ભીમા કોરેગાંવ : હિંસા પહેલાં 'યલગાર પરિષદ'માં શું થયું હતું?
- લેેખક, મયૂરેશ કોણ્ણુર
- પદ, બીબીસી સંવાદદાતા
પુણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં 2018માં હિંસા ભડકી હતી, જેને 1 જાન્યુઆરીએ ચાર વર્ષ પૂર્ણ થયાં છે.
આ હિંસાના એક દિવસ પહેલાં, ત્યાં યલગાર પરિષદ નામથી એક રેલી યોજવામાં આવી હતી અને પોલીસનું માનવું છે કે આ રેલીમાં જ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ત્યારે સવાલ એ છે કે આ યલગાર પરિષદ છે શું?

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
પેશવાઓનું નેતૃત્વ ધરાવતું મરાઠા સામ્રાજ્ય અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે યુદ્ધના પ્રતીક તરીકે ભીમા કોરેગાંવ જાણીતું છે. પહેલી જાન્યુઆરી 2020ના રોજ આ યુદ્ધની 202મી વર્ષગાંઠ હતી.
મરાઠા સેના આ યુદ્ધ હારી ગઈ હતી, એમ માનવામાં આવે છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મહાર રેજિમૅન્ટના સૈનિકોની બહાદુરીને કારણે જીત મળી હતી.
બાદમાં ભીમરાવ આંબેડકર દર વર્ષે અહીં આવતા હતા. આ જગ્યા પેશ્વાઓ ઉપર મહાર એટલે દલિતોની જીતના એક સ્મારક તરીકે જાણીતી થઈ ગઈ અને દર વર્ષે અહીં ઉજવણી થવા માંડી.
પહેલી જાન્યુઆરી 2018ના રોજ જ્યારે આ યુદ્ધની 200મી વર્ષગાંઠ હતી, 'ભીમા કોરેગાંવ શૌર્ય દિન પ્રેરણા અભિયાન'ના નેજા હેઠળ કેટલાંક સંગઠનોએ ભેગા મળીને એક રેલીનું આયોજન કર્યું હતું.

ઇમેજ સ્રોત, PTI
જેનું નામ યલગાર પરિષદ રાખવામાં આવ્યું હતું. શનિવાર વાડાના મેદાન પર યોજાયેલી આ રેલીમાં 'લોકતંત્ર, સંવિધાન અને દેશ બચાવવાની'વાતો કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવંગત વિદ્યાર્થી રોહિત વેમુલાનાં માતા રાધિકા વેમુલાએ રેલીનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પ્રકાશ આંબેડકર, હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી. જી. કોલસે પાટીલ, ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી ઉમર ખાલીદ, આદિવાસી ચળવળકર્તા સોની સોરી જેવા સામાજિક કાર્યકરો હાજર રહ્યાં હતાં.
એમનાં ભાષણોની સાથે કબીર કલા મંચના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
એ પહેલાંના દિવસે જ્યારે ભીમા કોરેગાંવમાં ઉજવણી કરાઈ રહી હતી, ત્યારે આજુબાજુના વિસ્તારોમાં હિંસા ભડકી ઊઠી હતી.
ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો, તો ક્યાંક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ હિંસામાં એક યુવાને પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
આ મુદ્દે ડાબેરી વિચારધારા ધરાવતી સંસ્થા સમસ્ત હિંદ અઘાડીના નેતા મિલિંગ એકબોટે અને શિવ પ્રતિષ્ઠાનના સંસ્થાપક સંભાજી ભિડે વિરુદ્ધ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવવામાં આવી છે.
પૂણેની ગ્રામીણ પોલીસ હજુ પણ આ વિશે તપાસ કરી રહી છે.

યલગાર પરિષદ સાથે જોડાયેલી બે એફઆઈઆર

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન યલગાર પરિષદ સંબંધિત બે એફઆઈઆર પૂણે શહેરના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
પહેલી એફઆઈઆરમાં જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલીદ સામે ભડકાવનારા ભાષણ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બીજી એફઆઈઆર તુષાર દમગુડેની ફરિયાદના આધારે યલગાર પરિષદ સાથે જોડાયેલા લોકો સામે નોંધાવવામાં આવી છે. આ એફઆઈઆરના સંદર્ભે જૂનમાં સુધીર ધવલે સહિત પાંચ ચળવળકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ 28 ઑગસ્ટના રોજ પૂણે પોલીસે ગૌતમ નવલખા, સુધા ભારદ્વાજ, વરવરા રાવ, અરૂણ ફરેરા અને વરનૉન ગૉન્ઝાલ્વિઝની ધરપકડ કરી હતી.

પોલીસે કોર્ટમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP
પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે ધરપકડ કરાયેલા પાંચેય લોકો પ્રતિબંધિત સંગઠન ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા) (માઓવાદી)ના સભ્યો છે.
સાથે જ યલગાર પરિષદની સ્થાપના દેશને અસ્થિર બનાવવાના તેમના આયોજનના ભાગરૂપે જ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે યલગાર પરિષદ તો એક મહોરું હતું, જેની આડમાં માઓવાદીઓ પોતાની વિચારધારાને ફેલાવતા હતા.
પૂણેની કોર્ટમાં પોલીસે સુધીર ધવલે અને કબીર કલા મંચના લોકો પર યલગાર પરિષદમાં વાંધાજનક ગીતો ગાવાનો આરોપ મૂક્યો હતો.
આરોપીઓ પર ઉશ્કેરણીજનક અને ભાગલાવાદી નિવેદનો કરવાનો તેમજ ચોપાનિયાં અને ભાષણ દ્વારા વિવાદ ઊભો કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
પોલીસે કહ્યું હતું કે દલિતોને ઉશ્કેરવા તેમજ ગેરબંધારણીય અને હિંસક વિચારો ફેલાવવા એ ભાકપા(માઓવાદી)ઓની નીતિ છે.
પોલીસના કહેવા પ્રમાણે આ યોજના અનુસાર સુધીર ધવલે અને અન્ય ઘણા મહિનાઓથી આખા મહારાષ્ટ્રમાં ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યા હતા.
તેમજ પોતાના શેરી નાટકો વગેરેમાં ઇતિહાસને તોડી મરોડી રજૂ કરી રહ્યા હતા. પોલીસે કહ્યું હતું કે આ જ કારણે ભીમા કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી.

બે પૂર્વ જજોએ બોલાવી હતી યલગાર પરિષદ?

યલગાર પરિષદમાં મુંબઈ હાઈકોર્ટના પૂર્વ જજ બી. જી. કોલસે પાટીલ પણ સામેલ હતા. તેમણે મુંબઈમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે યલગાર પરિષદને 300થી વધુ સંગઠનોનું પીઠબળ છે.
જસ્ટિસ કોલ્સે પાટીલે જણાવ્યું હતું, "યલગાર પરિષદ મેં અને જસ્ટિસ પી. બી. સાવંતે આયોજીત કરી હતી. માત્ર અમે બે વ્યક્તિ જ આમાં સામેલ હતા."
"અમે વિચાર્યું હતું કે આંબેડકરવાદી અને સેક્યુલર લોકો દર વર્ષે એક જાન્યુઆરીના રોજ ભીમા કોરેગાંવમાં આવે છે, તો અમારે 31મી ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમ આયોજિત કરવો જોઈએ."
"અમે આ અગાઉ શનિવાર વાડામાં જ ચાર ઑક્ટોબરના રોજ એક રેલી યોજી હતી અને (રાષ્ટ્રીય સ્વયંસેવક) સંઘમુક્ત ભારતની વાત કરી હતી."
"આ રેલીમાં પણ આટલી જ સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ અગાઉ પોલીસે જે એફઆઈઆર નોંધી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે યલગાર પરિષદનો માઓવાદી સાથે સંબંધ નથી. પણ હવે તે બીજી જ વાતો કરી રહ્યા છે."

ઇમેજ સ્રોત, Getty Images
જસ્ટિસ કોલસે પાટીલે જણાવ્યું, ''યલગાર પરિષદમાં અમે લોકોને સોગન લેવડાવ્યા કે તેઓ કોઈ સાંપ્રદાયિક પક્ષને ક્યારેય મત નહીં આપે. અમે સંઘના દોરીસંચારવાળી ભાજપને ક્યારેય મત નહીં આપીએ. તે લોકોને એ સોગન પસંદ નહોતા પડ્યા.''
માઓવાદી સાથે સંબંધો વિશે જસ્ટિસ પાટીલે જણાવ્યું હતું, ''એ સંપૂર્ણપણે ખોટું છે કે યલગાર પરિષદ માઓવાદી સાથે સંબંધો ધરાવે છે. ધરપકડ કરાયેલા લોકો સાથે અમારો કોઈ જ સંબંધ નથી. એમાં પણ કોઈ સત્ય નથી કે આ રેલી નક્સલવાદીઓ દ્વારા મળેલા ભંડોળમાંથી યોજાઈ હતી."
"અમને કોઈની પાસેથી નાણાં મળ્યાં નથી. આ બધા લોકો અહીં ભીમા કોરેગાંવ ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા હતા. અમને તો ત્યાં પહેલાંથી જ ઊભું કરવામાં આવેલું એક મંચ મળ્યું હતું, જ્યાં અમે આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો.''

'અમને પુરાવા આપો'

ઇમેજ સ્રોત, FACEBOOK/@OFFICIAL.PRAKASHAMBEDKAR
ભારિપા બહુજન મહાસંઘના પ્રકાશ આંબેડકર પણ આ રેલીમાં હાજર હતા. તેમણે પોલીસના આરોપ સામે અસમંતિ દર્શાવતા જણાવ્યું હતું, ''મારી દૃષ્ટિએ એ લોકો ગાંડા થઈ ગયા છે. જસ્ટિસ પી. બી. સાવંત અને જસ્ટિસ કોલસે પાટીલે જણાવ્યું તેમ યલગાર પરિષદનું આયોજન તેઓ અગાઉ પણ કરી ચૂક્યા છે. એમણે વિદ્યાર્થીઓની મદદ લીધી અને પોતાની રીતે નાણાં એકઠા કર્યા હતા."
"અમને જણાવો કે કોણ માઓવાદી છે અને કોણ આતંકવાદી?''
આંબેડકર દાવો કરે છે કે મરાઠાઓનાં પ્રદર્શનને કારણે મહારાષ્ટ્રની છાપ વિવિધ જાતિઓમાં વહેંચાયેલા પ્રદેશની બની ગઈ હતી અને યલગાર પરિષદે આ બધાને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું હતું, ''સમાજે ક્યારેય આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો નથી. આ વિવાદોએ લોકોમાં અંતર ઊભું કરી દીધું હતું અને યલગાર પરિષદ ભાઈચારાના હેતુસર યોજાઈ હતી."
"ભીમા કોરેગાંવ એ ઘણા સમુદાયોની એકસાથે આવવાની ઘટના છે. જોકે, આ ઘટના બ્રિટિશ ઝંડા હેઠળ ઘટી પણ વિવિધ જૂથોનાં લોકો મહાર સૈનિકોના નેતૃત્વ હેઠળ એકસાથે મળીને લડ્યા. જાતીય સમૂહોમાં મતભેદ દૂર કરવામાં આનો મોટો ફાળો રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
"આજે આપણે જોઈ રહ્યાં છીએ કે મરાઠા સમુદાયે પોતાની માગણી બદલી નાખી છે. હવે તેઓ ઓબીસી શ્રેણી કરતાં અલગ આરક્ષણની માગણી કરી રહ્યાં છે. તેઓ અત્યાચાર કાયદાને સ્વીકારવા તો તૈયાર છે, પણ તે એમના માટે વધારે આકરો ના હોવો જોઈએ. આ બધું યલગાર પરિષદને કારણે જ બન્યું છે.''
તેઓ માને છે કે પોલીસની હાલની કાર્યવાહી વિરોધના અવાજોને દબાવી દેવા માટે છે.
તેમણે કહ્યું, ''આ માત્ર દલિતો સાથે અન્યાય વિશે જ નથી. મૉબ લિન્ચિંગ થઈ રહી છે અને સવર્ણોની વાતો દબાવી દેવામાં આવે છે. દલિત અને મુસલમાનોનું જ્યારે શોષણ થાય છે, ત્યારે તે અવાજ ઊઠાવે છે."
"કેટલીક ઊચ્ચ જાતિના લોકો અને છાપાંઓ પણ અવાજ ઉઠાવે છે. અને કેટલીક ઊચ્ચ જાતિનાં લોકો પણ અવાજ ઉઠાવે છે. આ એમને ચૂપ કરાવવાનો પ્રયાસ છે.''
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













