વડોદરા: બીજાને ઘરે કામ કરી પેટિયું રળતાં માતા પુત્રના ભાવિ માટે 10માની પરીક્ષા આપે છે

ધોરણ 10 પરીક્ષા

ઇમેજ સ્રોત, Farheen Vohra

ઇમેજ કૅપ્શન, ફરહીન અને તેમનો પુત્ર સાદ
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી
ધોરણ 10 પરીક્ષા
  • 14 વર્ષની ઉંમરે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ભણવાનું મૂકી દેનાર ફરહીન જ્યારે નોકરી શોધવા ગયાં ત્યારે કંઈક એવું થયું કે તેમણે દસમા ધોરણની પરીક્ષા આપવાનું મન બનાવી લીધું
  • વડોદરાનાં 27 વર્ષીય ફરહીન ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી દસમા ધોરણની પરીક્ષા આપી રહ્યાં છે
  • જાણો એક સંતાનના માતાએ શિક્ષણ માટે આદરેલા પરિશ્રમની પ્રેરણાદાયી કહાણી
ધોરણ 10 પરીક્ષા એસએસસી બોર્ડની પરીક્ષા

“મેં પૈસા કમાવવા માટે ઘણી જગ્યાએ નોકરી માટે તપાસ કરી, પરંતુ જ્યાં જાઓ ત્યાં બધા એવું જ કહેતા કે જો તું દસમું ધોરણ પાસ હોત તો તને નોકરીએ રાખી લેત. એ સમયે મેં મનમાં નિર્ધાર કરી લીધો કે હવે તો ગમે એ થઈ જાય, પરંતુ હું દસમા ધોરણની પરીક્ષા જરૂર આપીશ.”

આમ કહેતી વખતે દસમા ધોરણની ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહેલાં 27 વર્ષીય ફરહીનના અવાજમાં માટે દીકરાના ઉજ્જ્વળ ભવિષ્ય માટેના મક્કમ નિર્ધાર પડઘાતો હતો.

વડોદરા જિલ્લાના આજવા‌ રોડ વિસ્તારમાં રહેતાં 27 વર્ષીય ફરહીનના ત્રણ વર્ષ પહેલાં તલાક થઈ ગયા હતા અને હાલમાં તેઓ એકલાં જ તેમના સાત વર્ષના દીકરા સાદનો ઉછેર કરી રહ્યાં છે.

ફરહીનને સમજાઈ ગયું હતું કે જો પોતાનું અને બીજા ધોરણમાં ભણતા સાદનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો શિક્ષણ મેળવી પગભર થવા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

પરંતુ પોતાનું સપનું પૂરું કરવાની સાથોસાથ ફરહીને ગુજરાન ચલાવવાની મસમોટી જવાબદારી પણ ભજવવાની હતી.

તેથી બે વર્ષ પહેલાં તેમણે નક્કી કરી લીધું કે કામ કરવાની સાથોસાથ જ ભણવાનું પણ છે. આ વિચાર સાથે તેમણે તેમના ઘરની આસપાસનાં ઘરોમાં જઈને ઘરકામ કરવાનું શરૂ કરી દીધું.

આ સાથે શિક્ષણ મેળવવાના તેમનો હેતુ પાર પાડવાની સફરની શરૂઆત થઈ.

પરંતુ તેમના માટે આ સફર એટલી સહેલી નહોતી.

ગ્રે લાઇન

આઠમા ધોરણથી ભણવાનું છોડવું પડ્યું

ધોરણ 10 પરીક્ષા

ઇમેજ સ્રોત, Farheen Vohra

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરહીન બાળપણમાં પોતે અભ્યાસ પૂર્ણ ન કરી શક્યાં એ વાત અંગે વસવસો વ્યક્ત કરતાં બીબીસીને કહે છે કે, “અમારા ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. મારી માતાના પણ તલાક થયા હતા. તેમના પર બે ભાઈઓ અને મારી જવાબદારી હતી. તેમને મદદરૂપ થવા માટે એ સમયે મેં ભણવાનું મૂકી દીધું. અને તેમની સાથે કામે જવા લાગી.”

સ્કૂલનો અભ્યાસ છૂટી જવા છતાં ફરહીનમાં ક્યાંક ને ક્યાંક પોતાની જાતને શિક્ષિત કરવાનું સપનું જીવિત હતું.

પોતાના બાળપણથી માંડીને નિકાહ અને પછી તલાક સુધીના જીવનપ્રસંગો અંગે વાત કરતાં ફરહીન કહે છે કે, “13-14 વર્ષની હતી ત્યારથી જ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. 20 વર્ષની થઈ ત્યારે તો નિકાહ પણ થઈ ગયા. પરંંતુ આણંદ રહેતાં મારા સાસરિયા સાથે અણબનાવ થતાં અંતે તલાક લઈ લીધા અને હું મારા બાળકને લઈને મારી માતાને ત્યાં આવી ગઈ.”

