હિના ખાનને બ્રેસ્ટ કૅન્સર, નાની ઉંમરમાં છોકરીઓમાં આ બીમારી કેમ વધી?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
જાણીતાં અભિનેત્રી હિના ખાનને સ્તન કૅન્સર થયું છે. બીબીસીનાં સહયોગી પત્રકાર મધુ પાલે જણાવ્યું કે હિના ખાનને ત્રીજા સ્ટેજનું કૅન્સર થયું છે.
અભિનેત્રી હિના ખાને પણ સોશિયલ મીડિયામાં આ વાત શૅર કરી છે.
તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે "આ પડકારજનક બીમારી છતાં હું બધાને આશ્વસ્ત કરવા માગું છું કે હું સ્વસ્થ છું. હું મજબૂત છું અને આ બીમારી સામે લડવા માટે કટિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને આ બીમારીથી બહાર નીકળવા માટે જે પણ જરૂરી હોય એ બધું હું કરવા માટે તૈયાર છું."
36 વર્ષીય હિના ખાન 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને કસૌટી જિંદગી કી' જેવી ચર્ચિત ટેલીવિઝન સિરિયલમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યાં છે. તેઓ રિયાલિટી શો બિગ બૉસની અગિયારમી સિઝનમાં પણ હતાં.
બ્રેસ્ટ કૅન્સરનો ભોગ કેમ બની રહી છે યુવતીઓ?

ઇમેજ સ્રોત, INSTAGRAM@REALHINAKHAN
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એમ્સમાં સર્જિકલ ઑન્કૉલૉજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર એસ.વી.એસ. દેવે બીબીસીને અગાઉ જણાવ્યું હતું કે છેલ્લાં દસથી પંદર વરસમાં યુવા મહિલાઓમાં કૅન્સરની બીમારી વધુ જોવા મળી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે "યુવા મહિલાઓમાં જોવા મળતી બ્રેસ્ટ કૅન્સરની બીમારીમાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. એમાંય સૌથી ઓછી ઉંમરની મહિલાઓ 20થી 30 વર્ષની છે જેમને કૅન્સર થયું હોય છે."
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "સૌથી ઓછી ઉંમરની શ્રેણીની વાત કરીએ તો એમાં બેથી ત્રણ ટકા કૅન્સરના કેસ જોવા મળે છે અને જો યુવા શ્રેણીની વાત કરીએ તો એમાં કૅન્સરના કેસ 15 ટકા જેટલા છે. 40-45 વર્ષની ઉંમરની મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના કેસ વધીને 30 ટકા જેટલા થઈ જાય છે અને 44થી 50 વર્ષની મહિલાઓમાં આવા કેસ 16 ટકા જોવા મળે છે."
તેમના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમના દેશોમાં 40 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સર જોવા મળે છે અને 50-60 વર્ષની ઉંમરની મહિલાઓમાં કૅન્સરની બીમારીમાં વધારો જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર દેવ પોતાની વાતને આગળ વધારતાં જણાવે છે કે આજે જ મેં એક મા-દીકરીના બ્રેસ્ટ કૅન્સરની સર્જરી કરી છે. જેમાં માતા 55 વર્ષની ઉંમરનાં છે અને દીકરી 22 વર્ષની છે અને બંનેને બ્રેસ્ટ કૅન્સર છે એવી એક જ તારીખે ખબર પડી હતી.
કૅન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દેવવ્રત આર્ય પણ જણાવે છે કે પહેલાં 50થી 60 વર્ષની ઉંમરની મહિલાઓના બ્રેસ્ટ કૅન્સરના ઘણાં દર્દી આવતાં હતાં. પણ અમે એ વાતે આશ્ચર્યથી દંગ છીએ કે 20 વર્ષથી ઉપરની ઉંમરની યુવતીઓના પણ ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ અસામાન્ય વાત છે.
ડૉક્ટર દેવવ્રત જણાવે છે કે એમના થીસિસનો વિષય બ્રેસ્ટ કૅન્સર જ હતો.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આંકડા પર નજર કરીએ તો 20-30 વર્ષની મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના 5થી 10 ટકા કેસ જોવા મળે છે અને આ ટકાવારી ઘણી મોટી કહેવાય."
ડૉક્ટર આર્ય મોટા ભાગે બ્રેસ્ટ કૅન્સર, માથું, નાક અને ફેફસાંના કૅન્સરનાં દર્દીઓની તપાસ-સારવાર કરે છે.
કૅન્સરના આંકડા શું કહે છે?

ઇમેજ સ્રોત, PETER DAZELEY/GETTY IMAGES
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર), નૅશનલ સેન્ટર ફૉર ડિસિસ ઇન્ફોર્મેટિક્સ ઍન્ડ રિસર્ચ (એનસીડીઆઇઆર)એ નૅશનલ કૅન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2020 પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં એવું આકલન કરાયું હતું કે વર્ષ 2020માં કૅન્સરના 13.9 લાખ કેસ જોવા મળશે, અને જે ચલણ દેખાય છે એ પ્રમાણે 2025 સુધીમાં આવા કેસ વધીને 15.7 લાખ સુધી પહોંચી જશે.
જનસંખ્યાના આધારે બનેલી 28 કૅન્સર નોંધો અને હૉસ્પિટલ્સની 58 કૅન્સર નોંધણીના આધારે આ આકલન કરવામાં આવ્યું છે.
આ નોંધણીઓ અનુસાર મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના 14.8 ટકા એટલે કે 3.7 લાખ કેસનું આકલન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વિક્સ યૂટેરી (ગર્ભાશયનું) કૅન્સરના સૌથી વધુ કેસ જોવા મળતા હોય છે અને એમ પણ જોવા મળ્યું છે કે મહિલાઓના બ્રેસ્ટ કૅન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે.
કૅન્સરના કેસ કેમ વધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, REALPEOPLEGROUP/GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સવાલ એ થાય કે ભારતમાં કૅન્સરના કેસ કેમ વધી રહ્યા છે? આના જવાબમાં ડૉક્ટર એસવીએસ દેવ જણાવે છે કે ભારતની વસ્તી વધી છે તો એના પ્રમાણમાં કેસ પણ વધ્યા છે અને યુવાનોની વસ્તી વધારે છે તો એમના કેસ જોવા મળી રહ્યા છે.
અહીં સવાલ એ થાય કે, શું કૅન્સર અને વસ્તી વચ્ચે માત્ર ગુણોત્તરનો સંબંધ છે.
જવાબમાં ડૉક્ટર દેવ જણાવે છે કે, વાસ્તવમાં બ્રેસ્ટ કૅન્સરના કેસમાં વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે વીસ વરસમાં 20 ટકાનો વધારો છે અને આ વાતની કૅન્સર નોંધણી પણ પુષ્ટિ કરે છે.
તેમના જણાવ્યા અનુસાર, "અમને બ્રેસ્ટ કૅન્સર વધવા પાછળનાં નક્કર કારણોની ખબર નથી. યુવાઓના કિસ્સામાં લાઇફસ્ટાઇલ મુખ્ય કારણ છે અને બીજું કારણ જેનેટિક છે, જેમાં પરિવારમાં જો કોઈને કૅન્સર થયું હોય તો એની પછીની પેઢીઓમાં કૅન્સરની શક્યતા વધી જાય છે."
આ વાતને આગળ વધારતાં ડૉક્ટર આર્ય જણાવે છે કે યુવા એટલે કે 20-30 વર્ષની ઉંમરની મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના કેસ જોવા મળવાનું કારણ લાઇફસ્ટાઇલના બદલે જેનેટિક છે.
ઉદાહરણરૂપે, તમને યાદ હશે કે હૉલીવૂડની અભિનેત્રી એન્જલીના જોલીએ સ્તન કૅન્સરથી બચવા માટે એક ઑપરેશન કરાવેલું, કેમ કે એમનાં માતાને કૅન્સર હતું અને એમને પણ એમનાં માતાના જીન્સ મળ્યા અને આનુવંશિક ટેસ્ટમાં એ વાત જાણવા મળ્યા પછી એમણે પોતાનાં બંને સ્તન કઢાવી નાખવાનો નિર્ણય કર્યો હતો.
જો 20-30 વર્ષની યુવતીઓને બ્રેસ્ટ કૅન્સર હોવાના કેસ જોવા મળે છે તો એમના શરીર પર શી અસર થાય છે?
ફર્ટિલિટી પર અસર

ઇમેજ સ્રોત, PRAETORIANPHOTO/GETTY IMAGES
ડૉક્ટરો એમ કહે છે કે, કૅન્સરના ઇલાજ દરમિયાન ચાલતી કીમોથેરપીની અસર મહિલાઓની ફર્ટિલિટી એટલે કે પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે.
એટલે, સારવાર દરમિયાન એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે મહિલાઓ જો બાળકને જન્મ આપી શકે એમ છે તો કેટલાં વર્ષ પછી ગર્ભ ધારણ કરવો સુરક્ષિત ગણાય.
ડૉક્ટર જણાવે છે કે 20-30 વર્ષની ઉંમર એવી હોય છે કે કાં તો ત્યારે છોકરીઓનાં લગ્ન થવાનાં હોય છે અથવા તો થઈ ગયાં હોય છે. જેમનાં લગ્ન થઈ ગયાં હોય છે એમને નાનું બાળક હોય છે અથવા પતિ-પત્ની બાળક માટે પ્લાન કરતાં હોય છે. આવા સંજોગોમાં ફર્ટિલિટી પર અસર થઈ શકે છે.
ડૉક્ટર જણાવે છે કે આવા કિસ્સામાં સારવાર શરૂ કરતાં પહેલાં દર્દી સાથે વિસ્તારથી વાત કરાય છે અને એમને આખી પ્રક્રિયા સમજાવાય છે, કેમ કે ઘણા કિસ્સામાં કીમોથેરપીની ઓવરિઝ કે અંડાશય પર પણ અસર થઈ શકે છે, તો અમે એમને ઓવરિએન પ્રિઝર્વેશન કે ઓવરિઝને સંરક્ષિત કરવાની સલાહ પણ આપીએ છીએ. અને બેત્રણ વરસે જ્યારે દર્દી સાજાં થવા લાગે છે ત્યારે તેઓ બાળક માટે વિચારી શકે છે.
સાથે જ જો મહિલા ખૂબ યુવાન હોય તો અમે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કે રિકન્સ્ટ્રક્શન કરવાની કોશિશ કરીએ છીએ. અમારો પ્રયાસ એવો હોય છે કે બ્રેસ્ટ સંપૂર્ણ રીતે કાઢી ન નાખવી પડે.
જેનેટિક ટેસ્ટમાં જો તેઓ પૉઝિટિવ જણાય અને બ્રેસ્ટનો બીજો ભાગ સામાન્ય હોય તો અમે એને કાઢી નાખીએ છીએ, કેમ કે જીન મ્યુટેશન થઈ રહ્યું હોય તો આવા કિસ્સામાં એના આગળ વધવાની સંભાવના વધારે રહેતી હોય છે. આવા કેસિસમાં મહિલાઓ બંને બ્રેસ્ટ કાઢી નખાવે છે.
બ્રેસ્ટ કૅન્સરનાં લક્ષણો કઈ રીતે જાણવાં?
સ્તનમાં ગાંઠ કે લમ્પ હોય તે બ્રેસ્ટ કૅન્સરનાં સામાન્ય લક્ષણોમાંનું એક છે.
ડૉક્ટર સલાહ આપે છે કે જો બ્રેસ્ટમાં કોઈ પ્રકારની ગાંઠ છે એવું લાગે તો તરત જ દાક્તરી તપાસ કરાવવી જોઈએ.
જો બ્રેસ્ટમાં કોઈ પ્રકારનો સોજો દેખાય તો બેદરકારી ન રાખવી જોઈએ. આવો સોજો બ્રેસ્ટના એક ભાગમાં કે સંપૂર્ણ બ્રેસ્ટમાં હોય તો સાવધ રહેવું જોઈએ.
બ્રેસ્ટની ત્વચામાં કોઈ પ્રકારનું પરિવર્તન જોવા મળે, જેમ કે ત્યાં બળતરા થવી, ચામડી લાલ થઈ જવી કે કઠણ થવી, ત્વચાની બનાવટમાં બદલાવ દેખાવો, ત્વચા ભીની લાગવી.
જો નિપ્પલમાંથી કોઈ પદાર્થ સ્રવતો દેખાય, અંદરની તરફ ધસી જતો લાગે કે દર્દ થતું હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ડૉક્ટર એમ કહે છે કે ઘણી વાર યુવતીઓમાં કૅન્સરનાં આ લક્ષણો ઓળખવામાં પડકારોનો સામનો કરવો પડે છે. જેમ કે, લક્ષણો સરખી રીતે અનુભવાતા ન હોય, નાના ટ્યૂમરની ખબર ના પડે અને ઘણી વાર મેમોગ્રાફીમાં પણ ખબર નથી પડતી. પરંતુ જો કોઈ રીતના બદલાવ કે ઉપર જણાવ્યાં તેમાંનું કોઈ લક્ષણ જોવા મળે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
યુવા ઉંમરે સ્ક્રીનિંગ કરાવવાની વાત સાથે ડૉક્ટર દેવ અસંમત છે પણ તેઓ એમ જરૂર કહે છે કે આ વિષયમાં જેટલી જાગરૂકતા ફેલાવવામાં આવે એટલી ઓછી છે. જો કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો ડૉક્ટરને જણાવવાં અને જો કોઈના ઘરમાં કૅન્સરની હિસ્ટરી હોય તો એવા કિસ્સામાં અમે 25 વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ અને જેનેટિક ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપીએ છીએ.












