બાંગ્લાદેશની સ્વતંત્રતાનાં 50 વર્ષ : દુષ્કાળથી આત્મનિર્ભર બનવા સુધીની યાત્રા કેવી રીતે પૂરી થઈ?

બાંગ્લાદેશની આઝાદીનાં 50 વર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 50 વર્ષના ગાળામાં બાંગ્લાદેશ કેવી રીતે પ્રગતિના પંથે અગ્રેસર બની શક્યું?
    • લેેખક, મુહમ્મદ તફ્સીર-ઉલ-ઇસ્લામ
    • પદ, બીબીસી બાંગ્લા

વર્ષ 1971માં જ્યારે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે અસંખ્ય પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ અર્થતંત્રના મોરચે પણ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું હતું.

તેનાં અમુક કારણો પણ હતાં. તેની સામે વધુ વસતિ, ઓછો સાક્ષરતા દર, અત્યંત ગરીબી, સીમિત પ્રાકૃતિક સંસાધન અને ઉદ્યોગોની ઓછી સંખ્યા જેવા પડકારો હતા.

ઘણા લોકોનાં મનમાં એ પ્રશ્ન થતો હતો કે બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાજ્ય સ્વરૂપે જીવિત રહી પણ શકશે કે નહીં?

એક સમય હતો કે અમેરિકાના વિદેશમંત્રી રહી ચૂકેલા હૅનરી કિસિંજરે ભવિષ્યવાણી કરી હતી કે બાંગ્લાદેશ એક એવો દેશ બનીને રહી જશે જે પોતાની સમસ્યાઓનું નિરાકરણ જાતે નહીં કરી શકે અને અન્ય કોઈની સહાય પર નિર્ભર રહેશે.

પરંતુ આ જ બાંગ્લાદેશ આ વર્ષે પોતાની સ્વતંત્રતાનાં 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

તેની આર્થિક સફળતાનાં ઉદાહરણો અપાઈ રહ્યાં છે. પાછલાં 50 વર્ષોમાં આ દેશમાં શુંશું બદલાયું અને આ પરિવર્તન કેવી રીતે શક્ય બન્યું?

line

એહસાનુલ્લાહની કહાણી

બાંગ્લાદેશના ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રનો થયો વિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1971માં સ્વતંત્રતા બાદ બાંગ્લાદેશના અસ્તિત્વને લઈને વિશ્વના અન્ય દેશોના મનમાં હતી ઘણી શંકાઓ

આ વાતને સમજવા માટે આપણે બાંગ્લાદેશના નાગરિક એહસાનુલ્લાહની કહાણી વિશે જાણીશું અને તેની કહાણી જ આ પ્રશ્નોના જવાબ શોધવામા આપણી મદદ કરશે.

જ્યારે બાંગ્લાદેશ આઝાદ થયો ત્યારે મુંશીગંજ જિલ્લાના એહસાનુલ્લાહ 16 વર્ષના હતા. તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું અને તેમની પાસે કોઈ જમીને કે પૈસા નહોતાં.

એહસાનુલ્લાહ બીજા લોકોનાં ખેતરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ આજે તેઓ પોતાના ક્ષેત્રમાં એક ધનિક વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે.

આજે 18 એકરમાં બટેટાંની ખેતી સિવાય, તેઓ અલગથી બટેટાંના બિયારણનો વ્યવસાય પણ કરે છે. બાંગ્લાદેશના ઘણા જિલ્લામાં તેમના બિયારણની સપ્લાય થાય છે.

અહેસાનુલ્લાહ જણાવે છે કે, "મેં ખેતી માટે અમુક પ્લૉટ ભાડે લીધા. અહીંથી જ મારી કહાણી શરૂ થાય છે. એ સમયે લોકો માત્ર ચોખા, સરસવ અને ઘઉં ઉગાડતા હતા પરંતુ 80ના દાયકામાં મેં બટેટાંની ખેતી શરૂ કરી. મેં બટેટાંની નવી જાતોની શરૂઆત કરી. મારી ઉત્પાદકતા અન્યોની સરખામણીએ વધુ હતી અને ફાયદો વધી રહ્યો હતો. મારી આર્થિક સ્થિતિ પણ દિવસેને દિવસે સુધરવા લાગી."

પાછલાં 50 વર્ષોમાં એહસાનુલ્લાહે પોતાની આર્થિક સ્થિતિ બદલી નાખી. પરંતુ આ માત્ર એહસાનુલ્લાહની કહાણી નથી, દેશના સમગ્ર કૃષિક્ષેત્રની પણ આ જ કહાણી છે.

પાછલા ઘણા દાયકામાં બાંગ્લાદેશના કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ફેરફારો થયા છે.

ક્યારેક પરંપરાગત રીતે ચોખા, ઘઉં, મકાઈ અને બટેટાંનું ઉત્પાદન કરનારા દેશમાં હવે શિમલા મરચાં, ડ્રૅગન ફ્રૂટ અને સ્ટ્રૉબેરી જેવા નવા પાકોની ખેતી થઈ રહી છે. આ કારણે જ ઘણા ખેડૂતોની સ્થિતિમાં સુધારો થયો છે.

આજે બાંગ્લાદેશ ભોજનના મામલે આત્મનિર્ભર છે.

આ એ સમયની સ્થિતિ કરતાં ઘણી અલગ બાબત છે જ્યારે આઝાદી સમયે બાંગ્લાદેશમાં ખાદ્યાન્નની તંગી એક સામાન્ય વાત હતી. વર્ષ 1974ના દુષ્કાળના કારણે પૂર્વ બંગાળમાં લાખો લોકોના જીવ ગયા હતા.

line

બાંગ્લાદેશનું અર્થતંત્ર કેવી રીતે બદલાયું?

બાંગ્લાદેશ બનશે વિશ્વનાં મોટાં અર્થતંત્રો પૈકી એક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશે કેવી રીતે ખેડી એક અતિ ગરીબ દેશથી વિકાસશીલ દેશ બનવા સુધીની સફર

જો આઝાદી સમયના બાંગ્લાદેશના અર્થતંત્રના આંકડા જોવામાં આવે તો અમુક બાબતો સ્પષ્ટ છે.

આધિકારિક આંકડાઓ પ્રમાણે, 70ના દાયકામાં બાંગ્લાદેશનો ઉત્પાદનદર 3.6 ટકા હતો. પ્રતિવ્યક્તિ આવક 129 ડૉલર હતી. ગરીબીનો દર 60 ટકા હતો અને બાંગ્લાદેશને નિકાસથી થનારી આવક માત્ર 29.7 કરોડ ડૉલર હતી.

આજે 50 વર્ષ બાદ, બાંગ્લાદેશ નિકાસમાં અબજો રૂપિયા રળી રહ્યું છે. વર્ષ 2020માં બાંગ્લાદેશે 39.6 અબજ જૉલરની કમાણી કરી. કોરોના મહામારી દરમિયાન, જ્યાં ઘણા દેશોનાં અર્થતંત્રો સંકોચાઈ રહ્યાં હતાં, બાંગ્લાદેશની જીડીપી 5.24 ટકાના સ્વસ્થ દરથી આગળ વધી.

70ના દાયકાની તુલનામાં આજે પ્રતિ વ્યક્તિ આવક 18 ગણી વધી ચૂકી છે. વર્ષ 2020માં તે 2017 ડૉલર સુધી પહોંચી ગઈ છે. ગરીબી ઘટીને 20.5 ટકા થઈ ગઈ છે.

હાલમાં જ સેન્ટર ફૉર ઇકૉનૉમિક્સ ઍન્ડ બિઝનેસ રિસર્ચના રિપોર્ટમાં બાંગ્લાદેશ વિશે એ અનુમાન કરવામાં આવ્યું કે વર્ષ 2035 સુધી તે વિશ્વનું 25મું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આ એક ગરીબ દેશની વિકાસશીલ દેશ બનવા સુધીની યાત્રા છે.

વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રે બાંગ્લાદેશને ઓછા વિકસિત દેશો પૈકી એક દેશ તરકી સૂચિબદ્ધ કર્યો. નોંધનીય છે કે વિકાસશીલ દેશ હોવાની ત્રણ શરતો છે.

વર્ષ 2018માં બાંગ્લાદેશે પ્રથમ વખતે આ ત્રણ શરતો પૂરી કરી અને વર્ષ 2021માં, બાંગ્લાદેશ ફરી એક વાર આ જ શરતો પૂરી કરી.

આ શરતોમાં પ્રથમ પ્રતિ વ્યક્તિ આવક સૂચકાંક છે. બીજો આર્થિક સ્થિરતા સૂચકાંક છે અને ત્રીજો માનવવિકાસ સૂચકાંક છે.

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક મામલાઓના કાર્યાલય અનુસાર, જો કોઈ દેશ આ માપદંડો પૂરા કરે છે તો તેને ઓછા વિકસિત દેશોની યાદીમાંથી હઠાવીને વિકાસશીલ દેશોની યાદીમાં જોડી દેવામાં આવે છે.

બાંગ્લાદેશની રૅન્કિંગમાં પરિવર્તનના પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે અને તેની આધિકારિક જાહેરાત થવાનું હજુ બાકી છે.

પરંતુ આ માપદંડો પર બાંગ્લાદેશની પ્રગતિ કેવી રીતે થઈ?

આર્થિક વૃદ્ધિના સંદર્ભે, બાંગ્લાદેશની નિકાસ-આવક પાછલા અમુક દાયકાઓથી વધી રહી છે. વિદેશોમાં કામ કરનારા બાંગ્લાદેશીઓ દ્વારા મોકલાતાં નાણાંનું પ્રમાણ પણ વધ્યું છે.કૃષિ અને ઉદ્યોગ બંને વિકસિત થયાં છે અને પાયાના માળખામાં સુધારો થયો છે.

બાંગ્લાદેશનો આર્થિક વિકાસ ઘણી ખરી હદે સીમાંત સ્તરે લાખો લોકોને રોજગારી અને ઉત્પાદન અને નિકાસમાં સુધારાના કારણે થયો છે.

શરૂઆતમાં કૃષિક્ષેત્રે તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી પરંતુ 1980ના દાયકા બાદ ઉદ્યોગે એક મહત્ત્વપૂર્ણ સ્થાન લઈ લીધું.

વિશેષપણે રેડીમેડ કાપડઉદ્યોગે રોજગારસર્જન અને નિકાસ બંનેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. બાંગ્લાદેશની નિકાસ આવકનો 83 ટકા ભાગ આ જ સૅક્ટરમાંથી આવે છે.

line

સુલતાનાની કહાણી

બાંગ્લાદેશની પ્રગતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં ઝડપથી ઘટી રહ્યો છે ગરીબીનો દર

બાંગ્લાદેશમાં કાપડઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે, જેમાં મોટા ભાગની મહિલાઓ છે. સુલતાના પણ તેઓ પૈકી જ એક છે. તેઓ ઢાકા પાસે એક ફેકટરીમાં કામ કરે છે. તેઓ છ વર્ષ પહેલાં અહીં આવ્યાં હતાં.

સુલતાનાનું કહેવું છે કે એક કાપડના કારખાનામાં કામ કરવાથી તેમના પરિવારની ગરીબી દૂર થઈ છે.

તેઓ જણાવે છે, "જ્યારે હું ગામડે હતી, તો મારા પિતા માટે પરિવારનું ગુજરાન ચલાવવાનું સંભવ નહોતું. ત્યાર બાદ હું ઢાકા આવી અને એક કાપડના કારખાનામાં નોકરી કરવા લાગી. "

"સાત વર્ષ બાદ આજે મારો પરિવાર સારી સ્થિતિમાં છે અને હું તેમને દર મહિને પૈસા મોકલું છું. મેં જમીન ખરીદી છે, ગાય અને ભેંસ ખરીદી છે અને ભવિષ્ય માટે પૈસા બચાવ્યા છે."

સુલતાનાની એક દીકરી છે. તેઓ કહે છે કે તેમનું લક્ષ્ય ભવિષ્યમાં તેમની દીકરીને શિક્ષિત કરવાનું છે.

સુલતાના ભવિષ્યમાં પોતાના ગામડે પરત ફરવા માગે છે.

તેઓ કહે છે કે, "મેં થોડાં નાણાં બચાવ્યાં છે અને આવનારા સમયમાં આ બચતમાં વધારો થશે. હું ગામડે જવા માગું છું. ત્યાં હું ભેંસ પાળીશ, એક દુકાન શરૂ કરીશ, હું પોતાના માટે કંઈક કરવાનો પ્રયત્ન કરીશ."

line

માનવસંસાધન વિકાસ સૂચકાંક

બાંગ્લાદેશનો ઔદ્યોગિક વિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માત્ર આર્થિક જ નહીં પરંતુ માનવવિકાસમાં પણ બાંગ્લાદેશ છે અગ્રેસર

આર્થિક વિકાસ સિવાય, બાંગ્લાદેશે માનવવિકાસના માપદંડ પર પણ મહત્ત્વપૂર્ણ સુધારા જોયા છે. આ સંબંધમાં બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે.

આધિકારિક આંકડાઓ પ્રમાણે, 1974માં દેશમાં પેદા થયેલાં પ્રત્યેક 1000 બાળકોમાંથી 153નું મૃત્યુ નીપજતું હતું. વર્ષ 2018માં, આ સંખ્યા ઘટીને માત્ર 22 થઈ ગઈ છે.

વર્ષ 1991માં, પાંચ વર્ષ કરતાં ઓછી ઉમરનાં બાળકોનો મૃત્યુદર પ્રતિ એક હજાર બાળકે 212 હતો જે વર્ષ 2018માં 29 રહી જવા પામ્યો છે.

વર્ષ 1981માં માતૃ મૃત્યુદર 4.6 ટકા હતો. વર્ષ 2018માં તે 1.79 ટકા થઈ ગયો.

બાંગ્લાદેશમાં કુપોષણ અને માતૃસ્વાસ્થ્યના ક્ષેત્રે કામ કરવા માટે બિનસરકારી સંગઠનો અને સ્વાસ્થ્ય સંગઠનોનું ઘણું યોગદાન છે. આ સંગઠનોએ છેવાડાના ક્ષેત્રોમાં જાગરૂકતા વધારવા માટેના પ્રયાસો કર્યા છે અને સરકાર સાથે નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે પણ કામ કર્યું છે.

એક સમય એવો હતો, જ્યારે કહેવાતું હતું કે મદદ વગર અને દેવા વગર બાંગ્લાદેશ કોઈ કામ નહીં કરી શકે પરંતુ આજે તે જ દેશ પદ્મા નદી પર પોતાનાં સંસાધનોથી ત્રણ અબજ ડૉલરના ખર્ચે રોડ-રેલ પુલ બનાવી રહ્યો છે.

સૌથી ઓછા વિકસિત દેશમાંથી વિકાસશીલ દેશ બનવું એ કદાચ 50 વર્ષોમાં બાંગ્લાદેશની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.