શું કોપરેલને ભોજનમાં લેવું ખરેખર હાનિકારક છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી હિંદી ટીમ
- પદ, નવી દિલ્હી
નાળિયરના તેલ (કોપરેલ)ને આહાર તરીકે સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. પરંતુ એક નવા સંશોધનમાં આવેલા તારણોએ કોપરેલ ખાતાં લોકોના મનમાં ચિંતા જગાવી દીધી છે.
કેમ કે, હાર્વર્ડ યુનિવર્સિટીના ટીએચ ચેન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પ્રોફેસર કૈરિન મિશેલ્સનો દાવો છે કે કોપરેલ ભોજન માટે ઉપયોગમાં લેવાતો સૌથી હાનિકારક પદાર્થ છે.
'કોકોનટ ઑઇલ ઍન્ડ ન્યુટ્રિશન એરર' પર એક લેક્ચર આપતી વેળા પ્રો. કૈરિને કોપરેલને એક ઝેરીલો આહાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ફૅટ હોય છે. આથી તે આરોગ્ય માટે ઘણું હાનિકારક છે.
મિશેલનું કહેવું છે કે સૅચ્યૂરેટેડ ફૅટનું વધારે પ્રમાણ શરીરમાં ધમનીઓમાં વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરી શકે છે. જેને પગલે હ્યદય રોગ સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે.

સૅચ્યૂરેટેડ ફૅટનું વધારે પ્રમાણ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક મહિનાઓ પૂર્વે ડૉ. માઇકલ મોસ્લેએ બીબીસી માટે કોપરેલ પર રિસર્ચ કર્યું હતું. તેઓ એક સાયન્સ જર્નાલિસ્ટ છે.
તેમણે સાયન્સ અને મેડિસિન મામલે બીબીસી માટે ઘણું રિસર્ચ કર્યું છે.
કોપરેલ પર કરેલા રિસર્ચમાં મામલે કહ્યું કે, લોકોમાં સામાન્ય ધારણા જોવા મળે છે કે તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
આપને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું કહેવાય છે કે હોલીવૂડ અભિનેત્રી એન્જેલિના જોલી તેમના સવારના નાસ્તામાં કોપરેલ ઉપયોગમાં લે છે.
પરંતુ કોપરેલ લાભદાયી છે કે નહીં તે મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક વૈજ્ઞાનિકો અનુસાર આ તેલ હાનિકારક ફૅટનું વધુ પ્રમાણ ધરાવે છે.
ભારતમાં હૈદરાબાદ સ્થિત નૅશનલ ઇન્સ્ટિયૂટ ઑફ ન્યુટ્રિશન (એનઆઈએન)ના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. અહમદ ઇબ્રાહિમે કોપરેલ વિશે બીબીસીને જણાવ્યું કે, તેમાં લગભગ 90 ટકા જેટલું સૅચ્યુરેટેડ ફૅટ હોય છે.
ડૉ. માઇકલે બીબીસી માટે રિસર્ચ કર્યું હતું તેમાં પણ તેમણે આ જ તારણ આપ્યું.
તેમના અનુસાર તેમાં માખણ કરતાં પણ વધુ ફૅટ હોય છે. કોપરેલમાં તેમણે 86 ટકા ફૅટ હોવાનું તારણ આપ્યું. માખણમાં આ પ્રમાણ 51 ટકા છે.

નુકસાન અને ફાયદો

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ એ છે કે સૅચ્યૂરેટેડ ફૅટ ધરાવતો પદાર્થ ખોરાકમાં લેવાથી શું નુકસાન થઈ શકે?
વૈજ્ઞાનિકો અનુસાર આ ફૅટ શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ બનાવે છે.આ સારું અને ખરાબ બન્ને પ્રકારનું કોલેસ્ટ્રોલ હોય છે. શરીર પર તેની અલગ અલગ અસર થાય છે.
ડૉ. માઇકલ કહે છે, "ખોરાકમાં વધુ પડતું સૅચ્યૂરેટેડ ફૅટ લોહીના પ્રવાહમાં 'લો ડેન્સિટી લિપોપ્રોટીન' (એલડીએલ)નું પ્રમાણ વધારી દે છે. એલડીએલને નુકસાનદાયક કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે."

ઇમેજ સ્રોત, Getty Images
એલડીએલનું પ્રમાણ વધી જતા તે શરીરની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ બનાવવા લાગે છે. આથી લોહીના પ્રવાહમાં અવરોધ સર્જાવાનું શરૂ થઈ જાય છે.
બીજી તરફ આ પ્રકારનું ફૅટ શરીરમાં 'હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન' પણ બનાવે છે અને તે સારું કોલેસ્ટ્રોલ છે. આવું ફૅટ એચડીએલનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.
એચડીએલને એટલા માટે સારું ગણવામાં આવે છે કેમ કે તે શરીરના અન્ય ભાગોના કોલેસ્ટ્રોલને લીવર તરફ લઈ જાય છે.
ત્યાર બાદ લીવર તેને શરીરમાંથી બહાર કાઢી નાખે છે આથી તેનું નુકસાન નથી થતું.

કોપરેલ ખાવું જોઈએ કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અહમદ ઇબ્રાહિમ કહે છે કે કોપરેલ ખાવાની દૃષ્ટિએ કેટલું સ્વાસ્થ્યવર્ધક છે તે વિશે કોઈ વૈજ્ઞાનિક રિસર્ચ થયું નથી.
વળી ડૉ. માઇકલના સંશોધનમાં પણ આવી જ વાત કહેવામાં આવી છે.
બીબીસીએ તેના વિશેષ કાર્યક્રમ Trust Me I' m a Doctor માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીના બે પ્રતિષ્ઠિત પ્રોફેસર કે-ટી ખાં અને નીતા ફોરોહીનો સંપર્ક કર્યો.
આ કાર્યક્રમમાં 50 વર્ષથી 75 વર્ષની ઉંમરના 94 લોકોના ત્રણ ગ્રૂપ બનાવવામાં આવ્યા હતા.
તેમાં એક પણ વ્યક્તિને ડાયાબિટીસ અથવા હૃદયરોગ સંબંધિત બીમારી કે તકલીફ નહોતી.
ત્રણેય ગ્રૂપને ચાર સપ્તાહ સુધી અલગ અલગ પ્રકારનું તેલ ખોરાકમાં આપવામાં આવ્યું.
તેમાં શરત એવી હતી કે દરેક ગ્રૂપે ચાર સપ્તાહ સુધી એક જ પ્રકારનું તેલ ખાવાનું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રયોગમાં જોવા મળ્યું કે, જે ગ્રૂપે માત્ર બટર (માખણ)નું સેવન કર્યું હતું તેમના શરીરમાં નુકસાનકારક કોલેસ્ટ્રોલનું પ્રમાણ 10 ટકા વધી ગયું. તેની સાથે સારું કોલેસ્ટ્રોલ પાંચ ટકા વધી ગયું.
વળી જે ગ્રૂપે ઓલિવ ઑઇલનું સેવન કર્યું તેમનામાં સારા અને ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટ્યું.
પરંતુ સૌથી ચોંકાવનારું તારણ કોપરેલ વિશે જોવા મળ્યું. આ તેલનું સેવન કરનારા લોકોમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે પ્રમાણમાં નહોતું વધ્યું, પરંતુ સારું કોલેસ્ટ્રોલ લગભગ 15 ટકા વધી ગયું.
આથી એમ કહી શકાય કે કોપરેલ હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક છે.
ડૉ. અહમદ ઇબ્રાહિમ જણાવે છે કે, કોપરેલ ઊર્જા માટેનો એક શ્રેષ્ઠ સ્રોત છે. શરીરમાં તે શ્વસનક્રિયાના દરને વધારવામાં પણ મદદ કરે છે.

...તો કોપરેલ હાનિકારક કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
જો કોપરેલ શરીરમાં ઊર્જા વધારે છે અને હૃદય માટે સારું છે, તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની ચર્ચાઓ કેમ ચાલી રહી છે?
ડૉ. અહમદે આ વિશે કહ્યું, "જો કોઈ કોપરેલનું જ સેવન કરે છે, તો સૅચ્યૂરેટેડ ફૅટનું પ્રમાણ વધી શકે છે. આથી અલગ અલગ પ્રકારના તેલનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે."
દક્ષિણ ભારતમાં કોપરેલનું વધુ પ્રમાણમાં સેવન થાય છે. પરંતુ લોકો અન્ય પ્રકારનું તેલ પણ ખોરાકમાં લેતા હોવાથી તે વધુ પ્રમાણમાં નુકસાન નથી કરતું.
બીબીસીના કાર્યક્રમમાં હાથ ધરવામાં આવેલા પ્રયોગના તારણોએ પ્રો. ખાનને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
તેમણે કહ્યું,"મને નથી ખબર કેમ આ પ્રકારના તારણો જોવા મળ્યા. પરંતુ કોપરેલમાં રહેલા સૅચ્યૂરેટેડ ફૅટમાં લૉરિક એસિડ હોવાથી લોહીમાં તેની અસર થતી હોય એવું બની શકે."
સરવાળે કોપરેલ સ્વાસ્થ્યવર્ધક છે કે હાનિકારક તે મામલે કોઈ ચોક્કસ તારણો નથી.
માત્ર નાળિયેરના તેલનું સેવન કરતું રહેવાથી શરીરને અન્ય તત્વોથી દૂર રાખી શકે છે.
અંતમાં પ્રોફેસર ખાનની સલાહ અનુસાર ખોરાકમાં કોપરેલનું સેવન ચાલુ રાખવું તેને સંદતર બંધ ન કરી દેવું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