તલાક પછી માતા અને ભાઈઓ પર આર્થિક બોઝ નાખવાને બદલે ફરહીને પોતાનું અને પોતાના દીકરા સાદનું ગુજરાન ચલાવવાની અને સાદને સારું ભણતર પૂરું પાડવાની જવાબદારી જાતે જ ઉપાડવાનો નિશ્ચય કર્યો.

તેમણે કહ્યું, "બે વર્ષ પહેલાં જ્યારે મારો બાબો સિનિયર કેજીમાં ભણતો હતો. ત્યારે એક વખત મારી પાસે તેની સ્કૂલ ફી જમા કરાવવાના પૈસા નહોતા."

તેઓ કહે છે કે, “પહેલાં તો મારા ભાઈ મારા દીકરાની ફી ભરી દેતા, પરંતુ પછી મને થયું કે એના પર પણ ઘણી બીજી જવાબદારીઓ છે, મારે મારા દીકરાની અને મારી જવાબદારી જાતે ઉઠાવવી જોઈએ. આ વિચાર સાથે મેં ફરીથી કામ કરવાનું અને ભણવાનું શરૂ કર્યું.”

ગ્રે લાઇન

સવારે પાંચ વાગ્યે ઊઠીને કામ અને પછી વાંચવાનું

ધોરણ 10 પરીક્ષા

ઇમેજ સ્રોત, Farheen Vohra

ફરહીનનો પુત્ર સાદ ઇંગ્લિશ માધ્યમની સ્કૂલમાં ભણે છે.

સ્કૂલની વાર્ષિક ફી 20 હજાર રૂપિયા છે. તેમજ ટ્રાન્સપૉર્ટેશન અને અન્ય ખર્ચા તો ખરા જ.

આ તમામ વાતો વિચારી કામ કરવાની સાથે ભણવાનો ઉત્સાહ કઈ રીતે જાળવી રાખ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં ફરહીન કહે છે કે, “મેં આસાપાસની સોસાયટીઓમાં જ ઘરકામ બાંધેલું. જે કરવા માટે હું વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી જતી. મારા ઘરનું કામ કર્યા બાદ મારે સાદને પણ સ્કૂલે મોકલવા માટે તૈયાર કરવાનું રહેતું. આ બધું કરતા બપોરના બાર વાગી જતા અને તે પછીના ખાલી સમયે હું વાંચતી. અને દસમા ધોરણની પરીક્ષા આપવાની છે એ વાત મનમાં રાખીને નિયમિતપણે તૈયારી કરવાનું ચાલુ રાખ્યું.”

અભ્યાસને લઈને પડેલ અન્ય તકલીફો અંગે વાત કરતાં ફરહીન જણાવે છે કે, “હું વર્ષો પછી અભ્યાસ કરવાનું શરૂ કરી રહી હતી, તેથી શરૂઆતમાં મારો આત્મવિશ્વાસ ઓછો હતો. અભ્યાસમાં મદદરૂપ થવા માટે મારી પાસે પુસ્તકો કે ગાઇડો નહોતી. અને ખરીદી શકું એટલા પૈસા પણ નહોતા, તેથી હું કોઈકની પાસેથી ચોપડાં-ગાઇડો માગી લાવતી અને ભણતી.”

“એક વખત મને લાગ્યું કે જો હું ટ્યુશન બંધાવી લઉં તો મને અભ્યાસમાં સરળતા રહેશે. મેં તપાસ કરી તો ટ્યુશનની ફી પેટે 16 હજાર રૂપિયા ભરવાનું કહેવાયું. હું લોકોના ઘરે કામ કરીને અને સિઝન આવે ત્યારે મેંદી મૂકીને માંડ મહિને પાંચ હજાર કરતાં પણ ઓછું કમાતી હતી. ટ્યુશનની ફી મને કેવી રીતે પોસાય? તેથી મેં ટ્યુશન વગર જાતે જ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. અઘરા વિષયો માટે હું યૂટ્યૂબ પર વીડિયો જોઈને તૈયારી કરું છું. અને પુસ્તકો તો ખરાં જ.”

ધોરણ 10 પરીક્ષા

પ્રથમ બે પરીક્ષા હૉસ્પિટલેથી આપી

ધોરણ 10 પરીક્ષા

ઇમેજ સ્રોત, Farheen Vohra

દસમા ધોરણની પરીક્ષા આપી પોતાની કારકિર્દી ઘડવાના ફરહીનના સ્વપ્નને પૂરું કરવા માટે નબળી આર્થિક પરિસ્થિતિ, પુત્રની જવાબદારી અને કામનું ભારણ જેવા પડકારો ઓછા હોય એમ પરીક્ષાના માત્ર બે દિવસ અગાઉ જ તેમના પુત્રની તબિયત એવી લથડી કે તેને હૉસ્પિટલે દાખલ કરવો પડ્યો.

ફરહીન એ સમય યાદ કરતાં કહે છે કે, “પરીક્ષા 14 તારીખથી શરૂ થવાની હતી. અને મારો સાદ 12 તારીખે ટાઇફોઇડમાં સપડાઈ ગયો. તેને તાત્કાલિક સરકારી હૉસ્પિટલે દાખલ કર્યો. આ બધું થયું તો પણ મેં નક્કી કર્યું હતું એ પ્રમાણે મારે ગમે તે ભોગે તૈયારી કરીને પરીક્ષા તો આપવાની જ હતી.”

અણધારેલી મુશ્કેલીઓ છતાં પણ ફરહીને પોતાનો નિર્ધાર ન છોડ્યો. પરીક્ષાનાં પ્રથમ બે પેપર તો તેમણે હૉસ્પિટલેથી સીધા પરીક્ષાકેન્દ્રમાં જઈને આપ્યાં.

તેઓ એ અનુભવો વિશે વાત કરતાં કહે છે કે, “મેં પ્રથમ બે પેપરો માટે બાકીની તૈયારી તો હૉસ્પિટલેથી જ કરી. એ દરમિયાન હું સવારે પેપર આપવા જતી અને પછી હૉસ્પિટલે સાદ પાસે આવીને તૈયારી કરતી.”

તેઓ પોતાની કારકિર્દી અંગેની પોતાની યોજના વિશે વાત કરતાં આગળ કહે છે કે, “મારે સંગઠિત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે. તેથી જ મેં ભણવાની શરૂઆત કરી હતી. અત્યારની મારી યોજના વિશે વાત કરું તો હું આ પછી બારમા ધોરણની પરીક્ષા પણ આપીશ જ. દસમુ ધોરણ પાસ કર્યા પછી હું નર્સિંગનો કોર્સ કરવાનું વિચારી રહી છું. જેથી મોભાવાળી સારી નોકરી મેળવીને મારા દીકરાને વધુ સારી રીતે ભણાવી શકું.”

શું બારમા ધોરણ બાદ કૉલેજ કે આગળ કોઈ અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું છે?

આ પ્રશ્નના જવાબમાં ફરહીન કહે છે કે, “અત્યારે તો બારમા ધોરણ સુધીનો પાકો નિર્ધાર કર્યો છે. જોકે, પરિસ્થિતિ અનુકૂળ રહી તો હું જરૂર ઉચ્ચ અભ્યાસ કરીને વકીલ બનવાનું મારું બાળપણનું સ્વપ્ન પૂરું કરીશ.”

અહીં નોંધનીય છે કે ફરહીનની ભણીગણીને પોતાની કારકિર્દી ઘડવાની ઇચ્છા વિશે જાણીને વડોદરાની એક ખાનગી નર્સિંગ કૉલેજે તેમને પોતાની કૉલેજમાં નિ:શુલ્કપણે એક બેઠક ફાળવવાનો વાયદો પણ કર્યો છે.

ધોરણ 10 પરીક્ષા

“મમ્મી તું તો ફેમસ થઈ ગઈ”

ધોરણ 10 પરીક્ષા

ઇમેજ સ્રોત, Farheen Vohra

ફરહીનના અડગ નિર્ધાર અને તેના પરિશ્રમ અંગે પોતાની લાગણી વિશે વાત કરતાંં તેમનાં 55 વર્ષીય માતા કુલસુમ વોરા કહે છે કે, “મારી દીકરીએ જ્યારે તેને નોકરી ન મળી ત્યારે જ દસમા ધોરણની પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું હતું. અને આ વખત તેણે નજકની જ મોટનાથ સ્કૂલમાંથી ઍક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષાનું ફૉર્મ ભરી દીધું. હું તેના આ નિર્ણયથી ખૂબ ખુશ છું. મને મારી દીકરી પર ગર્વ છે.”

ફરહીને ભણવાનું શરૂ કર્યું એ વાતથી તેમના પરિવારના અન્ય આસપાસના લોકો પણ ખૂબ જ ખુશ છે. ફરહીન કહે છે કે તેમના આ નિર્ણયને ઘણા લોકો બિરદાવી ચૂક્યા છે તેમજ પ્રેરણા આપી ચૂક્યા છે.

ફરહીનનો પુત્ર પણ માતાએ ફરી ભણવાનું શરૂ કર્યું એ વાતને લઈને ઉત્સાહિત હોવાનું ફરહીન જણાવે છે.

તેઓ કહે છે કે, “મેં ભણવાનું શરૂ કર્યું એનાથી સાદને ખૂબ ખુશી થઈ છે. આસપાસના લોકો જ્યારે મારા નિર્ણયને લઈને મારા વિશે વાતો કરે છે ત્યારે તે મને આવીને કહે પણ છે કે મમ્મી તું તો ફૅમસ થઈ ગઈ.”

પરીક્ષાનું પરિણામ ભલે કંઈ પણ આવે પરંતુ ફરહીને પોતાના જુસ્સા અને નિર્ધારથી એક જાણીતી કહેવત જરૂર સાબિત કરી બતાવી છે.

“એ વ્યક્તિને ક્યારેય કોઈ હરાવી નથી શકતું, જે ક્યારેય હાર નથી માનતી.”

રેડ લાઇન
રેડ લાઇન