કૉમનવેલ્થ ગેમ્સ 2022 : લવલીના બોરગોહાઈ, પીવી સિંધુ સહિત 215 ખેલાડીઓની છે ભારતીય ટીમ

2018માં કૉમનવેલ્થ ગૅમ્સમાં બજરંગ પુનિયા

ઇમેજ સ્રોત, RYAN PIERSE

ઇમેજ કૅપ્શન, 2018માં કૉમનવેલ્થ ગૅમ્સમાં બજરંગ પુનિયા

ઇંગ્લૅન્ડના બર્મિંઘમમાં આ વર્ષ 28 જુલાઈથી 8 ઑગસ્ટ સુધી કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. ગત કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા સ્થાન પર રહેલા ભારતને આ વર્ષે વધારે સારા પ્રદર્શનની આશા છે.

જાણો કૉમનવેલ્થ ગેમ્સ વિશેની મહત્ત્વની વાતો.

line

કૉમનવેલ્થ ગૅમ્સ શું છે?

કૉમનવેલ્થ ગૅમ્સ એટલે કે રાષ્ટ્રમંડળ રમત એક આંતરરાષ્ટ્રીય રમતગમત સમારોહ છે. તેનું આયોજન દર ચાર વર્ષે થાય છે. કૉમનવેલ્થ ગેમ્સને પોતાનું નામ કૉમનવેલ્થ નેશન્સથી મળ્યું છે.

બ્રિટિશ રાજ અંતર્ગત આવતા દેશો વચ્ચે આ રમતની શરૂઆત થઈ હતી. હવે તે ઑલિમ્પિક, એશિયન ગેમ્સ બાદ ત્રીજી સૌથી મોટી સ્પૉર્ટ્સ ઇવેન્ટ છે.

પહેલી કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન 1930માં કૅનેડાના શહેર હેમિલટનમાં થયું હતું. તે સમયે તેનું નામ બ્રિટિશ ઍમ્પાયર ગેમ્સ હતું.

1954થી 1966 સુધી કૉમનવેલ્થ ગેમ્સને બ્રિટિશ સામ્રાજ્ય અને કૉમનવેલ્થ ગેમ્સ કહેવામાં આવ્યા અને 1970થી 1974 વચ્ચે તેનું નામ બ્રિટન કૉમનવેલ્થ ગેમ્સ રહ્યું. વર્ષ 1978માં આ રમતગમત પ્રતિયોગિતાનું નામ કૉમનેવેલ્થ ગેમ્સ પડ્યું અને અત્યાર સુધી તે આ જ નામે ઓળખાય છે.

line

કૉમનવેલ્થ ગૅમ્સમાં ભારતની ઍન્ટ્રી ક્યારે થઈ?

વર્ષ 1943માં લંડનમાં આયોજિત બ્રિટિશ ઍમ્પાયલ ગૅમ્સ માટે તૈયાર કરતા ત્રણ દક્ષિણ આફ્રિકી ખેલાડી

ઇમેજ સ્રોત, HUDSON

ઇમેજ કૅપ્શન, વર્ષ 1943માં લંડનમાં આયોજિત બ્રિટિશ ઍમ્પાયલ ગૅમ્સ માટે તૈયાર કરતા ત્રણ દક્ષિણ આફ્રિકી ખેલાડી

1934માં બીજા કૉમેનવેલ્થ ગેમ્સ એટલે કે બ્રિટિશ ઍમ્પાયર ગેમ્સનું આયોજન લંડનમાં થયું હતું. આ આવૃત્તિમાં ભારત સહિત કુલ 16 દેશોના 500 ઍથ્લીટ્સે ભાગ લીધો હતો. જોકે, ભારત બ્રિટિશ ઝંડા હેઠળ રમ્યું કેમ કે ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું.

ભારતે માત્ર બે સ્પર્ધા કુશ્તી અને ઍથ્લેટિક્સમાં ભાગ લીધો હતો. 17 દેશો વચ્ચે ભારતે એક કાંસ્યપદક સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું અને તે 12મા એટલે કે છેલ્લા સ્થાને રહ્યું હતું. પુરુષો માટે 74 કિલોગ્રામ વર્ગવાળી આ સ્પર્ધામાં રાશિદ અનવરે ભારતને કાંસ્યપદક અપાવ્યો હતો.

line

કૉમનવેલ્થ ગેમ્સ 2022 ક્યાં અને ક્યારે યોજાઈ રહી છે?

આ વખતે કૉમનવેલ્થ ગેમ્સ ઇંગ્લૅન્ડના બર્મિંગહામમાં 28 જુલાઈથી આઠ ઑગસ્ટ સુધી યોજાઈ રહી છે. 72 દેશ તેમાં ભાગ લઈ રહ્યા છે. 19 રમતોમાં 283 મેડલ ઇવેન્ટ આ કૉમનવેલ્થ ગેમ્સમાં છે અને તેમાં 4500 કરતાં વધારે રમતવીરો ભાગ લેશે.

24 વર્ષના મોટા વિરામ બાદ ક્રિકેટની ઍન્ટ્રી પણ કૉમનવેલ્થ ગેમ્સમાં થઈ રહી છે. એવું પહેલી વખત થવાનું છે જ્યારે મહિલાઓ માટે ક્રિકેટ પ્રતિયોગિતા અને ટી-20 ક્રિકેટ મૅચનું આયોજન કૉમનવેલ્થ ગેમ્સમાં થઈ રહ્યું છે.

પહેલી મૅચ ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 29 જુલાઈના રોજ રમવામાં આવશે.

line

બર્મિંમમાં ક્યાં-ક્યાં રમવામાં આવશે કૉમનવેલ્થ ગેમ્સ 2022ની ઇવેન્ટ્સ?

  • ઍલેક્ઝેન્ડર સ્ટેડિયમ - ઍથ્લેટિક્સ, પૅરા ઍથ્લેટિક્સ, ઑપનિંગ અને ક્લોઝિંગ સેરેમની
  • અરિના બર્મિંઘમ - જિમ્નાસ્ટિક
  • કેનક ચેસ ફૉરેસ્ટ - સાઇક્લિંગ
  • કોવેન્ટ્રી અરિના - જૂડો, રેસલિંગ
  • કોવેન્ટ્રી સ્ટેડિયમ - રગ્બી
  • એઝબેસ્ટન સ્ટેડિયમ - ક્રિકેટ ટી-20
  • લી વેલી વેલોપાર્ક - સાઇકલિંગ
  • ધી એનઆઈસી - બૅડમિન્ટન, બૉક્સિંગ, નેટબૉલ, ટેબલ-ટેનિસ, પૅરા ટેબલ ટેનિસ, વેઇટલિફ્ટિંગ
  • સેંડવેલ ઍક્વેટિક્સ સેન્ટર - ડાઇવિંગ, સ્વિમિંગ, પૅરા-સ્વિમિંગ
  • સ્મિથફીલ્ડ - બાસ્કેટબૉલ, બીચ બાસ્કેટબૉલ, વ્હીલચૅર બાસ્કેટબૉલ
  • સટન પાર્ક - ટ્રાયથ્લૉન, પૅરા ટ્રાયથ્લૉન
  • યુનિવર્સિટી ઑફ બર્મિંઘમ હૉકી અને સ્ક્વૅશ સેન્ટર - હૉકી, સ્ક્વૅશ
  • વિક્ટોરિયા પાર્ક - લૉન બૉલ્સ, પૅરા લૉન બૉલ્સ
  • વિક્ટોરિયા સ્ક્વૅર - ઍથ્લેટિક્સ
  • વારવિક - સાઇક્લિંગ
  • વેસ્ટ પાર્ક - સાઇક્લિંગ

કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લઈ રહેલી ભારતીય ટીમ વિશેની મોટી વાતો

2002ની કૉમનવેલ્થ ગૅમ્સમાં ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, ADRIAN DENNIS

ઇમેજ કૅપ્શન, 2002ની કૉમનવેલ્થ ગૅમ્સમાં ભારતીય ટીમ

કૉમનવેલ્થ ગેમ્સ 2022માં કુલ 215 ખેલાડી ભારત તરફથી ભાગ લેવા જઈ રહ્યા છે. આ ટીમમાં મીરાબાઈ ચનુ, લવલીના બોરગોહાઈ, પીવી સિંધુ, સાક્ષી મલિક, બજરંગ પુણિયા, નિખત ઝરીન જેવા નામ છે. ભારતીય ટીમ રેસલિંગ, બૉક્સિંગ, હૉકી, બૅડમિન્ટન, વેઇટલિફ્ટિંગ, ઍથ્લેટિક્સ, મહિલા ક્રિકેટ, ટેબલ ટેનિસ જેવી રમતોમાં ભાગ લેશે.

ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા ઈજાને કારણે કૉમવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લઈ શકે.

વીડિયો કૅપ્શન, કેવી રીતે દાદીને કારણે કુસ્તી ક્ષેત્રમાં પ્રવેશ થયો અંશુ મલિકનો?

પહેલી કૉમનવેલ્થ ગૅમ્સનું આયોજન 1930માં કૅનેડાના હેમિલ્ટનમાં થયું હતું. તે સમયે તે બ્રિટિશ ઍમ્પાયર ગૅમ્સના નામે ઓળખાતી હતી. પહેલી પ્રતિયોગિતા માટે 11 દેશોએ કુલ 400 ઍથલિટ્સ મોકલ્યા હતા. મહિલાઓએ માત્ર સ્વિમિંગની પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. પરંતુ તે વર્ષની પ્રતિયોગિતામાં ભારત સામેલ ન હતું.

line

કઈ રમતો પર રહેશે ભારતની નજર?

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને રેસલિંગ, વેઇટલિફ્ટિંગ, બૉક્સિંગમાં સારા એવા મેડલ મળતા આવ્યા છે. તેવામાં ભારતીય ટીમે આ વખતે પણ આ રમતોમાં વધારે મેડલ મળવાની આશા હશે. સાથે જ નીરજ ચોપરા પણ સારા ફૉર્મમાં હતા પરંતુ ઈજાને કારણે તેઓ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ નથી લઈ રહ્યા.

ભારતીય પુરુષ હૉકી ટીમ અને બૅડમિન્ટનમાં પણ ભારત પોતાની કમાલ બતાવી શકે છે.

line

કૉમનવેલ્થ ગેમ્સ 2022માં કયા ભારતીય ખેલાડીઓ પર નજર રહેશે?

  • પીવી સિંધુ
  • લક્ષ્ય સેન
  • કિદામ્બી શ્રીકાંત
  • અમિત પંઘલ
  • નિખત ઝરીન
  • લવલીના બોરગોહાઈ
  • મીરાબાઈ ચનુ
  • વિનેશ ફોગટ
  • સાક્ષી મલિક
  • રવિ કુમાર દહિયા
  • બજરંગ પુનિયા
line

કૉમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતે કેટલા પદક જીત્યા છે?

કૉમનવેલ્થ ગૅમ્સ

ઇમેજ સ્રોત, Getty Images

1934થી માંડીને 2018 સુધી ભારતે કુલ 503 મેડલ જીત્યા છે. તેમાં 181 ગોલ્ડ, 173 સિલ્વર અને 149 બ્રૉન્ઝ સામેલ છે. સ્વતંત્રતા બાદ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે વધારે પડતા ઍથ્લેટિક્સમાં ભાગ લીધો. ઘણી વખત ભારતને આશા પ્રમાણે સફળતા ન મળી.

પરંતુ પછી વર્ષોમાં ભારતના પ્રદર્શનમાં ઘણો સુધારો જોવા મળ્યો. વર્ષ 2010માં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સની જવાબદારી ભારતે સંભાળી હતી. આ આવૃત્તિમાં ભારતે 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 36 બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા અને આ સાથે ભારતે 101 મેડલ પોતાને નામ કરી મેડલની સદી ફટકારી હતી.

ભારતને તે પ્રતિયોગિતામાં બીજું સ્થાન મળ્યું હતું. ઑસ્ટ્રેલિયા 74 ગોલ્ડ અને કુલ 180 મેડલ સાથે આ પ્રતિયોગિતામાં પહેલા નંબરે હતું.

line

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને કઈ રમતમાં મળ્યા સૌથી વધારે મેડલ?

1934થી માંડીને અત્યાર સુધી ભારતના આંકડાની વાત કરીએ તો ભારતે સૌથી વધારે મેડલ શૂટિંગમાં પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ વેઇટલિફ્ટિંગ અને કુશ્તીનો નંબર આવે છે. ચોથા નંબર પર બૉક્સિંગ અને પાંચમા નંબર પર બૅડમિન્ટન છે.

ભારતને શૂટિંગમાં અત્યાર સુધી કુલ 135 મેડલ પ્રાપ્ત થયા છે. તેમાં 63 ગોલ્ડ, 44 સિલ્વર અને 28 બ્રૉન્ઝ મેડલ સામેલ છે. વેઇટલિફ્ટિંગમાં ભારતને કુલ 125 મેડલ પ્રાપ્ત થયા છે, તેમાંથી 43 ગોલ્ડ, 48 સિલ્વર અને 34 બ્રૉન્ઝ છે. ભારતનો પહેલો કૉમનવેલ્થ ગેમ્સ મેડલ લાવનારી ગેમ કુશ્તીમાં ભારતને અત્યાર સુધી 43 ગોલ્ડ મેડલ મળ્યા છે, આ સિવાય આ ગેમને 37 સિલ્વર અને 22 બ્રૉન્ઝ મેડલ સાથે કુલ 102 મેડલ જીત્યા છે.

line

કૉમનવેલ્થ ગેમ્સમાં સૌથી સફળ ભારતીય ખેલાડી

ઑલિમ્પિકની આધિકારિક વેબસાઇટ પર છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, પિસ્તોલ શૂટર નિશાનેબાજ જસપાસ રાણા કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના સૌથી સફળ ખેલાડી રહ્યા છે. તેમણે કુલ 15 મેડલ જીત્યા હતા. તેમાંથી 9 ગોલ્ડ, 4 સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન