ભીમા-કોરેગાંવ કેસ: 'સરકાર આરોપીઓને છાવરી રહી છે'

સુધીર ધાવલે

ઇમેજ સ્રોત, SUDHIR DHAWALE / FACEBOOK

કોરેગાંવ ભીમામાં 1 જાન્યુઆરી 2018ના રોજ બાજીરાવ પર બ્રિટિશ સૈનિકોની જીતની 200મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી ત્યારે હિંસા ભડકી હતી. આ કેસમાં આજે પુણે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ઘણા લોકોનો આરોપ છે કે આ ધરપકડ સાચા આરોપીઓને છાવરવા માટે કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર પોલીસે એડવોકેટ સુરેન્દ્ર ગડલીંગ, નાગપુર યુનિર્વસિટીમાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. સોમા સેન, વિદ્રોહી મેગેઝિનના એડિટર સુધીર ઢાવલે, રોના વિલ્સન, ભારત જન આંદોલન અને પ્રધાનમંત્રીના ગ્રામીણ વિકાસના(ગઢ ચિરૌલી) કાર્યકર્તા મહેશ રાઉતની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભીમા-કોરેગાંવ સૂર્ય દિન પ્રેરણા અભિયાન અંતર્ગત 31 ડિસેમ્બર 2017ના રોજ 'અલગાર પરિષદ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિષદમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપને પગલે 8 જાન્યુઆરી 2018ના રોજ પુણેના વિશ્રામ બાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જેનાં આધારે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

line

બ્રિટિશ સૈનિકોએ પેશવાઓને હરાવ્યા હતો

બ્રિટશ સૈનિકો અને પેશવાઓની લડાઈનું ચિત્ર

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE

પુણે પોલીસના જોઇન્ટ કમિશ્નરે બીબીસીને જણાવ્યું, "અમે મુંબઈથી સુધીર ઢાવલે, નાગપુરથી સોમા સેન, મહેશ રાઉત અને સુરેન્દ્ર ગડલિંગ સાથે જ દિલ્હીથી રોમા વિલ્સનની ધરપકડ કરી છે.

"તેઓ પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદી સંગઠન સાથે સંબંધ ધરાવે છે. અલગાર પરિષદમાં ઉશ્કેરણીજનક ભાષણ બાદ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

"ત્યારબાદ અમે અલગઅલગ જગ્યાઓએ તપાસ હાથ ધરી, જેમાં તેમના વિશે પુરાવા મળ્યા છે. કેસમાં વધુ તપાસ કર્યાં બાદ અમે વધુ માહિતી આપીશું."

તમે આ વાંચ્યું કે નહીં?

ઉલ્લેખનીય છે કે ભીમા-કોરાગાંવ 'સૂર્યા દિન પ્રેરણા અભિયાન' 260 સંગઠનોનું સંયુક્ત સંયોજન છે.

ભીમા-કોરેગાંવની લડાઈમાં બ્રિટિશ સૈનિકોએ પેશવાઓને પરાજય આપ્યો હતો.

આ પ્રસંગની 200મી જયંતીની ઉજવણી સ્વરૂપે 31 ડિસેમ્બર 2017ના રોજ પુણેના શનિવારવાડામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

line
જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Getty Images

આ કાર્યક્રમમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ કોલસે પાટીલ, ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બીજા વક્તાઓ હાજર રહ્યા હતા.

રાજ્યભરના હજારોની સંખ્યામાં દલિતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, પરંતુ ભીમા-કોરેગાંવ કાર્યક્રમ દરમિયાન પથ્થરમારો અને હુલ્લડની ઘટના બની હતી.

આ ઘટનામાં એક દલિત યુવાનનું મોત અને બીજા ઘણાં ઘાયલ થયા હતા.

લોકતાંત્રિક અધિકાર સરંક્ષણ સમિતિના ડૉ. આનંદ તેલતુંબડેએ આ ધરપકડ અંગે બીબીસીને જણાવ્યું, "આ ધરપકડથી રાજ્ય સરકાર એવું સાબિત કરવા માગે છે કે ભીમા-કોરેગાંવમાં ભડકેલી હિંસામાં અલગાર પરિષદનો હાથ હતો.

"સાથે જ પ્રેરણા અભિયાન પાછળ પ્રતિબંધિત માઓવાદી સંગઠનનો હાથ હતો."

line

મહારાષ્ટ્ર સરકાર સાચા ગુનેગારોને છાવરે છે?

કોરેગાંવ હિંસાની તસવીર

ઇમેજ સ્રોત, BBC / MAYURESH KONNUR

આ પહેલાં નેતા સંભાજી ભીંડે અને મિલિંદ એકબોટે વિરુદ્ધ પર ફરિયાદ નોંધવામાં આવી હતી.

તેમના પર ભીમા-કોરેગાંવ કાર્યક્રમ બાદ હિંસા ભડકાવવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે એકબોટેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ સંભાજી ભિંડે વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

કોરેગાંવ ભીમાની તસવીર

જોકે, ઘણા લોકો આરોપ લગાવી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર હિંસામાં સંકળાયેલા ગુનેગારો વિરુદ્ધ પગલા લેતી નથી.

વર્ષ 2011માં વિદ્રોહી મેગેઝિનના એડિટર સુધીર ઢાવલે ધરપકડ રાજદ્રોહ અને માઓવાદી સંગઠન સાથે કથિત સંબંધ હોવાના આરોપસર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં કોર્ટે તેમને મુક્ત કરી દીધા હતા.

line

કોણ છે સુધીર ઢાવલે?

બસને થયેલા નુકસાનની તસવીર

• સુધીર ઢાવલે મૂળ નાગપુરના છે, તેઓ આંબેડકર મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને વિદ્રોહી મેગેઝિનના એડિટર છે.

• વર્ષ 1995 સુધી તેઓ પત્રકાર હોવા ઉપરાંત સામાજિક કાર્યો કરતા

• વર્ષ 1997માં તેમણે ઘટકોપરના રામબાઈ નગરમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસ સબ-ઇન્સપેક્ટર મનોહર કદમને સજા અપાવવા માટે આંદોલન પણ કર્યું હતું.

• વર્ષ 1999માં હાથ ધરાયેલા વિદ્રોહ સાહિત્ય સંગઠન સંમેલનમાં તેમની ભૂમિકા અગત્યની હતી.

• છેલ્લાં 18 વર્ષથી તેઓ 'વિદ્રોહી'મેગેઝિનના એડિટર છે.

• દલિત અને આદિવાસીઓના શોષણ વિરુદ્ધ તેમણે પત્રિકાઓ પણ છાપી છે.

• તેઓ દલિત એટ્રોસિટીના અનેક કેસો ઉપર કાર્યરત છે.

• આ પહેલાં પણ 2 જાન્યુઆરી 2011ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

• એ સમયે દેશદ્રોહ અને નક્સલવાદીઓ સાથે સંબંધ હોવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

• ત્યારબાદ ઢાવલેના સાથીઓ દ્વારા 'સુધીર ઢાવલે મુક્તિ અભિયાન' નામે સમિતિ રચવામાં આવી હતી. 40 મહિનાના જેલવાસ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

• તાજેતરમાં તેઓ કોરેગાંવ કેસને લઈને ફરી ચર્ચામાં છે.

line

"આંબેડકરવાદીઓ પર મોટ હુમલો"

જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, SANJEEV MATHUR

સુરેન્દ્ર ગાડલિંગ નાગપુર સ્થિત જાણીતા વકીલ છે. તેઓ માઓવાદીઓ સાથે કથિત સંબંધ ધરાવતા વ્યક્તિઓના કેસ લડી ચૂક્યા છે.

આ ધરપકડ અંગે જિજ્ઞેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, "સુધીર ઢાવાલે તથા અન્યોની ધરપકડ આંબેડકરવાદીઓ ઉપર મોટો હુમલો છે. આ ઘટના બાદ દેશના દલિતો નિરાશ છે.

"આ પહેલાં પણ મહારાષ્ટ્ર સરકારે આ રીતે જ ખોટા લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડનો હેતુ ભીમા-કોરેગાંવના સાચા આરોપીઓને છાવરવાનો છે."

ઉલ્લેખનીય છે કે કોરેગાવં હિંસા બાદ પુણે પોલીસે જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપસર કેસ નોંધ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો