રોમિલા થાપર : ચાર વર્ષમાં ડર, ભય અને આતંકનો માહોલ વધ્યો છે

રોમિલા થાપર

ઇમેજ સ્રોત, Getty Images

પાંચ માનવાધિકાર કાર્યકરોની ધરપકડ પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટમાં જે પાંચ લોકોએ અરજી દાખલ કરી, તેમાં ઇતિહાસકાર રોમિલા થાપર પણ સામેલ છે.

બીબીસી સંવાદદાતા વિનીત ખરે સાથેની વાતચીતમાં રોમિલા થાપરે કહ્યું કે દેશમાં છેલ્લાં ચાર વર્ષોથી ભયનો માહોલ વધ્યો છે અને આ માહોલ કટોકટીની સરખામણીમાં વધુ ડરામણો છે.

મહારાષ્ટ્ર પોલીસે પાંચ માનવાધિકાર કાર્યકરોના ઘરે જઈને સીધું જ કહ્યું હતું કે તમારી ધરપકડ થઈ રહી છે.

અમારી અરજીમાં અમે કહ્યું કે આ લોકો સ્થાપિત અને જાણીતા છે, એ કોઈ ગુનેગાર નથી કે તમે સીધા જ તેમને ઉઠાવી જેલમાં નાખી દો.

અમે એ જાણવા પ્રયાસ કર્યો કે આખરે આ લોકો પર આરોપ છે શું? તમે સાબિત શું કરવા માગો છો અને એ માટેની પ્રક્રિયા શું છે?

આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અને કોર્ટે આ લોકોને એક સપ્તાહ સુધી પોતપોતાના ઘરે નજરકેદ રાખવાનો આદેશ આપ્યો.

કોર્ટે તેમને જેલમાં ના મોકલવાનો પણ આદેશ આપ્યો અને આ મામલે આગળ સુનાવણી હાથ ધરાશે.

line

ધરપકડનો આધાર શો?

વરવરા રાવ

ઇમેજ સ્રોત, AFP

હું આ લોકોને વ્યક્તિગત રીતે ઓળખું છું. જો તમે કોઈની ધરપકડ કરી રહ્યા છો, તો શા માટે કરી રહ્યા છો એ અંગે તમારી પાસે પૂરતી જાણકારી હોવી જોઈએ.

ધરપકડની પણ એક પ્રક્રિયા હોય છે કે તમે સામેવાળી વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો છો.

આ લોકો પર પૂણેના ભીમા કોરેગાંવમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ લગાવાયો છે. આમાનાં કેટલાક લોકો તો ત્યાં શારીરિક રીતે પણ હાજર જ હતા.

આમના પર એવી રીતે આરોપ લગાવાયો છે કે જાણે તેમણે બંદૂક ઉઠાવી હિંસા કરી હોય. આ બધા લોકો લખતાં અને વાંચતાં લોકો છે, ત્યારે તેમના પર લગાવાયેલા આરોપનો અર્થ શો છે?

સુધા ભારદ્વાજ વકીલ છે. આનંદ તેલતુંબલડે આર્થિક અને સામાજિક વિશ્લેષણ કરતાં 'ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટકલ વિકલી'માં સતત લખે છે.

એક કાર્યકરની વિચારધારા 'ઍક્સટ્રીમ લૅફ્ટ' છે, પણ શું આ જ આધારે તમે કોઈની ધરપકડ કરી શકો?

આ લોકો પર માઓવાદી-નક્સલ સમર્થક હોવાની વાત પણ કહેવાય છે, પણ પોલીસ પાસે આ અંગેના પુરાવા હોવા ઘટે. કોર્ટમાં પુરાવા આપવા પડશે.

પાંચ વર્ષ પહેલાં આવી સ્થિતિ નહોતી. ગત ચાર વર્ષોમાં ભય અને આતંકનો માહોલ વધ્યો છે. સરકારનું વલણ વધુ પડતું 'ઑથોરિટૅરિયન' થઈ ગયું છે.

line

કટોકટી કરતા વધુ ગંભીર સ્થિતિ?

રોમિલા થાપર

લઘુમતી, દલિત અને મુસ્લિમો પ્રત્યે જે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે એ અત્યંત ચિંતાજનક છે.

પહેલાં કાયદો આ પ્રકારે કામ નહોતો કરતો. અડધી રાતે પોલીસ કોઈને ઉપાડવા માટે આ રીતે નહોતી પહોંચતી. જો તમારા પર કેસ થાય તો તમને એની જાણ કરવામાં આવતી હતી.

ચાર વર્ષમાં આ પરિવર્તન આવ્યું છે અને સ્થિતિ વધુ ગંભીર થઈ છે, કારણ કે આવી રીતે એક વખત સરકાર જો પોતાના ઉદ્દેશમાં સફળ નીવડે તો વધુ તીવ્રતાથી લોકોનો અવાજ દબાવવાં પ્રયાસ કરતી હોય છે.

મારા મતે કટોકટીની સ્થિતિ આજની સરખામણીએ 'માઇલ્ડ' એટલે કે 'ઓછી ખતરનાક' હતી, કારણ કે આજના સમયે જે લોકોમાં ડર અને ભયનો માહોલ છે, એવો કટોકટી વખતે નહોતો.

આનું કારણ કદાચ એવું પણ કહી શકાય કે કટોકટી અલ્પકાળ માટે રહી હતી, જ્યારે વર્તમાન સ્થિતિ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહી છે. આ સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે એ આપણે જાણતાં નથી.

જો 2019 બાદ પણ આ સ્થિતિ વધુ પાંચ વર્ષ સુધી ચાલુ રહી તો માહોલ કેવો હશે, એ અંગે માત્ર વિચાર જ કરી શકાય એમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો