રશિયા સાથે મોદી સરકારનો S-400 સોદો પાક.ની ઊંઘ ઉડાડી દેશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવ્યા છે. 'ઇકૉનૉમિક્સ ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ભારતે, રશિયામાં બનેલી લાંબા અંતરની એસ-400 'ટ્રિમ્ફ ઍર સિસ્ટમ' ખરીદવા રશિયા સાથે કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. અહેવાલ અનુસાર આ કરાર 5.2 બિલિયન ડૉલર્સનો છે.
ભારતનો આ સોદો અમેરિકા સાથે વિવાદનું કારણ પણ બની ગયો છે.
ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી "ટુ-પ્લસ-ટુ" બેઠકમાં રશિયા સાથે આ સોદાની ચર્ચા કેન્દ્ર સ્થાને હતી.
અમેરિકા નહોતું ઇચ્છતું કે ભારત રશિયા સાથે આ રક્ષા સોદો કરે.
ગયા મહિને 6 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં "ટુ-પ્લસ-ટુ" બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો અને અમેરિકાના સંરક્ષણ મંત્રી જિમ મૈટીસની સાથે ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમનની બેઠક થઈ હતી.
કહેવાય છે કે આ સોદાના કારણે ભારતના માથે અમેરિકાના આર્થિક પ્રતિબંધનું જોખમ તોળાઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં ભારતે પાંચ એસ-400 ખરીદવા કરાર કર્યા છે.

શ્રેષ્ઠ ઍર ડિફેન્સ સિસ્ટમ

ઇમેજ સ્રોત, Getty Images
એસ-400 દુનિયાની સૌથી પ્રભાવશાળી ઍર ડિફેન્સ સિસ્ટમ મનાય છે. જે દુશ્મનોની મિસાઇલના હુમલાને રોકવાનું કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કહેવાય છે કે ભારતે આ સોદાની જાહેરાત કરતા અમેરિકા માટે એ બહુ નિરાશાજનક બાબત હશે.
બીજી તરફ રશિયાની સરકારી સમાચાર એજન્સી 'સ્પુતનિક'નું કહેવું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત પહેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુરક્ષા બાબતે બનેલી કૅબિનેટ કમિટીએ રશિયા પાસેથી 5 અબજ ડૉલરથી વધુની પાંચ એસ-400 ઍર ડિન્ફેસ સિસ્ટમની ખરીદીને મંજૂરી આપી દીધી હતી.
અમેરિકાએ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કહેવાતી રીતે રશિયાના હસ્તક્ષેપને મુદ્દે રશિયા વિરુદ્ધ ઑગસ્ટ 2017માં 'કાઉન્ટરિંગ અમેરિકાઝ્ ઍડવર્સરીઝ થ્રુ સૅન્કશન્સ ઍક્ટ(સીએએટીએસએ)' કાયદો પસાર કર્યો હતો.
આ કાયદાને અમેરિકાએ રશિયન સરકારને સજા આપવા માટે પસાર કર્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
સીએએટીએસએ જાન્યુઆરી 2018થી લાગુ થઈ ગયો છે.
ભારત ઇચ્છે છે કે અમેરિકા, રશિયા સાથે તેના સંબંધોમાં આ કાયદામાંથી મુક્તિ આપે.
અમેરિકાનો આ કાયદો વિશ્વના દેશોને રશિયા સાથે શસ્ત્રોનો સોદો કરતા અટકાવે છે.
અમેરિકાએ હાલમાં જ યુએસ નેશનલ ડિફેન્સ ઑથૉરાઇઝેશન ઍક્ટ(ઈનડીએએ) પસાર કર્યો હતો, જેમાં રશિયા સાથે જૂનો સંબંધ ધરાવતા દેશોને આ મામલે મુક્તિ અપાઈ છે.

અમેરિકાની નારાજગી

ઇમેજ સ્રોત, Getty Images
એનડીએએ મુજબ સંરક્ષણ સોદો 1.5 કરોડ ડૉલરથી વધુનો ના હોવો જોઈએ.
'એસ-400 ટ્રીમ્ફ' એનડીએએની હદની બહારનો સોદો છે. આ સોદાની કિંમત 5.2 અબજ ડૉલરથી પણ વધુની છે જે અમેરિકા દ્વારા મર્યાદિત કરાયેલી રકમ 1.5 કરોડ ડૉલરથી ઘણી વધુ છે.
1960ના દશકાથી જ રશિયા ભારતનું સૌથી મોટું 'ડિફેન્સ સપ્લાયર' રહ્યું છે.
'સ્ટૉકહૉમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ' અનુસાર 2012થી 2016 દરમિયાન ભારતે કરેલી શસ્ત્રોની કુલ આયાતમાંથી 68 ટકા રશિયા પાસેથી કરાઈ હતી.
6 સપ્ટેમ્બરએ નવી દિલ્હીમાં "ટુ-પ્લસ-ટુ" બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોએ પત્રકારોને જણાવ્યું હતું કે આ મામલે હજુ સુધી કોઈ સહમતી સધાઈ નથી.
પૉમ્પિયોએ કહ્યું હતું, "અમે લોકો ભારત અને રશિયાના ઐતિહાસિક સંબંધો અને વારસાને સમજીએ છીએ. આ સ્થિતિમાં અમે નિયમો મુજબ કામ કરીશું. આ મુદ્દે અમે ભારત સાથે વાતચીત ચાલુ રાખીશું."
આ બંને દેશોનું સંયુક્ત નિવેદન હતું અને આમાં કોઈપણ રીતના આ સોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો.
ભારત વર્ષોથી લાંબા અંતરની હવાઈ સુરક્ષા ક્ષમતાને મજબૂત કરવા માટે એસ-400 ઇચ્છે છે.
2016માં પણ રશિયા સાથે એસ-400 ખરીદવા માટે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.
એ વાત પણ કહેવામાં આવી રહી છે કે ભારત આ સોદા ઉપર અમેરિકાના પ્રતિબંધોને આડા આવવા દેવા માગતું નહોતું.

પાકિસ્તાન માટે મુશ્કેલી

ઇમેજ સ્રોત, Getty Images
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ભારત એસ-400 કેટલી સંખ્યામાં ખરીદશે.
'ધ ડિપ્લોમેટ મૅગેઝીન'ના સિનિયર એડિટર ફ્રૅન્ઝ-સ્ટીફન ગૅડીનું કહેવું છે, "રશિયન સૈન્યમાં એક એસ-400 બે બટાલિયનની વચ્ચે વહેંચાયેલી રહે છે. આ વિભાજન બે બૅટરીઓ દ્વારા થાય છે.''
"એસ-400ની એક બૅટરીની રચના 12 ટ્રાન્સપોર્ટર ઇરેકટર લૉન્ચર્સથી થાય છે. ઘણીવાર ચાર અને આઠથી પણ તેની રચના કરવામાં આવે છે. તમામ બૅટરીમાં એક ફાયર કન્ટ્રોલ રડાર સિસ્ટમ પણ સમાવિષ્ટ હોય છે.''
''આ સાથે જ એક વધુ રડાર સિસ્ટમ હોય છે અને એક કમાન્ડ પોસ્ટ પણ હોય છે."
ગૅડીનું કહેવું છે, "એસ-400માં મિસાઇલનું નિશાન તાકવાની ક્ષમતા પહેલાં કરતાં અઢી ગણી વધારે તેજ છે.''
''આ સિસ્ટમ એક સાથે જ 36 જગ્યાઓએ નિશાન તાકી શકે છે. આ સિવાય આમાં સ્ટૅન્ડ-ઑફ જામર ઍરક્રાફ્ટ, ઍરબોર્ન વૉર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ ઍરક્રાફ્ટ છે. આ બેલેસ્ટિક અને ક્રુઝ બંને મિસાઇલોને વચ્ચે જ નષ્ટ કરી દેશે."
એસ-400 રોડ મોબાઇલ છે અને એના વિષયમાં કહેવાય છે કે આદેશ મળતાં જ પાંચથી 10 મીનીટની અંદર એને કામે લગાડી શકાય છે.
આ તમામ ખૂબીઓ એસ-400ને પશ્ચિમમાં બનેલી ઉચ્ચસ્તરીય ડિફેન્સ સિસ્ટમ, જેમકે 'ટર્મિનલ હાઈ ઍલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ સિસ્ટમ (ટીએચએડી)' અને 'એમઆઈએમ-104'થી જુદી બનાવે છે.

આધુનિક ટેકનૉલૉજીથી સજ્જ

ઇમેજ સ્રોત, Getty Images
આમાં 'વર્ટીકલ લૉન્ચિગ સિસ્ટમ' હોય છે જેને નૅવીના મોબાઈલ પ્લેટફોર્મથી તાકી શકાય છે.
આમા સિંગલ સ્ટેજ એસએએમ છે જેની અંદાજીત રેન્જ 150 કિલોમીટર છે. કહેવાય છે કે ભારતને તદ્દન આધુનિક એસ-400 મળશે જેમાં ઉચ્ચ સ્તરીય એસએએમ અને 40એન6ઈ છે.
મુખ્યત્વે એસ-400માં 40એ6ઈ એક મજબૂત પાસું છે જે એની પ્રતિષ્ઠા વધારે છે.
એસ-400ને બનાવનારી કંપની 'અલ્માઝ-એંતયે ગ્રુપ'નું કહેવું છે કે 40એન6ઈની મહત્તમ રેન્જ 400 કિલોમીટર છે અને એ 30 કિલોમીટરની ઉંચાઈ ઉપર પોતાના લક્ષ્યને ભેદી શકે છે.
જાણકારોનું માનવું છે કે એસ-400ના આવવાથી ભારતીય સેનાની તાકાત વધશે. મીડિયા અહેવાલ અનુસાર વર્ષ 2020 સુધી આ સિસ્ટમ ભારતને મળી જશે.
'ઇન્સ્ટિટ્યુટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસ'ના લક્ષ્મણકુમાર બેહરા આ રક્ષા સોદાના વિષયમાં કહે છે,
"રશિયા ચીનને એસ-400 ટ્રિમ્ફ પહેલાથી જ આપી ચૂક્યું છે. આ પછીથી ભારત રશિયા સાથે આ સુરક્ષા સોદાને તેના પરિણામ સુધી પહોંચાડવામાં લાગી ગયું હતું.''
''આ અત્યંત ખાસ સુરક્ષા સોદો હોવાથી ભારત આને હાંસલ કરવામાં અમેરિકાની સામે ઝૂંકી શકે એવું નથી લાગતું."

રૂપિયા-રુબલમાં દોસ્તી?

ઇમેજ સ્રોત, Getty Images
સુરક્ષા નિષ્ણાત રાહુલ બેદીનું કહેવું છે કે ભારતીય સેના માટે આ અત્યંત મહત્ત્વ કરાર છે.
તેઓ કહે છે, "ભારતને જો એસ-400 હાંસલ કરવું હોય તો અમેરિકાને નારાજ કરવું જ પડશે. ચીને પણ રશિયા પાસેથી એસ-400 ખરીદી ત્યારે અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો."
"અમેરિકા ભારતને આ બાબતમાં રાહત આપે એવું લાગતું નથી. ચીન ઉપર અમેરિકાએ પ્રતિબંધ લાદ્યો ત્યારે તેની ઉપર કોઈ વધુ અસર થઇ નહોતી, પરંતુ ભારત ખરાબ રીતે પ્રભાવિત થશે."
ભારતીય સેનાની પાસે એસ-400 આવ્યા બાદ શું પાકિસ્તાનની ચિંતા વધી જશે? આ સવાલના જવાબમાં રાહુલ બેદી કહે છે, "પાકિસ્તાન માટે આ બહુ જ ચિંતાજનક બાબત છે. એસ-400 આવ્યા પછી ભારત પાકિસ્તાન પર વધુ ભારે પડશે."
"હકીકતમાં ભારતે અમેરિકા પાસેથી હથિયારોની ખરીદી શરૂ કરી ત્યારે પાકિસ્તાન અને રશિયા વચ્ચે સુરક્ષા સંબંધો વધવા લાગ્યા હતા.'' ''એવી સ્થિતિમાં ભારતને ડર હતો કે ક્યાંક પાકિસ્તાનને રશિયા એસ-400 આપી ના દે. ભારતે રશિયા સાથે આ સોદામાં એવી શરત પણ મૂકી છે કે તે પાકિસ્તાનને એસ-400 નહીં આપે."
રાહુલ બેદી કહે છે, "પાકિસ્તાનને જો રશિયા એસ-400 નહીં આપે તો પાકિસ્તાનને તેનો કોઈ વિકલ્પ પણ નહીં મળે. મને નથી લાગતું કે પાકિસ્તાનને યુરોપ અથવા અમેરિકા આના જવાબમાં કોઈ ઍર ડિફેન્સ સિસ્ટમ આપે."
"જોકે, પાકિસ્તાન પાસે એટલા પૈસાય નથી કે તે આ ખરીદી શકે. ભારત અને રશિયા ઉપર અમેરિકાનું દબાણ હવે બહુ કારગત નહીં નીવડે.''''એવું એટલા માટે કે બંને દેશોએ છેલ્લા બે-ત્રણ મહિનામાં રૂપિયા અને રુબલમાં વેપાર કરવાનું શરૂ કરી દીધું છે. એવું ભારત સોવિયત સંઘ સાથે 1960ના દશકામાં પણ કરતું હતું.'' આ સોદા માટે સપ્ટેમ્બર મહિનામાં ચાર કરોડ ડૉલર અપાઈ ગયાં છે.

ટેકનૉલૉજી ટ્રાન્સફર નહીં

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા સાથે આ સોદામાં ટેકનૉલોજી ટ્રાન્સફર એટલેકે 30 ટકા ઑફસૅટ પાર્ટનર જેવી વાત નથી.
રાહુલ બેદી કહે છે, "રશિયાએ આ મુદ્દે કહ્યું હતું કે જો ટેકનૉલૉજી ટ્રાન્સફર જેવી વાત આવશે તો ડિલિવરીમાં વિલંબ થશે અને કિંમત પણ વધી જશે."
બેદી માને છે કે એસ-400 શ્રેષ્ઠ ઍર ડિફેન્સ સિસ્ટમ છે અને દુનિયામાં હજુ સુધી આનો કોઈ વિક્સલ વિકસાવી શકાયો નથી.
રશિયાની સરકારી ન્યુઝ એજન્સી સ્પૂતનિકએ પોતાના એક અહેવાલમાં લખ્યું હતું કે ઘણાં કારણો છે જે અમેરિકાને ભારત અને રશિયાના આ સુરક્ષા સોદાને રોકવા માટે મજબૂર કરી રહ્યું છે.
સ્પૂતનિકએ સંરક્ષણ જાણકારો સાથે વાતચીત બાદ પોતાના અહેવાલમાં લખ્યું છે, "અમેરિકાને લાગે છે કે જો ભારત એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમને હાંસલ કરી લે તો તેના સહયોગી દેશ કતાર, સાઉદી અને તુર્કી પણ રશિયા સાથે આના માટે સંપર્ક કરશે અને તેના શસ્ત્ર ઉદ્યોગ પ્રભાવિત થશે."
સ્પૂતનિકના અહેવાલમાં કહેવાયું છે કે, "ભારતના એસ-400 હાંસલ કરવાથી પાકિસ્તાન અને ચીનની તાકાત પ્રભાવિત થશે. આનાથી ભારત પાક્સિતાનની હવાઈ પહોંચ અને ખાસ કરીને યુદ્ધ વિમાન, ક્રુઝ મિસાઈલ અને ડ્રૉનનું જોખમને નકામું કરી દેશે."
"એવું એટલા માટે કે આની ટ્રૅકિંગ રેન્જ 600 કિલોમીટર છે અને 400 કિલોમીટર સુધી સફળ નિશાન તાકવાની ક્ષમતા છે. કેવળ ત્રણ એસ-400માં જ પાકિસ્તાનની તમામ સીમાઓ ઉપર નજર રાખી શકાય એમ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













