ગઢચિરૌલી ઍન્કાઉન્ટર : માઓવાદી કમાન્ડર મિલિંદ તેલતુંબડેના મૃત્યુની પુષ્ટિ થઈ
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્રના આદિવાસી બહુમતિવાળા ગઢચિરૌલી જિલ્લાના ધાનોરા વિસ્તારમાં મહારાષ્ટ્ર પોલીસની વિશેષ ટીમ C-60 અને માઓવાદી વચ્ચે થયેલા ઘર્ષણમાં ઓછામાં ઓછા 26 માઓવાદીઓનાં મૃત્યુની પુષ્ટિ ગઢચિરૌલીના એસ. પી. અંકિત ગોયલે કરી છે.
ગઢચિરૌલી પોલીસે બીબીસી હિંદીને આ હુમલામાં માઓવાદી કમાન્ડર મિલિંદ તેલતુંબડેનું પણ મૃત્યુ થયું હોવાનું જણાવ્યું છે.

ગઢચિરૌલી પોલીસ દ્વારા શૅર કરાયેલી સૂચિમાં 26 માઓવાદીઓનાં નામ સાર્વજનિક કરાયાં છે. જેમાં 50 લાખનું ઇનામ ધરાવનાર કમાન્ડર તેલતુંબડેનું પણ નામ છે.
આ યાદીમાં જણાવાયું છે કે ઘર્ષણમાં 10 પુરુષો અને છ મહિલા માઓવાદીઓનાં મૃત્યુ થયાં છે.
ગઢચિરૌલીના પોલીસ અધીક્ષક અંકિત ગોયલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "ઘર્ષણ સવારના છ વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું."
તેમનું કહેવું હતું કે થોડી થોડી વારે ગોળીબાર થતો રહ્યો અને હવે અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેટલા માઓવાદી હતા.
કેટલાકના મૃતદેહ લઈને નાસી છૂટવામાં અન્ય માઓવાદી સફળ રહ્યા. ગોયલનું કહેવું હતું કે ઘટનાસ્થળે જંગલમાં દૂર-દૂર સુધી લોહીનાં નિશાન છે, જેના કારણે મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા માઓવાદીઓને અન્ય ઢસડીને લઈ ગયા છે.
તેમણે કહ્યું કે તેમની શોધ માટે સઘન અભિયાન જારી છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓ વિશે જણાવતાં ગોયલ કહે છે કે સમય રહેતાં તેમને હેલિકૉપ્ટરથી નાગપુર મોકલી શકાયા અને હવે તેઓ ખતરાથી બહાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

માઓવાદી કમાન્ડર મિલિંદ તેલતુંબડે

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે બીબીસી હિંદીને જે યાદી આપી છે તેમાં મિલિંદ તેલતુંબડેનું નામ પણ સામેલ છે.
પોલીસના અધિકારીઓનું કહેવું છે મહારાષ્ટ્ર પોલીસના C-60ની વિશેષ ટીમને મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં 70 કરતાં પણ વધુ હથિયારબંધ માઓવાદી આવ્યા હોવાની સૂચના મળી હતી.
એવા સમાચાર મળ્યા હતા કે માઓવાદીઓની આ ટીમ કોટગુલ અને ગ્યારાપત્તિનાં ગાઢ જંગલોના વિસ્તારમાં પ્રવેશ્યા છે. C-60ના વિશેષપણે પ્રશિક્ષિત કમાન્ડોએ આ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો હતો.
એક પોલીસ અધિકારીએ ફોન પર બીબીસી થે વાત કરતાં કહ્યું કે ઘર્ષણ સમગ્ર દિવસ ચાલ્યું જે બાદ ઘટનાસ્થળથી "26 હથિયારબંધ અને વરદીવાળા માઓવાદી છાપામારો"ના મૃતદેહ મળી આવ્યા છે.
તેમનું કહેવું છે કે હાલ મૃતદેહોની ઓળખ થઈ રહી છે અને રવિવારે બપોરે જિલ્લાના એસ. પી. એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને સમગ્ર જાણકારી શૅર કરશે. હાલ વિસ્તારમાં 'કૉમ્બિંગ' ઑપરેશન ચલાવાઈ રહ્યું છે જેથી બાકીના માઓવાદીને પડકારી શકાય.
ગઢચિરૌલી પોલીસે છત્તીસગઢના બૉર્ડર ખાતેનાં સ્ટેશનને પણ ઍલર્ટ કરી દેવાયાં છે. છત્તીસગઢ તરફથી પણ સઘન અભિયાન શરૂ કરી દેવાયું છે.
ચર્ચિત માઓવાદી નેતા મિલિંદ તેલતુંબડેને મહારાષ્ટ્ર અને છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં દીપકના નામથી પણ ઓળખાતા હતા.
તેમને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં સહ્યાદ્રીના નામથી પણ ઓળખાય છે.
પોલીસનું કહેવું છે કે તેમનાં અન્ય પણ ઘણાં નામ હતાં, જેમ કે જ્યોતિરાવ અને શ્રીનિવાસ. જુદાજુદા વિસ્તારોમાં તેમને જુદાં જુદાં નામોથી પણ ઓળખવામાં આવતા હતા. તેઓ ભીમા કોરેગાવ મામલાના મુખ્ય આરોપીઓ પૈકી એક આનંદ તેલતુંબડેના ભાઈ છે.
મિલિંદ તેલતુંબડ ભીમા કોરેગાંવ મામલાના આરોપી હતા. મિલિંદ તેલતુંબડેનાં પત્ની એન્જલા સોંતાકે પર પણ પોલીસવાળાની હત્યાના ઘણા આરોપ છે અને તેઓ હાલ જામીન પર બહાર છે.
પોલીસનું કહેવું છે કે જ્યારે જંગલોમાં ચાલી રહેલા અભિયાન ખતમ થઈ જશે તે બાદ મૃત્યુ પામેલા માઓવાદીઓના મૃતદેહોની ઓળખ અને પોસ્ટમૉર્ટમ કરાવાશે.

શું છે C-60?

ગોરીલ્લા રણનીતિનો મુકાબલો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસે એક વિશેષ દળની રચના કરાઈ, જેમાં સ્થાનિક જનજાતિને સામેલ કરાઈ.
1992માં બનેલા આ વિશેષ દળમાં 60 સ્થાનિક જનજાતિ સમૂહના લોકો સામેલ કરાયા. ધીરેધીરે દળની તાકાત વધતી ગઈ અને નક્સલીઓ વિરુદ્ધ તેમનાં ઑપરેશન વધતાં ગયાં.
દળમાં સામેલ જનજાતિ સમૂહના લોકોને સ્થાનિક જાણકારી, ભાષા અને સંસ્કૃતિની જાણકારીને કારણે તેઓ ગોરીલ્લા લડવૈયાઓ સામે પડકાર બની શકે છે.
2014, 2015 અને 206માં C-60ના કમાન્ડોને ઘણાં ઑપરેશનોમાં સફળતા હાંસલ થઈ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












