'દુનિયાની નજર છે મોદી-જિનપિંગ પર'

મોદી અને જિનપિંગ

ઇમેજ સ્રોત, MODI-Twitter

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

એવું ક્યારેક જ જોવા મળે છે કે એક જ સમયે દુનિયામાં બે અલગઅલગ ભાગોમાં મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ થઈ રહી છે. એ પણ એવી જેની અસર સમગ્ર વિશ્વને થવાની શક્યતાઓ હોય.

એક તરફ જ્યાં કેનેડાના ક્યૂબેકમાં વિશ્વની આર્થિક મહાસત્તાઓમાં સ્થાન પામતા સાત દેશોના સમૂહની શિખર મંત્રણા પૂરી થઈ. તો ચીનના ચિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક પણ પૂરી થઈ છે.

પહેલી નજરે એમ લાગે કે ક્યાં વિકસિત દેશોના સમૂહના વડાઓની બેઠક અને ક્યાં ભારત, ચીન જેવા દેશોનો સમૂહ. પણ વિશ્વની અર્થવ્યવસ્થા પર નજર રાખતા અભ્યાસુઓનું માનવું છે કે, જી-7 દેશ જ્યાં ટ્રેડ વૉરનો મામલો ઉકેલવામાં વ્યસ્ત રહ્યા, ત્યારે તેમની સામે પોતાના માલ-સામાનને એ વિકસતાં બજારો સુધી પહોંચાડવાની પણ સમસ્યા છે.

તો સામે એવા દેશો છે જે ખનીજ તેલની વધતી કિંમતોથી પરેશાન છે, આ દેશો અન્ય કોઈ નહીં પરંતુ વિશ્વના અર્થતંત્રમાં ઝડપથી વિકસી રહેલા ચીન અને ભારત છે.

શું તમે આ વાંચ્યું?

ચિંગદાઓમાં રવિવારે પૂર્ણ થયેલી બે દિવસની શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભારતે પ્રથમ વખત એક પૂર્ણ સભ્ય તરીકે ભાગ લીધો. એ વાત સાચી છે કે શરૂઆતમાં SCOમાં શામેલ ચીન, ભારત, રશિયા અને પાકિસ્તાન સહિત મધ્ય એશિયાના ચાર દેશોનો સમૂહ ક્ષેત્રિય સુરક્ષાના મામલે રચાયો હતો, પરંતુ બદલાયેલી પરિસ્થિતિઓમાં તેનો હેતુ પણ બદલાયો છે. હવે SCOની પ્રાથમિકતા સુરક્ષા નહીં, પણ વેપાર છે.

line

આર્થિક તાકાત

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, AFP

જાણકારોનું માનવું છે કે આવનારા સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીન અને ભારતની બોલબાલા રહેશે. તેમાં સિંગાપોર અને મલેશિયા જેવા દેશો પણ મહત્ત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

ડેસ્ટિમની સિક્યુરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુદીપ બંદોપાધ્યાયે બીબીસીને કહ્યું, "SCOનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. વૈશ્વિક ગ્રોથમાં એશિયા પ્રશાંત ક્ષેત્રનું આર્થિક શક્તિ તરીકે મહત્ત્વ વધી રહ્યું છે. અથવા એમ કહો કે તે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પાવરહાઉસ બની રહ્યું છે."

દિલ્હી સ્થિત એક બ્રોકરેજ ફર્મમાં આર્થિક વિશ્લેષક આસિફ ઇકબાલ પણ માને છે કે આર્થિક વૃદ્ધિના મોરચે વર્તમાન સ્થિતિમાં ચીન અને ભારતને અવગણી શકાય તેમ નથી.

આસિફ કહે છે, "આગામી એક દાયકામાં વૈશ્વિક સકલ ઘરેલુ ઉત્પાદન (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ - GDP)માં માત્ર ચીનનો જ હિસ્સો 30 ટકા થઈ જશે અને ભારતનો હિસ્સો તેમાં 10 ટકા સુધી પહોંચી જશે. જ્યાં સુધી એશિયા પ્રશાંત ક્ષેત્રની ભાગીદારીનો સવાલ છે તો આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેનો હિસ્સો 40 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે."

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (ઇન્ટરનેશનલ મનિટરી ફંડ - IMF)ના આંકડા પણ આસિફ ઇકબાલના દાવામાં તથ્ય હોવાનું દર્શાવે છે. IMFના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ 2023 સુધીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એશિયા પ્રશાંત ક્ષેત્રની ભાગીદારી 39 ટકા સુધીની રહેવાનું અનુમાન છે. જ્યારે ઉત્તર અમેરિકાનો હિસ્સો 25 ટકા સુધી ઘટી શકે છે.

સુદીપ બંદોપાધ્યાયનું કહેવું છે કે, ભારત અને ચીનની સંયુક્ત વસતી 260 કરોડથી વધુ છે. અમેરિકા સહિત દુનિયાની કોઈ પણ આર્થિક મહાશક્તિ આ બન્ને દેશોને અવગણવાનું જોખમ લઈ શકે તેમ નથી.

સંભવતઃ એજ કારણ છે કે તાજેતરમાં જ વોલમાર્ટે ફ્લિપકાર્ટના માધ્યમથી ભારતના રિટેલ બજારમાં પ્રવેશ કર્યો છે. તેણે પોતાની અત્યાર સુધીનો સૌથી મોટો સોદો કરીને ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદ્યો. આ માટે વોલમાર્ટ 1600 કરોડ ડોલર એટલે કે એક લાખ 7 હજાર કરોડ રૂપિયાથી વધુ ચૂકવશે.

line

SCOનું મહત્ત્વ

ચિંગદાઉ શહેરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને ફરીથી જી-7માં સામેલ કરવાની તરફેણ કરી ચૂક્યા છે, પરંતુ હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન ચિંગદાઓમાં હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખનીજ તેલની વધી કિંમતો પર પોતાની ચિંતા દર્શાવી ચૂક્યા છે. તેમણે તેલ ઉત્પાદક દેશોને ખનીજ તેલની કિંમતોને તર્કસંગત બનાવવાની અપીલ પણ કરી છે.

SCO સંમેલનમાં રશિયા, ઈરાને પણ ભાગ લીધો, જે કુલ તેલ ઉત્પાદનમાં મહત્ત્વનો હિસ્સો ધરાવે છે.

ચીનના રાષ્ટ્રપતિ અને મોદી છેલ્લા દોઢ મહિનામાં બીજી વખત મળ્યા. બન્ને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર વધારવા પર ભાર મૂક્યો છે અને વર્ષ 2020 સુધી દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

ચીનના કસ્ટમ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર માર્ચ 2018 સુધી ભારત અને ચીનનો દ્વિપક્ષીય વેપાર 84.44 અબજ ડોલર હતો. એટલું જ નહીં, દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવાના ભાગરૂપે ચીન પોતાની સરકારી બૅન્ક (બૅન્ક ઑફ ચાઇના)ની એક શાખા મુંબઈમાં પણ ખોલશે.

line

SCO અને જી-7

મોદી અને જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

એ ખરું કે ચીનના ચિંગદાઓમાં SCO સંમેલનમાં ભાગ લેનારી આર્થિક શક્તિઓમાં ખૂબ સારો તાલમેલ નથી. તો જી-7 દેશોની પણ પોતાની સમસ્યાઓ એટલી બધી છે કે તે તેમાં જ ગુંચવાયેલા છે.

હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમીનિયમ પર ઇમ્પૉર્ટ ડ્યૂટી વધારી દીધી છે. એની સૌથી વધુ અસર કેનેડા, જાપાન, જર્મની જેવા દેશો પર થશે, જે જી-7માં તેમના સહયોગી છે.

ટ્રમ્પના આ નિર્ણયથી સહયોગી દેશો નારાજ છે. કેનેડાએ તો અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તે "જેવા સાથે તેવા"ની નીતિ પર ચાલશે.

જી-7 દુનિયાના ઔદ્યોગિક દેશોનો સમૂહ છે, પરંતુ આ દેશોમાંથી મોટાભાગના મોટી અર્થવ્યવસ્થાની સરખામણીએ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ખૂબ જ ઓછી ભાગીદારી ધરાવે છે.

અમેરિકામાં જીડીપીની વૃદ્ધિ 2.3 ટકા જેટલી છે, તો જી-7માં ભાગ લઈ રહેલા ચાર યુરોપિયન દેશોની આર્થિક વૃદ્ધિ 2.5 ટકાની આજુબાજુ છે. વર્ષ 2017માં જાપાનની અર્થવ્યવસ્થા 1.6 ટકાની ઝડપે વધી અને અનુમાન છે કે આ વર્ષે તેમાં વધુ ઘટાડો થવા સંભવ છે.

બીજી બાજુ ભારત અને ચીનમાં તમામ મુશ્કેલીઓ છતાં અર્થતંત્રની ગતિ ઘણી વધારે છે.

નવા આંકડા પ્રમાણે ચીનની આર્થિક વૃદ્ધિ 7.7 ટકા અને ભારતની આર્થિક વૃદ્ધિ 6.8 ટકાની ઝડપથી વધી રહી છે.

સુદીપ બંદોપાધ્યાય કહે છે, "ચીન અને ભારત જેવી વિકસી રહેલાં અર્થતંત્રો ઉપરાંત વિકાસશીલ દેશોની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં હિસ્સેદારી મહત્ત્વની બની રહી છે.”

“એવામાં SCO સંમેલન વિકાસશીલ દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધારવાનો એક ઉમદા મંચ સાબિત થઈ શકે છે."

SCOનાં મહત્ત્વ વિશે સુદીપ કહે છે કે ભારત અને ચીન આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ એ સંદેશ આપવામાં સફળ રહ્યા છે કે 21મી સદી એશિયાની રહેશે. હાલમાં તો આ બાબત જ સાચી પડી રહી હોય એમ લાગી રહ્યું છે.

આર્થિક બાબતોના જાણકાર આસિફ કહે છે, "એનાથી વધુ મોટું ઉદાહરણ શું હોઈ શકે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ જી-7 ક્યૂબેક સંમેલનને વચ્ચે જ છોડીને સિંગાપોર માટે રવાના થઈ ગયા. એટલે કે તેમના માટે પણ આ સંમેલન કરતાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે થનારી બેઠક વધુ મહત્ત્વની છે."

આસિફનું કહેવું છે કે મામલો એકદમ સ્પષ્ટ છે વિશ્વની નજર હાલમાં એશિયા પર છે, નહીં કે પશ્ચિમના અમીર દેશોની ક્લબ પર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો