એસ 400 ડિફેન્સ સિસ્ટમ: રશિયાએ ભારતને આપી એ એસ-400 ડિફેન્સ સિસ્ટમની ખાસિયતો શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારત આવી રહ્યા છે, તે પહેલાં એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટિમની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. રશિયાના વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.
ભારતનાં સુરક્ષાબળો આ ડિફેન્સ સિસ્ટમને એવા સ્થાને ગોઠવવા માગે છે કે પ્રારંભિક તબક્કે તે ચીન તથા પાકિસ્તાની જોખમને એકસાથે પહોંચી વળી શકે. જોકે, ચીને પણ રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદી છે.

ઇમેજ સ્રોત, Kirill Kukhmar/Getty
ભારતને તેની પ્રથમ સ્ક્વોડ્રન વર્ષના અંતભાગ સુધીમાં મળી જશે. જોકે, આના માટે ભારતને અમેરિકાનાં નિયંત્રણોનો સામનો પણ કરવો પડી શકે છે.
2018માં પુતિનની ભારતયાત્રા વખતે લગભગ પાંચ અબજ 20 કરોડ ડૉલરમાં ભારતે આવી પાંચ સિસ્ટમનો ઑર્ડર આપ્યો છે.

અત્યાધુનિક ઍરડિફેન્સ સિસ્ટમ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
'ધ ડિપ્લોમેટ' મૅગેઝિનના સિનિયર એડિટર ફ્રૅન્ઝ-સ્ટીફન ગૅડીના મતે, "એસ-400ની દરેક બૅટરીમાં ફાયર કંટ્રોલ રડાર સિસ્ટમ ઉપરાંત વધુ એક રડાર સિસ્ટમ અને કમાન્ડ પોસ્ટ હોય છે. એસ-400 સિસ્ટમ તેના પુરોગામી કરતાં અઢી ગણી ઝડપી છે." “આ સિસ્ટમ એક સાથે જ 36 ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. આ સિવાય આમાં સ્ટૅન્ડ-ઑફ જૅમર ઍરક્રાફ્ટ, ઍરબોર્ન વૉર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ ઍરક્રાફ્ટ છે. આ બૅલેસ્ટિક અને ક્રૂઝ બંને પ્રકારની મિસાઇલોને હવામાં જ આંતરીને તેને નષ્ટ કરી દઈ શકે છે."
એસ-400 રોડ મોબાઇલ છે અને એ અંગે કહેવાય છે કે આદેશ મળતાં જ પાંચથી દસ મિનિટની અંદર એને તહેનાત કરી શકાય છે. આ તમામ ખૂબીઓ એસ-400ને પશ્ચિમમાં બનેલી ઉચ્ચસ્તરીય ડિફેન્સ સિસ્ટમ, જેમકે 'ટર્મિનલ હાઈ ઍલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ સિસ્ટમ (ટીએચએડી)' અને 'એમઆઈએમ-104'થી અલગ પાડે છે.
આમાં 'વર્ટિકલ લૉન્ચિંગ સિસ્ટમ' હોય છે જેને નૅવીના મોબાઇલ પ્લૅટફૉર્મથી તાકી શકાય છે. આમા સિંગલ સ્ટેજ એસએએમ છે જેની અંદાજિત રેન્જ 150 કિલોમિટર છે.
વર્ષ 2007થી તે રશિયાની સેનામાં સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કહેવાય છે કે ભારતને તદ્દન આધુનિક એસ-400 મળશે જેમાં ઉચ્ચ સ્તરીય એસએએમ અને 40એન6ઈ છે, જે એક મજબૂત પાસું છે જે એની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. એસ-400 'ટ્રાયમ્ફ' બનાવનારી કંપની 'અલ્માઝ-એંતયે ગ્રૂપ'નું કહેવું છે કે 40એન6ઈની મહત્તમ રેન્જ 400 કિલોમિટર છે અને એ 30 કિલોમિટરની ઉંચાઈ ઉપર પોતાના લક્ષ્યને ભેદી શકે છે. આ સિવાય તે અલગ-અલગ ઉંચાઈ ઉપર ઉડતા માનવરહિત ડ્રોનને પણ ટાર્ગેટ કરી શકે છે.
તેની મિસાઇલ 4.8 કિલોમિટર પ્રતિ સેકંડની ઝડપે દુશ્મન દેશના વિમાન કે ટાર્ગેટ તરફ ધસી જાય છે. સિસ્ટમની કાર્યપદ્ધતિ એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમમાં લૉંગ રેન્જ સર્વેલન્સ રડાર હોય છે. જે સંભવિત જોખમ વિશે આગોતરી માહિતી મેળવી લે છે તથા કમાન્ડ વિહિકલને તેના વિશે માહિતગાર કરે છે.
જે સંભવિત જોખમની સમીક્ષા કરે છે. જો તે દુશ્મનની બૅલેસ્ટિક કે ક્રૂઝ મિસાઇલ, વિમાન કે ડ્રોન હોવાનું માલૂમ થાય તો કમાન્ડ વિહિકલ દ્વારા મિસાઇલને લૉન્ચ કરવાના આદેશ આપવામાં આવે છે. લૉન્ચિંગનો ડેટા દુશ્મનના વિમાન (કે મિસાઇલ)થી સૌથી વધુ નજીક હોય તેવા લૉન્ચ વિહિકલને મોકલવામાં આવે છે, જેમાંથી 'બ્રહ્માસ્ત્ર' રૂપી સરફેસ-ટુ-ઍર (જમીનમાંથી હવામાં માર કરી શકતી) મિસાઇલ છૂટે છે.
સિસ્ટમના ભાગરૂપ એવું ઍંગેજમૅન્ટ રડાર મિસાઇલને ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ કરે છે અને તેને હવામાં જ તોડી પાડવામાં આવે છે.
ભારતે અત્યાધુનિક રડારસિસ્ટમ વિકસાવી છે, પરંતુ હજુ પણ તેની ઍરડિફેન્સ વ્યવસ્થામાં રશિયન રડારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેથી કરીને તે વધુ સુપેરે સંકલન કરી શકે છે.
વાયુદળના વડા ઍર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ તાજેતરમાં અણસાર આપ્યા હતા, કે પ્રથમ પ્રણાલી વર્ષના અંતભાગ સુધીમાં કાર્યરત્ થઈ જશે. તેની સામગ્રી હવાઈ તથા દરિયાઈ માર્ગે ભારત પહોંચી રહી છે. ભારતીય વાયુદળની ટુકડી રશિયામાં તેની તાલીમ પણ મેળવી ચૂકી છે.

ભારત, ચીન અને પાકિસ્તાન

ઇમેજ સ્રોત, AFP
સુરક્ષા નિષ્ણાત રાહુલ બેદીનું કહેવું છે કે ભારતીય સેના માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ કરાર છે.
તેઓ કહે છે, "એસ-400 હાંસલ કરવા માટે ભારતે અમેરિકાને નારાજ કરવું જ પડશે. ચીને પણ રશિયા પાસેથી એસ-400 ખરીદી ત્યારે અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો."
અમેરિકા ભારતને આ બાબતમાં રાહત આપે એવું લાગતું નથી.
ચીન ઉપર અમેરિકાએ પ્રતિબંધ લાદ્યો ત્યારે તેની ઉપર કોઈ વધુ અસર થઈ નહોતી, પરંતુ ભારત ખરાબ રીતે પ્રભાવિત થશે. ભારતીય સેનાની પાસે એસ-400 આવ્યા બાદ શું પાકિસ્તાનની ચિંતા વધી જશે?
આ સવાલના જવાબમાં રાહુલ બેદી કહે છે, "પાકિસ્તાન માટે આ બહુ જ ચિંતાજનક બાબત છે. એસ-400 આવ્યા પછી પાકિસ્તાન પર ભારત વધુ ભારે પડશે."
"હકીકતમાં ભારતે અમેરિકા પાસેથી હથિયારોની ખરીદી શરૂ કરી ત્યારે પાકિસ્તાન અને રશિયા વચ્ચે સુરક્ષાસંબંધો વધવા લાગ્યા હતા.”
“એવી સ્થિતિમાં ભારતને ડર હતો કે ક્યાંક પાકિસ્તાનને રશિયા એસ-400 આપી ના દે. ભારતે રશિયા સાથે આ સોદામાં એવી શરત પણ મૂકી છે કે તે પાકિસ્તાનને એસ-400 નહીં આપે."
રાહુલ બેદી કહે છે, "પાકિસ્તાનને જો રશિયા એસ-400 નહીં આપે તો પાકિસ્તાનને તેનો કોઈ વિકલ્પ પણ નહીં મળે. મને નથી લાગતું કે પાકિસ્તાનને યુરોપ અથવા અમેરિકા આના જવાબમાં કોઈ ઍર ડિફેન્સ સિસ્ટિમ આપે. જોકે, પાકિસ્તાનને આ સિસ્ટિમ ખરીદવાનું પોસાય તેમ પણ નથી."
“ભારત અને રશિયા ઉપર અમેરિકાનું દબાણ હવે બહુ કારગત નહીં નીવડે. એવું એટલા માટે કે બંને દેશોએ છેલ્લા બે-ત્રણ મહિનામાં રૂપિયા અને રુબલમાં વેપાર કરવાનું શરૂ કરી દીધું છે. એવું ભારત સોવિયત સંઘ સાથે 1960ના દાયકામાં પણ કરતું હતું.”

મેક ઇન ઇન્ડિયા નહીં

ઇમેજ સ્રોત, AFP
ભારત દ્વારા સંરક્ષણક્ષેત્રે 'મેક-ઇન-ઇન્ડિયા' તથા 'આત્મનિર્ભર ભારત' જેવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. વિદેશી કંપનીઓ સાથે કરાર સમયે ટેકનૉલૉજી ટ્રાન્સફર અથવા 30 ટકા હિસ્સો ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવે, એવી શરતો મૂકવામાં આવે છે.
રશિયા સાથે આ સોદામાં ટેકનૉલૉજી ટ્રાન્સફર એટલે કે 30 ટકા ઑફસેટ પાર્ટનર જેવી વાત નથી. કરાર સમયે રશિયાએ આ મુદ્દે કહ્યું હતું કે જો ટેકનૉલૉજી ટ્રાન્સફર જેવી વાત આવશે તો ડિલિવરીમાં વિલંબ થશે અને કિંમત પણ વધી જશે.
કેટલાક નિષ્ણાતોના મતે એસ-400 શ્રેષ્ઠ ઍર ડિફેન્સ સિસ્ટિમ છે અને દુનિયામાં હજુ સુધી આનો કોઈ વિકલ્પ વિકસાવી શકાયો નથી.
કરાર થયા ત્યારે રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી સ્પૂતનિકએ સ્પૂતનિકએ સંરક્ષણ જાણકારો સાથે વાતચીત બાદ પોતાના અહેવાલમાં લખ્યું છે, "અમેરિકાને લાગે છે કે જો ભારત એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટિમને હાંસલ કરી લે તો તેના સહયોગી દેશ કતાર, સાઉદી અને તુર્કી પણ રશિયા સાથે આના માટે સંપર્ક કરશે અને તેના શસ્ત્ર ઉદ્યોગ પ્રભાવિત થશે."
સ્પૂતનિકના અહેવાલમાં કહેવાયું છે કે, "ભારતના એસ-400 હાંસલ કરવાથી પાકિસ્તાન અને ચીનની તાકાત પ્રભાવિત થશે. આનાથી ભારત પાકિસ્તાનની હવાઈપહોંચ અને ખાસ કરીને યુદ્ધવિમાન, ક્રૂઝ મિસાઇલ અને ડ્રૉનનું જોખમને નિરસ્ત કરી દેશે."
"એવું એટલા માટે કે આની ટ્રૅકિંગ રેન્જ 600 કિલોમિટર છે અને 400 કિલોમિટર સુધી સફળ નિશાન તાકવાની ક્ષમતા છે. કેવળ ત્રણ એસ-400માં જ પાકિસ્તાનની તમામ સીમાઓ ઉપર નજર રાખી શકાય એમ છે."

અમેરિકાનો એંગલ

ઇમેજ સ્રોત, Getty Images
કથિત રીતે વર્ષ 2016ની અમેરિકાની ચૂંટણીમાં દખલ આપવા બદલ ઑગસ્ટ 2017માં 'કાઉન્ટરિંગ અમેરિકાઝ્ ઍડવર્સરીઝ થ્રુ સૅન્કશન્સ ઍક્ટ(સીએએટીએસએ)' કાયદો પસાર કર્યો હતો. જે જાન્યુઆરી-2018થી લાગુ થઈ ગયો અને તેની સૌથી મોટી અસર રશિયાની સરકાર તથા હથિયાર બનાવતી ત્યાંની સરકારી કંપનીઓને પડી.
કોઈપણ દેશ રશિયા સાથે હથિયારોના સોદા ન કરી શકે તે માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પાછળથી યુએસ નેશનલ ડિફેન્સ ઑથૉરાઇઝેશન ઍક્ટ પસાર કરવામાં આવ્યો. જે મુજબ રશિયા સાથે પુરાણાના સૈન્યસંબંધ ધરાવતા દેશોને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, આ માટે સોદ્દાની ટોચમર્યાદા દોઢ અબજ ડૉલરની રાખવામાં આવી હતી.
1960થી ભારત દ્વારા મોટાપાયે રશિયા પાસેથી હથિયારોની ખરીદી કરવામાં આવી રહી છે અને આજે પણ મોટું આપૂર્તિકર્તા છે. પરંતુ એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમ સોદો પાંચ અબજ ડૉલર કરતાં વધારેનો છે એટલે છૂટમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
અમેરિકા ભારતને તેની પેટ્રિઓટ ડિફેન્સ સિસ્ટમ વેચવા માગે છે, પરંતુ તે આધુનિક નથી.
અગાઉ એસ-400ની ખરીદી બદલ ચીન તથા તુર્કી ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યાં હતાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












