રશિયા-યુક્રેન સંકટ : શું છે ફૉલ્સ ફ્લૅગ અભિયાન જેને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી છે
પૂર્વીય યુક્રેનમાં વધતા જતા સંઘર્ષ વચ્ચે બ્રિટન અને અમેરિકાએ શંકા વ્યક્ત કરી છે કે રશિયા "ફૉલ્સ ફ્લૅગ" હુમલાની યોજના ઘડી રહ્યું છે જેથી એ આક્રમણ કરે અને એ માટે દોષનો ટોપલો બીજા પર ઢોળી શકે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર અમેરિકાએ ચેતવણી આપી છે કે રશિયા જાણીબૂઝીને "ફૉલ્સ ફ્લૅગ અભિયાન" કરી શકે છે, જેનાથી યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો સૈન્યસંઘર્ષ શરૂ થવાનું જોખમ છે.

ઇમેજ સ્રોત, Reuters
ફૉલ્સ ફ્લૅગ કોઈ એવી રાજકીય કે સૈનિક કાર્યવાહીને કહેવામાં આવે છે જે પોતાના દુશ્મનોને એના માટે દોષિત ઠરાવવાની મહેચ્છાથી કરવામાં આવે છે.
નાટોના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટનબર્ગે મ્યુનિચ સુરક્ષાસંમેલનમાં કહ્યું છે કે સૈન્ય યુદ્ધ અભ્યાસના નામે રશિયા જે રીતે યુક્રેનને અડીને આવેલી સરહદ પર મોટા જથ્થામાં સૈનિકો અને સૈન્ય-સરંજામ એકઠો કરી રહ્યું છે તે યુદ્ધના અભ્યાસ માટે જરૂરી હોય એના કરતાં ઘણો વધારે છે.
બીજી તરફ રશિયા સમર્થિત અલગાવવાદીઓ અગાઉ યુક્રેનના સૈન્ય પર શંકાસ્પદ હુમલા કરવાનો આરોપ મૂકી ચૂક્યા છે અને હવે આ કબજાવાળા ક્ષેત્રમાંથી લોકોને નીકળી જવાની અપીલ કરી રહ્યા છે.

ફૉલ્સ ફ્લૅગ હુમલો શું હોય છે?
ફૉલ્સ ફ્લૅગ એવી રાજકીય કે સૈન્ય કાર્યવાહી હોય છે જેના હેઠળ જાણબૂઝીને અપ્રત્યક્ષરૂપે (છૂપાં) પગલાં ભરવામાં આવે છે, જેથી હુમલો કરવાની સ્થિતિ ઊભી થાય તો એ માટે પોતાના વિરોધીઓને દોષિત ઠરાવી શકાય.
ઘણા દેશોએ આ પ્રકારની વ્યૂહરચના અપનાવી છે. જેના અંતર્ગત એ દેશ પોતાના પર હુમલો થયાનું નાટક કરે છે અથવા પોતાના પર જ સાચેસાચો હુમલો કરાવે છે, અને પછી આરોપ કરે છે કે દુશ્મને આવું કર્યું. એ બહાને દેશોને યુદ્ધ શરૂ કરવાની તક મળી જાય છે.
પહેલી વાર આ શબ્દનો ઉપયોગ સોળમી સદીમાં કરવામાં આવ્યો હતો. એ સમયે એના દ્વારા એવું દર્શાવવામાં આવેલું કે કઈ રીતે સુમદ્રી લૂટારુંઓએ એક મિત્ર દેશનો ઝંડો લહેરાવ્યો જેથી બીજા મર્ચન્ટ જહાજ એમની પાસે પહોંચી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૉલ્સ ફ્લૅગ હુમલાનો એક દીર્ઘ અને કાળો ઇતિહાસ છે.

પોલૅન્ડ પર જર્મનીનો હુમલો
જર્મનીએ પોલૅન્ડ પર હુમલો કર્યો એની એક રાત પહેલાં, પોલિશ હોવાનું નાટક કરીને સાત જર્મન એએસ સૈનિકોએ પોલૅન્ડ સાથે જોડતી સરહદ પાસે જર્મન ક્ષેત્રમાં ગ્લીવિટ્ઝ રેડિયો ટાવર પર છાપો માર્યો. આ સૈનિકોએ એક નાનો સંદેશ પ્રસારિત કર્યો કે આ સ્ટેશન હવે પોલૅન્ડના કબજામાં છે.
રેડિયો સ્ટેશનમાં સૈનિકોએ એક નાગરિકનું શબ પોલૅન્ડના સૈનિકની વર્દી પહેરાવીને મૂકી દીધું, જેથી એવું લાગે કે હુમલો કરાયો એમાં એ મરાયા હતા.
બીજા દિવસે એડોલ્ફ હીટલરે પોલૅન્ડ પરના હુમલાને યોગ્ય ગણાવવા માટે ગ્લીવિટ્ઝ હુમલો અને એ પ્રકારની બીજી ઘટનાઓનો આધાર ટાંકીને એક ભાષણ કર્યું હતું.

રશિયા-ફિનલૅન્ડ વચ્ચે 1939ના યુદ્ધની શરૂઆત
એ જ વર્ષે રશિયાના ગામ મૅનિલામાં બૉમ્બાર્ડિંગ શરૂ થઈ ગયું. એ ગામ ફિનલૅન્ડની સરહદને અડીને હતું. સોવિયત સંઘે આ હુમલાનો ઉપયોગ ફિનલૅન્ડ સાથે પોતાની શાંતિસમજૂતીને તોડવા માટે કર્યો અને ત્યારથી જ બંને દેશ વચ્ચે શીતકાલીન યુદ્ધની શરૂઆત થઈ.
ઇતિહાસકારો હવે એવા તારણ પર આવ્યા છે કે ગામમાં ફિનલૅન્ડની સેનાએ બૉમ્બાર્ડિંગ નહોતું કર્યું, બલકે સોવિયતના એનકેવીડી રાજ્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
સોવિયત સંઘના પહેલા રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને ઈ.સ. 1994માં સ્વીકાર્યું કે શીતકાલીન યુદ્ધ સોવિયત આક્રમણનું યુદ્ધ હતું.

ટોંકિનની ખાડીમાં થયેલું યુદ્ધ, 1964

ઇમેજ સ્રોત, UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
બીજી ઑગસ્ટ, 1964એ વિયેતનામના કાંઠાથી દૂર ટોંકિન ખાડીમાં એક અમેરિકન વિધ્વંસક અને ઉત્તર વિયેતનામી ટૉર્પીડો (જલ-પ્રક્ષેપાસ્ત્ર) જહાજો વચ્ચે સામુદ્રિક યુદ્ધ થયું હતું.
એ યુદ્ધમાં બંને પક્ષોનાં જહાજોને નુકસાન થયું હતું અને ઉત્તર વિયેતનામના ચાર લોકો મરાયા હતા. એ ઉપરાંત અન્ય છ લોકો ઘાયલ થયા હતા.
અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ દાવો કર્યો કે બે દિવસ પછી એવું જ એક બીજું યુદ્ધ થયું હતું.
જોકે, હવે એવું માનવામાં આવે છે કે ઉત્તર વિયેતનામ તરફથી ક્યારેય બીજો હુમલો કરવામાં નહોતો આવ્યો.
અમેરિકાની નૌકાસેનાના વિધ્વંસક જહાજ પરના કૅપ્ટને શરૂઆતમાં જણાવેલું કે એમને દુશ્મનોની ટૉર્પીડો નૌકાઓએ ઘેરી લીધા હતા અને એમના પર ગોળીઓ છોડવામાં આવી હતી. પરંતુ પાછળથી એમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું અને કહ્યું કે ખરાબ હવામાન અને ચોખ્ખું જોઈ ન શકાવાના કારણે તેઓ ખાતરીપૂર્વક ન કહી શકે કે હુમલો કરનારા કોણ હતા.
વર્ષો સુધી ગોપનીય રાખવામાં આવેલા કેટલાક દસ્તાવેજો ઈ.સ. 2005માં સાર્વજનિક કરવામાં આવ્યા. એ દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું કે ઉત્તર વિયેતનામની નૌકાસૈન્ય અમેરિકાનાં જહાજો પર હુમલા નહોતું કરતું, બલકે 2 ઑગસ્ટે ક્ષતિગ્રસ્ત થયેલી બે નૌકાને બચાવવાની કોશિશ કરતું હતું.
જોકે, તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ લિંડન બી. જૉનસન અને એમના વહીવટી તંત્રે એ ઘટના સાથે સંકળાયેલાં પ્રારંભિક બયાનોને વિશ્વસનીય માન્યાં અને સંસદમાં એ ઘટનાને અમેરિકન સૈન્ય પર ઉત્તર વિયેતનામ તરફથી કરાયેલા બે હુમલા તરીકે રજૂ કરવામાં આવ્યા.
ત્યાર બાદ ટોંકિનની ખાડી સાથે સંકળાયેલો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. એ પ્રસ્તાવ દ્વારા રાષ્ટ્રપતિ જૉનસનને ઉત્તર વિયેતનામ પર બૉમ્બાર્ડિંગ અને છાપા મારવાનો આદેશ આપવાની છૂટ મળી ગઈ અને વિયેતનામ યુદ્ધમાં એણે અમેરિકન લશ્કરી ભાગીદારીને પણ ઘણી વધારી દીધી.

ક્રિમિયાના લિટિલ ગ્રીન મૅનની લડાઈ, 2014

ઇમેજ સ્રોત, Reuters
ક્રિમિયા પર રશિયાએ કબજો કર્યાના શરૂઆતના દિવસોમાં એકદમ રશિયન સૈનિકો જેવો જ પોશાક પહેરેલા લોકો રસ્તા પર જોવા મળવા લાગ્યા હતા. એમનાં કપડાં કે વર્દી પર એક પણ રશિયન પ્રતીકચિહ્ન નહોતું.
ક્રેમલિને આ વાત પર ભાર મૂક્યો કે એ લોકો સ્થાનિક આત્મરક્ષા જૂથોના સભ્યો હતા, જેઓ ઇચ્છતા હતા કે આ ક્ષેત્ર પરનો યુક્રેનનો કબજો પાછો ખેંચી લઈને રશિયાને આપી દેવામાં આવે.
ક્રેમલિને એવો દાવો પણ કર્યો હતો કે એ લોકોએ પોતાનાં કપડાં અને ઉપકરણો દુકાનોમાંથી ખરીદ્યાં હતાં.
એ લોકોની વર્દીનો રંગ અને અપ્રમાણિત મૂળને ધ્યાનમાં રાખીને રશિયન પત્રકારોએ એ લોકોને "પોલાઇટ મૅન" (વિનમ્ર પુરુષ) કહ્યા તો બીજી તરફ ક્રિમિયાના સ્થાનિક લોકોએ એમને "લિટલ ગ્રીન મૅન" કહ્યા.

કાશ્મીર સીમા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન ઘણી વાર એકબીજા પર વિવાદિત કાશ્મીર સરહદ પર ફૉલ્સ ફ્લૅગ હુમલા કર્યાના આરોપ કરતાં રહે છે.
ઈ.સ. 2020માં, પાકિસ્તાનના વિદેશમંત્રાલયે ભારતના સૈનિકો પર પોતાની સીમામાં યુએનના સુપવાઇઝરોને લઈને જતા વાહન પર હુમલો કર્યાનો આરોપ કર્યો હતો.
પાકિસ્તાને કહેલું કે ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એ પગલાને "લાપરવાહી"ભર્યું ગણાવ્યું હતું.
જોકે, ભારતે આ બધા આરોપોને નકારતાં કહેલું કે પાકિસ્તાન પોતાના સરહદી વિસ્તારોનું રક્ષણ કરવામાં પણ નિષ્ફળ થઈ રહ્યું છે.




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















