ગુજરાત : પાલનપુરના નાલાસર ગામમાં 80 દલિત પરિવારના 'સામાજિક બહિષ્કાર'નો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Prakash Padhiyar
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો પર અત્યાચાર અને ભેદભાવની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર તાલુકાનાં નાલાસર ગામમાં રહેતાં 80 દલિત પરિવારોનો કથિત ઉચ્ચ જાતિનાં લોકો દ્વારા સામાજિક અને આર્થિક રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે.
દીવાલ બાંધવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે થયેલી તકરારના કારણે દલિત પરિવારોને સહન કરવાનો વારો આવ્યો છે. ચાર દિવસ સુધી બહિષ્કારનો સામનો કર્યા બાદ દલિત પરિવારોએ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી, જે બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસે દલિતોના બહિષ્કારને મામલે 16 લોકોની સ્થિતિ વણસે નહીં તે માટે આગોતરી ધરપકડ કરી હતી. જેમને જામીન આપવામાં આવ્યા છે.
વહીવટીતંત્રે દલિત પરિવારોને બધી રીતે મદદ કરવાની ખાતરી આપી છે. જોકે, આ પરિવારો હજુ પણ ભયભીત છે. તેમને ડર છે કે પોલીસ બંદોબસ્ત ખસી ગયા બાદ ગામનાં લોકો ફરીથી તેમનો બહિષ્કાર કરશે.
ગુજરાતમાં તાજેતરમાં દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમરાભાઈ બોરીચાની ઘરમા ઘૂસીને હત્યા કરી દેવાઈ, જેના પડઘા વિધાનસાભમાં પણ ગૂંજ્યા. એ પહેલાં હિમંતનગરમાં એક દલિત યુવાનને પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવાની ફરજ પડી હતી.

દલિત પરિવારોનો બહિષ્કાર કેમ કરવામાં આવ્યો છે?

ઇમેજ સ્રોત, Prakash Padhiyar
ફરિયાદ મુજબ દલિત પરિવારોના બહિષ્કાર પાછળ છેલ્લાં 3 વર્ષથી રસ્તાને લઈને ચાલતો એક વિવાદ કારણભૂત છે.
ગામમાં રહેતા દલિત સમાજનાં જીતેન્દ્ર ભીખાભાઈ કલાણીયા અને ગામના રહીશ સરદારભાઈ ચેલાભાઈ સુચોલ વચ્ચે તકરાર ચાલી રહી છે.
આ મામલામાં ફરિયાદ કરનાર જયેશ ભાટિયાએ બીબીસીને જણાવ્યું કે, ''આ રસ્તાને લઈને જીતેન્દ્રભાઈએ ઘણી અરજીઓ કરી હતી જેના કારણે ઉચ્ચ જાતિના લોકો નારાજ થઈ ગયા હતા. ગામમાં રહેતાં દલિત પરિવારોને કહેવામાં આવ્યું કે તેઓ જીતેન્દ્રભાઈને અરજી પાછી ખેંચી લેવા માટે સમજાવે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''પરતું આ તકરાર જીતેન્દ્રભાઈ અને સરદારભાઈ વચ્ચે હોવાથી ગામનાં દલિત આગેવાનોએ નક્કી કર્યું કે તેઓ આમાં મધ્યસ્થી નહીં કરે. આ કારણે કથિત ઉચ્ચ જાતિના લોકો વધુ ઉશ્કેરાઈ ગયાં અને 21 માર્ચના રોજ ગ્રામસભા બોલાવવામાં આવી. ગ્રામસભામાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે ગામમાં રહેતાં બધી જ્ઞાતિનાં લોકો દલિત પરિવારોનો બહિષ્કાર કરશે.''
તેઓ જણાવે છે કે, ''બહિષ્કાર જાહેર કર્યાં બાદ તરત જ ગામનાં બીજી જ્ઞાતિનાં બધા લોકોએ અમારી સાથે તમામ સંપર્ક કાપી નાખ્યાં. અમને દૂધ, શાકભાજી અને બીજી વસ્તુઓ પૈસા આપવા છતાં આપવામાં આવી નહીં. ચાર દિવસ સુધી સહન કર્યા બાદ મજબૂર થઈને અમે વહીવટીતંત્રને ફરિયાદ કરી.''

ઇમેજ સ્રોત, Prakash Padhiyar
ગામનાં વડીલ ખોડાભાઈ ભાટિયા કહે છે કે, ''અમે વર્ષોથી આ ગામમાં રહીએ છીએ અને કોઈ ગુનો ન હોવા છતાં અમારો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે અમને આ પ્રકારના બહિષ્કારનો સામનો કરી રહ્યાં છે. અમારા બાળકોને વાહનોમાં બેસાડવામાં આવતા નથી અને ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર ભાડે આપવામાં આવતું નથી.''
''ગામમાં જે દલિત પરિવારો દૈનિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમને કોઈ નોકરીએ રાખતું નથી, જેના કારણે તેમને ભૂખ્યાં રહેવાનો વારો આવ્યો છે. ન્યાય મેળવવા માટે અમે જિલ્લા વહીવટીતંત્રમાં ફરીયાદ કરી છે. ગામમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે પરતું અમને હજુ પણ ડર લાગે છે.''
તેઓ કહે છે કે ''ઉચ્ચ જાતિના લોકો અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમને ઘણી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. અમારી સરકારને વિંનતી છે કે અમને રક્ષણ આપે અને અમને ન્યાય આપે. અમારા બાળકોનાં ભવિષ્ય માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ.''
જયેશ ભાટિયા કહે છે કે, ''21મી સદીમાં પણ જો દલિતોને પોતાનાં સન્માન માટે રજૂઆત કરવી પડે તે રાજ્ય સરકાર માટે શરમજનક બાબત છે. વ્યક્તિગત ઝઘડાને ઉચ્ચ જાતિના લોકોએ અલગ સ્વરુપ આપી દીધું છે. જો અમને ન્યાય નહીં મળે તો 80 પરિવારો ગામ છોડીને બીજી હિજરત કરીશું.''

અમને દૂધ પણ મળ્યું નહોતું

ઇમેજ સ્રોત, Prakash Padhiyar
ગામમાં રહેતા દલિતોનું આક્ષેપ છે કે બહિષ્કાર કર્યા બાદ ચાર દિવસ સુધી તેમને દૂધ અથવા શાકભાજી પણ મળ્યું નથી. ગામના લોકોનું કહેવું છે કે 21મી સદીમાં પણ ગુજરાત જેવા વિકસીત રાજ્યમાં આવો ભેદભાવ શરમનજક છે.
હેમીબહેન નામનાં દલિત મહિલાં કહે છે કે, ''બહિષ્કાર કર્યા બાદ જ્યારે મારો દિકરો દુકાને દુધ લેવા ગયો ત્યારે તેને દૂધ આપવામાં આવ્યું નહોતું. ઘંટીમાં જ્યારે લોટ દાળવા ગયા ત્યારે ઘંટીવાળાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. કારણ પૂછ્યું તો કહ્યું કે ઉચ્ચ જાતિનાં લોકોએ અમારું કામ કરવાની ના પાડી દીધી છે.''
''અમારા બાળકો ગામમાં મુક્ત રીતે હરી-ફરી શક્તાં નથી. અમને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં તકલીફ પડી રહી છે. ખેતરો ખેડવા માટે વાહનો પણ નથી મળી રહ્યું તેમજ ઔજારો આપવા માટે પણ કોઈ તૈયાર નથી.''
તેઓ માગ કરી રહ્યાં છે કે જે વ્યક્તિએ અરજી કરી છે, તેમની સામે પગલાં લેવામાં આવે નહીં કે બધા દલિત પરિવારો સામે કારણકે બહિષ્કાર કરવાના કારણે પરિવારોને ઘણો સહન કરવો પડી રહ્યો છે.
ગામમાં રહેતાં રતનબહેન કહે છે કે, ''અમે દેનિક મજૂરી કરીને જીવીએ છીએ અને બહિષ્કાર થયાં બાદ પાલનપુરથી દેનિક જરુરીયાતની વસ્તુઓ માગવવાની ફરજી પડી હતી. દૂધ અને બીજી વસ્તુઓ નહીં મળતાં ઘરમાં જે વસ્તુઓથી હતી તેની મદદથી ચાર દિવસ જેમ-તેમ કાઢ્યા.''

બહિષ્કારની વાત ખોટી - એક આરોપી

ઇમેજ સ્રોત, Prakash Padhiyar
બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કથિત ઉચ્ચ જાતિનાં 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 143, ધ શિડ્યુલ કાસ્ટ ઍન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ( પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી) ઍક્ટની કલમ ક, 2 (1), (ચ, અ) અને 3 (1) (ZC) અને નાગિરક હક સંરક્ષણ અધિનિયન 1955ની કલમ 7-એ (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
બીબીસીના સહયોગી પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં પાલનપુર એએસપી સુશીલ અગ્રવાલ જણાવ્યું કે ગામ લોકોની ફરિયાદને આધારે પોલીસે આ મામલે ઍટ્રોસિટી ઍક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને 14 લોકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાલાસર ગામનાં સરપંચ પૂરીબહેન ચૌધરીના પતિ કેશરભાઈ ચૌધરી પણ પોલીસ ફરિયાદમાં આરોપી છે.
બીબીસી સાથેની વાતચીતમાં કેશરભાઈ કહે છે કે દલિત પરિવારો દ્વારા બહિષ્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે તે પાયાવિહોણો છે અને દ્વેષપૂર્ણ છે.
''ગામમાં કોઈ પરિવારનો બહિષ્કાર કરવાની અથવા તેમને બહાર કરવાની કોઈ વાત કરવામાં આવી નથી. આ બધું ઉપજાવી કાઢ્યું છે અને તેની પાછળ રાજકારણ હોઈ શકે છે. ગામમાં કોઈ દુકાનદારે દલિત લોકોને વસ્તુઓ આપવાની ના પાડી નથી. આ માટે સીસીટીવી કૅમેરાના ફૂટેજ જોઈ શકો છો.''
તેઓ કહે છે કે,''જે ફરિયાદ કરવામાં આવી છે તેને હું નકારી કાઢું છે. જે દીવાલની વાત છે એ બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈ છે અને એમાં સમાજની કોઈ ભૂમિકા નથી. આ ગામમાં સદભાવ રહ્યો છે અને ઉચ્ચ જાતિનાં લોકોએ દલિત મિત્રોના ઘરે ભોજન પણ કરેલું છે.''
આરોપી કેશરભાઈ કહે છે કે ''જો તમે 80 પરિવારોની રુબરુ મુલાકાત લેશો તો તેઓ જણાવશે કે ઉચ્ચ જાતિના લોકોએ કાયમ તેમને સહકાર આપ્યો છે. અમારા વચ્ચે કોઈ ભેદભાવ નથી અને બધી વાત ખોટી છે.''
કિશોરભાઈ મુજબ નાલાસરની વસતી 3000 છે, જેમાં 80 ઘર દલિતોનાં છે અને ઉચ્ચ જાતિનાં 50 મકાનો છે. ગામમાં અનુસૂચિત જાતિનાં અન્ય પણ લોકો રહે છે.
પોલીસે આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી હતી અને બધાને શુક્રવાર જામીન મળી ગયા છે. આ મામલે બીબીસીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું સંપર્ક થઈ શક્યો નથી. જોકે, ઇન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ જિલ્લા કલેક્ટરે ગામની મુલાકાત લીધી હોવાનું જણાવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.














