ઇન્ડોનેશિયા : કાટમાળમાંથી આવતો 'બચાવો...બચાવો'નો અવાજ

પાલુ શહેરનાં લોકો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પાલુ શહેરનાં લોકો

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીના કારણે પાલૂ શહેરમાં ઇમારતો ધરાશાયી થતાં સંખ્યાબંધ લોકો તેના કાટમાળ નીચે દટાયાં હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ભૂકંપ બાદના આંચકાઓને કારણે હોટેલ અને શૉપિંગસેન્ટરના કાટમાળમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરીમાં અવરોધ ઊભો થયો છે.

બચાવકર્મીઓ મશીનો સાથે બહાર રાહ જોઈ રહ્યા છે. પરંતુ લોકો સુધી પહોંચી શક્યા નથી.

કાટમાળ નીચે ફસાયેલાં કેટલાક લોકોને પાણી અને અન્ન પહોંચાડવામાં સફળતા મળી છે. તેમાંનાં કેટલાક 'બચાવો...બચાવો'ની બૂમો પાડી રહ્યાં છે.

સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધી આ કુદરતી હોનારતમાં 832 લોકોનાં મોત થયાં છે.

'નેશનલ ડિઝાસ્ટર એજન્સી'એ સામૂહિક કબરો તૈયાર કરાવવાની જાહેરાત કરી છે.

રવિવારે ખોદવામાં આવેલી એક સામૂહિક કબરમાં 300 મૃતદેહ દાટવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે અને અસરગ્રસ્ત લોકોને બચાવવા માટે દિવસ-રાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવે એવી ખાત્રી કરી છે.

line

ઘાયલો અને મૃતદેહો સાથેનો ગમગીન માહોલ

રેબેકા હેન્સેકે, બીબીસી ન્યૂઝ, પાલૂ

પાલૂમાં મામ્બોરો હેલ્થ ક્લિનિકની બહાર સ્ટ્રેચર પર એક પાંચ વર્ષની બાળકી સૂઈ રહી છે. તેનો પગ તૂટી ગયો છે. તેના પરિવારનો કોઈ પત્તો નથી.

ડૉક્ટર સેસોનોએ મને કહ્યું કે, "આ બાળકીનો પરિવાર ક્યાં છે તેની જાણકારી નથી. તેને યાદ પણ નથી કે તે ક્યાં રહે છે."

વળી ક્લિનિકમાં વીજળી પણ નથી અને દવાઓની અછત વર્તાઈ રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બાળકની સ્ટ્રેચરથી દૂર મૃતદેહો મૂકવામાં આવ્યા છે. મૃતદેહોનો લાંબો સમયથી નિકાલ નહીં થઈ શક્યો હોવાથી તેમાંથી દુર્ગંધ આવવા લાગી છે.

ડૉ. સેસોનોએ કહ્યું કે, આ કારણે રોગચાળો ન ફેલાય તેથી અમે તેમને સામૂહિક કબરોમાં દાટીશું.

"આ મૃતદેહોમાંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ ગઈ છે. તેમના પરિવારો આવીને ઓળખ કરીને તેમને લઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અમે લાંબો સમય રાહ જોઈ શકીશું નહીં."

એક સમયે માછીમારી માટેનું જાણીતું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. તેમાં ઘણું નુકસાન થયું છે.

line

બચાવ કામગીરી કેટલી મુશ્કેલ છે?

ભૂકંપને કારણે ભેખડો ધસી પડી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ભૂકંપને કારણે ભેખડો ધસી પડી

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર શૉપિંગ મોલના કાટમાળમાંથી મોબાઇલફોનના સિગ્નલ મળી રહ્યા છે અને રોઆ રોઆ હોટેલના કાટમાળમાંથી નીચે દબાયેલા લોકોના બચાવ માટેના અવાજ સંભળાઈ રહ્યા છે.

બચાવ કામગીરીમાં કામ કરી રહેલા એક સ્વંયસેવક થલીબ બવાનોએ એએફપીને જણાવ્યું કે હોટેલના કાટમાળમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢી લેવાઈ છે. હજુ પણ 50 લોકો નીચે દબાયાં હોવાની ભીતિ છે.

પાલુ શહેરમાં થયેલું નુકસાન

ઇમેજ સ્રોત, GRANT DOTULONG

ઇમેજ કૅપ્શન, પાલુ શહેરમાં થયેલું નુકસાન

"કેટલીક જગ્યાએ અમને અવાજ સાંભળવા મળ્યા છે, જેમાં બાળકનો પણ અવાજ સાંભળવા મળ્યો છે."

"તેઓ મદદ માગી રહ્યાં છે. તેમને અમે મોટિવેશન આપવાની કોશિશ કરી રહ્યા છીએ. કેમકે તેઓ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ફસાયેલાં છે."

"અમે તેમને અન્ન અને પાણી આપ્યું પરંતુ તેઓ મદદ માંગી રહ્યાં છે. તેમને બહાર આવવું છે. તેઓ બચાવો..બચાવો..અમે બહાર કાઢો સાથે આક્રંદ કરી રહ્યાં છે."

તદુપરાંત તૂટેલા રસ્તા અને નુકસાન પામેલા ઍરપૉર્ટ તથા ખોરંભાયેલી સંદેશાવ્યવહાર પ્રણાલીને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરતી મદદ મંગાવવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે.

line

અન્ય પડકારો

રાહતકૅમ્પ

ઇમેજ સ્રોત, EPA

સ્થિતિ એવી છે કે બચી ગયેલાં લોકો ખુલ્લાં સ્થળોએ રહી રહ્યાં છે અને તેઓ પોતાના ઘરે જવા માંગે છે. પણ તેમનાં ઘર તબાહ થઈ ગયા છે.

હૉસ્પિટલોને પણ નુકસાન પહોંચ્યું છે આથી લોકોની સારવાર ખુલ્લામાં કરવામાં આવી રહી છે.

એક લશ્કરી હૉસ્પિટલ પણ સ્થાપવામાં આવી છે. લશ્કરે પણ મદદની કામગીરીને વેગ આપવા કમરકસી છે.

line

ઇન્ડોનેશિયામાં ભૂકંપ કેમ આવે છે?

પાલુ શહેરમાં પોનૂલેલે પુલ ધરાશાયી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પાલુ શહેરમાં પોનૂલેલે પુલ ધરાશાયી

વિશ્વમાં પૃથ્વીની સપાટી પર સક્રિય જ્વાળામુખીમાંના મોટાભાગના જ્વાળામુખી આ જ વિસ્તારમાં આવેલા છે.

આથી આ વિસ્તારને 'રિંગ ઑફ ફાયર' અથવા 'આગના ગોળા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગત મહિને અહીં લોમ્બોક દ્વીપ પર આવેલા શક્તિશાળી ભૂકંપમાં 460 લોકોનાં મોત થયાં હતાં.

વર્ષ 2004માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે સર્જાયેલી સુનામીએ હિંદ મહાસાગરના તટ વિસ્તારોમાં મોટી તબાહી મચાવી હતી.

આ કારણે સવા બે લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં. જેમાં સવા લાખ મોત ઇન્ડોનેશિયામાં થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો