ગુજરાતમાં દલિત પરિવારને પોલીસના બંદોબસ્ત સાથે વરઘોડો કેમ કાઢવો પડ્યો?

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
"અમે શાંતિ અને સુરક્ષિત રીતે લગ્નનો વરઘોડો કાઢી શકીએ એટલે પોલીસ બંદોબસ્તની માગ કરી હતી. "
આ શબ્દો છે દલિત પરિવારના દીકરાના જેમના લગ્નનો વરઘોડો ઘણા બધા પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળ્યો હતો.
આમ તો આ એક સામાન્ય પરિવારના સામાન્ય લગ્ન જ હતાં. પણ આટલા મોટા પોલીસ બંદોબસ્ત સાથે તેનો વરઘોડો નીકળતાં તે ચર્ચાનો વિષય બની ગયાં.
વાત એમ છે કે તાજેતરમાં ગુજરાતમાં દલિત પરિવારોના પ્રસંગમાં વખતે બનેલા કેટલાક બનાવોને પગલે પરિવારે પહેલાંથી જ પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી અને આખરે તેમણે પોલીસકર્મીઓની હાજરીમાં તેમના બંદોબસ્ત સાથે લગ્નસમારોહ પૂર્ણ કર્યો હતો.

'મેં સુરક્ષા માગી હતી જેથી વરઘોડો ગામમાંથી શાંતિથી નીકળી શકે'

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC
જેમના લગ્ન હતા તે દુર્લભ સુતરીયાએ જણાવ્યું, "સમાજમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે મેં પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. મેં સુરક્ષા માગી હતી જેથી વરઘોડો ગામમાંથી શાંતિ અને સુરક્ષિત રીતે પસાર થઈ શકે."
"દલિત સહિતના તમામ સમાજને સોસાયટીમાં સન્માનથી રહેવાનો અધિકાર છે. મેં આજે વરઘોડો કાઢ્યો હવે ભવિષ્યમાં બીજા પણ કાઢી શકશે. એટલા માટે જ મેં પોલીસ સુરક્ષાની માગણી કરી હતી."
દુર્લભના પિતા નરેશ સુતરીયાએ જણાવ્યું, "હું એ કહેવા માગીશ આઝાદીનાં 70 વર્ષો પછી પણ જો શિડ્યૂલ કાસ્ટને આ રીતે દબાઈને રહેવું પડે તો સમાજે જાગવાની જરૂર છે."
"મારા જેવા શિક્ષિત લોકોએ આગળ આવીને સમાજ અને સમુદાયમાં સૌહાર્દ માટે કામ કરવું જોઈએ. હું છેલ્લાં 30 વર્ષોથી શિક્ષક તરીકે કામ કરતો આવ્યો છું. મેં ઘણા વિદ્યાર્થિઓની કારકિર્દી બનાવી છે. તેમાના ઘણા આ ગામમાં રહ્યા છે. મને લાગે છે કે તેઓ પણ આવા વરઘોડાનો વિરોધ કરતા હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવારે પોલીસ સુરક્ષાની માગણી કર્યા બાદ પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે સમુદાયના નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે વરઘોડા માટે સુરક્ષાની વ્યવસ્થા પણ કરી આપી હતી.

'21મી સદીમાં આવું થાય એ જોઈને સ્તબ્ધ છું.'

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC
આ મુદ્દે દુર્લભના મિત્ર ગૌરવ આનંદનું કહેવું છે કે તેમને જ્યારે આ પ્રકારની બાબત જાણવા મળી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા.
તેમણે કહ્યું, "ગામ શહેરની નજીક આવેલું છે અને આ એકવીસમી સદી છે છતાં પણ આવું થતાં હું ઘણો સ્તબ્ધ છું."
"મેં જોયું કે કેટલાક લોકોને વરઘોડો નીકળે એનાથી વાંધો હતો. મને નથી સમજાતું કે જો દલિતનો વરઘોડો નીકળે તો એમાં શું નુકસાન છે. તેમના સમુદાયના લોકો લઘુમતી હોવાથી તેમણે પોલીસ સુરક્ષા લેવી પડી."
આ વિશે પોલીસ અધિકારીનું કહેવું છે કે દલિત પરિવારને ગામમાં વરઘોડો કાઢવામાં ડર હતો એટલે તેમણે પોલીસમાં જાણ કરી સુરક્ષા માગી હતી.
વડાલીના ડીએસપી દિનેશસિંહે કહ્યું, "નરેશભાઈ શિડ્યૂલ કાસ્ટમાંથી આવતા હોવાથી તેમને ગામમાં વરઘોડો કાઢવાથી ડર લાગી રહ્યો હતો."
"તેમણે પોલીસને આ વિશે જાણ કરી હતી. એટલે પોલીસે બંદોબસ્ત કરી આપ્યો. અન્ય લોકો વરઘોડોમાં કોઈ વાંધો ઉઠાવી સમસ્યા ન સર્જે એટલે સાવચેતીના પગલારૂપે આ બંદોબસ્ત કરી આપ્યો હતો."
સિંહે ઉમેર્યું, "અમે એક ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, સાત પીએસઆઈ અને 60 પોલીસકર્મીઓનો બંદોબસ્ત કરી આપ્યો હતો. ગામ મોટું હોવાથી અમારે વ્યવસ્થા પણ મોટા પાયે કરવી પડી હતી."

તાજેતરની ઘટનાઓનો પડઘો
અહીં એ વાત પણ ઉલ્લેખનિય છે કે ભાવનગરમાં કેટલાક દિવસો પહેલાં જ દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટની કથિત હત્યાને કારણે ભજપુરામાં પણ તણાવનો માહોલ સર્જાયો હતો.
આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસરમાં પણ દલિત પરિવારના વરઘોડાને અટકાવવાના પ્રયત્નો થયાનો બનાવ નોંધાયો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં દલિતોના સમારોહ અને વરઘોડામાં હિંસા અને ખલેલના બનાવો જોવા મળતા રહ્યા છે. એટલે હવે સ્થિતિ આવી થઈ ગઈ છે કે દલિત પરિવારો સમારોહમાં મહેમાનોની સાથે પોલીસોને પણ બોલાવે છે. જેથી સુરક્ષિત રીતે તેઓ સમારોહ યોજી શકે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














