ઇન્ડોનેશિયામાં સુનામી: ‘મારી દુઆ છે કે અલ્લાહ તેઓને બચાવી લે’

સુનામી પીડિત મહિલા

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, પ્રશાંત ચાહલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"શહેરના લોકો ભૂકંપથી આવેલી તબાહીની અસર મેળવી રહ્યા હતા. હું પણ તાલિસે બીચ પાસે એક બે માળના પાર્કિંગ સામે હાજર હતી. હું ફોન પર મારા એક સ્વજન સાથે વાત કરી રહી હતી. ત્યાં જ એક ઇમારતની છત ઉપરથી કોઈ વ્યક્તિની ચીસ સંભળાઈ. તેઓએ કહ્યું-"ત્યાંથી ભાગો". એ વખતે સાંજના પોણા છ વાગ્યા હતા."

29 વર્ષની ઉંમરનાં હૈની કાસુમાએ કંઈક આવી રીતે પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું. પાલુ શહેરમાં શુક્રવારે આવેલા સુનામી પછી હૈની કાસુમા એક સ્વયંસેવક તરીકે બચાવકાર્યમાં જોડાયેલાં છે.

ઇન્ડોનેશિયાની સરકારી એજન્સીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ હોનારતમાં ઓછામાં ઓછા 844 વ્યક્તિઓનાં મોત થયાં છે અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

line

'બીજી લહેર આવ્યા બાદ કશું જ ના બચ્યું'

સુનામીથી પ્રભાવિત લોકો

ઇમેજ સ્રોત, REUTERS

હૈની કાસુમાએ જણાવ્યું, "એ વ્યક્તિનો અવાજ સાંભળીને અમે પાર્કિંગ તરફ ભાગ્યા. જયારે અમે બીજે માળે પહોંચ્યા તો સુનામીનું વિકરાળ રૂપ અમે જોઈ શકતા હતાં. સામેથી આવી રહેલાં મોજાંને જોઇને એ સમજાઈ ગયું હતું કે કિનારા ઉપર બનેલાં રેસ્ટોરાં અને મકાનો એક જ ઝાટકે જમીનદોસ્ત થઈ જશે."

કાસુમાએ કહ્યું, "ઉપર ઉભેલા લોકો સુનામી-સુનામીની ચીસો પાડી રહ્યાં હતાં. ઘણાં લોકો તેનું વીડિયો રેકર્ડિંગ કરી રહ્યાં હતાં. પાર્કિંગની નીચે એક નાનકડી બસની લગોલગ 10 મહિલાઓ ઊભી હતી. અમે તેઓને તાત્કાલિક ઉપર આવી જવા કહ્યું."

કાસુમા ઉમેરે છે, "અમારી સામે જે રસ્તો હતો, તેની ઉપરથી લોકો પસાર થઈ રહ્યાં હતાં. ઘણા કાર અને મોટરસાઇકલ સવાર પણ ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. કારણ કે ભૂકંપ બાદ સુનામીની જે ચેતવણી પ્રસારિત કરવામાં આવી હતી, તેને થોડા જ વખતમાં પાછી ખેંચી લેવામાં આવી હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

કાસુમા કહે છે, "સમુદ્રના જે મોજાં કેટલાય સો મીટર દૂર દેખાતા હતા, તે માત્ર દોઢ જ મિનિટની અંદર પાર્કિંગના નીચલા માળની આરપાર નીકળી ગયા. પહેલા મોજાંની ટક્કર સાથે જ સામેનો આખો રસ્તો કાટમાળથી ભરાઈ ગયો."

"કેટલાક લોકો કાટમાળમાં દબાઈ ગયેલાં દેખાતાં હતાં. એમાં મહિલાઓ પણ હતી અને બાળકો પણ. એ જોઈને કેટલાક છોકરાઓ પાર્કિંગમાંથી નીચેની તરફ દોડ્યા. પરંતુ તેઓ રસ્તા સુધી પહોંચે એ પહેલાં જ, ઉપર ઉભેલા લોકોએ બૂમો પાડી-'બીજું મોજું આવી રહ્યું છે.' એમાંથી એક છોકરાએ કાટમાળમાંથી એક બાળકીને કાઢી અને તે પાર્કિંગ તરફ દોડ્યો."

"પરંતુ અમે તેઓને પાર્કિંગમાં પ્રવેશતા જોઈ શક્યા નહીં. મોજાં તેમનાથી આગળ નીકળી ગયા. હું દુઆ કરું છું કે અલ્લાહ તેઓને બચાવી લે."

line

'શહેરમાં ઘણાં ફૂટ પાણી હતું'

સેના લોકોની મદદ માટે આવી પહોંચી

ઇમેજ સ્રોત, REUTERS

ઇન્ડોનેશિયાના સુલાવેશી દ્વીપ ઉપર આવેલા સુનામીથી પાલુ શહેર સૌથી વધુ પ્રભાવિત છે. મુસ્લિમ આબાદી ધરાવતા આ શહેરની વસતી સવા ત્રણ લાખ જેટલી છે.

હૈની જેવા ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓ અનુસાર, પાણીનું વહેણમાં એટલી ગતિમાં હતી કે વસ્તીની ગીચતાવાળા તમામ વિસ્તારોમાં કેટલાય ફૂટ પાણી ઘૂસી આવ્યું હતું.

દક્ષિણી સુલાવેશીના મકાસ્સાર શહેરના રહેવાસી અમરિલ નુરયાન એક વ્યવસાયિક ફોટોગ્રાફર છે. તેઓ હાલમાં સુલાવેશી દ્વીપ ઉપર ચાલી રહેલા બચાવ કાર્યની ઝડપ વધારવા માટે આર્થિક મદદ એકઠી કરવાનું કાર્ય કરી રહ્યા છે.

નુરયાને બીબીસીને જણાવ્યું, "પાલુને એક સુરક્ષિત શહેર માનવામાં આવતું હતું. શહેરની ત્રણેય બાજુ પહાડ છે અને આ એક તળેટી જેવી જગ્યાએ આવેલું છે. પરંતુ ભૂકંપની તીવ્રતા બહુ વધારે હતી, આથી સુનામીની અસર વધુ થઈ."

નુરયાને કહ્યું, "પાલુમાં મારા સ્વજનો પણ ફસાયેલા છે. બીજા મોજાંએ સર્વનાશ કરી દીધો. આ મોજું લગભગ 20 ફૂટ ઊંચું હતું. પાલુ શહેરની ઓળખ મનાતો પોનુલેલે બ્રિજ પડી ગયો છે. મોટી હૉસ્પિટલ અને સૌથી મોટો મૉલ પણ જમીનદોસ્ત થઈ ગયા છે."

મે 2006માં બનીને તૈયાર થયેલા પોનુલેલે પુલનું નામકરણ સેન્ટ્રલ સુલાવેશીના ગવર્નરના હોદ્દા ઉપર રહેલા અમીનુદ્દીન પોનુલેલેના નામ ઉપરથી કરવામાં આવ્યું હતું.

પોનુલેલે બ્રિજ પાલૂના મુખ્ય જોવાલાયક સ્થળોમાનો એક હતો અને પૂર્વી-પશ્ચિમી ડોંગાલાને જોડતો હતો.

line

હાલની જરૂરિયાતો

ધરાશાયી થયેલા મકાનો

ઇમેજ સ્રોત, EPA

હૈની કાસુમાએ જણાવ્યું કે શહેરમાં ચોખ્ખા પાણીની ભારે અછત થઈ ગઈ છે. શહેરનાં લોકોને ટેન્ટ, બાળકો માટે દૂધ અને દવાઓની તાત્કાલિક જરૂરિયાત છે.

હૈનીના અનુસાર અગાઉના ભૂકંપોમાં જે 'આંગુસ દર્રુસલામ મસ્જિદ'એ સ્થાનિક લોકોને આશરો આપ્યો હતો તે પડી ગઈ છે.

તેમણે જણાવ્યું, "શહેરમાં જે સુપર બજાર છે, લોકો તેને લૂંટી રહ્યાં છે. બચાવ કર્મીઓએ હાથથી કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવા પડે છે. આમાં ઘણો સમય બરબાદ થઈ રહ્યો છે."

ઇન્ડોનેશિયાની આપદા એજન્સીના પ્રમુખ મોહમ્મદ સૌઉગીએ શનિવારે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, "અમારે મોટાં મશીનોની જરૂર છે. જે અમારી તત્કાલ જરૂરિયાત છે. લોકો કાટમાળમાં ફસાયેલા છે. અમારા માણસો અત્યારે ઘટના સ્થળે કામ કરી રહ્યાં છે, પરંતુ હાથથી આટલો બધો કાટમાળ હટાવી શકાય એમ નથી."

ઇન્ડોનેશિયાની સમાચાર એજન્સીઓ મુજબ, પાલુ અને ડોંગાલાની જેમ પોસો, સિગી અને પારિગી જેવા શહેરોમાં સ્થિતિ અત્યંત નાજૂક છે.

બચાવ કાર્યમાં લાગેલી રેડ ક્રોસ સંસ્થાનું અનુમાન છે કે હાલના ભૂકંપ અને સુનામીથી આશરે 16 લાખ લોકો અસરગ્રસ્ત છે.

line

સમાચાર એજન્સીઓ અનુસાર:

- સુલાવેશી દ્વીપ ઉપર ભૂકંપના ઝટકા આવવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે જેને લીધે લોકો ગભરાયેલાં છે.

- લોકો સુધી રાહત પહોંચાડવા માટે ઇન્ડોનેશિયાની સેનાને કામે લગાડવામાં આવી છે.

- સરકારની તત્કાલ સેવા એજન્સીના પ્રવક્તા સુતોપો પૂર્વો નૂગોરોનું કહેવું છે કે પાલુ અને ડોંગાલામાં મરનારાઓની સંખ્યા વધી શકે છે.

- પ્રભાવિત શહેરોના રસ્તાઓ ઉપર હજુ પણ શબો પડ્યાં છે અને મુખ્ય હૉસ્પિટલ ધરાશાયી થવાને લીધે ઘાયલોનો ઇલાજ ટૅન્ટ્સમાં કરવામાં આવી રહ્યો છે.

line

ઇન્ડોનેશિયામાં શા માટે ભૂકંપ આવે છે?

ભૂંકપથી રસ્તાઓ તૂટી ગયા

ઇમેજ સ્રોત, EPA

દુનિયામાં પૃથ્વીની સપાટી ઉપર સક્રિય જ્વાળામુખીઓમાંથી અડધા આ જ વિસ્તારમાં સ્થિત છે.

આ જ કારણે આ વિસ્તારને 'રિંગ ઑફ ફાયર' અથવા 'આગનો ગોળો' પણ કહેવામાં આવે છે.

ગત મહિનામાં જ અહીંયા લોમ્બોક દ્વીપ ઉપર આવેલા શક્તિશાળી ભૂકંપમાં 460 વ્યક્તિઓ મૃત્યુ પામ્યાં હતાં.

વર્ષ 2004માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને લીધે પેદા થયેલા સુનામીએ હિન્દ મહાસાગરના કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી જેને કારણે સવા બે લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

જેમાંથી ઇન્ડોનેશિયામાં જ આશરે સવા લાખ જેટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો