અને પ્રવક્તા આતિષી પણ ગુજરાત આવ્યાં હતાં, જ્યાં તેમણે જણાવ્યું હતું કે પક્ષ આ ચૂંટણીઓમાં ભાગ લેશે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગોપાલ ઇટાલિયાની આપના ગુજરાતના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ અને છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ગઠબંધન કરવાની જાહેરાત કરી છે.
શનિવારે એઆઈએમઆઈએમના અસદ્દુદિન ઓવૈસીએ જાહેરાત કરી હતી કે અમદાવાદના જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબુલીવાલાની એઆઈએમઆઈએમના ગુજરાતના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












