એ ઓ હ્યુમ : કૉંગ્રેસની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર બ્રિટિશર કોણ હતા?

    • લેેખક, ગણેશ પોળ
    • પદ, બીબીસી મરાઠી

અઢારમી સદીમાં વેપારી તરીકે આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ (હાલના પાકિસ્તાન તથા બાંગ્લાદેશ સહિતના) તત્કાલીન ભારત પર કબજો જમાવ્યો હતો, પણ 1857માં ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે ભારતીયોમાં અસંતોષની ચિનગારી પ્રગટી અને ભારતની આઝાદી માટે સૌપ્રથમ બળવો થયો હતો.

જવાહરલાલ નહેરુ અને ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જવાહરલાલ નહેરુ અને ગાંધીજી

જોકે, એ પછી બ્રિટિશરાજ સામે સંસદીય માર્ગે લડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને એ વિચારથી પ્રેરિત થઈને 1885ની 28 ડિસેમ્બરે કૉંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી.

કૉંગ્રેસની સ્થાપનામાં બ્રિટનના એક ભૂતપૂર્વ સનદી અધિકારીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે અધિકારીનું નામ હતું એલન ઑક્ટેવિયન હ્યુમ.

તેઓ કૉંગ્રેસની સ્થાપના માટે યોજવામાં આવેલા અધિવેશનના આયોજક હતા. બાદમાં હ્યુમે કૉંગ્રેસના મહાસચિવ તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું.

એક બ્રિટિશ અધિકારીએ અનેક ઉદ્દેશ સાથે ભારતીયો માટે આ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. 1857ના બળવા પછી દેશભરમાં બ્રિટિશરો સામેનો અસંતોષ વધી રહ્યો હતો. એ અસંતોષને યોગ્ય દિશા આપવા માટે કૉંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી, એવું માનવામાં આવે છે.

એલન હ્યુમ થિયોસૉફિકલ સોસાયટીના સભ્ય પણ હતા. તેઓ સનદી અધિકારી તરીકે કાર્યરત હતા તે સમયગાળામાં તેમણે વહીવટીતંત્રમાં ભારતીય અધિકારીઓની હાજરી વધારવાના પ્રયાસ કર્યા હતા.

એલન હ્યુમે ભારતમાં સામાજિક તથા રાજકીય ક્ષેત્રે સુધારાઓમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી બ્રિટિશ સરકાર રોષે ભરાઈ હોવાનું પણ કેટલાક ઈતિહાસકારો જણાવે છે.

આપણે એ જાણીએ કે દેશના સૌથી જૂના રાજકીય પક્ષના સ્થાપક એલન હ્યુમ કોણ હતા અને ભારતમાં તેમની કારકિર્દી કેવી રહી હતી.

line

બ્રિટિશ સૈન્યમાંથી કારકિર્દીની શરૂઆત

વર્ષ 1885માં યોજાયેલી પ્રથમ નૅશનલ કૉંગ્રેસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 1885માં યોજાયેલી પ્રથમ નૅશનલ કૉંગ્રેસની તસવીર

એલન હ્યુમનો જન્મ 1829ની છઠ્ઠી જૂને સ્કૉટલૅન્ડમાં થયો હતો. તેમના પિતા જોસેફ હ્યુમ રાજકીય નેતા હતા અને સ્કૉટિશ સંસદના સભ્ય પણ હતા. એલન હ્યુમની કારકિર્દીની શરૂઆત સૈન્યમાંથી થઈ હતી.

એ પછી તેમણે મેડિકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ભારતમાં તેમની વહીવટી કારકિર્દીની શરૂઆત 1849માં બંગાળ પ્રાંતમાં થઈ હતી. એ વખતે તેમની વય 20 વર્ષ હતી.

1850માં જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂંક થયા પછી હ્યુમે બંગાળ પ્રાંતમાં (હાલના પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશમાં) બાળકો માટે મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરાવી હતી.

line

1857ના બળવામાં ભાગીદારી

વીડિયો કૅપ્શન, કેવો હતો એ દિવસ જ્યારે ભારતને સ્વતંત્રતા મળી અને નવા યુગની શરૂઆત થઈ

ભારતના સ્વાતંત્ર્ય માટે 1857માં સૌપ્રથમ બળવો થયો હતો. એ સમયે હ્યુમ ભારત આવ્યાને સાત વર્ષ જ થયા હતા.

1857માં તેમની નિમણૂંક હાલના ઉત્તર પ્રદેશના ઇટાવામાં મેજિસ્ટ્રેટ તરીકે કરવામાં આવી હતી. તેમણે બળવા સામેની 650 સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું.

તેઓ બળવાને કચડી નાખવામાં સામેલ હતા, પરંતુ એ દરમિયાન થયેલા સંપૂર્ણ રક્તપાત માટે તેમણે બ્રિટિશ સરકારને દોષી ઠરાવી હતી. આ બાબતની નોંધ તેમણે તેમની ડાયરીમાં કરી છે.

ઇટાવામાં મેજિસ્ટ્રેટ તરીકે 11 વર્ષ કામ કર્યા પછી તેમની નિમણૂંક વાયવ્ય પ્રાંતમાં મહેસૂલ અધિકારી તરીકે કરવામાં આવી હતી.

દરમિયાન 1857 પછી ભારતમાંના બ્રિટિશ રાજમાં વ્યાપક ફેરફાર થયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવામાં આવેલા અધિકાર પાછા લઈ લેવામાં આવ્યા હતા. લોકોના દબાણને કારણે ઇંગ્લૅન્ડની સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાષ્ટ્રીયકરણનો નિર્ણય કરવો પડ્યો હતો. એ પછી ભારતીય પ્રદેશ સીધો બ્રિટિશ સરકારના તાબામાં આવી ગયો હતો.

line

કૉંગ્રેસની સ્થાપના શા માટે?

કૉંગ્રેસના સ્થાપક એલન હ્યુમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના સ્થાપક એલન હ્યુમ

એલન હ્યુમે ભારતમાં સનદી અધિકારી તરીકે 33 વર્ષ સુધી કામ કર્યું હતું. તેઓ 1882માં બ્રિટિશ સરકારમાંથી નિવૃત્ત થયા હતા. એ પછી તેમણે કોલકાતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક પત્ર લખ્યો હતો.

એ પત્રમાં તેમણે, ભારતીયોને એક રાજકીય ચળવળ શરૂ કરવા જણાવ્યું હતું. 1884માં થિયોસૉફિકલ સોસાયટીની એક ખાનગી બેઠકમાં એલન હ્યુમે રાજકીય સંગઠનની રચનાનો વિચાર રજૂ કર્યો હતો.

એ પછી તેમણે ભારતીય નેતાઓને એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. 1885માં પૂણેમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ પૂણેમાં પ્લેગનો રોગચાળો ફેલાવાને કારણે કૉંગ્રેસનું પહેલું અધિવેશન મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. તેમાં એલન હ્યુમની સાથે તત્કાલીન ગવર્નર ડફરીને પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

કૉંગ્રેસની સ્થાપનાનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. એ મુજબ બ્રિટિશ શાસનમાં સુશિક્ષિત ભારતીયોની ભાગીદારી વધારવાની અને ભારતીયો તથા બ્રિટિશ સરકાર વચ્ચે સંવાદ માટેના એક મંચ તરીકે કૉંગ્રેસના ઉપયોગની જાહેરાત કરવામાં આવી હતી.

વીડિયો કૅપ્શન, રાની ગાઇદિન્લ્યુ : અંગ્રેજો સામે જંગે ચડી 14 વર્ષ જેલવાસ ભોગવનારાં મહિલાની કહાણી

જોકે, કૉંગ્રેસની સ્થાપના માટે બીજાં કારણો પણ આપવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારોના દાવા મુજબ, 1857ના બળવા પછી ભડકેલી અસંતોષની જ્વાળા વિકરાળ ન બને અને ભારતીયોને અભિવ્યક્તિનો માર્ગ મળે એ હેતુસર કૉંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી.

કેટલાક લોકો એવું કહે છે કે એલન હ્યુમે ભારતમાં સામાજિક તથા રાજકીય સુધારણા માટે કૉંગ્રેસની સ્થાપના કરી હતી. આ કારણસર એલન હ્યુમને ભારત તથા બ્રિટનમાં પણ શંકાની નજરે નિહાળવામાં આવ્યા હતા.

કૉંગ્રેસના સૌપ્રથમ અધિવેશનના અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનરજી હતા, જ્યારે ફિરોજશાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનરજી, રોમેશચંદ્ર દત્ત, બદ્રુદીન તૈયબજી, એસ. સુબ્રમણ્યમ ઐયર અને અન્ય નેતાઓ આ અધિવેશનમાં હાજર રહ્યા હતા. તેમાં મોટાભાગના નેતાઓ બંગાળ તથા બૉમ્બે પ્રાંતના હતા.

મુંબઈમાં ગોવાલિયા ટૅન્ક નજીકની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કૉલેજમાં તે અધિવેશન યોજવામાં આવ્યું હતું.

તેમાં કુલ 72 નેતાઓએ ભાગ લીધો હતો અને એ પૈકીના મોટાભાગના વકીલ તથા પત્રકાર હતા. પહેલાં પક્ષનું નામ ભારતીય રાષ્ટ્રીય સંઘ એવું રાખવાનું નક્કી થયું હતું, પરંતુ દાદાભાઈ નવરોજીની વિનંતીને પગલે નામ બદલીને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ રાખવામાં આવ્યું હતું.

line

મેડિકલના વિદ્યાર્થી, સનદી અધિકારી અને પક્ષીપ્રેમી

ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી

એલન હ્યુમે બંગાળ પ્રાંતના કલેક્ટર તરીકે ઉત્તમ કામગીરી કરી હતી. એ પછી તેમણે ઇટાવામાં મહેસૂલ અધિકારી તરીકે સતત 11 વર્ષ કામ કર્યું હતું.

બાદમાં તેમણે બ્રિટિશ સરકારમાં મહેસૂલ તથા કૃષિ વિભાગના સચિવ તરીકે પણ ફરજ બજાવી હતી. ગૃહ સચિવ તરીકે તેમણે પોલીસ દળમાં મહત્વના ફેરફાર કર્યા હતા. વહીવટીતંત્રમાં ભારતીયોનું પ્રમાણ વધારવાની તેમની નીતિને કારણે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ મુદ્દે વિવાદ સર્જાયો પછી તેમની બદલી પ્રાંતીય વહીવટીતંત્રમાં કરવામાં આવી હતી.

એલન હ્યુમ મૂળ તો મેડિકલ સાયન્સના વિદ્યાર્થી હતા. તેઓ તબીબી ક્ષેત્રે જ આગળ વધ્યા હોય તો આગળ જતાં સર્જન બન્યા હોત, પણ તેઓ બ્રિટિશ સનદી સેવામાં જોડાઈને ભારત આવ્યા હતા.

સનદી અધિકારી તરીકે કામ કરતા હ્યુમને પક્ષીઓ નિહાળવાનો ઉત્કટ શોખ હતો. તેમણે ભારતમાંના અનેક પક્ષીઓનો અભ્યાસ કર્યો હતો. પક્ષીવિજ્ઞાન વિશેનું પુસ્તક લખ્યું હતું. અનેક પક્ષીઓનો સંગ્રહ કર્યો હતો.

તેમનું ધ ગેમ બર્ડ્ઝ ઑફ ઈન્ડિયા, બર્મા ઍન્ડ સિલોન નામનું પુસ્તક બહુ ચર્ચાયું હતું. તેમણે સ્ટ્રે ફેધર્સ નામની એક માસિક પત્રિકા શરૂ કરી હતી અને તેમણે ભારતમાં કૃષિ સુધારણા વિશેનું એક પુસ્તક પણ લખ્યું હતું.

સનદી સેવામાંથી નિવૃત્ત થયા બાદ એલન હ્યુમ વર્ષો સુધી ભારતમાં રહ્યા હતા. 1894માં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા હતા અને 1912ની 31 જુલાઈએ લંડનમાં વૃદ્ધાવસ્થાને કારણે તેઓ 83 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.

સંદર્ભ પુસ્તકોઃ

  • Revival: The Rise and Growth of the Congress in India by C.F. Andrews and Girija Mookerjee.
  • Modern India by Bipin Chandra
  • Selected Writings of Allan Octavian Hume, Volume 1 (Oxford University Press)
  • મરાઠી વિશ્વકોશ
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો