રશિયા અને યુક્રેન : એ પાંચ રીતો જે બંને દેશો વચ્ચેનું યુદ્ધ અટકાવી શકે છે

    • લેેખક, જેમ્સ લેન્ડલ
    • પદ, બીબીસી ડિપ્લોમસી સંવાદદાતા

યુક્રેનમાં લાંબું યુદ્ધ થાય તેવી સ્થિતિ જોખમી બને તેમ છે. રશિયા આક્રમણ કરશે તો હજારોનાં મોત થશે અને લાખોએ હિજરત કરવી પડશે.

રશિયા યુક્રેનની સરહદ ફરતે સેના ખડકતું રહ્યું છે અને પશ્ચિમ ચેતવણી આપી રહ્યું છે કે સરહદ પાર કરવામાં આવશે તો ગંભીર પરિણામો આવશે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રશિયા યુક્રેનની સરહદ ફરતે સેના ખડકતું રહ્યું છે અને પશ્ચિમ ચેતવણી આપી રહ્યું છે કે સરહદ પાર કરવામાં આવશે તો ગંભીર પરિણામો આવશે

આર્થિક નુકસાન થશે અને માનવીય સંકટ બહુ તબાહી કરનારું હશે.

આમ છતાં રશિયા યુક્રેનની સરહદ ફરતે સેના ખડકતું રહ્યું છે અને પશ્ચિમ ચેતવણી આપી રહ્યું છે કે સરહદ પાર કરવામાં આવશે તો ગંભીર પરિણામો આવશે.

તો શું આનો કોઈ રાજદ્વારી ઉકેલ આવે તેમ નથી, જેથી ઘર્ષણ ના થાય અને કાયમી શાંતિમય ઉકેલ આવે?

રાજદ્વારીઓ કહે છે કે આવા "ઉપાયો" છે અને બધા પક્ષો માટે માર્ગ નીકળે તેમ છે, પણ આ માર્ગ સહેલો નથી..

કોઈ સમાધાન થાય તેની કિંમત ચૂકવવી પડશે. અહીં પાંચ એવા ઉકેલોની ચર્ચા છે, જેનાથી યુદ્ધ અને લોહિયાળ પરિણામો ટાળી શકાય તેમ છે.

line

1. પ્રમુખ પુતિનને પીછેહઠ કરવા માટે પશ્ચિમ સમજાવી શકે છે

બંને તરફ જંગની તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંને તરફ જંગની તૈયારી

આ સંભાવના એવી છે કે જો પશ્ચિમના દેશો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મનાવી શકે અને તેમને ગભરાવી શકે કે યુદ્ધની સ્થિતિ તમને બહુ મોંઘી પડી શકે છે તો કદાચ તેઓ પીછેહઠ કરવા તૈયાર થઈ જાય.

માનવીય હાની, આર્થિક પ્રતિબંધો અને રાજદ્વારી રીતે રશિયાને ફટકા પડે તે એટલા ગંભીર હશે કે તમે લશ્કરી રીતે કશુંક હાંસલ કરશો તો પણ સરવાળે તમને નુકસાન જ વધારે થશે.

પશ્ચિમના દેશો તાકિદે યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડશે એવું દેખાડવું જરૂરી છે. આવું થાય તો વર્ષો સુધી લડાઈ લડતી રહેવી પડે અને રશિયા ઘર્ષણના કળણમાં ફસાઈ જાય.

આવી સ્થિતિમાં પોતાના જ દેશમાં લોકપ્રિયતા ઘટી જશે અને તેમના નેતૃત્ત્વ સામે સવાલો ઊભા થશે એવી વાત પુતિનને ગળે ઊતરવી જોઈએ.

આ પરિસ્થિતિમાં પશ્ચિમ એવું પણ કરી શકે છે કે પુતિન રાજદ્વારી રીતે વિજયી પામ્યા છે એવો દેખાવ ઊભો કરે. તેઓ એવી છાપ ઊભી કરી શકે કે નાટોની ઉશ્કેરણી છતાં પોતે શાંતિપ્રિય નેતા જ છે.

રશિયન પ્રમુખ એવો દાવો કરી શકે કે આખરે તેમણે પશ્ચિમને ભાન કરાવ્યું છે કે રશિયાની સલામતી બાબતની ચિંતા પર પશ્ચિમે ધ્યાન આપવું પડે તેમ છે.

રશિયા વિશ્વને એવું બતાવી શકે કે પોતે મહાસત્તા છે અને બેલારુસમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે.

જોકે આ સંભાવનામાં મુશ્કેલી એ છે કે પુતિને પીછેહઠ કરવી પડી છે એવી છાપ ટાળવી મુશ્કેલ બની શકે છે.

તેમના પગલાને કારણે પશ્ચિમ એક થઈ ગયું, નાટોએ પોતાનાં દળોને રશિયાની વધારે નજીક ગોઠવ્યાં અને સ્વિડન અને ફિનલૅન્ડ પણ નાટોમાં જોડાવા વિચારવા લાગ્યા છે તેવી વાત પણ સામે આવી શકે છે.

પુતિન નાટોનું ખરાબ દેખાડવા માગતા હોય અને યુક્રેન પર કબજો કરવા માગતા હોય ત્યારે તેમના માટે કોઈ પીછેહઠ કરવી મુશ્કેલ છે.

line

2. નાટો અને રશિયા વચ્ચે નવી સુરક્ષા સંધિ થાય

પશ્ચિમના દેશોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાના પાયાના સિદ્ધાંતોમાં કોઈ સમાધાન કરવા માગતા નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમના દેશોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાના પાયાના સિદ્ધાંતોમાં કોઈ સમાધાન કરવા માગતા નથી

પશ્ચિમના દેશોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાના પાયાના સિદ્ધાંતોમાં કોઈ સમાધાન કરવા માગતા નથી. એટલે કે યુક્રેનનું સાર્વભૌમત્વ, યુક્રેનનો નાટોમાં જોડાવાનો હક અને પોતાની જોડવા માગનારા દેશો માટે દ્વાર ખુલ્લા રાખવાની નાટોની નીતિમાં કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી.

જોકે અમેરિકા અને નાટોએ એવું કહ્યું છે ખરું કે યુરોપની સલામતીની બાબતમાં એક વ્યાપક સહમતિ ઊભી કરી શકાય છે ખરી.

શસ્ત્રો મર્યાદિત રાખવાનો રદ થઈ ગયેલો કરાર ફરી કરવો અને બંને બાજુ મર્યાદિત સંખ્યામાં જ મિસાઇલ્સ રાખવાની સંધિ પણ ફરીથી થઈ શકે છે. રશિયા અને નાટોનાં દળો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો થઈ શકે છે. ઍન્ટી મિસાઇલ્સ શસ્ત્રોના ટેસ્ટિંગ બાબતમાં વધારે પારદર્શિતા લાવી શકાય છે.

જોકે રશિયાએ સ્પષ્ટતા કરી છે કે આવી બાબતોથી તેમની મૂળભૂત ચિંતા દૂર થવાની નથી. રશિયાની ચિંતા એ છે કે યુક્રેનને નાટોમાં જોડવામાં આવે તો તેનાથી રશિયાની સુરક્ષા સામે જ ચિંતા ઊભી થાય તેમ છે.

જોકે નાટોની મિસાઇલ્સની ગોઠવણીની સંખ્યા મોટા પાયે ઓછી કરવામાં આવે તો કદાચ રશિયાની આ ચિંતા દૂર કરી શકાય છે.

પુતિને પોતાની રીતે આ દિશામાં પ્રયત્નો પણ કર્યા છે. યુરોપના દેશોએ પણ રશિયા સાથે તેની શરતો પ્રમાણે સલામતી અંગે ચર્ચાની તૈયારી દર્શાવી છે.

line

3. યુક્રેન અને રશિયા વચ્ચે મિન્સ્ક કરાર પુનઃજીવિત થાય

ડિસેમ્બર માસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કી પોતાના સૈનિકોને મળવા દરમિયાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બર માસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કી પોતાના સૈનિકોને મળવા દરમિયાન

2014-15માં બેલારુસની રાજધાની મિન્સ્કમાં બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. યુક્રેનની સરકાર અને પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થિત બળવાખોરો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો અંત લાવવા આ કરાર કરાયો હતો.

આ કરાર નિષ્ફળ ગયો છે અને ઘર્ષણ ચાલુ જ રહ્યું છે. જોકે આ કરારથી શસ્ત્રવિરામ માટેની શક્યતા ઊભી થઈ હતી. પશ્ચિમના રાજકારણીઓ પણ કહી રહ્યા છે કે મિન્સ્ક કરાર ફરી અમલમાં આવે તો ઉકેલ આવી શકે છે.

ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુલ મેક્રોન કહે છે કે મિન્સ્ક કરાર "એક માત્ર એવો માર્ગ છે, જે આપણને શાંતિ સ્થાપના સુધી લઈ જઈ શકે."

બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન વૉલેસે બીબીસીને જણાવ્યું કે મિન્સ્ક કરાર "તણાવ ઘટાડવાનો મજબૂત માર્ગ છે".

જોકે કરારની શરતો વિવાદાસ્પદ છે.

રશિયાની માગણી છે કે યુક્રેનમાં સ્થાનિક ચૂંટણીઓ થાય અને રશિયા તરફી રાજકારણીઓને સત્તા મળે. તેની સામે યુક્રેનની માગણી છે કે રશિયાતરફી લડવૈયા પાસે પહેલાં હથિયાર હેઠાં મૂકાવવાં પડે.

વિભાજનવાદીઓના પ્રદેશમાં કેટલી સ્વાયત્તતા આપવી તે બાબતમાં પણ મોટો વિખવાદ રહેલો છે.

કિવના સત્તાધીશોનું કહેવું છે કે અમુક હદ સુધી સ્વશાસન ચાલી શકે છે. મોસ્કો કહે છે આ પ્રદેશોની નેતાગીરીને યુક્રેનની વિદેશનીતિ નક્કી કરવાની તક મળવી જોઈએ. એટલે કે આ નેતાઓ યુક્રેનને નાટોમાં જોડાતું અટકાવી શકે છે.

કિવમાં આ જ બાબતનો ભય છે: મિન્સ્ક કરાર લાગુ કરવામાં આવે તો પછી નાટોનો સભ્ય બનવું તેના માટે શક્ય નહીં રહે. તેથી આ કરાર માટે યુક્રેનમાં સહમતિ થાય તેવું લાગતું નથી.

line

4. ફિનલૅન્ડની જેમ યુક્રેન તટસ્થ રહી શકે

શું અમુક હદે તટસ્થ રહેવા માટે યુક્રેનને સમજાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું અમુક હદે તટસ્થ રહેવા માટે યુક્રેનને સમજાવી શકાય?

શું અમુક હદે તટસ્થ રહેવા માટે યુક્રેનને સમજાવી શકાય?

એવા અહેવાલો પણ હતા કે ફ્રાન્સના રાજદ્વારીઓએ યુક્રેનને સમજાવ્યું હતું કે તમે ફિનલૅન્ડની જેમ તટસ્થ રહી શકો છો, પરંતુ આ અહેવાલોને બાદમાં નકારી દેવાયા હતા.

શીત યુદ્ધ વખતે ફિનલૅન્ડે સત્તાવાર રીતે તટસ્થ નીતિ અપનાવી હતી. ફિનલૅન્ડ સ્વતંત્ર દેશ તરીકે જ રહ્યો છે અને નાટોમાં જોડાયો નથી.

શું આવી તટસ્થતામાં કિવને રસ પડે ખરો? તેનાથી યુદ્ધ ટળી શકે છે અને થિયરીની રીતે રશિયાની માગણી પણ સંતોષાય કે યુક્રેને નાટોમાં જોડાવું નહીં.

પણ કદાચ આ બાબતમાં પણ યુક્રેનમાં સહમતિ થાય તેવું નથી, કેમ કે તટસ્થ રહેવાની સ્થિતિમાં યુક્રેનમાં રશિયાનો પ્રભાવ રહેવાનો છે.

તટસ્થ નીતિનો અમલ કરવો પણ મુશ્કેલ બની શકે છે, કેમ કે શું રશિયા તેને સ્વીકારે ખરું? યુક્રેન માટે આ મોટું સમાધાન કરવા જેવું થશે, કેમ કે તેની ઇચ્છા યુરો-એટલાન્ટિક તરફી બનવાની છે.

સાથે જ તટસ્થ રહે તો યુરોપિયન યુનિયનનું સભ્યપદ પણ જોખમમાં આવી જાય.

line

5. હાલની જ મઠાગાંઠ જળવાઈ રહે

શું એવું થાય ખરું કે હાલની મઠાગાંઢ યથાવત્ રહે, પણ તેની તીવ્રતા સમયાંતરે ઓછી થતી જાય?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શું એવું થાય ખરું કે હાલની મઠાગાંઢ યથાવત્ રહે, પણ તેની તીવ્રતા સમયાંતરે ઓછી થતી જાય?

શું એવું થાય ખરું કે હાલની મઠાગાંઢ યથાવત્ રહે, પણ તેની તીવ્રતા સમયાંતરે ઓછી થતી જાય?

રશિયા ધીમે ધીમે તેના દળોને પાછા બોલાવી શકે અને કહી શકે કે આ માત્ર એક્સરસાઇઝ માટે હતું. જોકે સાથે જ ઘણી લશ્કરી સામગ્રી પાછળ સરહદે ગોઠવી પણ રાખી શકે, જેથી કદાચ જરૂર પડે તો હાજર હોય.

સાથે જ મોસ્કો પૂર્વના ડોનબાસ વિસ્તારના બળવાખોરોને ટેકો પણ આપતું રહે. સામી બાજુ યુક્રેનમાં હાલમાં છે તેવી આર્થિક અને રાજકીય ડામાડોળ સ્થિતિ બની રહે.

સામી બાજુ પશ્ચિમ પૂર્વ યુરોપમાં નાટોની હાજરીને મજબૂત રાખી શકે.

નેતાઓ અને રાજદ્વારીઓ વચ્ચે સમયાંતરે વાટાઘાટો યોજાતી રહે, વાટાઘાટો ચાલતી રહે અને ખાસ કોઈ પ્રગતિ ના થાય તેવું બનતું રહે.

યુક્રેન માટે સંઘર્ષ ચાલતો રહે, પણ તેને પૂર્ણ કક્ષાના યુદ્ધનો સામનો ના કરવો પડે.

ધીમે ધીમે સમાચારોમાં આ ઘર્ષણને સ્થાન ઓછું મળતું થાય અને જૂની સમસ્યા તરીકે લોકો આ વાતને ભૂલવા પણ માંડે.

જોકે આમાંના કોઈ વિકલ્પો સહેલા કે શક્ય લાગતા નથી, કેમ કે તેમાં બંને પક્ષોની પ્રતિબદ્ધતા જોઈએ.

યુક્રેને ચિંતા છે કે સૌથી વધારે નુકસાની તેણે જ ભોગવવી પડશે. સવાલ એટલો જ છે કે કેટલું મોટું નુકસાન થશે અને કેટલી હદે ટાળી શકાશે.

અત્યારે એટલી જ આશા છે કે બધા પક્ષો વાતચીત માટે તૈયાર છે એટલે કદાચ કોઈ માર્ગ નીકળી આવે.

વાટાઘાટો જેટલી વધારે ચાલે તેટલી રાજદ્વારી ઉકેલ માટેની આશા પણ ટકી રહેશે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો