જ્યારે હેરોઇનનો ઉપયોગ ઉધરસના ઇલાજ માટે દવા તરીકે કરાતો હતો
- લેેખક, પિએરિના પિગી બેલ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
18મી સદીના છેલ્લા ગાળામાં પ્રયોગશાળામાં હેરોઇન તૈયાર થયું અને તે પછી થોડાં વર્ષો સુધી તેનો મુખ્ય ઉપયોગ શરદી-ખાંસીના ઇલાજ તરીકે થતો રહ્યો હતો.
આજે 100 વર્ષ પછી હેરોઇનને સૌથી વધુ નશીલો પદાર્થ માનવામાં આવે છે અને તેનું વધારે પડતું સેવન કરવાના કારણે માત્ર અમેરિકામાં જ છેલ્લાં 20 વર્ષમાં 130,000 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
આ કેફી પદાર્થ કેવી રીતે તૈયાર થયો અને શા માટે તેના પર પ્રતિબંધ મૂકવો પડ્યો?

હેરોઇનનું મૂળ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
હેરોઇનનું રાસાયણિક નામ ડાયસિટીલમૉર્ફિન છે.
આની શોધ થયાનો સૌથી જૂનો ઉલ્લેખ છેક 1874માં મળે છે. અંગ્રેજ કેમિસ્ટ સીઆરએ રાઇટે મૉર્ફિનમાંથી તેને છૂટું પાડીને તેનું સિન્થેટિક સ્વરૂપ તૈયાર કર્યું હતું. લંડનની સેન્ટ મેરીઝ હૉસ્પિટલ સ્કૂલ ઑફ મેડિસીનની પ્રયોગશાળામાં તેમણે આ દ્રવ્ય તૈયાર કર્યું હતું.
અમેરિકાની બફેલો યુનિવર્સિટીના પ્રોફેસર અને કેફી દ્રવ્યોના ઇતિહાસના જાણકાર ડેવિડ હર્ઝબર્ગ કહે છે કે તે વખતે, "અફીણ અને અફીણમાંથી બનતા મૉર્ફિનનો ઉપયોગ ઔષધ તરીકે થતો હતો અને તેના કારણે તેની જાણકારી હતી."
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાયકિયાટ્રીના પ્રોફેસર કીથ હમ્ફ્રી બીબીસીને જણાવે છે કે અફીણના આ પદાર્થો નશાકારક છે તેની જાણકારી હતી અને આજેય છે, તેથી તેનો ઉપયોગ "દવા કંપનીઓ પીડાશામક દવા તરીકે કરતી હતી, નશાકારક પદાર્થ તરીકે નહીં."
પ્રારંભમાં ઘણાને લાગેલું કે હેરોઇન ઓછું લત લગાડનારું છે અને તેની આડઅસર ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમિલો હોઝે સેલા યુનિવર્સિટીના ફાર્માકોલૉજીના પ્રોફેસર એલામો ગોન્ઝાલીઝે જૂન 2020માં ધ કન્વર્ઝેશન મૅગેઝિનમાં એક લેખમાં જણાવ્યું હતું તે પ્રમાણે એવું પણ જોવા મળ્યું હતું કે "ટીબીના દર્દીઓને સતત ખાંસી આવતી હતી તેમાં હેરોઇનને કારણે રાહત મળતી હતી અને દર્દીઓ ઊંઘી શકતા હતા."
જોકે હેરોઇનની શોધ થઈ તેના પ્રથમ થોડાં વર્ષો સુધી મેડિકલ જગતના લોકોને તેમાં બહુ રસ પડ્યો નહોતો.
તે પછી છેક 1897માં જર્મનીની દવા કંપની બેયરની પ્રોફેસર હેન્રિક ડ્રેસરની આગેવાની હેઠળની સંશોધન ટીમે મૉર્ફિન અથવા કોકેનની (જે પણ અફીણમાંથી બને છે તેની) જગ્યાએ હેરોઇનનો ઉપયોગ થઈ શકે કે કેમ તેના પ્રયોગો શરૂ કર્યા હતા. બેયરના આર્કાઇવ્ઝના દસ્તાવેજો અનુસાર સંશોધકો શ્વાસોચ્છવાસના દર્દીઓને રાહત આપવા માટે દવા શોધી રહ્યા હતા.
તે ટીમના એક સભ્યે ડાયસિટીલમૉર્ફિન વિશે વિચાર કર્યો અને તેના પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ. બર્લિનમાં બેયર કંપનીએ પ્રથમ પશુઓ પર અને બાદમાં મનુષ્યો પર તેના પ્રયોગો કર્યા.

ઉધરસમાં રાહત

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
પ્રયોગોમાં જોવા મળ્યું કે ડાયસિટીલમૉર્ફિનને કારણે ખાંસીમાં રાહત મળતી હતી અને તેના કારણે તેને "હેરોઇક ડ્રગ" તરીકે ઓળખવામાં આવ્યું હતું.
આ રીતે પ્રયોગો કર્યા પછી 1898માં બેયરે ખાંસી બેસાડનારી દવા તરીકે ડાયમસિટીલમૉર્ફિનને મુખ્ય તત્ત્વ તરીકે રાખીને ઉત્પાદન શરૂ કર્યું અને તેને "હેરોઇન" એવું નામ આપ્યું.
આ દવા 1, 5, 10 અને ગ્રામના પાવડર તરીકે આવતી હતી. બાદમાં તે સિરપ, ટૅબ્લેટ અને અન્ય રીતે પણ આવવા લાગી.
અલામોએ પોતાના લેખમાં લખ્યું છે તે પ્રમાણે આ દવાને "બહુ ઝડપથી સફળતા મળી હતી અને દુનિયાભરમાં તે વપરાવા લાગી હતી."
ટીબી, ન્યુમોનિયા, બ્રૉન્કાઇટિસ વગેરે ક્રોનિક રોગમાં સતત ખાંસી આવતી હોય ત્યાં આના કારણે રાહત મળતી હતી.
બેયરના આર્કાઇવ્ઝ અનુસાર 1899 સુધીમાં બેયર કંપની 20 દેશોમાં હેરોઇન દવા વેચી રહી હતી.
અમેરિકામાં દવાની દુકાને હેરોઇન ડૉક્ટરના પ્રિસ્કિપ્શન વિના સીધી મળતી હતી અને તેના કારણે બાળકો પણ તે લેવા લાગ્યા હતા એમ હર્ઝબર્ગ અને હમ્ફ્રી જણાવે છે.
હકીકતમાં 1914 સુધી હેરોઇન જેવા કેફી પદાર્થો ખરીદવા માટે દર્દીઓને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી નહોતી. તે પછી અમેરિકામાં હેરિસન નાર્કોટિક્સ ઍક્ટ લાગુ પડ્યો હતો.
હમ્ફ્રીએ બીબીસીને જણાવ્યું કે હેરોઇનને માત્ર ખાંસી રોકનાર જ નહીં, પરંતુ "અફીણ તથા દારૂની લતમાંથી છુટકારા માટે પણ" આગળ કરવામાં આવી રહ્યું હતું. જોકે ટૂંક સમયમાં જ ડૉક્ટરોએ આ વિચારને પડતો મૂક્યો હતો.

હેરોઇનને કારણે લત લાગી જવા અંગે શું જણાવાયું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
હેરોઇન દવા તરીકે વેચાવા લાગ્યું ત્યારથી જ સાથે ચેતવણી પણ આવવા લાગી હતી કે હેરોઈન પોતે વ્યસન બની જાય તેવું જોખમ છે.
નોર્થ ફ્લોરિડા યુનિવર્સિટીના પ્રોફેસર એમિટરસ અને ડ્રગ્ઝના ઇતિહાસના જાણકાર ડેવિડ કોર્ટરાઇટે બીબીસીને જણાવ્યું કે 1900થી 1906 સુધીના મેડિકલ પ્રકાશનોમાં "ઘણા બધા લેખો છપાયા હતા, જેમાં આ દવા લત લગાડી શકે છે તેવી ચેતવણી અપાઈ હતી."
હકીકતમાં યેલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના જણાવ્યા અનુસાર, "તબીબો અને ફાર્મસિસ્ટ્સને તરત ખ્યાલ આવી ગયો હતો કે દર્દીઓને આ દવાના વધારે ને વધારે ડોઝની જરૂર પડી રહી હતી અને તે લોકોને તેનું વ્યસન થવા લાગ્યું હતું."
જોકે કોર્ટરાઇટના જણાવ્યા અનુસાર 30 વર્ષ પહેલાં ઓક્સિકોન્ટિનમાં થયું હતું તે રીતે માત્ર ખાંસીમાં રાહત તરીકે જે દર્દીઓએ હેરોઇન લીધું તેમને બહુ ગંભીર વ્યસન થયું નહોતું. ઓક્સિકોન્ટિન પર્ડ્યૂ કંપનીએ તૈયાર કર્યું હતું, જે પણ અફીણમાંથી તૈયાર થતું હતું અને પીડાશામક તરીકે કામ કરતું હતું.
કોર્ટરાઇટ કહે છે, "20મી સદીની શરૂઆતમાં મેડિકલ એડિક્શનના 350 કેસો હતા, જેઓ દવા તરીકે મૉર્ફિન, અફીણ કે હેરોઇન લેતા હતા. તેમાંથી માત્ર છ લોકોને હેરોઇનની લત લાગી ગઈ હતી. આ પ્રમાણ માત્ર 1.7 ટકા જેટલું થયું. વીસમી સદીમાં વધુ વ્યસન મોર્ફિનને કારણે થવા લાગ્યું હતું, કેમ કે તે વધારે બીમારીઓમાં વપરાતું હતું."
હેરોઇન દવા તરીકે લેનારા લોકોને બહુ વ્યસન નહોતું લાગતું તેનું એક કારણ એ પણ હતું કે દવા તરીકે માત્ર એક કે બે મિલિગ્રામ જ આપવામાં આવતું હતું તેમ જાણકારો કહે છે.
કોર્ટરાઇટ કહે છે, "મને ખાતરી છે કે કેટલાકને હેરોઇનની લત લાગી ગઈ હતી, પણ મૉર્ફિનમાં થયા હતા તેટલા વ્યસનીઓ નહોતા થયા."

તો પછી શા માટે હેરોઇન પર પ્રતિબંધ મુકાયો?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો કહે છે કે હેરોઇન "1910ના દાયકામાં ગુનેગારોમાં હેરોઇન બહુ પ્રચલિત બન્યું હતું" તેના કારણે તેના પર પ્રતિબંધ મુકાયો હતો.
કોર્ટરાઇટ કહે છે, "અમેરિકામાં બિનતબીબી કારણોસર હેરોઇનના ઉપયોગનો પ્રથમ ઉલ્લેખ 1910ની આસપાસ મળે છે. તે પછી આ દવા વિવાદાસ્પદ બનવા લાગી હતી".

ગુનાખોરીની દુનિયામાં હેરોઇનનો પ્રવેશ કેવી રીતે થયો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડેવિડ મસ્ટોએ સંપાદિત કરેલા પુસ્તક 'વન હન્ડ્રેડ યર્સ ઑફ હેરોઇન'માં કોર્ટરાઇટે પણ એક પ્રકરણ લખ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે "એવી વાત છે કે જેલમાં કેટલાક કેદીઓને ખાંસી થતી હતી તેને દવા તરીકે હેરોઇન આપવામાં આવ્યું હતું. જેલના કેદીઓમાં વાત ફેલાવા લાગી કે તેમાં મજાનો નશો આવે છે અને તે પછી જેલની બહાર પણ તે વાત ફેલાવા લાગી."
જોકે તેઓ વધુમાં લખે છે કે "જોકે એવું લાગે છે કે હેરોઇનના કારણે નશો થાય છે તે બાબત ઘણા બધા સ્રોતોમાંથી આવી હશે."
તે વખતે કોકેન પણ કાળાબજારમાં પ્રચલિત પણ હતું, પરંતુ તેના કરતાં હેરોઇન સસ્તું પણ પડતું હતું. 1909માં કોકેનની આયાત પર અમેરિકામાં પ્રતિબંધ મુકાયો હતો એટલે તે મળવું પણ મુશ્કેલ બન્યું હતું. તેની સામે હેરોઇન સહેલાઈથી મળતું હતું.
યેલ સ્કૂલ ઑફ મેડિસિનના જણાવ્યા અનુસાર 1912માં ન્યૂ યોર્કમાં યુવાનો મોજ માણવા માટે આ દવાનો ઉપયોગ કરવા લાગ્યા હતા.
હેરોઇન ગેરકાયદે રીતે વેચાવા લાગ્યું હતું તેનાથી પોતાને અળગા રાખવા બેયર કંપનીએ પ્રયાસો કર્યા હતા. જોકે અમેરિકામાં ઘણી હૉસ્પિટલોમાં 1916થી હેરોઇનનો દવા તરીકે ઉપયોગ બંધ થવા લાગ્યો હતો.
1924માં આખરે અમેરિકાની સંસદે હેરોઇન પર પ્રતિબંધ મૂક્યો હતો.
બેયર કંપનીએ મે 1940થી દવા તરીકે હેરોઇનનું ઉત્પાદન પણ બંધ કરી દીધું.
વીસમી સદીમાં બીજા દેશોમાં પણ હેરોઇન પર પ્રતિબંધો મુકાવા લાગ્યા અને આજે હવે દુનિયાના મોટા ભાગના દેશોમાં હેરોઇન ગેરકાયદે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














