દેશભરમાં ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકરો જ શહેરી માઓવાદીઓ?

માઓવાદની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસ દ્વારા દેશના વિવિધ ભાગોમાં સામાજિક કાર્યકરો અને લેખકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને ધરપકડો પણ હાથ ધરાઈ.

આ દરોડા દરમિયાન જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી તેમા વરવરા રાવ પણ સામેલ છે.

પોલીસે રાવ અને તેમનાં બે પુત્રી ક્રાંતિ તેમ જ ખાસિમના ઘરે દરોડા પાડ્યા. ક્રાંતિ 'ક્રાંતિકારી લેખક સંઘ'નાં સભ્ય છે.

રાવ ઉપરાંત પોલીસે મુંબઈમાંથી અરૂણ ફરેરા અને વરનૉન ગૉન્ઝાલ્વિઝની ધરપકડ કરી.

જ્યારે હરિયાણાના સુરજકુંડમાંથી માનવાધિકાર કાર્યકર્તા સુધા ભારદ્વાજ તેમજ દિલ્હીમાંથી PUDR ના કાર્યકર ગૌતમ નવલખાની ધરપકડ કરવામાં આવી.

line
બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ દ્વારા આ માટે હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, રાંચીમાં એક સાથે અભિયાન હાથ ધરાયું હતું.

પૂણેના જોઇન્ટ કમિશનર શિવાજી ભડકેના જણાવ્યા અનુસાર ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા અને એલગાર પરિષદના સંદર્ભમાં આ ધરપકડો કરાઈ છે.

જોકે, હજુ સુધી આ ધરપકડ પાછળનું ચોક્કસ કારણ પોલીસે જણાવ્યું નથી. પણ, એવું મનાઈ રહ્યું છે કે જૂન મહિનામાં રોના વિલ્સન પાસેથી જપ્ત કરાયેલા કથિત પત્રના આધારે આ ધરપકડો કરાઈ છે.

line

માઓવાદીના કથિત પત્રના આધારે ધરપકડ?

પ્રતિકાત્કમ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

માનવાધિકાર કાર્યકર્તા રૉના વિલ્સનના દિલ્હી ખાતેના ઘરમાંથી મળેલા એ કથિત પત્રમાં રાજીવ ગાંધીની જે રીતે હત્યા કરાઈ હતી એ જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું ષડ્યંત્ર પકડાયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

પત્રના આધારે વરાવરા રાવને કથિત મુખ્ય ષડ્યંત્રકારી ગણાવાયા હતા.

શું તમે આ વાંચ્યું?

માનવાધિકાર સંગઠનો અને ડાબેરી પક્ષોએ આ ધરપકડોને 'વિરોધનો અવાજ' બંધ કરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.

તો કયા આધારે આ ધરપકડ કરાઈ છે એ સવાલ સાથે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા છે.

આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. માત્ર પૂણેના પોલીસ કમિશનરે આ ધરપકડનો સંબંધ ભીમા કોરેગાંવ સાથે હોવાનું જણાવ્યું છે.

ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકરો પર પોલીસે 'અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ' (UAPA) અંતર્ગત ગુનો નોંધ્યો છે.

line

અત્યારે ધરપકડ કેમ કરાઈ?

ભીમા કોરેગાંવની તસવીર

મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ ખાતે ગત વર્ષે ડિસેમ્બર મહિનામા હિંસા ફાટી નીકળી હતી.

એલગાર પરિષદમાં ઉશ્કેરણી જનક ભાષણ આપીને દલિત બૌદ્ધિકો અને ડાબેરી કાર્યકરોએ આ હિંસા ભડકાવી હોવાનો પોલીસ આરોપ લગાવ્યો હતો.

જેને પગલે જૂન માસમાં રોના વિલ્સન, સુધીર ધાવલે, સુધિન્દ્ર ગડલિંગ, પ્રો. સોમાસેન, મહેશ રાઉત જેવા સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

એ ધરપકડ દરમિયાન રોના વિલ્સનના ઘરે મોદીની હત્યા કરવાના કથિત ષડ્યંત્રનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

પોલીસના દાવા અનુસાર એ પત્ર માઓવાદીઓએ લખ્યો હતો અને વરવરા રાવને એ ષડયંત્રના કથિત સુત્રધાર હતા. જોકે, રાવે એ પત્રને બનાવટી ગણાવ્યો હતો.

પત્રને બનાવટી ગણાવનારા માત્ર રાવ જ નહોતા. કોંગ્રેસના નેતા સંજય નિરુપમ સહિત કેટલાય માનવાધિકાર સંગઠનો અને સામજિક કાર્યકરોએ પણ પત્ર પર સવાલ ઊભા કર્યા હતા.

તેમના મતે ઘટી રહેલી લોકપ્રિયતા વધારવા અને સહાનુભૂતિ મેળવવા મોદી સરકારે એ તરકટ રચ્યું હતું.

line

'શહેરી માઓવાદી' એ વળી કોણ?

સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, BBC/ALOK PUTUL

હાલના સમયમાં પોલીસ અને સરકાર અધિકારીઓ 'અર્બન માઓઇસ્ટ કે શહેરી માઓવાદી' જેવા શબ્દ વારંવાર સાંભળવા મળે છે.

નક્સલવાદીઓ પોતાની વિચારધારા શહેરી વિસ્તારોમાં ફેલાવવા માટે કાર્ય કરી રહ્યા હોવાનું તેમનું માનવું છે.

જેમને અર્બન માઓઇસ્ટ કે શહેરી માઓવાદી તરીકે ઓળખવામાં આવે છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર સાઈબાબાની ધરપકડ થયા બાદ આ શબ્દોએ ભારે ચર્ચા જગાવી હતી.

સરકારનું કહેવું છે કે નક્સલવાદ પોતાનો આધાર ગુમાવી રહ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ આ જ વાત કહી છે.

છતાં, દલિત અને આદિવાસીઓના અધિકાર માટે લડી રહેલા કેટલાક વકીલ અને પ્રાધ્યાપકો પર સરકાર નજર રાખી રહી છે.

સરકારનો દાવો છે કે આમાના કેટલાક લોકો માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને માઓવાદી વિચારધારાના પ્રસાર માટે કામ કરી રહ્યા છે.

સરકારી દાવો તો એવો પણ છે કે સંબંધીત લોકો ડાબેરી ઉગ્રવાદ તરફ સહાનુભૂતિ ધરાવે છે.

line

દંડકારણ્યમાં અભિયાન અને સરકારનો નિર્દેશ

પ્રતિકાત્કમ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં માઓવાદી ચળવળ મુખ્યત્વે છત્તીસગઢ અને ઓડિશાની સરહદ પર આવેલા 'દંડકારણ્ય' નામના જંગલ વિસ્તારમાં કેન્દ્રીત થયેલી છે.

તેલંગાણા કે આંધ્રપ્રદેશના મેદાની વિસ્તારમાં નક્સલવાદ આધાર ગુમાવી રહ્યો છે અને આ જ સ્થિતિ શહેરી વિસ્તારોની છે.

આ મત માઓવાદી નેતા કોબાડ ઘાંડીએ 'ઇકૉનૉમિક એન્ડ પોલિટિકલ વિકલી'માં વ્યક્ત કરી ચૂક્યા છે.

ત્યારે સરકારનું માનવું છે કે શહેરી વિસ્તારમાં માઓવાદ ફેલાવવા માટે માઓવાદીઓ પ્રયાસ કરી રહ્યાં છે.

અને આ માટે યુનિવર્સિટીઓના ઉદારવાદી ડાબેરી બૌદ્ધિકો અને વકીલોની મદદ લેવાઈ રહી છે.

જાણકારોનું માનવું છે કે સરકાર બે મોરચે માઓવાદ કે નક્સલવાદ વિરુદ્ધ લડી રહી છે.

એક બાજુ દંડકારણ્યમાં માઓવાદીઓ વિરુદ્ધ 'કોબરા ફોર્સીસ'નો ઉપયોગ કરી રહી છે, જેને પગલે છત્તીસગઢના જંગલોમાં મોટા પાયે 'ઍન્કાઉન્ટર' કરાઈ રહ્યા છે.

અને બીજી બાજુ, માઓવાદ તરફ સહાનુભૂતિ ધરાવા શહેરીવર્ગ પર નજર રખાઈ રહી છે.

line

સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારોના મતે, સરકારનો નિર્દેશ સ્પષ્ટ છે, છત્તીસગઢમાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયેલા અભિયાન પર શહેરી બૌદ્ધિકોએ સવાલ ઊભા ન કરવા.

સરકારના આ પગલાનો માનવાધિકાર સંગઠનો અને દલિત સંગઠનો દ્વારા આકરો વિરોધ પણ થઈ રહ્યો છે.

બીબીસી તેલુગુ સાથેની વાતચીતમાં અરુંધતી રૉયે જણાવ્યું, ''લિન્ચિંગ કરનારાઓ પર દરોડા પડવાને બદલે વકીલ, કવિ, લેખકો, દલિત કાર્યકરો અને બૌદ્ધિકોને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.”

“આ જ વાત સ્પષ્ટ કરે છે કે ભારત કઈ તરફ જઈ રહ્યું છે. હત્યારાઓઓનું સન્માન કરાઈ રહ્યું છે અને ન્યાય માટે અવાજ ઉઠાવનારા કે હિંદુ બહુમતિવાદનો વિરોધ કરનારાઓને ગુનેગાર તરીકે ચીતરવામાં આવી રહ્યા છે.''

''ક્યાંક આવનારી ચૂંટણીની આ તૈયારીઓ નથી?''

હ્યુમન રાઇટ્સ ફોરમના નેતા વીએસ ક્રિષ્ણાએ જણાવ્યું, ''વિરોધી અવાજને ગુનેગાર ચીતરવાની આ વાત છે. આ પાછળ મોટું ષડયંત્ર છે અને જે ઇશરત જહાં એન્કાઉન્ટરવાળી ઘટનાની યાદ અપાવે છે.''

''એ વખતે પણ મોદીની હત્યાનો 'પ્લૉટ' ઘડી કાઢ્યો હતો. અને અત્યારે ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત મોદી દ્વારા સહાનુભૂતિ મેળવવા આવી રીતે પ્રયાસ કરાઈ રહ્યો છે.''

વીડિયો કૅપ્શન, ગુજરાત : રળિયામણા ડાંગની પાછળ છૂપાયેલાં દુઃખો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો