મોદી-શાહ દિગ્ગજ નેતાઓના 'ઑપરેશન' સહેલાઈથી કેમ કરી શકે છે?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતમાં મુખ્ય મંત્રી બદલાઈ રહ્યા છે. શનિવારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને એ પછી રવિવારે ભૂપેન્દ્ર પટેલની મુખ્ય મંત્રીપદના નામ માટે જાહેરાત થઈ જેમની આજે શપથવિધિ છે.

શનિવારે વિજય રૂપાણીએ કહ્યું હતું, "હું માનું છું કે ગુજરાતની વિકાસની યાત્રા નવા નેતૃત્વમાં નવી ઊર્જા અને જોમ સાથે ચાલતી રહેવી જોઈએ. આ વિચાર સાથે મેં ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે."

વિજય રૂપાણીએ ઉપરોક્ત નિવેદન સાથે રૂપાણીએ પોતાનું પદ છોડી દીધું. સ્વાભાવિક છે કે તેમને આ નિર્દેશ કેન્દ્રીય મોવડીમંડળ તરફથી મળ્યો હતો.

રૂપાણી અને મોદી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણી બહુ શાંતિથી મુખ્ય મંત્રી પદ છોડી ગયા હતા અને કહ્યું કે તેઓ રાજીખુશીથી મુખ્ય મંત્રી પદ છોડી રહ્યા છે.

જોકે, આ રીતે રાજીનામું આપવું પડ્યું હોય એવા વિજય રૂપાણી પ્રથમ મુખ્ય મંત્રી નથી. વિજય રૂપાણી અગાઉ ભાજપશાસિત રાજ્યોમાં અનેક મુખ્ય મંત્રીઓએ આ રીતે કેન્દ્રના આદેશ પર રાજીનામું આપ્યું છે.

દોઢ માસ અગાઉ કર્ણાટકના મજબૂત નેતા બીએસ યેદિયુરપ્પાને પાર્ટીએ હઠાવી દીધા. શનિવારે વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજીનામું આપવા માટે તેમની પર કોઈ દબાણ ન હતું. આવી જ વાત યેદિયુરપ્પાએ પણ કરી હતી.

ઉત્તરાખંડના તીરથસિંહ રાવત તો હજી મુખ્ય મંત્રીપદની ખુરશીમાં ગોઠાવાયા પણ ન હતા અને તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. માર્ચમાં ત્રિવેન્દ્રસિંહને હઠાવીને તિરથસિંહને મુખ્ય મંત્રીપદ આપવામાં આવ્યું અને જુલાઈમાં એમને ખુરશી ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો જેનો એમણે ચુપચાપ સ્વીકાર પણ કરી લીધો.

આસામમાં પણ સર્બાનંદ સોનોવાલને સ્થાને હિમંત બિસ્વા સરમાને મુખ્ય મંત્રી બનાવી દેવામાં આવ્યા.

આ તમામ નેતાઓ પૈકી કોઈ નેતાએ કેન્દ્રના આદેશનો વિરોધ ન કર્યો કે અસંતોષ ન દાખવ્યો.

line

ભાજપમાં સરળતાથી સર્જરી કેમ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જાણકારોના કહેવા પ્રમાણે, હઠાવવામાં આવેલા નેતાઓ સારી રીતે જાણે છે કે તેમના વિરોધ નોંધાવવાથી કોઈ ખાસ ફેર નહીં પડે અને પાર્ટીમાં તેમનું જે મહત્ત્વ છે તે ગુમાવી દેશે અને ભવિષ્યની તકો પણ ધૂંધળી થઈ જશે.

વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય વિશ્લેષક પ્રદીપસિંહના કહે છે કે ભાજપ જેવા કૅડર આધારિત કોઈ પણ નેતા ત્યાર સુધી જ નેતા રહી શકે છે કે જ્યાર સુધી કાર્યકર તેની સાથે હોય.

પ્રદીપસિંહના કહેવા પ્રમાણે: "કાર્યકર (કૅડર) સાથ છોડી દે એટલે નેતાની કોઈ રાજકીય હેસિયત રહેતી નથી. નેતાને પણ ખબર હોય છે કે જો તેઓ બળવો કરશે, તો તેનું શું પરિણામ આવી શકે છે. યુપીના કલ્યાણસિંહ,ગુજરાતના શંકરસિંહ વાઘેલા તથા મધ્ય પ્રદેશનાં ઉમા ભારતી તેના ઉદાહરણ છે. પાર્ટીમાંથી આંતરિક સમર્થન ન મળતા તેમને હઠાવી દેવામાં આવ્યાં હતાં."

વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી માને છે કે બીમારી લાઇલાજ બને તે પહેલાં ભાજપ તેનાં મૂળિયાં જ કાપી નાખે છે. રૂપાણીને હઠાવવાએ 'જરૂરી સર્જરી' હોવાનું તેઓ માને છે. તેઓ કહે છે :

"જો કોઈ ગંભીર બીમારી થઈ ગઈ હોય અને સર્જરીની જરૂર હોય તો જેટલી વહેલી કરાવી લેવામાં આવે એટલું સારું. પેરાસિટામૉલ અથવા પેઇન કિલર આપીને થોડા સમય માટે દર્દને ડામી તો શકાય છે, પરંતુ પાછળથી બીમારી વકરી જાય છે. ભાજપને લાગ્યું કે રૂપાણી હવે ઇલાજ નહીં, પરંતુ બીમારી બની ગયા છે તો તેમને મૂળ જ કાપી નાખવામાં આવ્યા."

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણીની પસંદગી નરેન્દ્ર મોદીએ જ મુખ્ય મંત્રી તરીકે કરી હતી પરંતુ આગામી ચૂંટણીમાં તેમની હેઠળ ભાજપને સારું પરિણામ ન આવવાનો ડર હતો એવું રાજકીય વિશ્લેષકો માને છે.

હઠાવવામાં આવે તો પણ પ્રાદેશિક નેતા ખાસ વિરોધ ન કરી શકે, તેનું એક કારણ એ પણ છે કે હાલમાં ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ખૂબ જ મજબૂત છે અને તેમની સામે વિરોધ કરવાથી કશું મળે તેમ નથી.

પ્રદીપસિંહ કહે છે, "મોદી પહેલાં જવાહરલાલ નહેરુ તથા ઇંદિરા ગાંધી એવા નેતા હતા કે જેમનામાં આપબળે મત ખેંચવાની ક્ષમતા હતી. જે નેતા મત મેળવી શકે તેમ હોય, તેનું પાર્ટીમાં ચાલે. આજે ભાજપમાં મોદી એવા નેતા છે કે જેમના નામે મત મળે છે."

"ભાજપના તમામ ધારાસભ્યો તથા સંસદસભ્યો સારી રીતે જાણે છે કે તેમના વિજયમાં મોદીના કરિશ્માનો પણ કમાલ છે. એટલે જ તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સામે કશું બોલી શકતા નથી."

રૂપાણીએ વિરોધ ન કર્યો, તેનું એક કારણ એ પણ છે કે તેઓ જાણે છે કે આપમળે મત મેળવી શકાય તેમ નથી. વર્ષ 2016માં કેન્દ્રીય નેતૃત્વે તેમને ખાસ ભલામણ વિના મુખ્ય મંત્રી બનાવ્યા હતા, હવે કેન્દ્રીય નેતૃત્વને લાગે છે કે તેઓ ચાલી નહીં શકે, તો તેમને હઠાવી દેવામાં આવ્યા.

line

'વિજય', સમય અને રૂપાણી

જુલાઈ મહિનામાં કદાવર યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્ય મંત્રીપદેથી હઠાવી દેવાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જુલાઈ મહિનામાં કદાવર યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્ય મંત્રીપદેથી હઠાવી દેવાયા હતા.

સ્વાભાવિક રીતે પાર્ટીને લાગતું હતું કે આગામી વિધાનસભા ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં લડવામાં આવશે, તો તેનું પ્રદર્શન સારું નહીં હોય. ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત રાજ્ય છે, એટલે પાર્ટી ત્યાં કોઈ જોખમ વ્હોરી લેવા નથી માગતી.

પ્રદીપસિંહ માને છે, "2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન રૂપાણી નેતૃત્વ કરી રહ્યા હતા, ત્યારે ભાજપ માંડ-માંડ જીત્યો હતો. તેમણે કદાચ સારી રીતે સરકાર ચલાવી હોય, તો પણ તેમના નામે મત મળે તેમ ન હતા. રૂપાણીને હઠાવવાનો નિર્ણ સમયની દૃષ્ટિએ પણ યોગ્ય છે. ચૂંટણીના લગભગ સવા વર્ષ પહેલાં રૂપાણીને હઠાવવાનો નિર્ણય ભાજપને લાભ આપી શકે છે."

તીરથસિંહ રાવત

ઇમેજ સ્રોત, Facebook/ Teerath Singh Rawat

ઇમેજ કૅપ્શન, તીરથસિંહ રાવતને ઉત્તરાખંડમાં મુખ્ય મંત્રી પદે થોડા મહિના જ રહી શક્યા.

જ્યારે રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા, ત્યારથી જ સ્પષ્ટ હતું કે તેઓ થોડો સમય માટે છે, પરંતુ આ સમય થોડો લંબાઈ ગયો હતો. ભાજપ દ્વારા અનેક રાજ્યમાં તટસ્થ જ્ઞાતિના નેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવે છે, જેથી કરીને મોટી જ્ઞાતિના નેતાઓ વચ્ચેની પ્રતિસ્પર્ધાને ટાળી શકાય. રૂપાણી માટે પણ આવી જ ગણતરી મૂકવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે કોરોના મહામારી દરમિયાન લોકોમાં ઊભી થયેલી નારાજગીને કારણે રૂપાણીને હઠાવવાનું એક કારણ હોય શકે છે. જોકે જાણકારોનું માનવું છે કે આ નિર્ણય માટે જાતિગત સમીકરણો વધુ જવાબદાર છે.

રૂપાણી જૈન સમુદાયના છે, ગુજરાતમાં તેમની વસતિ માત્ર બે ટકા જેટલી છે, બીજી બાજુ, રાજકીય આધાર ધરાવનાર પાટીદારો ભાજપ પ્રત્યે નારાજ છે. તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન ખાસ જનાધાર વગરની આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી, જેના કારણે ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ત્રિવેદી કહે છે, "વિજય રૂપાણી માટે કહેવાય છે કે તેઓ કોવિડનું મૅનેજમૅન્ટ સારી રીતે કરી શક્યા ન હતા અને પાર્ટીને રાજકીય નુકસાન પહોંચ્યું. આ વાત એક હદ સુધી સાચી પણ હોઈ શકે છે, પરંતુ જોવાની વાત એ પણ છે કે ભાજપને લાગી રહ્યું છે કે પાટીદાર સમુદાય તેનાથી નારાજ છે અને આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેનું નુકસાન થઈ શકે છે."

પ્રદીપસિંહ કહે છે, "કોવિડ મુદ્દે રાજ્યમાં અસંતોષ ચોક્કસથી છે, એવું માની શકાય કે વિજય રૂપાણીની વિદાયથી પાર્ટીવિરોધી ભાવના કે મોજું હતું તે પસાર થઈ જશે."

line

સીએમપદ, સંગઠન અને સંદેશ

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

ઇમેજ કૅપ્શન, 'જો નેતા ચૂંટણી જીતાડી શકે તેમ હોય તો તેની નિષ્ફળતાઓ ઉપર ભાજપ દ્વારા આંખ આડા કાન કરાય છે'

જાણકારોના મતે વિજય રૂપાણીને હઠાવવાની સાથે પાર્ટીના નેતૃત્વે બે સ્પષ્ટ સંદેશ આપ્યા છે, એક તો એ કે જે પાર્ટી ચૂંટણી જીતાડી શકે તેમ હોય તેમને સ્થાન મળશે બીજું એ કે પાર્ટીનું નેતૃત્વ કામગીરી ઉપર બારીક નજર રાખે છે.

વિજય ત્રિવેદી કહે છે "રૂપાણીને હઠાવવાનો મતલબ છે કે પાર્ટીનું નેતૃત્વ પાર્ટીની અંદર, સંગઠનસ્તરે જે કંઈ કામ થઈ રહ્યું હોય તેની ઉપર ચાંપતી અને ગંભીરતાપૂર્વક નજર રાખે છે. પાર્ટીને જ્યારે સુધારાત્મક પગલાં લેવાની જરૂર લાગે ત્યારે તે નિર્ણય લે છે."

તેઓ ઉમેરે છે, "ભૂલને સુધારી લેવી એ ભૂલ નથી. જો તમને લાગે કે કોઈ ખોટો નિર્ણય લેવાઈ ગયો છે, ત્યારે તમે ખરો નિર્ણય લો છો. ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતને હઠાવીને તીરથસિંહ રાવતને સીએમ બનાવવામાં આવ્યા, પરંતુ જ્યારે પાર્ટીને લાગ્યું કે ભૂલ થઈ ગઈ છે, તો તેમાં સુધારો કરવામાં આવ્યો અને પુષ્કરસિંહ ધામીને સીએમ બનાવવામાં આવ્યા. એટલે કે ભાજપ દ્વારા ખોટા નિર્ણય લેવાઈ જાય તો તેમાં ફેરફાર કરવા તૈયાર છે અને તેમાં પાર્ટી શરમ નથી રાખતી."

પ્રદીપસિંહના કહેવા પ્રમાણે, "ભાજપ દ્વારા સ્પષ્ટપણે સંદેશ આપવામાં આવી રહ્યા છે કે તે જીતવા માટે જોખમ પણ ઉઠાવવા તૈયાર છે. બે મુખ્ય મંત્રી બાદ ત્રીજાને મુખ્ય મંત્રી બનાવવા જોખમી કામ હતું, પરંતુ ભાજપે જોખમ લીધું અને નિર્ણય કર્યો. હવે લાગે છે કે ભાજપનો આ નિર્ણય બરાબર રહ્યો છે."

વિજય રૂપાણી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ ચહેરો હશે.

વિજય ત્રિવેદી કહે છે, "નેતાઓને હઠાવવાથી પાર્ટીને વધુ એક લાભ એ થાય છે કે અન્ય નેતાઓને પણ સંકેત મળી જાય છે કે જો તેઓ ભૂલ કરશે તો તેમને પણ હઠાવી દેવામાં આવશે. બીજો સંદેશ એ પણ જાય છે કે જો એક નેતા મુખ્ય મંત્રી બની ગયો, તો એનો મતલબ એવો નથી કે અન્ય નેતાઓ માટે તક જ નહીં રહે. પાર્ટીએ અન્ય નેતાઓને એ પણ સંકેત આપ્યો છે કે જે પાર્ટીને ચૂંટણી જીતાડી શકે તેમના માટે જ સ્થાન છે."

line

માત્ર 'વિજય' પર ધ્યાન

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

જાણકારો માને છે કે જે નેતા ભાજપને ચૂંટણીમાં વિજય અપાવી શકે તેઓ જ મહત્ત્વપૂર્ણ છે. જો નેતા જીતાડી શકે તેમ હોય તો તેમની 'નિષ્ફળતાની સામે આંખ આડા કાન' કરવામાં આવશે.

દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં કોરોના સમયે અવ્યવસ્થા એક મુદ્દો છે, પરંતુ યોગી આદિત્યનાથને મુખ્ય મંત્રીપદેથી હઠાવવામાં નથી આવ્યા, તેમને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. વિજય ત્રિવેદી કહે છે "ભાજપને લાગે છે કે યોગી આદિત્યનાથ હજુ પણ પાર્ટીને રાજ્યમાં ચૂંટણી જંગ જીતાડી શકે તેમ છે. જ્યારે ગુજરાતમાં પાર્ટીને લાગ્યું કે રૂપાણી ચૂંટણી જીતાડી નહીં શકે. નેતાની ચૂંટણી જીતાડી શકવાની ક્ષમતા જ હાલમાં સૌથી મોટું પરિબળ છે."

ત્રિવેદી કહે છે, "જ્યારે પાર્ટીને લાગ્યું કે યેદિયુરપ્પા ચૂંટણી જીતાડી નહીં શકે તો પાર્ટીએ આટલા મોટા નેતાને પણ હઠાવવાનો નિર્ણય લઈ લીધો. કારણ કે પાર્ટી માટે ચૂંટણી જીતવી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. એટલે જ વિજય રૂપાણીને હઠાવવાનો નિર્ણય રાજકીય જરૂરિયાતને કારણે લેવામાં આવ્યો છે."

line

કૉંગ્રેસ, કેન્દ્ર અને કલહ

'બળવાન પ્રાદેશિક નેતાઓ દિલ્હી આવીને ગાંધી પરિવારને પોતાની તાકત દેખાડી જાય છે'

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

ઇમેજ કૅપ્શન, 'બળવાન પ્રાદેશિક નેતાઓ દિલ્હી આવીને ગાંધી પરિવારને પોતાની તાકત દેખાડી જાય છે'

દેશમાં લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલી કૉંગ્રેસ પાર્ટીમાં પણ તાજેતરના મહિનાઓમાં આંતરિક કલહ બહાર આવ્યો છે, છતાં પાર્ટી કોઈ મોટો નિર્ણય લઈ નથી શકી.

છત્તીસગઢ, રાજસ્થાન તથા પંજાબમાં કૉંગ્રેસના પ્રાદેશિક નેતાઓ વચ્ચેની સાંઠમારી જગજાહેર છે. આંતરિક બળવાને કારણે જ પાર્ટીએ મધ્ય પ્રદેશ તથા કર્ણાટકમાં સત્તા ગુમાવવી પડી હતી. જાણકારો આ માટે કેન્દ્રીય નેતૃત્વની નબળાઈને જવાબદાર માને છે.

પ્રદીપસિંહના કહે છે કે "કૉંગ્રેસ બે કારણથી નિર્ણય નથી લઈ શકતી. પહેલું કારણ એ છે તેનું કેન્દ્રીય નેતૃત્વ નબળું પડી ગયું છે. બીજું કારણ એ છે કે ગાંધી પરિવારની મત મેળવી શકવાની ક્ષમતા ઘટી ગઈ છે. આજથી 10-15 વર્ષ પહેલાં સોનિયા ગાંધી દિલ્હીથી ફોન કરીને સત્તાપરિવર્તન કરી શકતાં હતાં. આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે પ્રાદેશિક નેતાઓ દિલ્હી આવીને ગાંધી પરિવારને પોતાની તાકત દેખાડીને જતા રહે છે."

સિંહ કહે છે, "ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે કેન્દ્રમાં નેતૃત્વ નબળું હોય, ત્યારે-ત્યારે પ્રાદેશિક નતાઓ માથું ઊંચકે છે. કૉંગ્રેસમાં કેન્દ્રીય નેતૃત્વ અને હાઈકમાન્ડ નબળાં પડી ગયા છે, એટલે તાકત ધરાવનારા પ્રાદેશિક નેતાઓ વિરોધના સૂર વ્યક્ત કરે છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો