મોદીની હત્યાનું 'ષડયંત્ર', અત્યારસુધી શું થયું છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હત્યાના કાવતરાં અંગે સોશિયલ તથા મેઇન સ્ટ્રિમ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ઔપચારિક કે સત્તાવાર ગણી શકાય તેવી બહુ થોડી માહિતી ઉપલબ્ધ છે.

સમગ્ર ચર્ચાના એક કેન્દ્રમાં એક ચિઠ્ઠી છે. કેટલાક આરોપીઓની ધરપકડ સમયે તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જે મુજબ નક્સલવાદીઓ મોદીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

આ અંગે રાજકીય નિવેદનબાજી અને આરોપ-પ્રતિઆરોપ ચાલી રહ્યાં છે, પરંતુ સત્તાવાર રીતે બહુ થોડી માહિતી મળે છે.

સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં માઓવાદીઓ દ્વારા વડા પ્રધાન મોદીની હત્યાનું કાવતરું ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા લોકો 'માઓવાદીઓના સંપર્કસૂત્ર' તથા 'શહેરી નેટવર્કના ભાગરૂપ' હોવાનું કહેવાય છે. આવા તત્વોને 'પહોંચી વળવા માટે' યોજના તૈયાર થઈ રહી હોવાનું કહેવાય છે.

line
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર ઉપરાંત માઓવાદથી પ્રભાવિત રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ બેઠકમાં નવેસરથી નક્લવાદ સામે અભિયાન હાથ ધરવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી.

line

દલિત-નક્સલ એંગલ

'એલગાર પરિષદ' દ્વારા પુણે ખાતે કોરેગાંવ-ભીમાં દલિતોના વિજયની 200મી વર્ષગાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું. .

આ પછી સવર્ણો તથા દલિતોની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

ત્યારબાદ પોલીસે બે કેસ દાખલ કર્યા હતા. એક એફઆઈઆરમાં 'કબીર કલા મંચ' તથા બીજી એફઆઈઆરમાં ગુજરાતની વડગામ બેઠક પરથી ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીને આરોપી બનાવવામાં આવ્યા હતા.

મેવાણીની સાથે નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઓમર ખાલીદને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તેમની ઉપર ઉશ્કેરણીજનક ભાષણ કરવાના આરોપ છે.

line
માઓવાદીઓના કેમ્પની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પુણે પોલીસે 'એલગાર પરિષદ'ના નેતાઓ, સભ્યો અને કાર્યકર્તાઓની તપાસ હાથ ધરી છે, ઉપરાંત સંગઠનના નેતાઓનાં ઈ-મેલ પણ તપાસમાં આવી રહ્યા છે.

'કોઈ કૉમરેડ પ્રકાશ'ને કોઈ 'એમ'એ એક પત્ર લખ્યો હતો.

પોલીસનું કહેવું છે કે એ મેલમાં રાજીવ ગાંધીના હત્યાકાંડની તર્જ પર વડા પ્રધાન મોદી પર હુમલો કરવાની વાત કરવામાં આવી હતી.

પોલીસે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે કોરેગાંવ-ભીમા ખાતે પેશ્વાના પરાજયની 200મી વરસીનું આયોજન કરવા માટે માઓવાદીઓએ આર્થિક મદદ કરી હતી.

line

ધરપકડ

સમગ્ર પ્રકરણમાં પોલીસે દિલ્હી, મુંબઈ, પુણે તથા નાગપુરમાં અલગઅલગ સ્થળે દરોડા પાડીને પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે માઓવાદીઓના 'શહેરી નેટવર્ક'ને શોધી કાઢવામાં મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે.

પાંચમાંથી ચાર શખ્સોને પોલીસે 'અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ' હેઠળ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

line
જંગલમાં રેહતા આદિવાસીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સુધીર ઢવલે

line

દલિત અધિકાર કાર્યકર્તા સુધીર ઢવલે કોરેગાંવ-ભીમાના કાર્યક્રમના આયોજકોમાંથી એક હતા. તેઓ મરાઠી પત્રિકા - 'વિદ્રોહી'નું સંપાદન કરતા હતા.

પોલીસનું કહેવું છે કે ઢવલેએ માઓવાદીઓના 'શહેરી નેટવર્ક'નો હિસ્સો છે.

શોમા સેન

line

શોમા સેન અંગ્રેજીના પ્રોફેસર છે, તેમની ધરપકડ નાગપુરમાંથી કરવામાં આવી હતી. આઠ કલાકની રેડ બાદ પોલીસ તેમને પુણેથી નાગપુર લાવી હતી.

સેન ઉપર 'માઓવાદીઓના સમર્થક' હોવાનો આરોપ છે.

તેમના પતિ તુષાર ભટ્ટાચાર્યની ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે તેમની ઉપર 'માઓવાદી સમર્થક' હોવાનો આરોપ મૂક્યો હતો.

સુરેન્દ્ર ગડલિંગ

line

સુરેન્દ્ર ગડલિંગ વ્યવસાયે વકીલ છે. તેઓ 'ઇન્ડિન એસોસિયેશન ઑફ પીપલ્સ લૉયર્સ'ના મહાસચિવ છે.

પુણે પોલીસનું કહેવું છે કે ગડલિંગ માઓવાદીઓને કાયદાકીય મદદ આપે છે. ઉપરાંત તેઓ માઓવાદીઓના 'શહેરી નેટવર્ક' માટે સંયોજક તરીકે પણ કામ કરે છે.

line
સુરેન્દ્ર ગડલિંગ અને પ્રોફેસર સાઇબાબાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મહેશ રાઉત

મહેશ રાઉતની ધરપકડ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલીમાંથી કરવામાં આવી હતી.

તેઓ છત્તીસગઢમાં ખાણોનાં વિરોધ માટે લોકોને એક કરવા માટે પ્રયાસરત હતા, ત્યારે પણ તેમની ઉપર માઓવાદીઓ સાથે સંબંધ રાખવાના આરોપ લાગ્યા હતા.

રોના વિલ્સન

line

પોલીસનું કહેવું છે કે રોના વિલ્સન દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જી. એન. સાંઈબાબાના નિકટના સાથીઓમાંથી એક છે.

સાંઈબાબાની પણ માઓવાદીઓના 'શહેરી નેટવર્ક'ના ભાગરૂપ હોવાના આરોપ સબબ ધરપકડ થઈ ચૂકી છે.

હાલમાં વિલ્સન રાજકીય કેદીઓને છોડાવવા માટે બનેલી 'કમિટી ફૉર ધ રિલીઝ ઑફ પોલિટીકલ પ્રિઝનર્સ'ના જનસંપર્ક સચિવ છે.

એપ્રિલ મહિનામાં દિલ્હી પોલીસની વિશેષ ટીમે દિલ્હી ખાતે રોના વિલ્સનના ઘરે રેડ પાડી હતી. તેમની પાસેથી જપ્ત થયેલી ચીજોનાં આધારે માઓવાદીઓ સાથેના તેમના સંબંધ બહાર આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે જે 'ઈ-મેલ'માં વડા પ્રધાન પર હુમલો કરવાની વાત કહેવામાં આવી છે, તે વિલ્સનના ઘરેથી રેડ દરમિયાન જ મળ્યો હતો.

line

રાજકીય હલચલ

જંગલમાં રેહતા આદિવાસીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ધરપકડ બાદ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા તથા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેનું કહેવું છે કે 'માઓવાદી' કહીને દલિત કાર્યકર્તાઓની ધરપકડ કરવી અયોગ્ય છે. અઠાવલેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરમિયાનગીરીની માગ કરી હતી.

તેમની આ માગને પગલે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની. પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને પૂછ્યું, 'કોણ ખોટું બોલી રહ્યું છે? મંત્રી કે મહારાષ્ટ્રની સરકાર.'

સુરજેવાલાનું કહેવું છે, જો રામદાસ અઠાવલે ખોટું બોલી રહ્યા હોય તો તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ, અન્યથા પોલીસે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમના આરોપનો આધાર શું છે?

બીજી બાજુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે પુણેમાં એક સમારંભ દરમિયાન કહ્યું કે 'પ્રગતિશીલ કાર્યકર્તાઓને માઓવાદી કહીને ફસાવવામાં આવી રહ્યા છે.'

પવારનું કહેવું છે કે માઓવાદીઓના નામે વોટ એકઠા કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ 'સહાનુભૂતિનું કાર્ડ' ઉતાર્યું છે.

આના જવાબમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવિસે કહ્યું, 'શરદ પવાર તુચ્છ રાજકારણ રમી રહ્યા છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો