આસામ-મિઝોરમ સીમાવિવાદ : શું છે મામલો અને અત્યાર સુધીમાં શું-શું થયું?

મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરામથાંગા અને આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરામથાંગા અને આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમા
    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશનાં બે રાજ્યના મુખ્ય મંત્રીઓ વચ્ચે ગયા રવિવારે સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો. મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરામથાંગા અને આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમા બન્નેએ એકમેક પર આરોપ-પ્રત્યારોપ કર્યા હતા.

બે પાડોશી રાજ્યોના મુખ્ય મંત્રીઓ વચ્ચે દેશમાં આવી પરિસ્થિતિ કદાચ પહેલી વખત જોવા મળી હતી.

જોકે, સોશિયલ મીડિયા પર જે દેખાતું ન હતું તેના સમાચાર થોડા જ કલાકોમાં બહાર આવ્યા હતા.

હિંસક ઝપાઝપીમાં આસામ પોલીસના છ જવાનો મૃત્યુ પામ્યા હતા. બન્ને રાજ્યોની પોલીસ સામસામે આવી ત્યારે આ ઝપાઝપી થઈ હતી. દેશના ઇતિહાસમાં આવું અગાઉ ક્યારેય બન્યું નથી.

આ ઘટનાના એક જ દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરનાં સાતેય રાજ્યોના મુખ્ય મંત્રીઓને મળ્યા હતા, પરંતુ આસામના મુખ્ય મંત્રી અને મિઝોરમના મુખ્ય મંત્રી બન્ને સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહમંત્રીને વિનંતી કરતા જોવા મળ્યા હતા.

પૂર્વોત્તર ભારતના રાજકારણ પર નજર રાખતા લોકોની વાત માનીએ તો અમિત શાહ અને મુખ્ય મંત્રી વચ્ચેની બેઠકમાં આ રાજ્યો વચ્ચેનો સીમાવિવાદ પણ એક મુદ્દો હતો.

line

રાજ્ય સરકારોના દાવા

ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં સામેલ મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરામથાંગા

ઇમેજ સ્રોત, TWITTER/ZORAMTHANGA

ઇમેજ કૅપ્શન, ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં સામેલ મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરામથાંગા

મિઝોરમના મુખ્ય મંત્રીએ નિવેદનમાં સમગ્ર ઘટનાને દુખદ ગણાવતાં જણાવ્યું કે "કછાર જિલ્લાના વેરંગતે ઑટો રિક્ષાસ્ટેન્ડ પાસેની સીઆરપીએફની ચેકપોસ્ટ પર આસામના 200થી વધારે પોલીસકર્મીઓ રવિવારે સવારે 11.30 વાગ્યે પહોંચ્યા અને તેમણે મિઝોરમ પોલીસ તથા સ્થાનિક લોકો પર બળપ્રયોગ કર્યો ત્યારે આ સંઘર્ષ શરૂ થયો હતો."

પોલીસના બળપ્રયોગને કારણે સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા ત્યારે તેમના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો. તેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

કોલાસિબના સ્થાનિક પોલીસ વડાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આસામ પોલીસે ગ્રૅનેડ્ઝ ફેંક્યા અને ગોળીબાર કર્યો ત્યારે મિઝોરમ પોલીસે સાંજે 4.50 વાગ્યે ગોળીબાર કર્યો હતો.

મિઝોરમના મુખ્ય મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોલાસિબના જિલ્લા પોલીસવડા આસામના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મિઝોરમ પોલીસે આસામ પોલીસને જવાબ આપ્યો હતો.

આસામના મુખ્ય મંત્રીએ બહાર પાડેલા નિવેદનમાં પણ આવું જણાવવામાં આવ્યું હતું.

આસામના મુખ્ય મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મિઝોરમ સરકારે લૈલાપુર જિલ્લામાં એટલે કે આસામના પ્રદેશમાં યથાસ્થિતિનું ઉલ્લંઘન કરીને માર્ગનિર્માણનું કામ શરૂ કર્યું ત્યારે આ વિવાદ શરૂ થયો હતો.

