શું મૅડિટરેનિઅન ડાયેટ લેવાથી ડિપ્રેશન અટકી શકે?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

મૅડિટરેનિઅન ડાયેટ એટલે કે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશના લોકોનો જે આહાર છે તે ડિપ્રેશન અટકાવવામાં મદદરૂપ બની શકે છે, એવું એક સંશોધન સૂચવે છે.

જોકે, મૅટાબૉલિક મેડિસિન એટલે કે ચયાપચયની પ્રક્રિયા સંબંધી દવાઓના એક નિષ્ણાત જણાવે છે કે આ સંભવિત કડીના સમર્થન માટે વધુ આકરાં, લક્ષ્યાંકિત પરીક્ષણો કરવાં જરૂરી છે.

છેલ્લાં આઠ વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલા 41 અભ્યાસોની સમીક્ષાનાં તારણ 'મોલૅક્યુલર સાઇકિયાટ્રી' પર પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.

છોડ આધારિત ફળો, શાકભાજી, ધાન્ય, માછલી, સૂકોમેવો અને ઑલિવ ઑઇલ તથા અત્યંત ઓછા પ્રમાણમાં માંસ કે ડેરી પ્રોડક્ટ્સનો આહાર મિજાજ જાળવવાના સંદર્ભમાં મદદરૂપ થતો હોવાનું જાણવા મળ્યું છે.

શું તમે આ વાંચ્યું?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ થિયરીનાં પરીક્ષણ માટે અને આહાર વડે ડિપ્રેશનનો ઇલાજ શક્ય છે કે કેમ તે જાણવા વધારે પરીક્ષણો જરૂરી છે.

line

મેડિટરેનિઅન ડાયેટ આટલું આરોગ્યપ્રદ કેમ?

મૅડિટેરિનિયન ભોજનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. કેમિલી લસલ્લેએ લંડનની યુનિવર્સિટી કોલેજમાંના તેમના સાથીઓ જોડે આ વિશ્લેષણ કર્યું હતું.

ડૉ. કેમિલી લસસ્સેએ જણાવ્યું હતું કે આપણે જે આહાર લઈએ છીએ તે ડિપ્રેશનનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે એ વિચારને સમર્થન આપતા પુરાવા મળ્યા છે, પણ તેના સજ્જડ ક્લિનિકલ પુરાવા મળવા બાકી છે.

line

મૂડ અને ફૂડ વચ્ચેનો સંબંધ

મૅડિટેરિનિયન ભોજનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આહાર અને મિજાજ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનું થોડું મુશ્કેલીભર્યું છે. તેમાં અન્ય અનેક બાબતો સંકળાયેલી હોઈ શકે છે.

  • ડિપ્રેશનમાં હોય તેવી વ્યક્તિને ખાવાની ઇચ્છા ન થાય અને એ પોતાની જાતની સારી રીતે સંભાળ ન રાખી શકે તેવું બનતું હોય છે.
  • ખુશખુશાલ રહેતા લોકોની જીવનશૈલી સ્વસ્થ હોવાની શક્યતા વધુ છે. દારૂ વ્યક્તિને નિરુત્સાહ બનાવે છે તે જાણીતી હકીકત છે. તેથી વધુ પ્રમાણમાં આલ્કોહોલ ન લેવામાં આવે એ ઇચ્છનીય છે.
  • વધારે પડતો ગળ્યો અને હાઈલી પ્રોસેસ્ડ આહાર ડિપ્રેશનનું જોખમ વધારતો હોય છે. તેનો અર્થ એ થયો કે આવો આહાર લેવાનું બંધ કરવું જોઈએ.

અત્યંત ચુસ્ત રીતે પરીક્ષણ ન થયાં હોવાથી મૅડિટરેનિઅન ડાયેટની અસર કેટલી મોટી હોઈ શકે એ સ્પષ્ટ થયું નથી.

line

'વધુ પરીક્ષણ જરૂરી'

મૅડિટેરિનિયન ભોજનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

યુનિવર્સિટી ઓફ ગ્લાસગો ખાતેના મૅટાબૉલિક મેડિસિનના પ્રોફેસર નાવીદ સત્તારે "ભારે સાવચેતી"ની ભલામણ કરી હતી.

તેમણે કહ્યું હતું, "આરોગ્યપ્રદ આહાર ઘણા કારણોસર સારો હોય છે તે સાચું, પણ વનસ્પતિથી સમૃદ્ધ આહારથી માનસિક આરોગ્ય સુધરે છે એવું કહેતાં પહેલાં વધારે પુરાવા મેળવવા જરૂરી છે."

"આ કડી ખરી પુરવાર કરવાનો એકમાત્ર વિકલ્પ ડિપ્રેશનનું જોખમ હોય તેવા લોકો પર વ્યાપક પરીક્ષણ કરવાનો છે. તેમાં મહેનત બહુ કરવી પડશે, પણ તેવું પરીક્ષણ કરવું જરૂરી છે."

મેન્ટલ-હેલ્થ ચૅરિટી માઇન્ડના સ્ટીફન બક્લીએ જણાવ્યું હતું કે સ્વસ્થ આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને ખાંડ, કેફીન તથા આલ્કોહોલ લેવાના પ્રમાણમાં ઘટાડાની ભલામણ સારી છે.

સ્ટીફન બક્લીએ કહ્યું હતું, "વ્યક્તિ ડિપ્રેશનમાં હોય કે ચિંતાતુર હોય ત્યારે ખુદની તબિયત પર ફોકસ કરવાનું તેના માટે મુશ્કેલ હોય છે અથવા તે ડ્રગ્ઝ અથવા આલ્કોહોલનો આશરો લેતી હોય છે."

"એ સ્થિતિમાં ધ્યાન કરવાથી કે સારવાર લેવાથી વ્યક્તિને રાહત થઈ શકે છે."

પરંપરાગત મૅડિટરેનિઅન ડાયેટ વિશેના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે તેવો આહાર લેવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલમાં વધારા જેવી સમસ્યાનું જોખમ ઘટી શકે છે.

સંશોધકોને એવું પણ જાણવા મળ્યું હતું કે મૅડિટરેનિઅન આહારને ચુસ્ત રીતે વળગી રહેતા લોકો લાંબું જીવતા હોય છે અને તેમનું વજન વધવાની શક્યતા પણ ઓછી હોય છે.

મેડિટરેનિઅન ડાયેટમાં મોટા પ્રમાણમાં શાકભાજી, ફળો, કઠોળ, એકદલ અનાજ અને તેની બીજી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. દાખલા તરીકે - હોલગ્રેઈન બ્રેડ, પાસ્તા અને બ્રાઉન રાઇસ.

પ્રમાણસરની માત્રામાં માછલી, વાઇટ મીટ અને કેટલીક ડેરી પ્રોડક્ટ્સનો પણ તેમાં સમાવેશ થાય છે.

આ બધાનું સંયોજન આરોગ્ય માટે લાભકારી હોય તેવું લાગે છે, પણ મહત્ત્વની એક બાબત તેમાં આરોગ્યપ્રદ ફેટ્સનો સમાવેશ છે.

તમારા માનસિક આરોગ્ય બાબતે ચિંતિત હો તો તમારે તમારા ફેમિલી ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો