Inflation : અમેરિકા સહિત વિશ્વના દેશોમાં મોંઘવારી અચાનક કેમ વધી રહી છે?
અમુક અઠવાડિયાં અગાઉની જ આ વાત છે. લાખો ટન સામાન માટે રેકર્ડ સંખ્યામાં જહાજો અમેરિકાના સૌથી વ્યસ્ત બંદર સામે લાઇનમાં ઊભાં હતાં.
એક તરફ અઠવાડિયાથી જહાજ સામાનથી લદાયેલાં કન્ટેઇનર ઊતરવાની રાહ જોઈ રહ્યાં હતાં અને બીજી તરફ દેશની અંદર દુકાનોમાં સામાનની અછત સર્જાઈ રહી હતી. અમેરિકા જેવી જ પરિસ્થિતિ અન્ય દેશોમાં પણ હતી.
આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને ટ્રેડ ઍસોસિયેશનોએ ચેતવણી આપી કે પરિસ્થિતિ સુધરવામાં હજુ વર્ષો લાગી શકે છે.

ઇમેજ સ્રોત, REUTERS/HENRY NICHOLLS
આ અઠવાડિયે દુનિયા-જહાંમાં અમારો પ્રશ્ન એ છે કે સમગ્ર વિશ્વમાં એક જ રીતનો અભાવ કેમ જોવા મળી રહ્યો છે અને સ્થિતિ સામાન્ય થવામાં કેટલો સમય લાગશે. ચર્ચા માટે આપણી સાથે ચાર નિષ્ણાતો છે.
સ્ટેસી રેસગન બર્નસ્ટીન રિસર્ચમાં મૅનેજમૅન્ટ સંચાલક અને વરિષ્ઠ વિશ્લેષક છે. તેઓ અમેરિકાના સેમિકંડક્ટર બજાર પર નજર રાખે છે.
તેમનું કહેવું છે કે વૈશ્વિકસ્તરે એક અલગ પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓની અછતને કારણે નવો સામાન બજારમાં આવી જ નથી રહ્યો અને કિંમતો વધી રહી છે. આની ભારે અસર કારબજાર પર જોવા મળી રહી છે.
તેઓ કહે છે કે, "જો એક નાનાં સેમિકંડક્ટર પણ ઓછાં પડી ગયાં તો કારનું ઉત્પાદન રોકાઈ જશે. ધારો કે એક માઇક્રોકંટ્રોલ ચિપ માત્ર 500 પૈસાની છે, તેમ છતાં તેના વગર તમે 50 હજાર ડૉલરની કાર નથી બનાવી શકતા. આ વર્ષે સેમિકંડક્ટરની અછતના કારણે દસ લાખ કરતાં વધુ કારો ન બની શકી અને ઑટો ઇન્ડસ્ટ્રીને 200 અબજ ડૉલર કરતાં વધુનું નુકસાન વેઠવું પડ્યું."

પુરવઠાતંત્રમાં અવરોધો

ઇમેજ સ્રોત, Getty Images
સેમિકંડક્ટરનું ઉત્પાદન અને ટેસ્ટિંગ મોટા ભાગે તાઇવાન, ચીન, મલેશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને મલેશિયા ખાતે થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જગ્યાઓએ કોવિડ મહામારીના કારણે લદાયેલાં નિયંત્રણોના કારણે ફેકટરીઓ બંધ રહી. બાદમાં કામ ચાલુ થયું તો સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ઉત્પાદનક્ષમતા ઓછી જ રહી.
જોકે, સ્ટેસી કહે છે કે ઉત્પાદનમાં અછતનું સૌથી મોટું કારણ મહામારી નથી, બલકે ઉત્પાદકોએ લીધેલ એક નિર્ણય છે.
તેઓ કહે છે કે, "મહામારી દરમિયાન જ્યારે લૉકડાઉન લગાવાયું તો માગ અચાનક ઓછી થવા લાગી અને ઑટો ઇન્ડસ્ટ્રીએ સેમિકંડક્ટરોના ઑર્ડર કૅન્સલ કરવાનો નિર્ણય લીધો. બાદમાં બજાર ખૂલ્યાં અને કંપનીઓએ ઝડપભેર ઑર્ડર આપવાના શરૂ કર્યા, પરંતુ ત્યાં સુધી ઉત્પાદનક્ષમતા ઘણી ઓછી થઈ ચૂકી હતી."
આ સમસ્યાને મહામારીએ અનેક ગણી વધારી દીધી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્ટેસી અનુસાર, "વર્ક ફ્રૉમ હોમ અને સ્ટડી ફ્રૉમ હોમનું પ્રમાણ વધ્યું અને બજારમાં પર્સનલ કમ્પ્યુટરોની માગ અચાનક વધી. આ સંપૂર્ણ સિસ્ટમ માટે એક ફટકો હતો. 2020માં લગભગ 30 કરોડ પર્સનલ કમ્પ્યુટર વેચાયાં. અંદાજ છે કે 2022 સુધી 34 કરોડ કમ્પ્યુટરોનું વેચાણ થશે અને આ વલણ 2025 સુધી જારી રહેશે. દાયકા દરમિયાન તેનું બજાર સંકુચાઈ રહ્યું હતું પણ મહામારીના કારણે તેમાં અચાનક વધારો થવા લાગ્યો."
સેમિકંડક્ટર ઉત્પાદકોને અંદાજ નહોતો કે એક ડૂબી રહેલ સૅક્ટરમાં માગ આવી રીતે વધી જશે. તેઓ આ ઇન્ડસ્ટ્રી માટે ઉત્પાદન વધારવાની કોશિશ કરી રહ્યા છે. અમુક કંપનીઓ મહામારીથી શીખ લઈને પહેલાંથી જ ચિપ સ્ટોર કરી રહી છે.
સ્ટેસી કહે છે કે, "મહામારીની શરૂઆતથી જ ઉત્પાદન પર અસર પડી અને હાલ પણ બધું સામાન્ય નથી થયું. ઘણી કંપનીઓએ ચિપના ઑર્ડર આપ્યા પછી એક વર્ષ સુધી રાહ જોવી પડી રહી છે. એ પણ સંભવ છે કે સ્થિતિ સુધરવામાં વર્ષ કરતાં પણ વધુ લાગે."
કંપનીઓ સામાન્યપણે સામાન બનાવતાં પહેલાં તે માટે જોઈતી વસ્તુઓ ખરીદવાનું શરૂ કરે છે, તેનાથી સ્ટોરેજ ખર્ચ ઘટે છે. પરંતુ જરૂરિયાતના સમયે કાચો માલ ખરીદવાની રણનીતિ હવે અસરદાર નથી રહી.
વૈશ્વિક મહામારીએ આધુનિક સપ્લાય ચેઇનને અભૂતપૂર્વ સ્વરૂપે જટિલ બનાવી દીધી છે.

કામદારોની સમસ્યા

ઇમેજ સ્રોત, REUTERS/WILLIAM DESHAZER
ડૉક્ટર નેલા રિચર્ડસન એડીપી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રમુખ અર્થશાસ્ત્રી છે. તેઓ કહે છે કે લોકો મહિનાઓથી સામાનની અછત જેવી સ્થિતિ સામે ઝૂઝી રહ્યા છે.
તેઓ કહે છે કે, "મહામારી દરમિયાન રૅશનની દુકાનોમાં સામાનની અછત હતી. દુકાનદાર સીમિત સીમિત પ્રમાણમાં સામાન ખરીદી રહ્યા હતા. હવે લૉકડાઉન ખૂલી રહ્યું છે અને લોકો ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા છે, તેમની માગ વધી રહી છે. પરંતુ હવે કામદારોની અછત છે. ઉત્પાદથી માંડીને સપ્લાય અને ટ્રાન્સપોર્ટથી દુકાન સુધી... દરેક સ્તરે કામદારોની ભારે અછત છે."
પરંતુ, જો કામ રોકાયેલું છે અને કામદારોની જરૂરિયાત છે તો પછી અછત કેમ?
અમુક પ્રકારનાં કામમાં ખાસ કૌશલ્ય કે લાઇસન્સની જરૂરિયાત હોય છે, જેમ કે ટ્રક-ડ્રાઇવિંગ. વૈશ્વિક સ્તરે બેરોજગારોની સંખ્યા જરૂર વધી છે, પરંતુ તમામ લોકો ઉત્પાદન કે પુરવઠાનું કામ નથી કરી શકતા, કારણ કે લાઇસન્સ લેવામાં કે કામ શીખવામાં સમય લાગે છે.

ઇમેજ સ્રોત, Reuters
નેલા કહે છે કે, "તમે લેબર માર્કેટને મોટી અડચણ કહી શકો છો. અમેરિકામાં એક કરોડ કરતાં વધુ પદ ખાલી છે. આ રેકર્ડ સંખ્યા છે. મહામારીની શરૂઆતમાં 77 લાખ લોકોની નોકરીઓ જતી રહી."
"તેમ છતાં કામ કરનારાની અછત છે. વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટના આગમનથી લોકો ગભરાયેલા છે, તેઓ કામ પર પાછા ફરવા માગે છે. લાખો લોકોએ સમય પહેલાં નિવૃત્તિ લઈ લીધી છે, મહામારી ન હોત તો આ લોકો કામ પર હોત."
મહામારીએ મહિલાઓ પર પરિવારની સારસંભાળનો અધિક બોજો નાખ્યો છે, તેઓ પણ કામ પર પાછી નથી ફરી શકી રહી.
ઘણા લોકોએ ઘરે રહીને કામ કરવા જેવી નોકરીઓ પસંદ કરી, કેટલાકે ભોજન બનાવવાની અને હોમ ડિલિવરી જેવાં કામ પસંદ કર્યાં જે લૉકડાઉન દરમિયાન બંધ ન થયાં.
એટલે કે નોકરીઓ તો છે પરંતુ કામ કરનારા લોકો નથી.
નેલા કહે છે કે, "વૈશ્વિક લેબર માર્કેટમાં લોકોના અપ્રવાસન અને સ્થળાંતરણની પણ સમસ્યા છે. દેશોની સીમાઓ બંધ થઈ જવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બંધ થઈ ગયું હતું."
સ્વાસ્થ્ય ચિંતાઓને લઈને નોકરીઓ મૂકવી, નવી નોકરીઓ માટે કૌશલ્યની અછત, જૂના કર્મચારીઓની નિવૃત્તિ અને અપ્રવાસનની સમસ્યા – આ તમામ કોઈને કોઈ સ્તરે કામદારની અછતના કારણે છે. અને એવું નથી લાગતું કે સ્થિતિ જલદી સુધરશે.
તેઓ કહે છે કે, "હજુ જે આંકલન મેં જોયું છે તે અનુસાર આવતા વર્ષે આ સમય દરમિયાન સ્થિતિ સામાન્ય તરફ આગળ વધતી દેખાઈ શકે છે. લોકો પાસેનાં નાણાંમાં વધારો થશે અને લેબર માર્કેટમાં ફરીથી લોકોના આવવાની શરૂઆત થશે."
અમુક જગ્યાઓએ કામદારોનાં નાણાં વધ્યાં છે પણ તેની અસર થતી નથી દેખાઈ રહી. અર્થશાસ્ત્રી માને છે કે પૈસા વધવાથી લેબર માર્કેટમાં સુધારો આવે છે પરંતુ હાલની સ્થિતિ પહેલાં કરતાં અત્યંત અલગ છે.

ક્લાઇમેટ ચેન્જ અને ઉત્પાદન

ઇમેજ સ્રોત, REUTERS/RUPAK DE CHOWDHURI
પાછલા વર્ષે અને આ વર્ષે ધરતીએ મહામારી સિવાય ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોઈ. દુનિયાના ઘણા ભાગોમાં પાક બગડ્યા.
વરસાદ અને તોફાને ભારતમાં શાકભાજીને નુકસાન પહોંચાડ્યું, તો અમેરિકામાં વાવાઝોડાના કારણે કપાસની ખેતી નષ્ટ થઈ. તેમજ બ્રાઝિલમાં કૉફીનો પાક બરફ પડવાના કારણે ખરાબ થયો.
જોસે સેટી ઇન્ટરનેશલ કૉફી ઑર્ગેનાઇઝેશનના કાર્યકારી નિદેશક છે.
તેઓ કહે છે કે, "1840ના દાયકાથી જ બ્રાઝિલ વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર રહ્યું છે. પાછલા વર્ષે અરાબિકા કૉફી ઉગાડનાર વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો અને લગભગ 30 ટકા પાક બરબાદ થયો."
આ વર્ષ બ્રાઝિલમાં અચાનક ભારે બરફવર્ષા થઈ. આ પહેલાં 1975માં ત્યાં હિમવર્ષાથી કૉફીનો અડધોઅડધ પાક નષ્ટ થઈ ગયો હતો.
જોસે કહે છે કે, "1975માં જે થયું તે અત્યંત ભયાનક હતું અને મોટા પાયે થયું હતું. પહેલાં ક્યારેય કોઈએ આવું કંઈ જ થયું હોય તેવું નહોતું સાંભળ્યું. ત્યારબાદ સરકારે કૉફી ખેડૂતોનો આત્મવિશ્વાસ વધાર્યો કે તેઓ ઠંડા દક્ષિણ વિસ્તારના સ્થાને, દેશની ઉત્તર બાજુઓ જાય.
"ત્યારબાદ બ્રાઝિલમાં વધુ હિમવર્ષાના સમાચાર નહોતા સંભળાયા. પરંતુ આ વર્ષે જુલાઈમાં અચાનક ત્રણ વખત ભારે હિમવર્ષા થઈ જેની અસર બજાર પર પડી."
જોસે કહે છે કે કૉફીની કિંમતો બે-ત્રણ વર્ષ સુધી ઘટે તેવી આશા નથી. પરંતુ વસ્તુઓ મોંઘી થવાનું વધુ એક કારણ છે – તે છે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, વિયેતનામના નિકાસકારોએ પાછલા વર્ષે આ પડકારનો સામનો કર્યો.
તેઓ કહે છે કે "મહામારી પહેલાં ઉત્તર અમેરિકા કે પશ્ચિમ યુરોપને એક શિપિંગ કન્ટેઇનર મોકલવાનો ખર્ચ લગભગ 800 ડૉલર થતો હતો. પરંતુ હવે આ ખર્ચ ઓછામાં ઓછો દસ ગણો વધીને આઠ હજારથી દસ હજાર ડૉલર સુધી થઈ ગયો છે."

શિપિંગ સિસ્ટમ પર વધી રહેલ દબાણ

ઇમેજ સ્રોત, EPA/YAHYA ARHAB
એલન મૅક્કિનૉન હૅમબર્ગની કુઇને લૉજિસ્ટિક યુનિવર્સિટીમાં લૉજિસ્ટિક્સના પ્રોફેસર છે. સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની રીતો, ખાસ કરીને શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં તેમને ખાસ રસ છે.
દુનિયાનો મોટા ભાગનો વેપાર સમુદ્રના માર્ગે થાય છે અને તેની અગત્યની કડી છે. માલવાહક જહાજ, જે લાખો ટન સામાન એકથી બીજા દેશમાં પહોંચાડે છે.
પ્રોફેસર એલન કહે છે કે વિશ્વમાં લગભગ 60 મેગા કાર્ગો શિપ છે, પરંતુ તેમના પર લદાયેલ સામાન ઉતારવાના વિકલ્પ ઓછા છે.
તેઓ કહે છે કે, "તમામ બંદરોમાં આટલા મોટ જહાજ પરથી સામાન ઉતારવાની ક્ષમતા નથી. જે બંદર એટલી ક્ષમતા ધરાવે છે તેમને હબ કહેવામાં આવે છે અને વિશાલ કન્ટેઇનર શિપ આ હબ વચ્ચે અવર-જવર કરે છે. ચીનનાં બંદરોથી સામાન અમેરિકા અને યુરોપનાં બંદરો સુધી પહોંચે છે. પછી ત્યાંથી અલગ જગ્યાઓ સુધી અને નાનાં બંદરો સુધી પહોંચે છે."
વેપાર રોકટોક વગર ચાલે તે માટે બંદરોનું કામ કુશળતાપૂર્વક ચાલે તે અત્યંત જરૂરી છે. અને મહામારી પહેલાં સુધી બધું ઠીક હતું.
અમેરિકાના કોઈ પણ હબ બંદર સામે એક પણ જહાજ નહોતું ઊભું રહેતું, પરંતુ પાછલા મહિના અમેરિકાનાં બે બંદરો પર 70 કરતાં વધુ જહાજ માલ ઉતારવા માટે પોતાના વારાની રાહ જોઈ રહ્યાં હતાં, તેમાં મેગા શિપ પણ સામેલ હતી.
પ્રોફેસર એલન કહે છે કે, "મહામારીના કારણે દક્ષિણ ચીન અને અમેરિકામાં ઘણા પ્રકારનાં નિયંત્રણો લદાયેલાં છે. જો જહાજ ડૉક સુધી પહોંચી જાય તો સામાન ઉતારવામાં ઘણો સમય લાગે છે."
"તેમજ જો જમીન પર સપ્લાય ચેઇનને જોઈએ તો અહીં પણ લેબરની અછત છે. ક્યાંક ટ્રક ડ્રાઇવર નથી તો ક્યાંક ગોડાઉન કર્મચારી નથી. આ કારણોને લીધે આંતરરાષ્ટ્રીય વેપાર પ્રભાવિત થયો છે."

ઇમેજ સ્રોત, REUTERS/ROOSEVELT CASSIO
પરંતુ શું ખરેખર આ બધું મહામારીના કારણે જ થયું છે? કે પછી મહામારી પહેલાંથી જ સિસ્ટમમાં રહેલી ખામીઓને માત્ર સામે લાવવાનું કામ કર્યું છે.
તેઓ કહે છે કે, "આને લઈને અગાઉ પણ ફરિયાદો થતી રહી છે કે ન તો મેગા કાર્ગો શિપ માટે મોટાં બંદરોની ક્ષમતા વધારવા માટે રોકાણ કરાઈ રહ્યું છે અને આ બંદરો પર જહોજોની ભીડ સંભાળવા માટે તેનો વિસ્તાર કરાઈ રહ્યો છે. આ સ્થિતિ મહામારી પહેલાં પણ હતી."
જ્યારે મહામારી દરમિયાન લાગેલા પ્રતિબંધો હઠ્યા અને અર્થવ્યવસ્થા પાછી પાટે આવવાની કોશિશ કરવા લાગી તો અચાનક માગ વધવા લાગી.
પ્રોફેસર એલન કહે છે કે, "ઘણી જગ્યાઓએ ખાલી કન્ટેઇનર પડ્યાં છે. લૉકડાઉન દરમિયાન ઘણાં કારખાનાં બંધ થઈ ગયાં હતાં. મહામારીના કારણે કન્ટેઇનર ખાલી કરીને તેમને પાછાં બંદર સુધી પહોંચાડવાના કામમાં અવરોધ પેદા થયો છે જેનાથી આ કન્ટેઇનર ઉત્પાદક દેશ સુધી પહોંચી જ નથી શક્યા."
"મહામારી પહેલાં કન્ટેઇનરને ચીનથી અમેરિકા જઈને પાછાં આવવામાં બે મહિનાનો સમય લાગતો હતો, હવ આમાં ત્રણ મહિના કરતાં વધુનો સમય લાગી રહ્યો છે."

ઇમેજ સ્રોત, REUTERS/HENRY NICHOLLS
એટલે કે સામાનનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે તેથી તેને અન્ય સ્થળોએ પહોંચાડી નથી શકાઈ રહ્યું. નવાં કન્ટેઇનર બનાવીને સમસ્યાનું નિવારણ થઈ શકે છે. પરંતુ તેમાં પણ સમય લાગે છે.
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ છે કે સ્થિતિઓ આવી જ રહી તો સામાનની અવરજવર થવામાં હજુ કેટલો સમય લાગશે.
પ્રોફેસસ એલન અનુસાર, "આશાવાદીઓની માનીએ તો આ વર્ષે ક્રિસમસ બાદથી કે પછી આગલા વર્ષની શરૂઆત સુધી સ્થિતિ સારી થઈ શકે છે, પરંતુ મને લાગ છે કે આવતા વર્ષના મધ્ય ભાગ સુધી આપણે સુધારો જોઈ શકીશું."
હવે પાછા ફરીએ પોતાના પ્રશ્ન પર – સમગ્ર દુનિયામાં આખરે સામાનની અછત કેમ સર્જાઈ રહી છે.
કોવિડ મહામારીની અસર ઉત્પાદન પર પડી છે. સાથે જ ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જે આ વર્ષે પાક બરબાદ કરી નાખ્યા છે.
તેમજ અચાનક વધેલી માગે વૈશ્વિક પુરવઠા ચેઇનની કમજોરીઓને સામે લાવી દીધી છે. બંદર સામાનથી લદાયેલાં જહાજોની કતાર સામે ઝૂઝી રહ્યાં છે તો ઉત્પાદકો માટે ઉત્પાદન અને નિકાસ મુશ્કેલ સમસ્યા તરીકે જળવાઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય ચિંતાઓ અને કામદારોની અછતે આ મુશ્કેલ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
આવનારા સમયમાં આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય વેપારને બહેતર બનાવવાની જરૂરિયાત છે. બલકે ક્લાઇમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દો પર પણ આગમચેતી દાખવીને કામ કરવાની જરૂરિયાત છે.
પ્રોડ્યૂસર- માનસી દાશ


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













