મહારાષ્ટ્રના મહાડમાં મહિલા સરપંચનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો, શું છે આખી ઘટના?
- લેેખક, રાહુલ ગાયકવાડ
- પદ, મહાડથી બીબીસી મરાઠી માટે
"મા સાથે આઠ દિવસ પહેલાં છેલ્લી વાર વાત કરી હતી. મા મારા લગ્નની તૈયારી કરતાં હતાં. લગ્ન માટે શું-શું લાવવાનું છે એ તેમણે મને કહ્યું હતું. એ જ અમારી વચ્ચેની છેલ્લી વાતચીત રહી."
મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના આદિસ્તે ગામમાં જે મહિલા સરપંચની હત્યા કરવામાં આવી હતી તેમના 25 વર્ષના પુત્રે આ વાત કહી હતી. માના મૃત્યુથી એ હચમચી ઊઠ્યો છે. ઘટના બની ત્યારે એ કામસર મુંબઈમાં હતો.

આદિસ્તે મહાડમાંનું એક દુર્ગમ ગામ છે. તેમાં માત્ર 20-25 ઘર આવેલાં છે. ગામમાં મોબાઇલ ફોનનાં સિગ્નલ મળતાં નથી. તેથી દીકરા અને મા વચ્ચે દિવસો સુધી વાત થઈ ન હતી.
19 ફેબ્રુઆરીએ દીકરાનાં લગ્ન થવાનાં હતા, પરંતુ તેના થોડા દિવસ પહેલાં જ 27 ડિસેમ્બરે આદિસ્તેમાં રસ્તાની બાજુ પરની ઝાડીમાંથી તેમનાં મહિલા સરપંચ માતાની લાશ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવી હતી.
આ ઘટનાના સમાચાર મીડિયામાં 28 ડિસેમ્બરે પ્રકાશિત થયા હતા. ગામમાં શું બન્યું હતું તેની બહારની દુનિયામાં કોઈને ખબર ન હતી, કારણ કે ઘટનાને એક જ દિવસ થયો હતો.
આ ઘટના કેવી રીતે બની, ઘટના બની તે દિવસે ખરેખર શું થયું હતું અને મહિલા સરપંચની હત્યાનું કારણ શું હતું એ જાણવા માટે બીબીસી મરાઠીની ટીમ 29 ડિસેમ્બરે પૂણેથી મહાડ ગઈ હતી.

તે દિવસે શું થયું હતું?

હત્યાનો ઘટનાક્રમ મહાડ પોલીસે જણાવ્યો હતો.
48 વર્ષનાં મહિલા સરપંચ બપોરે 12 વાગ્યે તેમનાં માતા સાથે ચૂલો સળગાવવા માટેનાં લાકડાં વીણવાં નીકળ્યાં હતાં. બન્ને થોડો સમય સાથે જ હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી મહિલા સરપંચે તેમનાં માતાને એવું કહીને ઘરે પરત મોકલ્યાં હતાં કે તે લાકડાંનો ભારો વાહનમાં લઈને આવશે. આમ મહિલા સરપંચ લાકડાંનો ભારો લેવા એકલાં આગળ વધ્યાં હતાં.
મહિલા સરપંચનો નિર્વસ્ત્ર મૃતદેહ રસ્તાની બાજુ પરની ઝાડીમાં પડ્યો હોવાનું બપોરે એકાદ વાગ્યે ગામની એક વ્યક્તિના ધ્યાનમાં આવ્યું હતું.
એ વ્યક્તિએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કર્યું હતું.

પોલીસને શી માહિતી મળી?

ઇમેજ સ્રોત, MAHAD POLICE
પીડિતાનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મહાડની ગ્રામીણ હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. એ પછી આગળની કાર્યવાહી માટે તેને મુંબઈસ્થિત જેજે હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસની આઠ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને પોલીસે સાત શકમંદોને પૂછપરછ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે ડોગ સ્ક્વૉડની મદદ લીધી હતી અને ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ પણ એકત્ર કરી હતી. શકમંદોએ પૂછપરછમાં આપેલા જવાબને આધારે પોલીસે અનુમાન કર્યું હતું કે હત્યા કોણે કરી હશે.
પોલીસે અમીર જાધવ નામના 30 વર્ષની વયના એક શકમંદને આકરી પૂછપરછ કરી હતી. અમીરે ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસે પ્રાથમિક પુરાવાના આધારે અમીર સામે બળાત્કાર તથા હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આરોપી અમીર જાધવ મુંબઈમાં એક હોટલમાં રસોઈયા તરીકે કામ કરતો હતો. માર્ચ-2020માં તેનાં લગ્ન થયાં હતાં અને લૉકડાઉન પછી ગામમાં આવ્યો હતો.
તે ગામમાં પશુઓની સારસંભાળ તથા અન્ય નાના-મોટાં કામ કરતો હતો. તેમનાં પત્ની બે મહિના પહેલાં મુંબઈ ગયાં હતાં. તે પીડિતાનો સંબંધી અને પાડોશી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મહાડના નાયબ પોલીસવડા નીલેશ તાંબેએ કહ્યું હતું કે "આરોપી આમીરની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પીડિતા સાથેની જૂની દુશ્મનાવટને કારણે તેણે પીડિતાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે."
લાકડાં લેવાં નીકળેલી પીડિતાના માથા પર ડંડા વડે જોરદાર ફટકો મારવામાં આવ્યો હતો. એ પછી તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.
પોતાનું દુષ્કૃત્ય ઉઘાડું ન પડી જાય એટલે આરોપીએ મોટા પથ્થર વડે પીડિતાની હત્યા કરી હતી અને મૃતદેહને રસ્તાની બાજુ પરની ઝાડીમાં ફેંકીને નાસી ગયો હતો, એવું પોલીસે જણાવ્યું હતું.
નીલેશ તાંબેના જણાવ્યા મુજબ, "આરોપીએ પીડિતાને લાકડીનો જોરદાર ફટકો માર્યો હતો અને પછી પીડિતાને રસ્તાની બાજુ પર ખેંચી જઈને તેના પર મોટો પથ્થર માર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી સામે બળાત્કારનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી આ સંબંધે વધુ સ્પષ્ટતા થશે."

આદિસ્તે ગામ શોકમગ્ન

ઇમેજ સ્રોત, RAHUL GAIKWAD/BBC
મહાડ તાલુકાના આદિસ્તે ગામના યુવાનો રોજગારના હેતુસર મુંબઈ અને અન્યત્ર જાય છે. ગામમાં મોટા ભાગના લોકો વૃદ્ધ છે અને મોટા ભાગના લોકો ખેતીનો વ્યવસાય કરે છે.
ગામ ચારે બાજુ ગાઢ ઝાડીઓ અને પહાડીઓથી ઘેરાયેલું છે.
પીડિતાના મુંબઈમાં રહેતા દીકરાનાં લગ્નના ગણતરીના દિવસો પૂર્વે જ હત્યાની આ ઘટના બનતાં ગામમાં શોકનું વાતાવરણ છે.
આ ઘટનાના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઘટના બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
હત્યાના સમાચાર પ્રકાશિત થયા પછી રાયગડ જિલ્લાનાં પાલક પ્રધાન આદિતી તટકરેએ સોમવારે મોડી રાતે ગામની મુલાકાત લીધી હતી.
તેમણે પોલીસ પાસેથી ઘટનાની માહિતી મેળવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીને આકરી સજા કરવામાં આવશે અને સરકાર તરફથી હોશિયાર વકીલની નિમણૂક કરવામાં આવશે.
એ પછી ભારતીય જનતા પાર્ટીનાં નેતા ચિત્રા વાઘે પણ બુધવારે ગામની મુલાકાત લીધી હતી અને આ ઘટનામાં બીજા લોકો પણ સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરી હતી.

ગામમાં શું જોવા મળ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બીબીસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે વેરાયેલાં લાકડાં અને ઝાડને ટેકવીને રાખવામાં આવેલો લાકડાના ભારો જોવા મળ્યો હતો. બીજો ભારો જમીન પર પડ્યો હતો. જમીન પર લોહીના ધાબા જોવા મળ્યા હતા.
આરોપીએ જે ઠેકાણે પીડિતા પર અત્યાચાર કરીને તેને મોટો પથ્થર માર્યો હતો એ સ્થળે પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતા.
અમે મૃતક મહિલા સરપંચના ઘરે ગયા ત્યારે તેમનો દીકરો ઘરની બહાર બેઠો હતો. બીબીસીએ તેની સાથે વાત કરી હતી.
પીડિતાના પુત્રએ કહ્યું હતું કે "આ ઘટનાની માહિતી ગામના લોકોએ મને ફોન મારફત આપી હતી. તેમણે મને સ્પષ્ટ કશું જણાવ્યું ન હતું, પણ કશુંક અમંગળ બન્યું હોવાની શંકા મને પડી હતી. મુંબઈથી અહીં સુધીના પ્રવાસ દરમિયાન મને ઘટનાની માહિતી મળી હતી. કોલાડની હૉસ્પિટલમાં મને મારી માનો મૃતદેહ દેખાડવામાં આવ્યો હતો."
તેમણે ઉમેર્યું હતું કે "મારા માતાને કોઈ સાથે ક્યારેય બોલાચાલી થઈ ન હતી. મા મને બધી વાતો કહેતાં હતાં. તેઓ મારાં લગ્નની તૈયારી કરી રહ્યાં હતાં તથા અનેક વસ્તુઓ લાવ્યા હતાં."
ગામલોકોના જણાવ્યા મુજબ સરપંચ મહિલા શાંત સ્વભાવનાં હતાં. તેમનો ગામમાં કોઈ સાથે ક્યારેય ઝઘડો થયો ન હતો. તેઓ બધાની સાથે સારી રીતે વાતચીત કરતાં હતાં. તેઓ સરપંચ તરીકે નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં હતાં. તેમને કોઈની સાથે રાજકીય દુશ્મનાવટ પણ ન હોવાનું ગામલોકોએ જણાવ્યુ હતું.
જેમણે સરપંચ મહિલાનો મૃતદેહ સૌપ્રથમ જોયો હતો તેમાં ગણેશ ખિડબિડેનો સમાવેશ થાય છે. ઘટનાના દિવસે શું થયું હતું એ જાણવા બીબીસીએ તેમની સાથે વાત કરી હતી.
ઘટના બન્યાના થોડા સમય પહેલાં ગણેશ અને તેમનાં પત્ની તેમની બકરીઓને ચરાવવા લઈ ગયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગણેશે કહ્યું હતું કે "બકરીઓને ચરાવીને પાછા આવ્યાં ત્યારે કોઈ જોવા મળ્યું નહીં. થોડા સમય પછી ખબર પડી હતી કે અમારા એક સંબંધીનું મૃત્યુ થયું છે. તેમને ત્યાં જવા માટે હું અને મારાં પત્ની નીકળ્યાં ત્યારે રસ્તામાં અમને લાકડાનો ભારો પડેલો જોવા મળ્યો હતો. એ ભારો સરપંચ મહિલાનો હોવાની શંકા અમને પડી હતી. એ ભારાની નજીક ગયાં ત્યારે ભારા અને રસ્તા પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા."
ગણેશે ઉમેર્યું હતું કે "અમે ગામમાં પાછાં ફર્યાં હતાં અને સરપંચ મહિલા ગામમાં છે કે નહીં તેની તપાસ કરી હતી. તેઓ ગામમાં ન હતાં. અમારા ગામની એક વ્યક્તિને રસ્તાની બાજુમાંની ઝાડીમાં સરપંચ મહિલાનો મૃતદેહ દેખાયો હતો. તેણે ગામમાં બધાને વાત કરી પછી અમે બધા ઘટનાસ્થળે ગયાં હતાં."
પોલીસે ઘટના બન્યાના 24 જ કલાકમાં આરોપી અમીરની ધરપકડ કરી હતી, પરંતુ ઘટના બની ત્યારે અમીર ગામમાં ન હોવાનો દાવો તેના ભાઈએ કર્યો હતો. અમીર એક ધાર્મિક કાર્યક્રમ માટે ગામના કેટલાક લોકો સાથે બીજા ગામે ગયો હોવાનું તેના ભાઈએ જણાવ્યું હતું.
અમીરના ભાઈએ કહ્યું હતું કે "ઘટના બની ત્યારે અમીર ગામમાં ન હતો. એ બપોરે ત્રણ વાગ્યા પછી ગામમાં આવ્યો હતો. તેણે ગ્રામજનો પાસેથી આ ઘટના બાબતે માહિતી મેળવી હતી. તેની અને તેની પત્ની વચ્ચે ચણભણ ચાલ્યા કરતી હતી. તે ગુસ્સાવાળા સ્વભાવનો છે તો પણ કોઈની હત્યા તો ન જ કરે."
દરમિયાન પોલીસે અમીરને અદાલતમાં હાજર કર્યો હતો અને અદાલતે તેને ચોથી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
આ ઘટનામાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ, તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












