મોદી જેમાં ભાગ લેવા ચીન ગયા છે તે SCO સંમેલન શું છે?

મોદી અને જીનપિંગ

ઇમેજ સ્રોત, Twitter/@MEAIndia

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચી ગયા છે.

આ સંમેલન ચીનના ચિંગદાઓમાં યોજાઈ રહ્યું છે. જેમાં મોદી અન્ય દેશના વડાઓને પણ મળશે.

આ સંમેલનની શરૂઆત પહેલાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ સાથે મુલાકાત કરી હતી.

ભારતમાંથી વડાપ્રધાન મોદી સિવાય અન્ય દેશના વડાઓ પણ શનિવારે ચિંગદાઓ પહોંચ્યા હતા.

આ સંમેલન બે દિવસ ચાલશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે.

line

શું છે શાંઘાઈ સહયોગ સંગઠન?

એસસીઓ સમીટ

ઇમેજ સ્રોત, Twitter/@MEAIndia

શાંઘાઈ સહયોગ સંગઠનને મોટાભાગે તેના ટૂંકા નામ SCO(The Shanghai Cooperation Organisation)થી ઓળખવામાં આવે છે.

આ સંગઠન એક કાયમી આંતરસરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જેની સ્થાપના 15, જૂન 2001ના રોજ ચીનના શાંઘાઈમાં કરવામાં આવી હતી.

એસસીઓની ઑફિશિયલ વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે ચીન, રશિયા, ઉઝબેકિસ્તાન, તાઝિકિસ્તાન, કઝાકિસ્તાન આ પાંચ દેશોએ મળીને શાંઘાઈ સહયોગ સંગઠનની રચના કરી હતી.

2003માં સેન્ટ પિટર્સબર્ગ ખાતે શાંઘાઈ સહયોગ સંગઠનના વડાઓની મળેલી બેઠકમાં તેના ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવી હતી.

હાલ આ સંગઠનના કુલ 8 સભ્યો છે. જેમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાઝિકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગીસ્તાનનો સમાવેશ થાય છે.

line

ભારતનો આ સંગઠનમાં ક્યારે પ્રવેશ થયો?

મોદી અને જીનપિંગ

ઇમેજ સ્રોત, Twitter/@MEAIndia

ચિંગદાઓમાં યોજાઈ રહેલા આ સંમેલનમાં ભારત પ્રથમ વખત એક પૂર્ણ સભ્ય તરીકે ભાગ લેશે.

2005માં ભારત, પાકિસ્તાન અને ઈરાનનો નિરીક્ષક રાષ્ટ્રો તરીકે આ સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પૂર્ણ સભ્યપદ આપવામાં આવ્યું ન હતું.

જેથી ભારત આ પહેલાંનાં સંમેલનોમાં પૂર્ણ સભ્ય તરીકે ભાગ લઈ શકતું ન હતું.

ગત વર્ષ એટલે કે 2017માં 8-9 જૂનના રોજ કઝાકિસ્તાનના અસ્તાનામાં એસસીઓનું સંમેલન યોજાયું હતું.

આ સંમેલનમાં ભારતને એક પૂર્ણ સભ્યનો દરજ્જો આપીને સંગઠનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

એટલે કે ભારતનો સભ્ય તરીકે આ સંગઠનમાં સમાવેશ થયાને માત્ર 1 વર્ષ જ થયું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, ભારત સાથે 2017માં પાકિસ્તાનનો પણ એક પૂર્ણ સભ્ય તરીકે આ સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

હાલ અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મોંગોલિયા નિરીક્ષક રાષ્ટ્રો તરીકે સંમેલનમાં ભાગ લઈ રહ્યાં છે.

line

શા માટે આ સંગઠનની સ્થાપના થઈ?

બેઠકની પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, The Shanghai Cooperation Organisation (SCO)

એસસીઓની વેબસાઇટ મુજબ 2001માં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે સાથે મળીને લડવા તથા પરસ્પર સહયોગ માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી.

તે સિવાય આ સંગઠનનો ઉદ્દેશ છે કે સભ્યો રાષ્ટ્રોની વચ્ચે પરસ્પર વિશ્વાસ સંપાદન કરવો અને પાડોશીઓ સાથે સંબંધો મજબૂત કરવા.

સભ્ય રાષ્ટ્રોના અસરકારક સહયોગને પ્રોત્સાહન આપીને રાજકારણ, વેપાર, અર્થતંત્ર, ટેક્નૉલૉજી જેવા મામલે કાર્ય કરવું.

ઉપરાંત શિક્ષણ, ઊર્જા, પ્રવાસન અને પર્યાવરણના મુદ્દાઓ પર પણ એકબીજાના સહયોગ વડે કાર્ય કરવું.

સંગઠનમાં સભ્ય રાષ્ટ્રો દ્વારા શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો થાય તે પણ આ સંગઠનનો ઉદ્દેશ છે.

line

મોદી-જિનપિંગ: બે મહિનામાં બીજી મુલાકાત

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં યોજાઈ રહેલા આ સંમેલનમાં ભાગ લેતાં પહેલાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા રવીશકુમારે બંને રાષ્ટ્રોના વડા વચ્ચે થયેલી બેઠક અંગે ટ્વીટ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે ગત મહિને વુહાનમાં થયેલી મુલાકાત બાદની આ અનૌપચારીક બેઠક હતી. જેમાં વુહાનની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોના અમલીકરણ પર વાતચીત કરવામાં આવી હતી.

એસસીઓ સમિટથી દૂર હટીને થયેલી આ મિટિંગ હકારાત્મક રહી હોવાનું પણ રવીશકુમારે જણાવ્યું હતું.

line

ચીન-ભારતની નિકટતા કેમ વધી રહી છે?

મોદી અને જીનપિંગ

ઇમેજ સ્રોત, Twitter/@narendramodi

બીબીસી સંવાદદતા ઝુબેર અહેમદના વિશ્લેષણ મુજબ ભારત, ટ્રમ્પની 'ક્યારેક હા-ક્યારેક ના'વાળી નીતિથી અસમંજસમાં છે.

બીજી તરફ અમેરિકા-ચીન વેપાર યુદ્ધ અને બીજા મોટા દેશો વિરુદ્ધ ઉઠાવેલાં પગલાંની ખરાબ અસર ભારત પર પણ પડી શકે છે.

ઈરાન સાથે પરમાણુ કરારથી અમેરિકાનું અલગ થવું અને ત્યારબાદ ઈરાન પર સખત નિયંત્રણ લગાવવાં ભારત માટે સારા સમાચાર નથી.

ભારતને સૌથી વધુ તેલ નિકાસ કરતા ટોચના ત્રણ દેશોમાં ઈરાન ત્રીજા ક્રમે છે.

જો અમેરિકાએ ભારતને એ બાબતે મજબૂર કર્યું કે તે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દે, તો ભારતની અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે.

જોકે, ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ગયા અઠવાડિયે ઉત્સાહથી કહ્યું હતું કે ભારત માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવેલાં પ્રતિબંધોનું પાલન કરશે.

જો ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતી ભારતની કંપનીઓને નિશાન બનાવી તો ભારત પાસે તેનું પાલન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો