ચીનના આ મૉડલમાં મુંબઈ જેવાં શહેરોમાં ભરાતાં પાણીનો ઉકેલ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
તાજેતરમાં ભારે વરસાદને કારણે દક્ષિણ ભારતના મહાનગર ચેન્નાઈમાં જનજીવન ઠપ થઈ ગયું અને કરોડો-અબજો રૂપિયાના નુકસાનનો અંદાજ છે.
ભારે વરસાદને કારણે ચેન્નાઈ ઉપરાંત મુંબઈ, બેંગ્લુરુ જેવાં મહાનગરોમાં જળભરાવની સ્થિતિ સામાન્ય વાત થઈ ગઈ છે.
જો આ શહેરોના ભૂગોળની ઉપર નજર કરવામાં આવે તો એક વાત ઊડીને આંખે વળગે છે.

ઇમેજ સ્રોત, TURENSCAPE
જાણકારોના મતે ચેન્નાઈમાં અનેક તળાવ હતાં, જેના પર દબાણ થવાને કારણે જળસંગ્રહનાં સાધનો વધ્યાં નહીં. મુંબઈમાં મિલોનાં પાણીના તથા અન્ય કુદરતી તળાવ પણ પાણીના વેગને રોકીને તેનો સંગ્રહ કરીને શહેરમાં જળભરાવની સ્થિતિને સંતુલિત કરતાં હતાં.
કૅગ દ્વારા આઈટી સિટી બૅંગ્લુરુમાં તળાવોમાં દબાણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી બાજુ, ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં સ્પન્જ સિટીની વિભાવના વિકસી રહી છે, જેનો હેતુ આધુનિક શહેરોને પૂર અને જળભરાવ જેવી સ્થિતિથી બચાવાનો છે.
જેવી રીતે સ્પન્જ તેનાં છીદ્રો દ્વારા પાણી શોષી લે છે, એવો જ વિચાર આ પ્રકારની ડિઝાઇનનો છે.
ચીનની પ્રતિષ્ઠિત પૅકિંગ યુનિવર્સિટીની આર્કિટેક્ટ તથા લૅન્ડસ્કૅપના ડીન યુ કોંગજિયાનનાં અનેક શહેરોને સ્પન્જ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે, જેથી તે પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિનો સામનો કરી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળપણમાં કોંગજિયાન જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા, ત્યારે થયેલા અનુભવના આધારે તેમને સ્પન્જ સિટીનો વિચાર આવ્યો.
જોકે, સમગ્ર ચીનમાં તેનું અમલીકરણ સરળ ન હતું અને તેમના પર ભ્રષ્ટાચાર તથા 'પશ્ચિમી જાસૂસ'ના આરોપ પણ લાગ્યા હતા.

મોતના મુખમાં સરી ગયા ત્યારે...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વર્ષો પહેલાં યુ કોંગજિયાન માત્ર 10 વર્ષના હતા ત્યારે તેમના ડાંગરના ખેતરમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે ખેતર અને નદી એક થઈ ગયાં. યુ નદીના કિનારા સુધી ધસી ગયા. અચાનક જ તેમના પગ નીચેની સફેદ કળણવાળી જમીન સરકી ગઈ.
કિનારા પરનાં નેતર તથા બરુના કારણે નદીનો વેગ ધીમો પડી ગયો અને તેને પકડીને પોતાનો જીવ બચાવી શક્યા. બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "આજે છે એવી પૂરને અટકાવવા માટેની કૉંક્રિટની દીવાલોવાળી નદી હોત, તો હું ચોક્કસથી બચ્યો ન હોત."
એ દિવસ અને ઘટના માત્ર કોંગજિયાનના જીવન માટે જ નહીં, પરંતુ સમગ્ર ચીનના માટે નિર્ણાયક બની રહેવાની હતી.
ચીનનાં સેંકડો શહેરોમાં પૂરથી બચવા માટે સ્પન્જ સિટીની વિભાવના પ્રચલિત બની છે અને તેમને લાગે છે કે અન્યત્ર પણ તે કામ કરી શકે છે.
જોકે, કેટલાક લોકોના મનમાં આશંકા છે કે જળવાયુ પરિવર્તનને કારણે આવતા ભારે વરસાદ અને પૂરની સામે સ્પન્જ સિટી ટકી શકશે કે કેમ.

સ્પન્જ સિટીની ત્રણ વાતો

ઇમેજ સ્રોત, YU KONGJIAN
'પૂરથી ડરવાના બદલે આપણે તેનો સ્વીકાર કરીએ તો?' એ પ્રો. કોંગજિયાનના સ્પન્જ સિટીના વિચારના કેન્દ્રમાં છે. હાલની પૂરનિયંત્રણ વ્યવસ્થામાં પાઇપ નાખવામાં આવે છે તથા પાણીના નિકાલ માટે ગટરો બનાવવામાં આવે છે જે શક્ય એટલું ઝડપથી પાણીનો નિકાલ કરે છે. અથવા તો નદીઓની ફરતે કૉંક્રિટની દીવાલો (જેમ કે, અમદાવાદ કે સુરતના રિવરફ્રન્ટ) બનાવવામાં આવે છે, જેથી કરીને તેનું પાણી વહેતું રહે અને છલકાય નહીં.
પરંતુ સ્પન્જ સિટીમાં આથી વિપરીત કરવામાં આવે છે અને વરસાદને શોષવાનો પ્રયાસ કરવામાં આવે છે અને પાણીના વેગને ધીમો પાડી દે છે.
તે ત્રણ બાબતની પર કામ કરે છે. પહેલું કામ સ્રોત પર કરે છે. જેમ સ્પન્જમાં અનેક કાણાં હોય છે, તેમ શહેરમાં અનેક તળાવ બંધાવવામાં આવે છે, જે પાણીને સંગ્રહી લે છે.
બીજું કે પાણીપ્રવાહને સીધી અને કૉંક્રિટની દીવાલોને બદલે કળણ તથા વનસ્પતિઓ દ્વારા ધીમો પાડવામાં આવે છે. જેવી રીતે કોંગજિયાનનો જીવ બચ્યો હતો.
આનો વધારાનો લાભ એ છે કે તેનાથી હરિયાળા વિસ્તાર અને પાર્ક ઊભા થાય છે, જ્યાં પ્રાણીઓ વસવાટ કરી શકે છે. તે જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરીને સારાં તત્ત્વો ઉમેરે છે.
ત્રીજું નદી, તળાવ કે દરિયામાં તે ઠલવાય. પ્રો. કોંગજિયાન માને છે કે જળપ્રવાહની સામે પાણી ન બતાડવું જોઈએ. તેઓ કહે છે, "પાણીની સામે લડી ન શકાય, તેને વહેવા જ દેવું પડે."
યુનિવર્સિટી ઑફ સિંગાપોરના ડૉ. નિર્મલ કિસનાનીના કહેવા પ્રમાણે, સ્પન્જ સિટી જેવા કન્સેપ્ટ વિશ્વનાં અન્ય શહેરોમાં પણ જોવા મળે છે, પરંતુ પ્રો. કોંગજિયાનના વિચારમાં કુદરત સાથે સહજીવનની વિચાર પર ભાર મૂકવામાં આવ્યો છે.
"અત્યારે આપણે અળગા થઈ ગયા છીએ... પણ તેની પાછળનો વિચાર એવો છે કે આપણે આપણી જાતને કુદરતના ભાગરૂપ જોવી રહી."
પ્રો. કોંગજિયાનનું બાળપણ પૂર્વ ચીનમાં દરિયાકિનારે આવેલા ઝેજિયાંગમાં વીત્યું. જ્યાં ખેતી માટે ખેતરમાં તળાવ બનાવવામાં આવતા. જેના આધારે જ તેમણે આ ડિઝાઇન તૈયાર કરી છે.
પ્રો. કોંગજિયાનની લૅન્ડસ્કૅપ ડિઝાઇન કંપની તુરેનસ્કૅપને ડિઝાઇન માટે અનેક ઍવૉર્ડ મળ્યા છે.

પશ્ચિમી જાસૂસનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
17 વર્ષની ઉંમરે કોંગજિયાને ચીનની રાજધાની બીજિંગમાં આર્કિટેક્ચરના કોર્ષમાં પ્રવેશ મેળવ્યો, ત્યારબાદ ડિઝાઇનિંગનો અભ્યાસ કરવા માટે હાવર્ડમાં પ્રવેશ મેળવ્યો.
1997માં તેઓ ચીન પરત ફર્યા, ત્યારે ત્યાં મોટા પાયે બાંધકામની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જે અદ્યપિપર્યંત ચાલી રહી છે.
પ્રો. કોંગજિયાનને તે બધું નિર્જીવ અને શુષ્ક જણાયું. તેઓ પરંપરાગત ચાઇનિઝ કૉન્સેપ્ટ પર ડિઝાઇન કરવા માગતા હતા.
તેમને લાગે છે કે ચીનના દરિયાકિનારાનાં શહેરોમાં જેવું વાતાવરણ છે, એવું વાતાવરણ જણાવતાં અનેક શહેરોએ વિકાસ માટે જે મૉડલ અપનાવ્યું છે, તે ટકાઉ નથી.
પ્રો. કોંગજિયાન કહે છે, "આ શહેરોએ યુરોપિયન દેશોના માળખાકીય અને વિકાસના મોડલ અપનાવ્યા છે. તે પશ્ચિમના સંસ્થાનવાદી મોડલ છે એટલે નિષ્ફળ રહેવાની શક્યતા છે. ત્યાંની ટેકનિક અહીં ચાલી ન શકે."
ચીનમાં થ્રી ગોર્જિસ ડૅમને રાષ્ટ્રીય ગર્વ તરીકે જોવા માગે છે, જેની પણ પ્રો. કોંગજિયાને ટીકા કરી હતી. જેના કારણે સત્તામાં રહેલા કેટલાક લોકો તેમના પર ગિન્નાઈ ગયા હતા અને તેમને 'પશ્ચિમના જાસૂસ' અને ગદ્દાર ઠેરવી દીધા હતા. તેમની હાવર્ડની પૃષ્ઠભૂમિએ આરોપ મૂકવા સરળ બનાવી દીધા.
પ્રો. કોંગજિયાન ખુદને સાંસ્કૃતિક ક્રાંતિનું સંતાન માને છે અને પોતાની પરના આરોપોને હસી કાઢતા કહે છે, "હું પશ્ચિમી નહીં, ચાઇનીઝ પરંપરાવાદી છું. અમારી પાસે હજારો વર્ષોનો અનુભવ છે. અમારી પાસે જે ઉકેલ છે, તેને અવગણી ન શકાય. આપણે ચાઇનીઝ પદ્ધતિને અનુસરવી જ રહી."
તાજેતરનાં વર્ષોમાં બીજિંગ તથા કોરોના વાઇરસના ઉદ્દભવબિંદુ એવા વુહાનમાં આવેલા પૂરને કારણે ચીનમાં સત્તામાં ઉચ્ચપદો પર બેઠેલા લોકો નવેસરથી વિચારવા મજબૂર બન્યા અને પ્રો. કોંગજિયાનના વિચારની મીડિયામાં ચર્ચાને કારણે તેમનું ધ્યાન સ્પન્જ સિટી તરફ ખેંચાયું છે.
2015માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વિચાર પર મંજૂરીની મહોર મારી એટલે કરોડો યુઆનનો પ્રોજેક્ટ શરૂ થયો. જે મુજબ 2030 સુધીમાં ચીનના 80 ટકા મ્યુનિસિપલ કૉર્પોરેશન હદવિસ્તારમાં સ્પન્જ સિટીનાં તત્ત્વોને સામેલ કરવામાં આવશે અને વરસાદના 70 ટકા પાણીને રિસાઇકલ કરવામાં આવશે.

રામબાણ ઇલાજ છે ?

ઇમેજ સ્રોત, TURENSCAPE
વિજ્ઞાનીઓનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે પુષ્કળ વરસાદ પડી રહ્યો છે તથા અનેક શહેરો તેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
તેમની આગાહી છે કે ભવિષ્યમાં વરસાદ વધુ ભયાનક અને ભારે હશે. ત્યારે શું સ્પન્જ સિટીમાં તેનો ઉકેલ સમાયેલો છે?
બધા વિજ્ઞાનીઓ તેની સાથે સહમત નથી થતા. નૉટિંગહામ નિનબો યુનિવર્સિટીમાં પૂરનિષ્ણાત ફેઇથ ચાનના કહેવા પ્રમાણે, "હળવા કે ઓછા વરસાદવાળાં શહેરો માટે સ્પન્જ સિટીનો વિચાર યોગ્ય હોઈ શકે છે, પરંતુ જ્યાં એકદમ ભારે હવામાન જોવા મળી રહ્યું છે, તેને માટે આપણે ડ્રૅનેજ લાઇનપાઇપ અને ટૅન્કનો ઉપયોગ કરવો જ રહ્યો."
ચાન કહે છે કે અનેક શહેરોમાં જમીન ખૂબ જ મોંઘી છે, ત્યારે પ્રો. કોંગજિયાનના વિચારોને અમલ કરવા માટે પૂરતી જમીન ઉપલબ્ધ ન પણ હોય. અબજો યુઆનનો ખર્ચ કરવા છતાં ચીનમાં ભયાનક પૂર જોવાં મળી રહ્યાં છે.
યુએનના અનુમાન પ્રમાણે, ગત ઉનાળા દરમિયાન ચીનમાં પડેલા વરસાદને કારણે લગભગ 400 લોકોનાં મૃત્યુ થયાં, એક કરોડ 40 લાખ લોકોને અસર પહોંચી તથા 22 અબજ ડૉલર જેટલું આર્થિક નુકસાન થયું.

ઇમેજ સ્રોત, TURENSCAPE
પ્રો. કોંગજિયાન માને છે કે ચાઇનીઝ જ્ઞાન ખોટું ન નીવડી શકે તેનો સ્થાનિકસ્તરે યોગ્ય અમલ નહોતો થયો.
ગ્વાંગઝોનું પૂર તેનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં શહેરનાં તળાવોને પૂરી દેવાયાં હતાં અને તેના કારણે પાણી અટકાવી ન શકાયું અને જ્યારે તે કૉંક્રિટના ડ્રેનમાંથી પસાર થયું, ત્યારે તેનો વેગ પ્રબળ હતો.
તેઓ માને છે કે સ્પન્જ સિટી પૂરની પરિસ્થિતિને પહોંચી વળી શકે અને જો તે એમ ન કરી શકે, તો તે સ્પન્જ સિટી નથી.
તેઓ માને છે કે ઇન્ડોનેશિયા, મલેશિયા અને બાંગ્લાદેશ જેવા છાશવારે પૂરની સમસ્યાનો સામનો કરતા દેશોમાં સ્પન્જ સિટીનો વિચાર કામ આવી શકે છે. રશિયા, યુએસ તથા સિંગાપોરમાં અમુક શહેરોમાં તેનો અમલ થઈ રહ્યો છે.
પ્રો. કોંગજિયાનનો દાવો છે કે સ્પન્જ સિટીમાં કૉંક્રિટ મૉડલની સરખામણીમાં ચોથા ભાગનો ખર્ચ આવે છે.
તેઓ કહે છે કે પૂરને નિયંત્રિત કરવા માટે કૉંક્રિટનો ઉપયોગ કરવો એટલે "તરસને છીપાવવા માટે ઝેર પીવું. જે ટૂંકી દૃષ્ટિ છે. આપણે વાતાવરણ સાથે રહેતા શીખવું રહ્યું. જો તેઓ મારા ઉકેલની પર અમલ નહીં કરે, તો નિષ્ફળ રહેશે."
આ લેખ બીબીસી ન્યૂઝના ટેસા વૉંગના લેખના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













