વિજય રૂપાણી સરકાર ડ્રેગન ફ્રૂટને 'કમલમ્' કરશે પણ એના ખેડૂતોની હાલત કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને હવેથી 'કમલમ્' તરીકે ઓળખવામાં આવશે તેવી જાહેરાત કરી તેનાથી ઘણાને નવાઈ લાગી હતી. આ વિશે સોશિયલ મીડિયા પર ટીખળ કરતા મૅસેજ પણ ફરતા થયા હતા.
જોકે, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોના મતે આવી જાહેરાતોથી તેમને ફરક પડતો નથી. તેઓ કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારતા આ ફળની સારી માંગ છે ત્યાં સુધી ખેડૂતો માટે આ ખેતી ફાયદાકારક છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે ડ્રેગન ફ્રૂટનો આકાર કમળના ફૂલ જેવો છે તેથી તેને 'કમલમ્' કહેવું જોઈએ.
એક રીતે જોવામાં આવે તો કમળ એ ભાજપનું ચૂંટણી ચિહ્ન છે અને ગુજરાતમાં ભાજપના ગાંધીનગરસ્થિત વડામથકનું નામ 'કમલમ્' છે.
જોકે, રૂપાણીએ આ નામકરણ પાછળ રાજકારણ હોવાની વાત નકારી કાઢી હતી.

ખેડૂતો શું માને છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સૌરાષ્ટ્રમાં વિસાવદર નજીક જાંબુડા ગામના જીવરાજભાઈ વઘાસિયા ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે, "મારા પુત્રના મિત્રોએ રાજકોટ પાસે ડ્રેગન ફ્રૂટનાં ફાર્મ બનાવ્યા છે તેની એક વખત મુલાકાત લીધા પછી મને પણ તેમાં રસ પડ્યો. છેલ્લાં ચારેક વર્ષથી અમે આ ખેતી સાથે સંકળાયેલા છીએ."
"આ વખતે મેં ડ્રેગન ફ્રૂટ માટે 560 થાંભલા લગાવ્યા છે જેમાં કૂંપણ આવી ગઈ છે. સામાન્ય રીતે તેનું વાવેતર મે-જૂન મહિનામાં થાય છે, પરંતુ મેં આ વખતે શિયાળામાં તેની ખેતીનો પ્રયોગ કર્યો છે. "
68 વર્ષીય જીવરાજભાઈએ હાલમાં લગભગ સાડા પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે જે ત્રણેક વર્ષમાં સરભર થઈ જશે તેવી તેમને આશા છે. તેઓ કહે છે કે રોપાના વાવેતર પછી બીજા વર્ષથી પાક મળવા લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ત્રણ વર્ષ પછી આ છોડ કૉમર્શિયલ ઉત્પાદન માટે તૈયાર હોય છે અને છોડદીઠ 15-16 કિલો ઉત્પાદન મળે છે, જે બજારમાં 250થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ડ્રેગન ફ્રૂટની સિઝનમાં ભાવ કિલોદીઠ 150થી 400 રૂપિયા સુધી હોય છે.
જીવરાજભાઈના મતે ડ્રેગન ફ્રૂટમાં ખર્ચની સામે નફાનું માર્જિન સારું છે. તેઓ કહે છે કે ડ્રેગન ફ્રૂટનો નીચો ભાવ મળે તો પણ ખેડૂતો સરળતાથી વર્ષે અઢી લાખની કમાણી કરી શકે છે. આ બાગાયતી પાકનો ફાયદો એ છે કે તેમાં બહુ મજૂર રાખવા પડતા નથી, જંતુનાશકોનો ખર્ચ બહુ ઓછો આવે છે.
તેઓ ઉમેરે છે કે ખર્ચ કરવાની ક્ષમતા હોય અને પાણીનો સ્રોત સારો હોય તો ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક પાક છે.

