'સીઆઈએના ડૉક્ટરોએ મારા પર બળાત્કાર કર્યો હતો', ગ્વાન્ટાનામો કેદીની કડવી વાસ્તવિકતા

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

"સીઆઈએના ડૉક્ટરોએ મારા પર બળાત્કાર કર્યો હતો."

અલ કાયદાના સભ્ય માજીદ ખાને 39 પાનાં ભરીને પોતાના પર શું વીત્યું હતું તે લખીને આપ્યું, તેમાં આવું પણ જણાવ્યું હતું. અમેરિકાના ગ્વાન્ટાનામો ખાતે નૌકાદળના મથકે માજીદ ખાન લગભગ બે દાયકાથી કેદમાં હતો.

ગ્વાન્ટાનામો

ઇમેજ સ્રોત, Getty Images

સાઉદી અરેબિયામાં જન્મેલા અને પાકિસ્તાનમાં ઉછરેલા માજીદને શુક્રવારે 26 વર્ષની જેલની સજા થઈ છે. તેણે ઇસ્લામી ઉદ્દામવાદી જૂથ અલ કાયદાને મદદ કરવાનો ગુનો કબૂલ્યો તે બદલ આ સજા થઈ છે.

જોકે તેણે ગુનાની કબૂલાત સ્વીકારી તેના કરારના ભાગરૂપે તેને પોતાના અનુભવો વાંચી સંભળાવવા માટેની છુટ મળી હતી.

તેમાં તેણે જે જણાવ્યું તેના કારણે પ્રથમ વાર કેદમાં રહેલા આરોપીઓની કેવી હાલત થઈ હતી તે જાહેરમાં નોંધાયું છે. ન્યૂયોર્ક અને પૅન્ટાગોન પર 9/11નો ત્રાસવાદી હુમલો થયો તે પછી જે આતંકવાદીઓને પકડીને કેદમાં રખાયા હતા તેની વાત આ રીતે નોંધાઈ.

"અમેરિકનોએ મને ઍનિમા આપ્યો હતો. મને ખબર નથી એવું શા માટે તેમણે કર્યું, પણ તે બહુ પીડાદાયક હતું. તે લોકોએ હાથથી મારા શરીરને તપાસ્યું હતું અને મારી નગ્નાવસ્થામાં તસવીરો લીધી હતીય કોઈકે મને ડાયપર પહેરાવ્યું હતું અને તેને ડક્ટ ટેપથી બાંધી દીધું હતું," એમ માજીદે હાથે લખેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

માજીક અમેરિકાના બાલ્ટીમોરમાં રહેતો હતો અને તે અલ કાયદા માટે કામ કરવા તૈયાર થઈ ગયો હતો. તેણે અદાલતમાં આ નિવેદન વાંચી સંભળાવ્યું તેમાં જણાવ્યું કે તેને દિવસો સુધી કડીઓમાં બાંધીને રખાયો હતો. કેટલીક વાર તેને લટકાવીને રખાતો હતો. ખાવાનું અપાતું નહોતું કે ક્યારેક વસ્ત્રહિન કરીને રખાતો હતો. કાળ કોટડીમાં બંધ કરી દેવાતો હતો, જેમાં બાથરૂમ પણ ના હોય અને લાઈટ પણ ના હોય અને પછી જોરશોરથી સંગીત વગાડવામાં આવતું હતું.

માજીદે કહ્યું કે "મને બાથરૂમ મળતું નહોતું અને પાણીની બાલદી પણ નહોતી મળી. મને એક ખૂણામાં જ જાજરૂ જવાની ફરજ પડાતી હતી."

અમેરિકાના લશ્કરી અધિકારીઓની બનેલી આઠ સભ્યોની જ્યુરી સામે તેણે પોતાનું નિવેદન વાંચ્યું હતું. જ્યુરીએ બીજા દિવસે ત્રણેક કલાક કરતાં ઓછા સમય માટે ચર્ચા કરી હતી અને પછી તેને ફેબ્રુઆરી 2012માં કરેલા કબૂલાતનામાને આધારે 26 વર્ષની કેદની સજા કરી હતી.

જોકે આ કેદની સજા પ્રતીકાત્મક જ વધારે છે, કેમ કે ખાન અને તેના વકીલોએ પૅન્ટાગોનના સિનિયર અધિકારીઓ સાથે ખાનગીમાં એક કરાર કર્યો છે, જેના આધારે વહેલામાં વહેલા ફેબ્રુઆરી 2022 અથવા મોડામાં મોડા ફેબ્રુઆરી 2025 સુધીમાં તે જેલમાંથી બહાર આવી શકે છે. માજીદે અમેરિકાની સરકારને સહયોગ આપ્યો તે બદલ આવી સમજૂતિ થઈ છે.

2003માં પાકિસ્તાનમાં પકડાયેલા અને અત્યાર સુધી જેલમાં જ રહેલા ખાને કબૂલ્યું કે તે અલ કાયદા માટે કુરિયર તરીકે કામ કરતો હતો.

line

જેલમાં ત્રાસ

ગ્વાન્ટાનામો

ઇમેજ સ્રોત, Getty Images

તેણે જણાવેલી વાતો પ્રમાણે તેને એટલો માર પડતો હતો કે તે તપાસઅધિકારીઓની ઇચ્છા હોય તેવી કબૂલાત કરવા લાગ્યો હતો, "જેથી તેને આ ત્રાસમાંથી છુટકારો મળે."

તે કહે છે, પરંતુ "હું તેમને વધારે સહકાર આપવા લાગ્યો અને કબૂલાતો કરવા લાગ્યો, તેમતેમ મારા પર ત્રાસ વધવા લાગ્યો હતો."

તેણે પોતાના નિવેદનમાં દાવો કર્યો કે તેને બરફ ભરેલા ટબમાં બેસાડી રખાતો હતો.

દિવસો સુધી કડીઓ પહેરાવીને રખાતો હતો અને અમેરિકામાં રહેલા તેના કુટુંબીઓ સામે કામગીરી થશે એવી ધમકીઓથી તે સાવ ગાંડા જેવો થઈ ગયો હતો.

"મને બે દિવસ લટકાવી રાખ્યો, ઊંઘવા જ ના દીધો અને થીજાવી દે તેવી ઠંડીમાં રખાયો તે પછી મને કંઈ ભાનસાન રહ્યું નહોતું. મને ભ્રમણા થયાનું, મોટી ગાય જોયાનું અને વિશાળ ગરોળીઓ જોયાનું લાગતું હતું," એમ તેણે કહ્યું.

તેના નિવેદન પ્રમાણે તેને વારંવાર ઍનીમા અપાતો હતો અને તેના શરીરમાં પદાર્થો ઘૂસાડાતા હતા, તેના કારણે તે સૌથી વધુ પીડા અનુભવતો હતો.

માજીદ પાકિસ્તાનમાં ઉછર્યો હતો અને 16 વર્ષનો હતો ત્યારે અમેરિકા આવ્યો હતો.

તેણે કહ્યું કે અલ કાયદામાં જોડાયો ત્યારે 'પોતે યુવાન, નાદાન, અને ભોળો" હતો અને હવે 41 વર્ષનો થયો છે ત્યારે તે અલ કાયદા અને ત્રાસવાદ બંનેનો નકાર કરે છે.

line

ત્રાસના પડઘા

ગ્વાન્ટાનામો

ઇમેજ સ્રોત, Getty Images

ખાનની સજા આપવામાં આવી તે પછી લશ્કરી જ્યુરી પૈકીના સાત ઊચ્ચ કક્ષાના સૈન્યઅફસરોએ તેના પર થયેલા કથિત ત્રાસની ટીકા કરી હતી.

'ન્યૂયોર્ક ટાઇમ્સે' એક પત્ર હાંસલ કર્યો હતો, જેમાં જ્યુરીમાંના મોટા ભાગના સભ્યોએ ખાનને માફી આપવાની વાત કરી હતી, અને આ અફસરોએ જણાવ્યું હતું કે કેદીઓને અપાયેલો આવો ત્રાસ એ "અમેરિકાના નૈતિક પટલ પર દાઘ" સમાન છે.

જ્યુરીએ જણાવ્યું કે "પૂછપરછ માટેની માન્ય પદ્ધતિઓથી આગળ વધીને ખાનને જે શારીરિક અને માનસિક તકલીફો આપવામાં આવી તે એક પ્રકારનો ત્રાસ હતો."

અફસરોએ એવું પણ કહ્યું કે આ રીતે કેદીઓને ત્રાસ આપવામાં આવે તેના કારણે "ગુપ્ત માહિતી મેળવવાની બાબતમાં ભાગ્યે જ કોઈ વ્યવહારુ ફાયદો થાય, કે અમેરિકાનાં હિતો જાળવવાનો કે બીજો કોઈ ફાયદો ભાગ્યે જ થાય છે."

તેમણે એ વાતની પણ ટીકા કરી કે માજીદને નવ વર્ષ સુધી કોઈ આરોપનામા વિના કેદમાં રખાયો હતો અને પ્રથમ સાડા ચાર વર્ષ સુધી તેને કોઈ વકીલને પણ મળવા દેવાયો નહોતો.

આ સ્થિતિને અફસરોએ "બંધારણનો પાયો જે સિદ્ધાંતો પર નખાયો હતો તેનો તદ્દન ભંગ કરાનારી" ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાથી અમેરિકાના ન્યાયનાં મૂલ્યોને હાની થઈ છે.

line

"આતંક સામે યુદ્ધ"

ગ્વાન્ટાનામો

ઇમેજ સ્રોત, Getty Images

સપ્ટેમ્બર 2001માં અમેરિકા પર ત્રાસવાદી હુમલો થયો તે પછી ઇતિહાસમાં સૌથી મોંઘી અને લાંબી કાર્યવાહી કરાઈ જેને "આંતક સામે યુદ્ધ" તરીકે ઓળખાવાઈ હતી.

સાથી દેશો અને નાટોના સભ્યોના સાથ સાથે આંતરરાષ્ટ્રીય ધોરણે અભિયાનો આદરવામાં આવ્યાં હતા અને તેના કારણે મધ્યપૂર્વના ઘણા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ સાથે જ અમેરિકાએ જેમને 'ત્રાસવાદી જૂથો' તરીકે ગણાવ્યાં હતાં તેના સભ્યો અને વડાઓ સામે પણ કાર્યવાહી થતી રહી.

2000ના દાયકાના શરૂઆતથી જ અલ કાયદા, તાલિબાન અને બીજાં ઉદ્દામવાદી જૂથોના નેતાઓ વિશ્વના 'મોસ્ટ વૉન્ટેડ લિસ્ટ'માં નોંધાવા લાગ્યા હતા.

જાન્યુઆરી 2002માં પ્રથમ કેદી ગ્વાન્ટેનામો લાવવામાં આવ્યો અને તે પછી ધીમેધીમે અહીં કામચલાઉ તૈયાર કરેલી જેલ કેદીઓથી ઊભરાવા લાગી.

ક્યુબા ટાપુના પૂર્વમાં આવેલા આ નૌકાદળના મથકે જ કામચલાઉ જેલ તૈયાર કરી દેવાઈ હતી અને તેમાં દુનિયાના સૌથી ખતરનાક લોકોને પકડીને રાખવામાં આવતા હતા.

જોકે આ કંઈ એક માત્ર જેલ નહોતી. અમેરિકાએ દુનિયાના બીજા દેશોમાં પણ ખાનગી ડિટેન્શન સેન્ટરો ખોલ્યાં હતાં, જ્યાં કેદીઓને અલ કાયદા અને બીજા સંભવિત 'ત્રાસવાદી હુમલા' વિશે માહિતી મેળવવા પૂછપરછ થતી હતી.

તે વખતે બે સાયકોલોજિસ્ટ જૅમ્સ ઈ. મિશેલ અને બ્રૂસ જૅસને સીઆઈને સલાહ આપવાનું શરૂ કર્યું હતું કે કઈ રીતે "પૂછપરછ ટેક્નિકને ધારદાર" બનાવી શકાય.

પૂછપરછની આવી રીતોમાં વારંવાર પાણીમાં ડૂબકીઓ ખવરાવવી, નાના ખોખામાં પુરી દેવા, સાવ અંધારી કોડીમાં પૂરી રાખવા, ઊંઘવા ના દેવા, ખાવાનું ના આપવું, નિર્વસ્ત્ર કરીને રાખવા અને શરીરમાં પદાર્થો દાખલ કરવા જેવી રીતોનો સમાવેશ થતો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો