એ ડૉક્ટર જેણે નપુંસકતાના ઇલાજ માટે પુરુષોમાં બકરાના વૃષણ દાખલ કર્યા

ઇમેજ સ્રોત, Library of Congress
- લેેખક, બીબીસી મુંડો
- પદ, .
પોતાની પૌરુષેય શક્તિ બાબતે ચિંતિત એક ખેડૂત 1917ની એક રાતે અમેરિકાના કૅન્સાસના એક નાનકડા શહેરમાં ડૉક્ટર પાસે ગયો હતો.
તેને લાંબા સમયથી શિશ્નોત્થાન થયું ન હતું. તેણે ડૉક્ટરને કહ્યું, “એ હવા વગરના ટાયર જેવું લાગે છે.”
“હું ઘણા બધા ડૉક્ટર્સ પાસે ગયો છું અને ઘણા પૈસા ખર્ચ્યા છે, પરંતુ એકેય ડૉક્ટરે મારો ઇલાજ કર્યો નથી.”
ડૉક્ટરે જવાબ આપ્યો, “તમારા જેવા અનેક લોકોની સારવાર મેં કરી છે. મેં લૈંગિક રીતે નબળા પુરુષો માટે સીરમ, દવાઓ અને વીજળીનો ઉપયોગ પણ કર્યો છે, પરંતુ તેમાંથી કોઈ દર્દીને ફાયદો થયો હોય એવું મને લાગતું નથી.”
તેમણે કહ્યું, “તમારા જેવી તકલીફ હોય તેને મદદ કરી શકે એવું કશું જ મેડિકલ સાયન્સ મારી પાસે નથી.”
બારીમાંથી બહાર જોતાં તેમની નજર કેટલાક બકરા પર પડી અને ડૉક્ટરે કહ્યું, “તમે બકરો હોત તો તમને આ સમસ્યા ન હોત.”
ખેડૂતે બૂમ પાડીને કહ્યું, “બકરાના વૃષણ હોય તો? નથી તો મને તે આપો.”
ડૉક્ટરે ચેતવણી આપી, “તેનાથી તમારું મૃત્યુ થઈ શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાતચીતનું એક સંસ્કરણ છે.
વધારે વિગત સાથેનું બીજું પણ ઘણું બધું છે, પરંતુ તેમાંથી ઘણાની પુષ્ટિ કરવી મુશ્કેલ છે, કારણ કે આ દંતકથાના સંકેતો સાથેની કથા છે.
તમને કદાચ આ કથા અવિશ્વસનીય લાગે, પરંતુ તે વાસ્તવિક છે.
વિલક્ષણ હોવાને કારણે જ નહીં, પરંતુ લોકો રામબાણ ઇલાજ માટે કેટલા ઉત્સુક હોઈ શકે છે અને ઉપચારકર્તાઓને નિયંત્રિત રાખવાનું કેટલું મુશ્કેલ છે એટલા માટે તેનો વારંવાર પુનરોચ્ચાર કરવામાં આવે છે.
ડૉક્ટર કથાના નાયક

ઇમેજ સ્રોત, Los Angeles Times
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્હોન આર. બ્રિંકલી નામના એક ડૉક્ટર દવાની દુકાનમાં દર્દીઓને તપાસતા હતા, જ્યાં પેલા ખેડૂતે તેમની બે સપ્તાહથી વધુ સમય સુધી સલાહ લીધી હતી.
તેઓ એક જાહેરાત જોઈને ત્યાં પહોંચ્યા હતા. તેમાં લખ્યું હતુઃ મિલફૉર્ડ, કૅન્સાસ. વસતી 2,000. અમને એક ડૉક્ટરની જરૂર છે.
તેઓ શક્યતા તપાસવા ત્યાં ગયા ત્યારે તેમને વધુ એક ભૂલ મળી આવી હતીઃ ગામની વસતી ખરેખર 200 લોકોની હતી.
તે અનાકર્ષક ગામ હતું. તેમાં કોઈ પાકા રસ્તા, કોઈ ટ્રાફિક, પાણી, ગટર અથવા વીજળીની વ્યવસ્થા ન હતી.
જોકે, ડૉ. બ્રિંકલી પર ઘણું દેવું હતું અને ખિસ્સામાં માત્ર 23 ડૉલર હતા.
તેમને મીની ટેલિથા નામની પત્ની પણ હતી. પોતે મિલફૉર્ડ જઈ રહ્યા છે એવું ડૉ. બ્રિંકલીએ જણાવ્યું ત્યારે તેમનાં પત્ની રડી પડ્યાં હતાં.
તેમની પાસે આરોગ્ય ક્ષેત્રનો વધુ અનુભવ ન હતો. જે કંઈ હતું તે પ્રાસંગિક હતું અને તેઓ બહુ રૂઢિચુસ્ત ન હતા.
તેઓ 22 વર્ષના હતા ત્યારે તેમણે તેમનાં પ્રથમ પત્ની સાથે ગાયન અને નૃત્ય સાથે દવા વેચવા મેડિકલ શૉ કર્યો હતો.
એ સિવાય તેમણે 1913માં ગ્રીનવિલે, સાઉથ કૅરોલિનામાં એક ભાગીદાર સાથે ધંધો શરૂ કર્યો હતો, જેમાં તેઓ જોમનો અભાવ ધરાવતા પુરુષોની સારવાર કરતા હતા.
એ બે મહિના સુધી ચાલ્યું હતું અને લાઇસન્સ વિના ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવા તથા નકલી ચેકથી નાણાં ચૂકવવા બદલ તેમને જેલમાં ધકેલી દેવાયા હતા.
થોડાં વર્ષો પછી તેમણે મીટપૅકિંગ પ્લાન્ટમાં ડૉક્ટર તરીકે થોડા સમય માટે કામ કર્યું હતું અને કતલ માટે નિર્ધારિત બકરાની જોમભરી સમાગમ પ્રવૃત્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બ્રિંકલી નાનપણથી જ ડૉક્ટર બનવા ઇચ્છતા હતા અને પોતાનો ડિગ્રી અભ્યાસ પૂર્ણ કરવા માટે તેમણે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.
તેથી તેઓ મિલફૉર્ડ પહોંચ્યા ત્યાં સુધીમાં તેમની પાસે એક એવી મેડિકલ ડિગ્રી હતી, જે શંકાસ્પદ હોવા છતાં તેઓ આઠ રાજ્યોમાં પ્રૅક્ટિસ કરી શક્યા હતા.
1917-18ના જીવલેણ ઇન્ફ્લ્યુએન્ઝાના રોગચાળાથી પ્રભાવિત લોકોની સારવાર કરવા બદલ તેમણે ટૂંક સમયમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
જોકે, ખેડૂત સાથેની મુલાકાત પછી તેમની પ્રૅક્ટિસ વધુ આશ્ચર્યજનક દિશામાં વળવા લાગી હતી. એ રાત અને એ રાતે થયેલા વિચિત્ર વાર્તાલાપની વાત આગળ વધારીએ.
ખુલ્લું રહસ્ય
બકરાના વૃષણના ઉલ્લેખે લાચાર ખેડૂતને આશા આપી હતી. એ સમયે ઝેનીટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે અન્ય પ્રાણીઓના અંગો કાઢીને તેનો ઉપયોગ ઉપચારાત્મક હેતુ માટે માનવોમાં કરવાનો વિચાર નવો ન હતો અને મુખ્ય ધારાના ચિકિત્સકોમાં એ વિચારે નોંધપાત્ર રસ પેદા કર્યો હતો.
જોકે, એવું કંઈક વિચારવું એ તદ્દન વાહિયાત હતું. થોડા સમય પછી બન્ને પુરુષોએ વિગતવાર યોજના ઘડી કાઢી હતી.
તેઓ ગુપ્ત રીતે ઑપરેશન કરવા સંમત થયા હતા. ખેડૂત રાતના અંધારામાં બકરીને લાવતો હતો અને પરોઢ થતાં પહેલાં ઘરે પાછો પહોંચી જતો હતો.
બીજી સવારે તેની પત્ની ડૉક્ટરને કહેતી કે તેમના પતિને ફ્લૂ થયો છે. તેનાથી ડૉક્ટરને અસામાન્ય શસ્ત્રક્રિયા કરાવી ચૂકેલા ખેડૂતની રિકવરી પર નજર રાખવાનું કાયદેસરનું બહાનું મળતું હતું.
બ્રિંકલીએ પોતાનું જીવનચરિત્ર લખાવ્યું હોવાનું માનવામાં આવે છે. તેમાં જણાવ્યા અનુસાર, બે સપ્તાહ પછી ખેડૂત ફરી ડૉક્ટર પાસે ગયો હતો. એ વખતે તેણે 150 ડૉલરનો ચૅક આપ્યો હતો.
‘અ મૅન્સ લાઇફ’ના લેખક ક્લૅમેન્ટ વૂડે 1937માં લખ્યું હતું કે પરિણામથી ખેડૂત એટલો ખુશ હતો કે તેણે કહ્યું હતું, “હું તેના કરતાં દસ ગણા પૈસા ચૂકવી શક્યો હોત તો કેટલું સારું હતું.”
તમામ સાવચેતી રાખવામાં આવી હોવા છતાં ગૉસિપ ફેલાઈ હતી અને અત્યંત ગુપ્ત પરિસ્થિતિમાં એક અન્ય માણસ બ્રિંકલી પાસે આવું જ ઑપરેશન કરાવવા આવ્યો હતો.
તેનું નામ વિલિયમ સ્ટિટ્સવર્થ હતું અને તે પરિણામથી એટલો ખુશ હતો કે એક મહિના પછી તેમનાં પત્નીને બકરીના અંડાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે લાવ્યો હતો.
થોડા સમય પછી શ્રીમતી સ્ટીટસવર્થ ગર્ભવતી થયાં હતાં અને તેમણે એક સંતાનને જન્મ આપ્યો હતો, જેને તેમણે બિલી નામ આપ્યું હતું, કારણ કે અંગ્રેજીમાં બકરાને બિલી ગૉટ કહેવામાં આવે છે.
અમે તમને ચેતવણી આપી છે તેમ આ વાર્તામાં દંતકથાની રંગછટાઓ પણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીકવાર ઘઉંમાંથી ફોતરાં અલગ કરવાં મુશ્કેલ હોય છે, પરંતુ આ કિસ્સામાં એવું નથી. બ્રિંકલી તેણીનાં અંગોને બકરાનાં અંગોથી રિપ્લૅસ કરી શક્યા હોત, તો પણ તેઓ તેમની સાથે પ્રજનન કરી શક્યા ન હોત.
આ વાત ત્યારે પણ જાણીતી હતી, પરંતુ તે એક વાર્તાનો એક હિસ્સો હતી, જે એકમેકને કહેવાને કારણે પ્રસરી હતી. તે નિષિદ્ધ વિષય હોવા છતાં મીડિયામાં અને પુસ્તકો પણ ટૂંક સમયમાં સ્થાન પામી હતી.
અનેક લોકો જાતીય નિષ્ક્રિયતાની બીમારીથી પીડાતા હતા અને બ્રિંકલીએ તેમને જુવાનીનું જોશ આપ્યું હતું.
તેમની પાસે વધુ લોકો આવ્યા હતા અને મોટાભાગનાને હકારાત્મક પરિણામ મળતાં તેમણે મોટી કમાણી કરી હતી
યુનિવર્સિટી ઑફ શિકાગો લૉ સ્કૂલના પ્રમુખ જે. જે. ટોબિઆસ જેવા અગ્રણીઓના સમર્થનને કારણે તેમનો વ્યવસાય વધુ વિકસ્યો હતો.
તેમણે લખ્યું હતું, “હું થાકી ગયો હતો. હું એક વૃદ્ધ માણસ હતો.”
“હું મિલફૉર્ડ ગયો હતો અને ત્યાં ડૉ. બ્રિંકલી પાસે સર્જરી કરાવી હતી. ચાર દિવસ પછી માથાનો દુખાવો દૂર થઈ ગયો હતો. સાત દિવસ પછી 25 વર્ષના યુવાન જેવા જોમ સાથે હું હૉસ્પિટલમાંથી રવાના થયો હતો. હું રોજેરોજ વધુને વધુ યુવાન થતો હોઉં એવું લાગતું હતું.”
આ ઇલાજ નપુંસકતાના નિવારણ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેનાથી સ્મૃતિલોપથી માંડીને પેટના ફૂલવા જેવી બીમારીઓમાં સુધારો થતો હતો.
‘ધ ગૉટ ગ્લૅન્ડ ટ્રાન્સપ્લાન્ટ’ના લેખક સિડની બી. ફ્લાવરે ભારપૂર્વક જણાવ્યું હતું, “ટૂંકમાં તે અસાધ્ય બીમારીઓનો ઇલાજ હતો અને એવું કંઇક હતું, જે પૃથ્વીના ઇતિહાસમાં પહેલાં ક્યારેય કરવામાં આવ્યું ન હતું. જે. આર. બ્રિંકલીએ તેની શોધ કરી હતી અને સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.”
ઘણા શબ્દો, ઓછો ડેટા

ઇમેજ સ્રોત, Library of Congress
સારવારથી શું પ્રાપ્ત થયું હતું તેના વિશે ઘણું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે કેવી રીતે થયું, અથવા શું થયું હતું તેના વિશે બહુ ઓછું કહેવામાં આવ્યું હતું.
સિડની ફ્લાવરના જણાવ્યા મુજબ, ગ્રંથિઓના પ્રત્યારોપણની બ્રિંકલીની પદ્ધતિમાં “દર્દીને બેભાન કરીને તેના વૃષણમાં બે ચીરા પાડવાનો સમાવેશ થતો હતો, જે દેખીતી રીતે પીડારહિત ઑપરેશન છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું, “આ દૃષ્ટિએ કેસની પરિસ્થિતિને આધારે તકનીક બદલાય છે. કોઈ બે કેસ એકસરખા હોતા નથી.”
“ડૉ. બ્રિંકલીનો કિસ્સો સમજાવે છે કે શું કરવું અને કેવી રીતે કરવું એ સાથી ચિકિત્સકોને શીખવવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં, તમામ પ્રકારના કેસમાં કઈ સારવારનો ઉપયોગ કરવો એ સૂચવવામાં તેઓ અસમર્થ હતા.”
“તે પત્રવ્યવહાર દ્વારા શીખવી શકાતું નથી અને તે સરળ લાગે છે, પરંતુ થોડા ક્લિનિક્સમાં જઈને તમે એ શીખી શકતા નથી.”
તે અસ્પષ્ટ હોવા છતાં ગૉટ ગ્લૅન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિશેના લેખોનો ગુણાકાર થયો હતો.
1922માં પ્રકાશિત કરેલા એક પુસ્તકમાં બ્રિંકલીએ કહ્યું હતું, “ગોળગોળ વાત કર્યા વિના હું આજે જાહેર કરી શકું છું કે સાચી પદ્ધતિ મળી આવી છે. હું રોજ પ્રાણીઓની ગ્રંથિઓ માનવશરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરું છું અને એ ટ્રાન્સપ્લાન્ટેડ ગ્રંથીઓ માનવશરીરમાં જીવંત ટિશ્યુઝ તરીકે કામ કરે છે. માનવગ્રંથિને યુવાની બક્ષે છે.”
તેનાથી ચકિત થયેલા લૉસ ઍન્જલસ ટાઇમ્સ અને શહેરા પ્રથમ રેડિયો સ્ટેશન કેએચજેના શક્તિશાળી માલિક હૅરી શેન્ડલરે બ્રિંકલીને કૅલિફોર્નિયામાં આમંત્રિત કર્યા હતા અને રાજ્યમાં કામ કરવા માટે કામચલાઉ પરમિટ મેળવી આપી હતી.
બ્રિંકલીના સર્જિકલ કૌશલ્યની ખાતરી થયા બાદ તેમણે અખબારોમાં તેમના વખાણ કર્યાં હતાં. પરિણામે ડૉક્ટર પાસે દર્દીઓના ધાડેધાડાં આવવા લાગ્યાં હતાં. તેના કારણે તેઓ મિલફૉર્ડમાં પોતાની હૉસ્પિટલનું નિર્માણ કરી શક્યા હતા. જોકે, શેન્ડલરે બ્રિંકલીને પ્રેરણા આપી હતી.
લૉસ ઍન્જલસમાં તેઓ માસ કૉમ્યુનિકેશનની શક્તિને સમજ્યા હતા. તેથી મિલફૉર્ડ પાછા ફર્યા બાદ તેમણે પોતાના રેડિયો સ્ટેશન કેએફકેબીની સ્થાપના કરી હતી, જે અમેરિકામાં ઝડપભેર સૌથી વધુ લોકપ્રિય બન્યું હતું.
રેડિયો ફાર્માસિસ્ટ

ઇમેજ સ્રોત, Los Angeles Times
કેએફકેબી દ્વારા કન્ટ્રી તથા ઑર્કેસ્ટ્રલ મ્યુઝિક, કૉમેડી, કવિતા, હવામાનના અહેવાલો અને ધાર્મિક પ્રવચનોનું પ્રસારણ કરવામાં આવતું હતું.
એ ઉપરાંત બ્રિંકલી લૈંગિકતા સંબંધી બે શૉ રોજ કરતા હતા અને પોતાની સારવાર તથા ક્લિનિકનો પ્રચાર કરતા હતા.
ટૂંક સમયમાં, પ્રેક્ષકોનો વિશ્વાસ જીત્યા પછી તેમણે પોતાની દવાઓ બનાવવાનું શરૂ કર્યું હતું, જે તેઓ રેડિયો પર પ્રિસ્ક્રાઇબ કરતા હતા.
શ્રોતાઓ તે દવાઓ તેમની ફાર્મસીના નેટવર્કમાંથી ખરીદી શકતા હતા. તેમણે વિપુલ નફાની વહેંચણીના કરાર એ ફાર્મસીઓ સાથે કર્યા હતા. અન્ય ડૉક્ટર્સના વૅઇટિંગ રૂમ્સ ખાલી થવા લાગ્યા હતા.
તેના કરતાં પણ વધારે ચિંતાની વાત એ હતી કે સ્વ-નિદાન અને સ્વ-ઉપચારને બ્રિંકલી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાથી તેમના દર્દીઓ માટે તેઓ જોખમ સર્જી રહ્યા હોવાની ચિંતા સર્જાઈ હતી.
ત્યાં સુધીમાં ધારાધોરણો કડક બની ગયાં હતાં અને અમેરિકામાં મેડિકલ સ્કૂલ્સની ચકાસણી વધી ગઈ હતી.
બ્રિંકલીએ જે સ્કૂલોમાં અભ્યાસ કર્યો હતો તેના વિશેના લેખો 1923માં અખબારોમાં પ્રકાશિત થયા હતા અને તેમના પર ડિગ્રી વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કૅલિફોર્નિયાએ જરૂરી મેડિકલ તાલીમ વિના મેડિસીન પ્રૅક્ટિસ કરવા બદલ તેમની ધરપકડના પ્રયાસ કર્યા હતા, પરંતુ કૅન્સાસના ગવર્નરે તેમના પ્રત્યાર્પણનો ઇન્કાર કર્યો હતો, કારણ કે તેઓ તેમના મિત્ર હતા અને રાજ્યને તેમણે ઘણો લાભ કરાવ્યો હતો.
કૅન્સાસ સિટી સ્ટાર અખબારે પણ અસંતુષ્ટ દર્દીઓની જુબાનીઓ પ્રકાશિત કરી હતી, પરંતુ ડૉ. બ્રિંકલી સૅલિબ્રિટી જેવી સફળતાને કોઈ નડી શક્યું ન હતું.
અમેરિકાના સૌથી ધનવાન લોકો પૈકીના એક વ્યક્તિ બની ગયેલા બ્રિંકલીને હરાવવામાં એક જ વ્યક્તિ સફળ થઈ હતી અને તે મહાન શાર્લેટન શિકારી મૉરિસ ફિશબીન હતા.
અમેરિકન મેડિકલ ઍસોસિયેશનના પ્રતિષ્ઠિત જર્નલના તંત્રી ફિશબિને બ્રિંકલીને “સૌથી ખરાબ પ્રકારના ઊંટવૈદ્ય” ગણાવ્યા હતા, જેમણે તેમના રેડિયો સ્ટેશનનો ઉપયોગ લોકોને શિકાર બનાવવા અને પોતાને સમૃદ્ધ બનાવવા માટે કર્યો હતો.
બ્રિંકલીએ તેમના રેડિયો સ્ટેશન પર પ્રતિભાવ આપ્યો હતો અને અખબારો તથા તબીબી સંગઠનોને એક નાખુશ દર્દી મળી આવે તો તેની સામે દસ ખુશ દર્દીઓ રજૂ કરવાનું વચન આપ્યું હતું.
ઘોર અનૈતિકતા અને અવ્યવસાયિક આચરણ બદલ કૅન્સાસ મેડિકલ બોર્ડે 1930માં તેમનું લાઇસન્સ રદ્દ કર્યું હતું.. તેમનું રેડિયો લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. અલબત, વાર્તા અહીં પૂરી થતી નથી.
રાજકારણીથી મૅક્સિકો સુધી

ઇમેજ સ્રોત, Getty Images
પોતાનું મેડિકલ અને બ્રૉડકાસ્ટ લાઇસન્સ ગુમાવવા છતાં બ્રિંકલીને કૅન્સાસમાં ઘણા લોકો પ્રેમ કરતા હતા, તેમનો વિશ્વાસ કરતા હતા.
કેટલાકે સૂચવ્યું હતું કે તેમણે ગવર્નર પદ માટેની ચૂંટણી લડવી જોઈએ. બ્રૉડકાસ્ટ લાઇસન્સ ગુમાવ્યાના થોડા દિવસ પછી તેમણે એ લોકોની સલાહનું અનુસરણ કર્યું હતું. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી.
તેઓ ચૂંટણી જીત્યા ન હતા અને હાર્યા પણ ન હતા, કારણ કે તેઓ બહુ મોડેથી સ્પર્ધામાં પ્રવેશ્યા હતા. મતપત્રકો પર તેમનું નામ છાપવામાં આવ્યું ન હતું. તેથી તેમને મત આપવા ઇચ્છતા હોય તે લોકોએ તેમનું નામ પોતાના હાથે લખવાનું હતું.
કૅન્સાસના એટર્ની જનરલે અગાઉથી જ જાહેરાત કરી હતી કે બ્રિંકલીના મત ગણતરી માટે તેમના નામની જોડણી JR Brinkley એ રીતે લખવાની રહેશે.
બ્રિંકલીને સૌથી વધુ મત મળ્યા હતા, પરંતુ અંદાજે 50,000 મતને ખોટી જોડણી બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
એ દરમિયાન બીજી શક્યતા સર્જાઈ હતી.
બ્રિંકલીને એક પત્ર મળ્યો હતો, જેમાં તેમને સમગ્ર રિયો ગ્રાન્ડેમાં રેડિયો સ્ટેશન બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
1920ના દાયકાના અંતમાં અમેરિકા તથા કૅનેડા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસારણના નિયમોથી મૅક્સિકો નારાજ હતું. એ નિયમોથી તેણે મૂલ્યવાન રેડિયો સ્પૅક્ટ્રમ ગુમાવવું પડ્યું હતું.
બ્રિંકલી માટે તે લોભી પાડોશી પર તરાપ મારવાની તક હતી. ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોને કારણે એએમ (ઍમ્પ્લિટ્યૂડ મૉડ્યુલેશન) રેડિયોની કોઈ સરહદ હોતી નથી.
પાંચ લાખ વૉટ્સના એટલે કે અમેરિકાના લાઇસન્સ પ્રાપ્ત સૌથી શક્તિશાળી રેડિયો સ્ટેશન કરતાં પણ દસ ગણું વધુ શક્તિશાળી અને બમણી શક્તિના પ્રસારણ માટે બનેલું બ્રૉડકાસ્ટનું લાઇસન્સ ધરાવતું બ્રિંકલીનું સ્ટેશન વિશ્વનું સૌથી શક્તિશાળી સ્ટેશન હતું.
મૅક્સિકોના આકુન્યા, ક્વાવિલા ખાતેથી તેમણે શ્રોતાઓને સાંભળવા ગમે એવા કાર્યક્રમો પ્રસારિત કર્યા હતા. નેશનલ રેડિયો નેટવર્ક શ્રોતાઓને આરોગ્ય, સૅક્સ, મ્યુઝિક અને ધર્મના કાર્યક્રમો આપી શક્યું ન હતું, પરંતુ બ્રિંકલીએ તેવા કાર્યક્રમો પ્રસારિત કર્યા હતા.
આ રીતે બ્રિંકલી બૉર્ડર બ્લાસ્ટર્સ (લાઇસન્સ વિના બીજા દેશોમાં પ્રસારણ કરતા રેડિયો સ્ટેશનો)ના અગ્રણીઓ પૈકીના એક બન્યા હતા, જેઓ 1970ના દાયકા સુધી અમેરિકન રેડિયો સ્ટેશનોને વારંવાર ચિડવતા રહ્યા હતા.
તમામ પ્રકારના પ્રયાસો છતાં કોઈ તેમને અટકાવી શકે તેવું લાગતું ન હતું. તેમની પાસે ખ્યાતિ હતી, પ્રચૂર નસીબ હતું, થોડા રાજ્યોમાં મેડિસિન પ્રૅક્ટિસ કરવાની શક્યતા હતા અને મૅક્સિકોને કારણે તેમનો અવાજ અણનમ હતો. આખરે તેમનું ઘમંડ જ પતનનું કારણ બન્યું હતું.
વિનાશક પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
ફિશબિને 1938માં એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં બ્રિંકલીની “ઊંટવૈદાની પરાકાષ્ઠા”ના ઉદાહરણ તરીકે નિંદા કરવામાં આવી હતી.
તેમણે દાવો કર્યો હતો કે “ભોળા અમેરિકનોના ખિસ્સામાંથી પૈસા કઢાવવાની બાબતમાં તેમણે તમામ ઊંટવૈદ્યોને પાછળ રાખી દીધા છે.”
બ્રિંકલીએ ફિશબિન પર બદનક્ષીનો દાવો માંડ્યો હતો, પણ તેઓ એ સમજી શક્યા ન હતા કે તે લોકોની અદાલતથી ખૂબ જ અલગ કોર્ટ હશે. લોકોની અદાલતમાં સફળ થવા માટે તેઓ ટેવાયેલા હતા.
કોર્ટમાં કાર્યવાહી દરમિયાન બ્રિંકલીના ભૂતપૂર્વ અસંતુષ્ટ દર્દીઓએ આકરું વલણ લીધું હતું અને શારીરિક તથા નાણાકીય નુકસાન બાબતે અવાજ ઉઠાવ્યો હતો.
બ્રિંકલીના ઑપરેટિંગ ટેબલ પર 42 લોકો મૃત્યુ પામ્યાં હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ફિશબીનના વકીલે બ્રિંકલીને એવી કબૂલાતની ફરજ પાડી હતી કે “બકરીની ગ્રંથિથી માણસ જાતે કાયાકલ્પ કરી શકતો નથી અને તેનો દાવો કરતી તેમની જાહેરાતો ખોટી હતી, એ તેઓ જાણતા હતા.”
ફિશબિનના વકીલે કહ્યું હતું, “બ્રિંકલી વિશ્વના સૌથી ધનાઢ્ય સર્જન છે, કારણ કે તેમની પાસે માનવ સ્વભાવની નબળાઈઓ જાણવાની પૂરતી સમજ છે. તેઓ તેના વડે વર્ષમાં દસ લાખ ડૉલર કમાઈ શકવાનો પ્રચૂર આત્મવિશ્વાસ ધરાવે છે.”
ચુકાદો ફિશબિનની તરફેણમાં આવ્યો હતો. બ્રિંકલીએ અપીલ કરી હતી, પરંતુ અપીલ કોર્ટે એવું તારણ કાઢ્યું હતું કે “વાદીએ તેની પદ્ધતિઓ દ્વારા તબીબી નૈતિકતાનાં સ્વીકાર્ય ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. વાદીને સામાન્ય અને સારી રીતે સમજાય તેવા અર્થમાં ઊંટવૈદ્ય ગણવા જોઈએ.”
આ કાનૂની વર્ગીકરણ અબજો ડૉલરના નુકસાનીના દાવાનું જનક બન્યું હતું. બ્રિંકલીનું રેડિયો સ્ટેશન સરકારે જપ્ત કરી લીધું હતું. 1941માં બ્રિંકલીએ નાદારી જાહેર કરી હતી.
વધુ આરોપો અને મુકદ્દમાઓ વચ્ચે તેમની તબીયત બગડી હતી. 1942ની 26, મેએ તેમનું 56 વર્ષની વયે અવસાન થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