નવું નામકરણ

ઇમેજ સ્રોત, Getty Images
ડ્રેગન ફ્રૂટના નવા નામકરણ વિશે જીવરાજભાઈએ કહ્યું કે સરકારે તેને 'કમલમ્' નામ ભલે આપ્યું, પણ તેની સાથે સબસિડીનો ટેકો આપવામાં આવે તો ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટે અને ખેતીમાં વધુ ફાયદો થાય.
નવસારી જિલ્લાના પણજ ગામે ધર્મેશ લાડ પણ ડ્રેગન ફ્રૂટની કૉમર્શિયલ ખેતીનો 12 વર્ષનો અનુભવ ધરાવે છે. બીબીસી સાથે વાત કરતાં લાડે જણાવ્યું કે હૉર્ટિકલ્ચરમાં ગ્રૅજ્યુએશન કર્યા પછી તેમણે ખેતીમાં પ્રયોગો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.
ધર્મેશ કહે છે, "મારા પિતા થાઇલૅન્ડથી ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા હતા અને અમે પ્રયોગ ખાતર થોડા છોડ વાવ્યા હતા. ત્યાર પછી અમે પશ્ચિમ બંગાળ અને પુણેથી ડ્રેગન ફ્રૂટના છોડ મગાવ્યા હતા અને તેની ખેતીનો અભ્યાસ કર્યો હતો. હાલમાં એક એકરમાં અમે લાલ વેરાયટીના ડ્રેગન ફ્રૂટની ખેતી કરીએ છીએ."
તેઓ કહે છે કે ડ્રેગન ફ્રૂટમાં કિલોદીઠ 250 રૂપિયા સુધી ભાવ મળે છે. તેમાં એક વખત સારું એવું રોકાણ કરવું પડે છે, પરંતુ ત્રણ વર્ષ સતત ખેતી કરવામાં આવે તો બધો ખર્ચ વસુલ થઈ જાય છે. પથરાળ જમીનમાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં વાંધો આવતો નથી.
હવે તેની બાય પ્રૉડક્ટ તરીકે જામ, જેલી પણ બનાવવામાં આવે છે તેથી તેની માંગ વધશે. ધર્મેશ લાડે જણાવ્યું કે આ ફળનો ભાવ થોડો ઊંચો હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં માંગ ઓછી હોય છે, પરંતુ સુરત, વડોદરા જેવાં મોટાં શહેરોમાં બધું વેચાણ થઈ જાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય ત્યારે આ ફળ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં અસરકારક હોવાની માન્યતાને કારણે રોગચાળાના સમયમાં ડ્રેગન ફ્રૂટનો ભાવ રૂ. 500 સુધી પણ પહોંચી જાય છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ મુજબ, ડ્રેગન ફ્રૂટને કારણે હિમોગ્લૉબિન વધારવામાં મદદ મળે તથા તેમાં રહેલું વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ડ્રેગન ફ્રૂટની ખેતી ફાયદાકારક શા માટે છે તેવા સવાલના જવાબમાં તેમનું કહેવું છે કે ઉત્પાદનની સામે સારો ભાવ મળે છે તે સૌથી મોટો ફાયદો છે. તેઓ માને છે કે સરકારે આ ફળને 'કમલમ્' નામ આપ્યું તેનાથી ડ્રેગન ફ્રૂટના ખેડૂતોને ફાયદો થઈ શકે છે. તેમના મતે આ ફળનું આ રીતે બ્રાન્ડિંગ કરવામાં આવે તો તેને પ્રોત્સાહન મળી શકે છે.
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કચ્છ અગ્રેસર છે. કચ્છમાં કેરા-બળદિયા નજીક ભરતભાઈ રાગવાણીએ બે એકરમાં 900 થાંભલા લગાવ્યા છે જ્યાં ડ્રેગન ફ્રૂટના રોપા વાવવામાં આવ્યા છે. 42 વર્ષીય ભરતભાઈ વર્ષો સુધી અમદાવાદમાં કમ્પ્યુટરની દુકાન ધરાવતા હતા, પરંતુ તેમને ખેતીમાં રસ હોવાથી 2014માં કચ્છ પરત આવ્યા અને ડ્રેગન ફ્રૂટનું વાવેતર શરૂ કર્યું.
તેઓ કહે છે કે પાણી ભરાતું ન હોય તેવી કોઈ પણ જમીનમાં આ ફળ વાવી શકાય છે, ભલે પછી પથરાળ જમીન હોય. આ ખેતીમાં સૌથી સારી બાબત એ છે કે પાક ઉતરતા પહેલાં ઍડવાન્સ બુકિંગ થઈ જાય છે તેથી ખેડૂતોને ભાવની ચિંતા રહેતી નથી.
રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટને નવું નામ આપ્યું તેનાથી ભરતભાઈ ખાસ પ્રભાવિત નથી. તેમના મતે આ માત્ર રાજકીય દેખાડો છે. કોઈ પણ ખેતીને પ્રોત્સાહન આપવામાં સરકાર, કૃષિ યુનિવર્સિટીઓ કે બ્યૂરોક્રેસી ખાસ કરી શકતી નથી. ખેતીનો વિકાસ ઉદ્યોગસાહસિકતા અને પ્રયોગશીલતાથી જ થાય છે તેવું તેઓ માને છે.

ડ્રેગન ફ્રૂટ શું છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ડ્રેગન ફ્રૂટ મૂળ દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકાથી આવેલા જંગલી કૅક્ટસ પ્રજાતિનું છે. મૂળ લૅટિન અમેરિકાના ડ્રેગન ફ્રૂટની ખેતી થાઈલૅન્ડ, વિયેતનામ જેવા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ઘણા સમયથી થતી હતી. ત્યાર બાદ ભારતીય ખેડૂતોને, ખાસ કરીને ગુજરાતના કચ્છના ખેડૂતોને તેમાં ઘણો રસ પડ્યો અને આજે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કચ્છ ઘણું આગળ છે.
ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ પરંપરાગત પાકની જગ્યાએ બાગાયતી ખેતી તરફ વળ્યા છે તેમાં ડ્રેગન ફ્રૂટ તેમનું મનપસંદ છે.
લૅટિન અમેરિકન દેશોમાં ડ્રેગન ફ્રૂટ 'પિતાયા' તરીકે ઓળખાય છે. તેમાં કિવીના ફળની જેમ બીજ હોય છે. વિયેતનામ એ વિશ્વમાં ડ્રેગન ફ્રૂટનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર છે.
19મી સદીમાં ફ્રેન્ચ વસાહતીઓ આ ફળ વિયેતનામ લઈ ગયા હતા. વિયેતનામમાં તે થાન 'લૉંગ' તરીકે ઓળખાય છે જેનો અર્થ 'ડ્રેગનની આંખ' થાય છે.

ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ભારતમાં 1990ના દાયકામાં ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. હાલમાં ગુજરાત ઉપરાંત કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થાય છે.
ગુજરાતના ઘણા ખેડૂતો આ ફળની ખેતીનો અભ્યાસ કરવા પૂણે નજીકના ફાર્મની મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પ્રયોગ કરનારા પણ ઘણા ખેડૂતો છે.
ગુજરાતના ખેડૂતોને ડ્રેગન ફ્રૂટ માફક આવી ગયું છે તેનું કારણ એ છે કે તે કોઈ પણ પ્રકારની જમીનમાં ઉગી શકે છે. પ્રતિકૂળ હવામાનમાં પણ ડ્રેગન ફ્રૂટને વાંધો આવતો નથી, તેમાં વધારે પાણીની જરૂર પડતી નથી અને પાક ઉતરે તે પહેલાં જ વેચાણ નક્કી થઈ ગયું હોય છે તેથી ભાવ મેળવવામાં વાંધો આવતો નથી.
ડ્રેગન ફ્રૂટ મુખ્યત્વે લાલ અને સફેદ રંગમાં આવે છે, જેમાં લાલ રંગના ડ્રેગન ફ્રૂટની માંગ વધારે હોય છે. તેને વચ્ચેથી કાપીને ચમચીથી સ્કૂપની જેમ કાઢવાનું હોય છે. આ ફળની ખાસિયત એ છે કે તેના સ્મૂધી અને શેક પણ બનાવી શકાય છે.
દેખાવમાં તે ઘાટા રંગના હોવા છતાં તેનો સ્વાદ થોડો ફિક્કો હોય છે તેથી વિવિધ ડિશમાં તેનો ઉપયોગ કરી શકાય છે. હાલમાં ચીન, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલ અને શ્રીલંકામાં પણ તેની ખેતી થાય છે.
ડ્રેગન ફ્રૂટને ભારતીય નામ આપવા માટે ઘણા સમયથી હિલચાલ થતી હતી. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના પ્રસારણ વખતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા કચ્છના ખેડૂતોને બિરદાવ્યા હતા.
એક સમયે સૂકા ભઠ્ઠ વિસ્તાર તરીકે ઓળખાતા કચ્છમાં ખેડૂતોએ બાગાયતી ખેતીમાં ઘણા પ્રયોગો કર્યા છે જેમાં તેઓ ડ્રેગન ફ્રૂટ અને બીજા ઘણા વિદેશી ફળોની ખેતી કરી રહ્યા છે.
આ કારણથી ડ્રેગન ફ્રૂટની ખેતીને આત્મનિર્ભરતાના અભિયાન સાથે સાથે પણ સાંકળવામાં આવે છે. કચ્છમાં આજે 57,000 હેક્ટરમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ, ચીકુ, નાળિયર, જામફળ સહિતના પાક લેવાય છે.

સરકાર નવું નામકરણ કરી શકશે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ડ્રેગન ફ્રૂટને ઘણા લોકો ચાઈનીઝ ફળ માને છે તેથી તેનું નામ બદલીને કમલમ્ રાખવા માટે ગુજરાત સરકારે ICARને દરખાસ્ત મોકલી હતી જે કેન્દ્રિય કૃષિ મંત્રાલયને મોકલવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ICAR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ) આ અંગે માત્ર ભલામણ કરી શકે છે. પરંતુ કોઇ પાકની પ્રજાતિને નામ આપવું, તેની વેરાઇટીને રિલીઝ કરવી અથવા ઉત્પાદન વિશે ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર ઍન્ડ કો-ઓપરેશન દ્વારા નિર્ણય લેવાય છે.
ICARના એક અધિકારીએ જણાવ્યું હતું કે આવી દરખાસ્તને બૉટનિકલ સરવે ઑફ ઇન્ડિયા (બી.એસ.આઈ.) અને કેન્દ્રિય પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય હેઠળ નેશનલ બાયૉડાયવર્સિટી ઑથૉરિટી (એનબીએ) દ્વારા મંજૂરી મેળવવી જરૂરી છે. તેનું કારણ એ છે કે ડ્રેગન ફ્રૂટ એ ભારતીય મૂળનું ફળ નથી.
સત્તાવાર રીતે તેનું નામ બદલવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે કેસ થઈ શકે. તેથી બી.એસ.આઈ. અને એન.બી.એ.નો અભિપ્રાય મેળવવો જરૂરી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












