ભારતની આ જગ્યાએથી ચીનમાં જવા વીઝાની જરૂર નથી
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
તમને ખબર છે? સરહદ મામલે એકબીજા સામે બાંયો ચડાવતા ભારત અને ચીન વચ્ચે એક એવી જગ્યા પણ છે, જ્યાંથી ભારતીયો ચીનમાં આંટો મારી આવે છે, અને ચીનનાં સૈનિકો ભારત આવી જાય છે.
હમણાં જ ભારત-ચીન વચ્ચે ડોકલામ પાસે પોતાની સરહદનો વિવાદ થાળે પડ્યો છે.
પણ દુનિયાના બે શક્તિશાળી પાડોશી દેશો ભારત અને ચીન વચ્ચે સરહદનો વિવાદ ચાલતો જ રહે છે.
હું આ વાત ચકાસવા અરુણાચલ પ્રદેશ પહોંચ્યો.
તમને આ પણ વાંચવુ ગમશે.
આસામનાં પાટનગર ગુવાહાટીથી ટ્રેનમાં એક રાતની મુસાફરી કરીને અમે દિબ્રુગઢ થઈને તિનસુકિયા પહોંચ્યા.
અહીંથી જ પહાડ દેખાવા શરૂ થઈ જાય છે.
નથી હોટલ કે નથી ધર્મશાળા

અરુણાચલમાં પરમિટ વિના ક્યાંય પણ જવાની મંજૂરી નથી મળતી.
અમને ઊંચાઈ પર વસેલા શહેર હાયોલાંગ પહોંચવામાં દસ કલાક લાગ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનેક વિનંતીઓ કરી ત્યારે માંડ માંડ સર્કિટ હાઉસમાં જગ્યા મળી, કારણ કે અહીં કોઈ હોટલ કે ધર્મશાળા નથી.
અઘરું ચઢાણ

અમારા કેરટેકરે અમને પૂછી તો લીધું જ કે, "તમે પહાડ ચઢીને ચીનની સરહદે તો નથી જઈ રહ્યા ને? ચારેય બાજુ લેંડસ્લાઇડ થઈ રહ્યું છે."
અમે મનમાં ઘણી શંકાઓ સાથે બીજા દિવસે કાચા રસ્તે ચઢાણ શરૂ કરી દીધું.
પહાડોથી ડર લાગવા લાગ્યો અને ખીણ વધુને વધુ ઊંડી થઈ રહી હતી.
કેટલાંય કલાકોની મુસાફરી બાદ અમને ક્યાંક કોઈ એકાદ માણસ નજરે ચડી જતો.
એ લોકો પણ આશ્ચર્યથી અમને જોતા હતા.
અહીંથી ચીન જવું સરળ છે

ચીનની સરહદે આવેલા ભારતનાં આ છેલ્લાં ગામે પહોંચવું મોટી વાત છે.
છાગલાગામમાં રહેતા પચાસ પરિવારોમાંથી એક અલિલમ ટેગાનું કુટુંબ પણ છે.
તેમની આવકનું મુખ્ય સાધન એલચીની ખેતી છે. પણ દેશ સાથે સંપર્ક જાળવી રાખવો મોટો પડકાર છે.
કરિયાણું ખરીદવા માટે સૌથી નજીકના સ્થળે પહોંચવા માટે પાંચ કલાકનો સમય લાગે છે.
એમના સંબંધીઓ ચીનમાં પણ રહે છે, અને ત્યાં જવું ઘણું સહેલું છે.
ગામ લોકોના અડધા સંબંધીઓ ચીનમાં

અલિલમ ટેગાએ કહ્યું, "અમે મિશ્મી જનજાતિના છીએ. અમારા અડધા સંબંધીઓ સરહદની બીજી બાજુ રહે છે."
તેમણે વધુ કહ્યું, "અમારા ગામના લોકો દવા બનાવવામાં વપરાતી જડીબુટ્ટીઓ શોધવા જંગલમાં જાય છે, ત્યારે ત્યાં રહેતા લોકો પણ અમને મળી જાય છે."
ટેગાએ કહ્યું, "એકાદ-બે કલાક વાતચીત થાય, ત્યારે જાણવા મળે કે કોણ જીવે છે અને કોણ ગુજરી ગયું."
ગામમાં ભારતીય સૈન્યનો એક કેમ્પ છે, જેની બહાર જવાનો બેસીને સિગારેટનાં કશ લેતા જોવા મળ્યા.
જમ્મુના વતની એક જવાને કહ્યું, "તમને લોકોને અહીં જોઈને સારું લાગ્યું. અહીં તો મોબાઇલ - ટીવી કંઇ જ નથી ચાલતું."
તેમણે કહ્યું, "પહાડો પર ચઢીને પહેરા માટે ફરતા રહેવુ પડે છે અને અહીંની મોસમ કેવી અનિશ્ચિતતાઓથી ભરેલી છે એ તો તમે જ જોઈ લો."
છાગલાગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા ઘણા લોકો સેના માટે ગાઇડ અથવા દુભાષિયાનું કામ કરે છે. 24 વર્ષીય આયનડ્યોં સોમ્બેપો વ્યવસાયે ગાઇડ છે અને હાલ તે કામની શોધમાં છે.
ચીનના સૈનિકોનો સામનો

સરહદ ઓળંગીને ચીન જઈ આવવાનો દાવો કરતા આયનડ્યો સોમ્બેપોને ઘણી વખત ચીનના સૈનિકોનો ભેટો પણ થઈ ચૂક્યો છે.
તેમણે કહ્યું, "એ દિવસે બપોરે હું સરહદની ખૂબ નજીક ફરતો હતો અને એ લોકો મને આપણી સરહદમાં લગભગ સો મીટર અંદર મળ્યા. મને તેમની પાસે બેસાડીને પૂછ્યું કે આસપાસ કેટલા ભારતીય સૈનિકો છે. મેં કહ્યું કે અમારી સેનાનાં 300 જવાનો અહીં છે. એ લોકો થોડીવાર ત્યાં રોકાયા પછી પરત જતા રહ્યા."
છાગલાગામમાં રહેનારા મોટાભાગના લોકો સરહદ પાર કરી ચીનમાં જઈ આવ્યા છે.
આલિલમ ટેગાના જણાવ્યા અનુસાર, "ત્યાં બહુ જ વિકાસ દેખાય છે. ત્રણ માળની ઇમારતો અને સરસ રસ્તા છે. ભારતમાં હજી તેના ત્રીજા ભાગનો પણ વિકાસ નથી થઈ શક્યો."
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ બાબતે વિવાદ થતો રહે છે.
બન્ને દેશ વચ્ચે 1962માં યુદ્ધ પણ થઈ ચૂક્યું છે.
બન્ને દેશો વચ્ચે ડોકલામ મુદ્દે થયેલા વિવાદનો ખૂબ મુશ્કેલીઓથી અંત આવ્યો છે.
મૂળ મુદ્દે ભારતના પાંચ રાજ્યોનાં ગામડાની સરહદ ચીન સાથે જોડાયેલી છે.
કોઈ નિયત સરહદ નથી

સિક્કિમ સિવાય અન્ય કોઈ રાજ્યમાં કોઈ ચોક્કસ સરહદી રેખા નિર્ધારિત થઈ જ નથી.
ભારતીય સેનાના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ વીપી મલિકને લાગે છે કે આ વિવાદ હકારાત્મક વલણ દાખવીને જ ઉકેલી શકાશે.
તેમણે કહ્યું, "એ લોકો જે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા)ની વાત કરે છે અને આપણે જેને વાસ્તવિક નિયંત્રણ રેખા માનીએ છીએ, તેને પહેલા નક્શા પર તો દર્શાવવી જોઇએ.”
તેમણે વધુમાં કહ્યું, “જો તમે એ રેખાને નક્શા પર દર્શાવો તો હવે તમને જીપીએસથી ખબર પડી જશે કે, તમે આપણા વિસ્તારમાં છો કે, બીજા દેશમાં.”
તેમણે ઉમેર્યું, “સમસ્યા એ છે કે ચીને હજી સુધી આ રેખા દર્શાવવા દીધી નથી. એટલે ક્યારેક ક્યારેક ચીનના સૈનિકો પણ ભારતમાં જોવા મળ્યા છે."
બન્ને સશક્ત પાડોશી વચ્ચેની રાજનૈતિક સ્પર્ધામાં આ અવરજવર થોડા સમય માટે અટકી જાય છે.
પણ ભારતની સરહદ પર રહેતા આ સેંકડો લોકો માટે તેનું કોઈ ખાસ મહત્વ નથી.
છાગલાગામમાં પોતાના ઘરનાં ઉંબરે બેસેલા અલિલમ ટેગા સૂર્યાસ્ત જોઈ રહ્યા હતા.
તેમણે માત્ર એટલું જ કહ્યું, "અમે ભારતમાં જરૂર છીએ, પણ અમારી દરકાર કોણ કરે છે, તેની આજ સુધી ખબર નથી પડી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













