હાર્દિક પટેલના રાજીનામાથી કૉંગ્રેસને કેટલું નુકસાન થશે?

ઇમેજ સ્રોત, Hardik Patel/FB
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
"જ્યારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને દરરોજ 500-600 કિલોમિટરનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે અને ગુજરાત (કૉંગ્રેસના) નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સૅન્ડવિચ સમયસર મળી કે નહીં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હાર્દિક પટેલે પાર્ટીનાં નેતા સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં આ વાત લખી છે અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. કૉંગ્રેસનું કહેવું છે કે પત્રની ભાષા ભાજપની છે અને તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ જશે.
હાર્દિક પટેલના નિર્ગમનથી કૉંગ્રેસ પાર્ટીને કેવીક અસર થશે તેના વિશે રાજકીય વિશ્લેષકો તથા પાર્ટીના નેતાઓ મંથન કરી રહ્યા છે. બીજી બાજુ, પાટીદાર અનામત આંદોલન સમયના સાથીઓ તેમને ભાજપમાં જોડાવાની અટકળોથી અસહજ છે.
હાર્દિક પટેલે પોતાના ભાવિ પગલા વિશે કોઈ ફોડ નથી પાડ્યો. એક ચર્ચા પ્રમાણે, ખોડલધામના નેતા નરેશ પટેલના કૉંગ્રેસમાં આગમનની વાતથી તેઓ વ્યથિત હતા.

'કલમ હાર્દિકની, ભાષા ભાજપની'

ઇમેજ સ્રોત, Getty Images
હાર્દિક પટેલના નિર્ગમન બાદ ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહારનો મોરચો સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે 'કૉંગ્રેસમુક્ત' ભારતની વાત કરતું ભાજપ 'કૉંગ્રેસયુક્ત' બની રહ્યો છે. ગોહિલે દાવો કર્યો હતો કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે, તેમણે જે પત્ર લખ્યો છે, તેની ભાષા ભાજપની છે.
ગોહિલે કહ્યું, "તાજેતરમાં ગુજરાતમાં રાહુલ ગાંધીની જંગી રેલી યોજાઈ. જેમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ભાજપમાં ડર ફેલાઈ ગયો છે."
"જનતામાં આધાર નથી અને કૅડર નથી. એટલે કૉંગ્રેસના જનાધારને માત્ર 'શામ, દામ, દંડ અને ભેદ' જ નહીં, પરંતુ 'બીલો ધ બૅલ્ટ' જઈને પણ ખરીદીને કે તોડીને જીતવા માટે ભાજપ ગતકડાં કરી રહ્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જ્યારે ગોહિલને પૂછવામાં આવ્યું કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે એવી તમને આશંકા છે? એના જવાબમાં તેમણે કહ્યું, "રાજીનામાના પત્રની સાથે જે શબ્દ લખવામાં આવ્યા છે, એના આધારે મને પૂર્ણતઃ વિશ્વાસ છે કે હવે હાર્દિક પટેલની આગામી ચાલ હાર્દિક પટેલ પોતે નક્કી નહીં કરે, ભાજપના નેતાઓ નક્કી કરશે કે શું બોલવાનું છે, ક્યાં જવાનું છે અને શું કરવાનું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેવી રીતે એક કઠપૂતળીને નચાવવામાં આવે છે, એવી રીતે ભાજપ તેમની બધી ચાલ નક્કી કરશે."
હાર્દિક પટેલે તેમના રાજીનામાના પત્રમાં કેન્દ્રીય નેતાગીરીમાં ગંભીરતાનો અભાવ છે.
તેમણે લખ્યું, "કૉંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો, ત્યારે એવું લાગતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓને સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઇલ તથા અન્ય બાબતો પર વધુ રહેતું."
"જ્યારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી, ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા."
હાર્દિક પટેલે 'મોબાઇલ' તથા 'ચિકન સૅન્ડવિચ'ના આરોપો મૂકતી વેળાએ કોઈ નેતાનું નામ નથી લીધું. તેમણે સોનિયા ગાંધીને સંબોધીને લખાયેલો પત્ર અંગ્રેજી, હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી શૅર કર્યો હતો.
શક્તિસિંહ ગોહિલે કહ્યું, "એક નેતા પૂર્વોત્તરના (હેમંતા બિશ્વા શર્મા) તથા એક ગુજરાતના (હાર્દિક પટેલ) બંને અલગ-અલગ દિશા. છતાં બંનેની ભાષા એકસરખી, શું થઈ રહ્યું છે ? આ કૉંગ્રેસ છોડનારાના આરોપ નથી, ભાજપ લખીને આપે છે કે આવા-આવા આરોપ મૂકો. મોં છોડનારનું હોય છે, બાકી જીભ ભાજપની હોય છે."
વધુ આરોપમાં એમણે કહ્યું, "અમારા જે સાથી ભાજપમાં ગયા અને પસ્તાયા છે, એમણે કહ્યું હતું કે જ્યારે ભાજપ અમને કોઈ અને કોઈ રીતે લઈ જવા માગતો હોય ત્યારે ભાજપ અમને એક લખેલી સ્ક્રિપ્ટ આપવામાં આવે છે. મોં કે પેન અમારી હોય છે, બાકી સમગ્ર સ્ક્રિપ્ટ અને પ્લૉટ ભાજપના હોય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
2015માં આસામ કૉંગ્રેસના નેતા હેમંતા બિશ્વા શર્માએ પાર્ટી છોડી ત્યારે આરોપ મૂક્યો હતો કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમની વાત કે સમસ્યાને સાંભળવાને બદલે કૂતરું રમાડવામાં વધુ રસ હતો. તેઓ આસામની સર્બાનંદ સોનોવાલ સરકારમાં પાંચ વર્ષ નાયબમુખ્ય મંત્રી રહ્યા અને હાલમાં મુખ્ય મંત્રી છે.
કૉંગ્રેસને નુકસાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય વિશ્લેષક અલકેશ પટેલના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ પ્રવર્તમાન હતો અને છે એ વાતને નકારી શકાય તેમ નથી. આવા સમયે મહત્ત્વકાંક્ષી લોકોને તેમની અપેક્ષાઓ પૂર્ણ થતી ન જણાય ત્યારે તેઓ આવો નિર્ણય કરે."
"મહેનતુ તથા વફાદારને લાયક પદ ન મળે એવા દાખલા છે, હાર્દિક પટેલની દલીલોમાં પરિપક્વતાનો અભાવ જણાય છે."
પોતાની વાતને આગળ વધારતા અલકેશ પટેલ કહે છે, "હાર્દિક પટેલની ફરિયાદ હતી કે તેમને કામ નથી મળતું. વાસ્તવમાં તેઓ પાર્ટીમાં જોડાયા એના બહુ થોડા સમયમાં જ તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા."
"જ્યાં પહોંચતા સામાન્ય કાર્યકરને વર્ષોનો સમય લાગી જતો હોય છે."
"બીજું કે કામની રાહ જોઈ રહેવાના બદલે જો તેમણે લોકો અને કાર્યકરોને બોલાવીને તેમની સાથે સંવાદ સાધવો જોઈતો હતો. તેમણે લોકોની વચ્ચે જઈને તેમને સંગઠિત કરવા જોઈતા હતા. તો પાર્ટીમાં તેમનું કદ આપોઆપ વધ્યું હોત અને તેમની ઉપેક્ષા કરવી મુશ્કેલ બની ગઈ હોત. તેઓ જ્યાં ક્યાંય જશે ત્યાં આવી અપરિક્વતા તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે."
શું હાર્દિક પટેલના જવાથી કૉંગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન થશે, એવા સવાલના જવાબમાં અલકેશ પટેલ કહે છે, "હાર્દિક પટેલના આગમનથી કૉંગ્રેસ પાર્ટીને ફાયદો થયો હોય તેવા કોઈ દેખીતા પુરાવા નથી. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસની બેઠકો વધી હતી, પરંતુ એ સમયે તેઓ કૉંગ્રેસમાં ન હતા. મોટાપાયે આંદોલન શરૂ થયું હતું અને ચાલ્યું હતું એટલે ઑવરઑલ સૅન્ટિમૅન્ટ જ ઊભું થયું હતું."
"એ સમયે પાટીદારોનો એક મોટો વર્ગ કૉંગ્રેસ તરફ ઢળ્યો હતો, જેનો પાર્ટીને લાભ થયો હતો. એ પછીની લોકસભા, વિધાનસભાની પેટાચૂંટણી કે સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં આવી કોઈ અસર જોવા મળી ન હતી."
પટેલ ભારપૂર્વક જણાવે છે કે કોઈપણ નેતાની વિશ્વસનીયતા જાહેરજીવનમાં તેમના કર્મ, આચાર અને વિચારથી ઊભી થાય છે. તેઓ હાર્દિકના ભાજપમાં જોડાવાની ચર્ચા વિશે પણ સંશયિત છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગભગ 74 ટકા બેઠક ઉપર કબજો કર્યો હતો. આ સિવાય તમામ આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશન પરનો કબજો જાળવી રાખ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સૌરાષ્ટ્ર વિસ્તારમાં કૉંગ્રેસના અગ્રણી પાટીદાર નેતાના કહેવા પ્રમાણે, "ગત રવિવારે કૉંગ્રેસના દિગ્ગજ નેતા ઉદયપુરમાં ચિંતનશિબિર કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમના પાસના સાથીઓ અલ્પેશ કથિરિયા તથા દિનેશ બાંભણિયા સહિતના નેતાઓ સાથે ખોડલધામના અગ્રણી નરેશ પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી રહ્યા હતા. એમની એ મુલાકાત પછી રાજીનામાનો અંતિમ નિર્ણય કર્યો હોય તેમ લાગે છે."
આ નેતાના આકલન પ્રમાણે, "હાર્દિક પટેલના જવાથી કૉંગ્રેસ પાર્ટીને ખાસ નુકસાન નહીં થાય. અનેક સમુદાય પાર્ટીની સાથે છે અને તેમના દિગ્ગજ નેતા પણ પાર્ટીમાં છે. ત્યારે એક નેતાના જવાથી ખાસ ફેર નહીં પડે."
"છેલ્લા કેટલા મહિનાથી હાર્દિક પટેલ દ્વારા જે પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યા હતા તથા સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારની પોસ્ટ મૂકવામાં આવતી હતી અને બાયોમાં કૉંગ્રેસના પદને હઠાવવાની વાત હતી, તેનાથી આવું કંઈક થશે તેનો અંદાજો હતો જ."
"અનેક નેતા પાર્ટીમાં આવ્યા અને ગયા છતાં કૉંગ્રેસ પાર્ટી ટકી રહી છે. વૈચારિક પ્રતિબદ્ધતા પાર્ટીની શક્તિ છે."
અલબત નરેશ પટેલ સાથેની એ બેઠક બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ સમાજના દિગ્ગજ રાજકીય નેતા છે, તેઓ જે કોઈ નિર્ણય લેશે, તે અમને શિરોમાન્ય હશે.
ભાજપમાં જોડાશે તો...

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે, તા. 28મી મેના રોજ આટકોટ ખાતે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે, તે પહેલાં તેઓ ભાજપમાં જોડાઈ જશે.
ભાજપના મોટાભાગના નેતાઓએ મીડિયા તથા સોશિયલ મીડિયા ઉપર કાર્યકારી અધ્યક્ષપદેથી હાર્દિક પટેલના રાજીનામાને 'કૉંગ્રેસની આંતરિક બાબત' તથા 'હાર્દિક પટેલની વ્યક્ગિત બાબત' કહીને તેના વિશે પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યાં છે.
2017ની ચૂંટણી પૂર્વે પાસમાંથી ભાજપમાં જોડાનારા હાર્દિક પટેલના પૂર્વ સાથી વરુણ પટેલના કહેવા પ્રમાણે, "ભાજપના કાર્યકરોએ જે રીતે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે, તે જોતાં, કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી."
"ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે. બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે,પરંતુ નબળો નથી."
અહીં ભાઈનો સંદર્ભ હાર્દિક પટેલ સાથે છે.
હાર્દિક પટેલે તેમના રાજીનામાના પત્રમાં અપ્રત્યક્ષ રીતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે 370ની નાબૂદી, અયોધ્યામાં રામ મંદિર તથા જીએસટી કાયદા જેવા મુદ્દે કૉંગ્રેસે વિરોધ કર્યો અને તેનું રાજકારણ માત્ર વિરોધનું જ રાજકારણ કરતી રહી છે.
પાટીદાર અનામત આંદોલન સમયથી હાર્દિક પટેલના સાથી ધાર્મિક માલવીયના કહેવા પ્રમાણે, "છેલ્લા કેટલાક સમયથી તેઓ જે રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા તે એ પછી તેમનું રાજીનામું અપેક્ષિત જ છે."
"જ્યાં સુધી એમની ભાજપમાં જોડાવાની વાત છે, તો આના વિશે અમે સમગ્ર ટીમ સાથે બેસીને વિચારવિમર્શ કરીશું અને હાર્દિક પટેલને સહકાર આપવો કે નહીં, એના વિશે નિર્ણય કરીશું."
"પાટીદાર યુવા સામે થયેલા પોલીસ કેસ તથા પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવવા માટેની અમારી લડત યથાવત્ રહેશે."
માલવીયે ઉમેર્યું હતું કે વ્યક્તિગત રીતે હાર્દિક પટેલ કે બીજું કોઈ આગળ આવતું હોય તો વ્યક્તિગત રીતે તેને સમર્થન રહેશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












