કોરોના : PM નરેન્દ્ર મોદીના વિકસિત દેશોથી ઝડપી રસીકરણ કરવાના દાવામાં કેટલી સચ્ચાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન સોમવારે નવમી વાર દેશને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે બે મોટાં એલાન કર્યાં.
પહેલું- 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફતમાં રસી અપાશે અને કેન્દ્ર સરકાર તેનો ખર્ચ ઉઠાવશે.
બીજું- ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર સુધી 80 કરોડ ગરીબ લોકોને મફતમાં રૅશન અપાશે.
પણ આ બે એલાન સહિત વડા પ્રધાને પોતાના 33 મિનિટના ભાષણમાં કેટલાક મોટા દાવાઓ પણ કર્યા. તેમાંથી સૌથી મહત્ત્વનો દાવો હતો ભારતમાં રસીકરણની ગતિને લઈને.
વડા પ્રધાને કહ્યું, "આપણે યાદ રાખવું જોઈએ કે દુનિયામાં ભારતની રસીકરણની ગતિ ઘણી વધુ છે અને ભારત વૅક્સિનેશનની બાબતમાં અનેક વિકસિત દેશોથી ઘણું ઝડપી છે."
વડા પ્રધાને આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે દેશમાં વૅક્સિનની કમીને કારણે 18 વર્ષથી વધુ ઉંમરના માટે 1 મેથી શરૂ થયેલી રસીકરણની યોજનાને અનેક રાજ્યોએ રોકી દીધી છે.
આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ સમજવા માટે બીબીસીએ ભારત, અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સના રસીકરણના આંકડાઓને માહિતી એકઠી કરી. આ તુલનાત્મક અધ્યયન માટે અમે અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સને એટલા માટે પસંદ કર્યું કે દુનિયાના સૌથી વિકસિત દેશોમાં તેની ગણતરી થાય છે.
સાથે જ અમેરિકામાં રસીકરણની ગતિ સાથે ભારતની તુલના વારંવાર સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ-કૉન્ફરન્સમાં પણ કરાતી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વૅક્સિન ડોઝનો ઉપયોગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, 6 જૂન, 2021 સુધી અમેરિકામાં 30 કરોડ 16 લાખ વૅક્સિનના ડોઝનો ઉપયોગ થયો છે.
બ્રિટનમાં 6 જૂન સુધી 7 કરોડ વૅક્સિનના ડોઝનો ઉપયોગ થઈ ચૂક્યો છે.
આ તારીખમાં જર્મનીમાં 5 કરોડ 65 લાખ વૅક્સિન ડોઝનો ઉપયોગ થયો છે, જ્યારે ફાન્સમાં આ આંકડો 4 કરોડથી થોડો વધુ છે.
જ્યારે ભારતમાં 6 જૂન સુધી 23 કરોડ 27 લાખ ડોઝનો ઉપયોગ થયો છે.
એટલે કે વૅક્સિનના ડોઝના ઉપયોગમાં ભારત આ ચારેય દેશોમાં બીજા સ્થાને છે.

કેટલા લોકોને વૅક્સિન લાગી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પરંતુ માત્ર ડોઝના ઉપયોગની વાત કરીને આપણે આ દેશોનાં રસીકરણ અભિયાનને સમજી ન શકીએ. દરેક દેશમાં આ ડોઝનો ઉપયોગ કેટલા લોકો પર થયો, એ આંકડો પણ જોવો પડશે.
અમેરિકામાં 7 જૂન સુધીમાં 13 કરોડ 89 લાખથી વધુ લોકોને રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે.
બ્રિટનમાં 6 જૂન સુધીમાં 2.7 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂરું થઈ ગયું છે.
જર્મનીમાં 1 કરોડ 81 લાખથી વધુ લોકોને પૂરી રીતે ડોઝ લાગી ગયા છે.
ફ્રાન્સમાં 1 કરોડ 29 હજારથી વધુ લોકોને રસીના બે ડોઝ મળી ચૂક્યા છે.
જ્યારે ભારતમાં 6 જૂન સુધી 4 કરોડ લોકોને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે.
એટલે કે લોકોના બંને ડોઝના રસીકરણની વાત કરીએ તો ભારતમાં ફરીથી બીજા નંબરે છે. પણ જો એક ડોઝ રસીની વાત કરીએ તો ભારત અમેરિકાથી આગળ છે.

કેટલા ટકા વસ્તીનું રસીકરણ થયું

ઇમેજ સ્રોત, Getty Images
આ રસીકરણના આંકડા જો વસતી ટકાવારીના કવરેજના આધારે જોવામાં આવે તો ભારત ચારેય દેશોમાં સૌથી પાછળ છે. એવું એટલા માટે છે કે અમેરિકાની વસતી 32.8 કરોડ છે, બ્રિટનની વસતી 6.9 કરોડ છે, જ્યારે ભારતની વસતી 131 કરોડ છે. જર્મની અને ફ્રાન્સ ભારતથી વસતીની દૃષ્ટિએ ઘણા નાના છે.
એટલા માટે અમેરિકામાં રસીકરણ (બંને ડોઝ) લગભગ 42 ટકા લોકોનું થયું છે, બ્રિટનમાં લગભગ 41 ટકા, જર્મનીમાં 21 ટકા અને ફ્રાન્સમાં 19 ટકા રસીકરણ થયું છે.
જ્યારે ભારતમાં માત્ર 3.28 ટકા લોકોનું પૂરું રસીકરણ પૂરું થયું છે.
મતલબ એ કે વસતી ટકાવારીમાં ભારતની કવરેજ સૌથી ઓછી છે, કેમ કે ભારતની જનસંખ્યા ઘણી વધારે છે.

કેટલા દિવસોમાં ક્યાં કેટલું રસીકરણ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
હવે એ જાણીએ કે કયા દેશમાં રસીકરણની શરૂઆત ક્યારે થઈ.
બ્રિટનમાં રસીકરણની શરૂઆત સૌથી પહેલાં 8 ડિસેમ્બર, 2020માં થઈ. ત્યાં એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝર રસી ઉપયોગ થઈ રહી છે. બાદમાં અમેરિકામાં રસીકરણ 14 ડિસેમ્બર, 2020માં શરૂ થયું. ત્યાં મૉડર્ના અને ફાઇઝર રસીનો ઉપયોગ થઈ રહ્યો છે.
જર્મની અને ફ્રાન્સમાં રસીકરણની શરૂઆત એકસાથે 27 ડિસેમ્બર, 2020માં થઈ. બંને દેશોમાં ફાઇઝર અને મૉડર્ના રસીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભારતના રસીકરણ સૌથી મોડું 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું અને અહીં એસ્ટ્રાઝેનેકા-ઓક્સફૉર્ડની વૅક્સિનનું સ્થાનિક વર્ઝન કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવૅક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે.
આવું પહેલી વાર નથી થયું કે સરકારે રસીકરણની ગતિ વધુ હોવાનો દાવો કર્યો હોય.
10 મેના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ-કૉન્ફરન્સમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે 17 કરોડ વૅક્સિન ભારતે 114 દિવસમાં આપી અને અમેરિકામાં લાગતા 115 દિવસ અને ચીનને 119 દિવસ લાગ્યા હતા.
અમે અમારી તપાસમાં જાણ્યું કે અમેરિકાએ 7 એપ્રિલે જ 17 કરોડ વૅક્સિન ડોઝનો ઉપયોગ કર્યો છે. એટલે કે સ્વાસ્થ્ય મંત્રાલયે અમેરિકાનો 115 દિવસનો કરેલો દાવો સાચો છે.
બ્રિટન, ફ્રાન્સ અને જર્મનની સાથે ગતિની તુલના ન થઈ શકે, કેમ કે વસતીની દૃષ્ટિએ આ દેશ ઘણા નાના છે.
આ આંકડાઓ સ્પષ્ટ છે કે ભારતના ઝડપી રસીકરણના દાવામાં આધાર બતાવવો જરૂર છે, જે વડા પ્રધાન મોદીએ દાવો કરતી વખતે નહોતો બતાવ્યો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