નિવેદન પ્રમાણે આ સંબંધે આસામના પોલીસવડા, નાયબ પોલીસવડા અને જિલ્લા પોલીસવડાના સ્તરના અધિકારીઓ તેમને યથાસ્થિતિ જાળવી રાખવાનું સમજાવવા માટે ગયા હતા.

આસામના મુખ્ય મંત્રી મુજબ, 'આસામના પોલીસદળ પર મિઝોરમના સામાન્ય લોકોએ પથ્થરમારો કર્યો હતો'
ઇમેજ કૅપ્શન, આસામના મુખ્ય મંત્રી મુજબ, 'આસામના પોલીસદળ પર મિઝોરમના સામાન્ય લોકોએ પથ્થરમારો કર્યો હતો'

આસામના મુખ્ય મંત્રીના નિવેદન મુજબ, 'આસામના પોલીસદળ પર મિઝોરમના સામાન્ય લોકોએ પથ્થરમારો કર્યો હતો અને મિઝોરમ પોલીસ પણ તેમને ટેકો આપતી જોવા મળી હતી.'

તેમના નિવેદન મુજબ, 'કોલાસિબના પોલીસવડાએ આસામના અધિકારીઓને એવું પણ જણાવ્યું હતું કે ભીડ પર તેમનું નિયંત્રણ નથી. તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે મિઝોરમના પોલીસકર્મીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં આસામ પોલીસના છ જવાનો મૃત્યુ પામ્યા હતા અને કછાર જિલ્લાના પોલીસવડા સહિતના 50 લોકો ઘાયલ થયા હતા.'

મિઝોરમમાં ઇન્ડિયન એક્સપ્રેસના પૂર્વ પત્રકાર એડમ હેલિડે બીબીસી હિન્દીને કહ્યું હતું કે "બન્ને રાજ્યો વચ્ચે સીમાવિવાદ લાંબા સમયથી છે, પણ બન્ને રાજ્યોની પોલીસ એકમેકની સામે ગોળીબાર કરે એવું અગાઉ ક્યારેય બન્યું ન હતું."

"આવી સ્થિતિ કયા કારણસર સર્જાઈ હતી એ તપાસનો વિષય છે, પણ સવાલ એ છે કે પોલીસદળે ગોળીબાર શા માટે કરવો પડ્યો? આ પોલીસ અધિકારીઓની કાર્યશૈલી વિશેનો પણ સવાલ છે."

સમાચાર એજન્સી પીટીઆઈના ગુવાહાટી બ્યૂરોનાં વડાં દુર્વા ઘોષે કહ્યું હતું કે "બન્ને રાજ્યો વચ્ચેનો સીમાવિવાદ જૂનો છે."

"જુદાં-જુદાં સ્થળોએ ઝપાઝપીના સમાચાર આવતા રહે છે, પરંતુ વિવાદ આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે અને ગોળીબારમાં પોલીસકર્મીઓનાં મોત થશે તેનો અંદાજ ભાગ્યે જ કોઈને હશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ શનિવારે જ પૂર્વોત્તરનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સિલ્ચર યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત્ જોયદીપ બિસ્વાસે આ ઘટના વિશે કહ્યું હતું કે "કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત પછી તરત જ આવી ઘટના બનવી જોઈતી ન હતી."

"જોકે, આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને એના નિરાકરણ માટે અત્યાર સુધી કોઈ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યા નથી, એ સમજવું જરૂરી છે."

line

બન્ને રાજ્યો વચ્ચેનો જૂનો વિવાદ

મિઝોરમ 1972 સુધી આસામનો જ હિસ્સો હતો.

ઇમેજ સ્રોત, ZORAMTHANGA TWITTER

ઇમેજ કૅપ્શન, મિઝોરમ 1972 સુધી આસામનો જ હિસ્સો હતો.

આસામમાં બીબીસી હિન્દીના સહયોગી પત્રકાર દિલીપકુમાર શર્માએ કહ્યું હતું કે "આસામ અને મિઝોરમ વચ્ચે અંગ્રેજોના સમયથી વિવાદ ચાલ્યો આવે છે. મિઝોરમ 1972 સુધી આસામનો જ હિસ્સો હતો."

"એ વખતે લુશાઈ હિલ્સ નામે આસામનો એક જિલ્લો હતો અને તેનું મુખ્યમથક આઇઝોલ હતું. એવું કહેવાય છે કે આસામ-મિઝોરમ વચ્ચેનો આ વિવાદ 1875ના એક નોટિફિકેશનની નીપજ છે."

"એ નોટિફિકેશન લુશાઈ હિલ્સને કછારના મેદાની વિસ્તારોથી અલગ કરવા વિશેનું હતું."

એડમ હેલીડે કહ્યું હતું કે "મિઝોરમ આસામની સાથે જ હતું, પરંતુ મિઝો લોકો અને લુશાઈ હિલ્સનું ક્ષેત્ર નક્કી હતું. આ ક્ષેત્રને 1875માં નોટિફાય કરવામાં આવ્યું હતું. એ મુજબ મિઝોરમની રાજ્ય સરકાર પોતાની સીમાનો દાવો કરે છે, પણ આસામ સરકાર તેને સ્વીકારતી નથી."

"આસામ સરકાર 1933માં નોટિફાય કરવામાં આવેલી સીમા મુજબ પોતાનો દાવો આગળ ધરે છે. બન્નેનાં માપમાં ઘણો ફરક છે અને વિવાદનું મૂળ એકમેકની સીમાને ઓવરલેપ કરતો હિસ્સો છે, જેના પરનો પોતપોતાનો દાવો જતો કરવા બન્ને રાજ્ય સરકારો તૈયાર નથી."

1875નું નોટિફિકેશન બંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન (બીઈએફઆર) એક્ટ-1873 હેઠળ બહાર પાડવામાં આવ્યું હતું, જ્યારે 1933માં જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તેમાં મિઝો સમુદાયના લોકોની સલાહ લેવામાં આવી ન હતી. તેથી મિઝો સમુદાયે તેનો વિરોધ કર્યો હતો.

આસામની સાથે મિઝોરમની 165 કિલોમીટર લાંબી સીમા છે. તેમાં મિઝોરમના ત્રણ જિલ્લા આઈઝોલ, કોલાસિબ અને મમિતનો સમાવેશ થાય છે, જ્યારે આ સીમામાં આસામના કછાર, કરીમગંજ અને હૈલાકાંદી જિલ્લા આવે છે.

દિલીપ શર્માએ કહ્યું હતું કે "આસામના કછાર જિલ્લાના લૈલાપુર ગામના લોકો અને મિઝોરમના કોલાસિબ જિલ્લાના વૈરંગતે પાસે સ્થાનિક લોકો વચ્ચે ગયા ઑક્ટોબરમાં સીમા વિવાદ સંબંધે હિંસક સંઘર્ષ થયો હતો. તેમાં કમસે કમ આઠ લોકોનાં મોત થયાં હતાં."

વીડિયો કૅપ્શન, આસામ : ડૂબી ગયેલા ટાપુ પર રહેતા લોકોની કેવી છે સ્થિતિ?

બન્ને રાજ્યોના લોકો વચ્ચેના આ સંઘર્ષનાં કારણો વિશે દુર્વા ઘોષે કહ્યું હતું કે "મૂળમાં આ ઝઘડો જમીનનો છે. તમે તેને વધતી વસતીને કારણે જમીન પર સર્જાતું દબાણ પણ કહી શકો. લોકોને મકાન જોઈએ છે, સ્કૂલો-હૉસ્પિટલો જોઈએ છે અને એ માટે જમીન ઉપલબ્ધ હોવી જોઈએ."

"બન્ને રાજ્યો એકમેકની જમીન પર અતિક્રમણનો આક્ષેપ કરી રહ્યા છે. બન્ને રાજ્યોના પોતપોતાના દાવા છે અને તેમાં કોણ સાચું અને કોણ ખોટું બોલી રહ્યું છે, તે જાણવાનું બહુ મુશ્કેલ થઈ ગયું છે."

જોકે, જોયદીપ બિસ્વાસે એવું કહ્યું હતું કે "જે વિસ્તારમાં વધારે લોકો વસવાટ કરે છે, ત્યાં આ વિવાદ વધારે છે. બધા વિસ્તારોમાં આવી તંગદિલી નથી."

એડમ હેલીડેના જણાવ્યા મુજબ, "પહેલાં આ વિસ્તારમાં ઘનઘોર જંગલ હતું અને તેને નો મૅન્સ લૅન્ડ કહેવામાં આવતો હતો, પરંતુ હવે એવું નથી. તેથી સંઘર્ષ પણ વધ્યો છે."

આસામને માત્ર મિઝોરમ સાથે જ સીમાવિવાદ નથી. દુર્વા ઘોષે કહ્યું હતું કે "આસામને મિઝોરમ સાથે જ નહીં, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ સાથે પણ સીમાવિવાદ છે."

પાડોશી રાજ્યો સાથેના સીમાવિવાદ બાબતે હિમંત બિસ્વા સરમાએ પાછલા દિવસોમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ સાથેના સીમાવિવાદનું નિરાકરણ તો થઈ જશે, પરંતુ મિઝોરમ સાથેના સીમાવિવાદનું નિરાકરણ થવું મુશ્કેલ છે.

પ્રોફેસર જોયદીપ બિસ્વાસે કહ્યું હતું કે "પરિસ્થિતિ કેટલી ગંભીર છે, તેનો તાગ આસામના મુખ્ય મંત્રીના નિવેદન પરથી મળી શકે."

"કદાચ તેઓ એવું કહેવા ઇચ્છતા હશે કે આસામ અને મિઝોરમ વચ્ચેનો સીમાવિવાદ એટલો જટિલ બની ગયો છે કે તેનું નિરાકરણ મુશ્કેલ છે. કદાચ એ જ કારણસર બધા યથાસ્થિતિ જાળવી રાખવાનું કહી રહ્યા છે."

line

સીમાંકન માટે સંયુક્ત સર્વે નહીં

પૂર્વોત્તર ભારત

ઇમેજ સ્રોત, ANUWAR HAZARIKA/NURPHOTO VIA GETTY IMAGES

રસપ્રદ વાત એ પણ છે કે આસામ અને મિઝોરમ વચ્ચેના સીમાવિવાદના નિરાકરણના પ્રયાસો 1955થી કરવામાં આવી રહ્યા છે.

એ પ્રયાસો વિશે સવાલ ઉઠાવતાં એડમ હેલીએ કહ્યું હતું કે "કોઈ જમીન કે સીમાવિવાદના નિરાકરણના પ્રયાસો કરવામાં આવે, ત્યારે સૌથી પહેલાં બન્ને પક્ષો વચ્ચેની દેખરેખ હેઠળ સંબંધિત વિસ્તારનો સર્વે કરવામાં આવતો હોય છે."

"આ વિવાદ ભલે જૂનો હોય, પરંતુ તેના નિરાકરણ માટે આજ સુધી કોઈ પણ સ્તરે સંયુક્ત સર્વેના પ્રયાસ થયા નથી અને એ બાબતે ખાસ વાતચીત પણ થતી નથી."

દુર્વા ઘોષના જણાવ્યા મુજબ, સીમાવિવાદની ફ્રિક્વન્સીમાં છેલ્લા એક વર્ષમાં વધારો જોવા મળ્યો છે. તેનું કારણ એ છે કે સીમાપ્રદેશમાં લોકોનો વસવાટ વધી રહ્યો છે અને તેથી લોકો વચ્ચે ટકરાવ પણ વધી રહ્યો છે.

દુર્વા ઘોષના જણાવ્યા અનુસાર, એવા ટકરાવ રોકવા માટેના પ્રયાસોને અગ્રતા આપવામાં આવે એ પણ જરૂરી છે, કારણ કે ઝપાઝપીનો મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે, પણ વિવાદનું નિરાકરણ શોધી શકાયું નથી.

બીજી તરફ જોયદીપ બિસ્વાસ માને છે કે સરકારની સાથે પોલીસ કે વહીવટીતંત્રે પણ આવી ઘટનાઓ બનતી અટકાવવામાં પોતપોતાની ભૂમિકા ભજવવી પડશે.

વીડિયો કૅપ્શન, પૂર્વ ભારતમાં હાથીઓના ત્રાસથી ગામ છોડવા લોકો મજબૂર

જોકે, એડમ હેલીએ એવું કહ્યું હતું કે "અગાઉ વિવાદ આટલા સ્તરે પહોંચતો જ ન હતો. હવે વિવાદનું મોટું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, કારણ કે આ વિવાદોમાં રાજકારણ ભળી રહ્યું છે."

"તેથી રાજકીય રીતે પણ સમસ્યાના કાયમી નિરાકરણને બદલે યથાસ્થિતિ જાળવી રાખવાનું વલણ વધારે જોવા મળી રહ્યું છે."

જોયદીપ બિસ્વાસે કહ્યું હતું કે "આ વિવાદોમાં રાજકારણ ભળવાની એટલી ગંભીર અસર થઈ છે કે પ્રાદેશિક અસ્મિતાનો મુદ્દો દરેક વિવાદ પછી જોરશોથી ઉઠાવવામાં આવે છે. લોકો રાષ્ટ્રીયતાની ભાવનાને બાજુ પર મૂકીને પ્રાદેશિક અસ્મિતાની વાતો કરવા માંડે છે."

આસામ અને મિઝોરમ વચ્ચે રવિવારે થયેલી હિંસક ઝપાઝપી પછી એ વિસ્તારમાં તંગદિલી યથાવત્ રહેવાની આશંકા છે.

સ્થાનિક પત્રકાર ચંદ્રાની સિન્હાએ સવાલ કર્યો હતો કે સીમાવર્તી પ્રદેશોમાં સોમવારથી જ આસામ સરકારે પોલીસદળની સંખ્યા વધારી છે એ પરિસ્થિતિ તંગ બનવાનો સંકેત તો નથી ને?

line

મેઘાલયમાં પણ તંગદિલીના સમાચાર

આસામ-મિઝોરમની સાથે-સાથે આસામ-મેઘાલય સરહદે પણ તંગદિલી છે.

ઇમેજ સ્રોત, Debalin Roy

ઇમેજ કૅપ્શન, આસામ-મિઝોરમની સાથે-સાથે આસામ-મેઘાલય સરહદે પણ તંગદિલી છે.

રવિવારે મોડી રાતે આસામ અને મેઘાલયની સીમા પર પણ તંગદિલીની અસર જોવા મળી હતી. મેઘાલયની રાજધાની શિલોંગના સ્થાનિક પત્રકાર જો થિંગખિઇડે કહ્યું હતું કે "મેઘાલય અને આસામની સીમા પર તંગદિલી છે."

"મેઘાલયના વીજળી વિભાગે ગત દિવસોમાં સીમાવર્તી વિસ્તારોમાં વીજળીના થાંભલા લગાવ્યા હતા અને બીજા દિવસે આસામના પોલીસકર્મીઓએ તેને ઉખેડી નાખ્યા હતા."

"તેનો અર્થ એવો થાય કે મેઘાલય સરકાર જેને પોતાની જમીન માની રહે છે, તેના પર પોતાનો અધિકાર હોવાનો દાવો આસામ સરકાર પણ કરી રહી છે."

જો થિંગખિઇડના જણાવ્યા મુજબ, આસામ અને મેઘાલયના ચાર જિલ્લામાં સીમાવિવાદ ઘણા દાયકાઓથી ચાલી રહ્યો છે અને સીમાંકનની બાબતમાં કોઈ નક્કર કામગીરી ન થઈ હોવાથી વિવાદ પર પૂર્ણવિરામ મુકાતું જ નથી.

મિઝોરમ અને આસામ વચ્ચેના વર્તમાન સીમાવિવાદને કેટલાક વિશ્લેષકો આગામી દિવસોના રાજકારણ સાથે જોડીને પણ જોઈ રહ્યા છે.

એક વરિષ્ઠ પત્રકારે આ વિવાદ બાબતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે "હાલ આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ઝોરામથાંગાનો મિઝો નેશનલ ફ્રન્ટ પણ નેશનલ ડેમૉક્રિટેક અલાયન્સ(NDA)નો હિસ્સો છે."

"મિઝોરમમાં બે વર્ષ પછી ચૂંટણી થવાની છે, પણ ઝોરામ થાંગા ત્યાં સુધી એનડીએમાં જોડાયેલા રહેશે કે કેમ એ બાબતે શંકા છે. કેન્દ્ર અને આસામની સરકાર સામે તેમણે પોતાનો રસ્તો અલગ કરવો પડશે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો