હાર્દિક પટેલ, નરેશ પટેલ અને ભાજપ વચ્ચે હવે પાટીદાર સમીકરણો કઈ રીતે ફિટ થશે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી હાર્દિક પટેલના રાજીનામા બાદ રાજકીય વાતાવરણનો પારો વધુ ચઢી ગયો છે. હાર્દિક પટેલનું આગામી પગલું શું હશે, તેનો કયાસ રાજકીય વિશ્લેષકો અને રાજનેતાઓ કાઢી રહ્યાં છે.

મીડિયામાં થઈ રહેલી વ્યાપક ચર્ચા મુજબ હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે, પરંતુ હાર્દિકે તેને ઔપચારિક રીતે નકારી રહ્યા છે, સાથે હાલમાં આપમાં નહીં જોડાવાની વાત પણ કહી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલન સમયના તેમના સાથીઓ ભાજપ મુદ્દે સકારાત્મક નથી અને અમુક મુદ્દે તેમને ચેતવે છે.
અન્ય એક ચર્ચા મુજબ, નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાવાના છે, એમના આગમનથી હાર્દિક પટેલને અસલામતી અનુભવાઈ હતી અને એટલે જ તેઓ ખોડલધામ અગ્રણીના પાર્ટીમાં આગમન પહેલાં પાર્ટી છોડી ગયા.
જોકે, લેઉઆ પાટીદાર અગ્રણીએ હજુ સુધી પોતાનો નિર્ણય જાહેર નથી કર્યો.
ગુજરાતની 182માંથી લગભગ 70 જેટલી બેઠક પર પાટીદાર મત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે મુખ્યત્વે કડવા તથા લેઉઆ પાટીદાર એમ બે સમૂહમાં વિભાજિત છે.
નરેશ અને હાર્દિક પટેલ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી, અને રાજસ્થાનના સ્વાસ્થ્યમંત્રી રઘુ શર્મા એક અઠવાડિયા માટે ગુજરાતમાં રહેવાના છે તથા ચિંતનશિબિર દરમિયાન 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવા સંદર્ભે જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેના મુદ્દે અસરગ્રસ્ત નેતાઓને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવાના છે.
આ અરસામાં તેઓ રાજકોટ જઈને નરેશ પટેલ સાથે મુલાકાત કરવાના છે. આ દરમિયાન નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ તથા પાર્ટીના અન્ય પદાધિકારીઓ દ્વારા ખાનગી તથા સાર્વજનિક રીતે પાટીદાર આગેવાન નરેશ પટેલને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. 20મી એપ્રિલ સુધીમાં નિર્ણય લેવાની વાત કરનારા નરેશ પટેલે હજુ સુધી તેમનાં પત્તાં છાતી સરસા ચાંપી રાખ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા હતી, જેના કારણે અસહજ હાર્દિક પટેલે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. આ અટકળોને વેગ મળવા પાછળ હાર્દિક પટેલનું અગાઉનું નિવેદન પણ જવાબદાર છે.
કૉંગ્રેસ છોડ્યા બાદ ગુરૂવારે પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે કહ્યું હતું, " 2017માં કૉંગ્રેસને અમારા કારણે લાભ થયો. હવે હું ટીવી ઉપર જોઈ રહ્યો છું કે પાર્ટી 2022માં નરેશ પટેલને સામેલ કરવા માગે છે. હું આશા રાખું કે 2027માં તેઓ કોઈ નવા પાટીદારને ન શોધે. પાર્ટી તેની પાસે અગાઉથી જ જે લોકો છે, એનો ઉપયોગ કેમ નથી કરતી?"
આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય વિશ્લેષક અલકેશ પટેલ માને છે કે, "નરેશ પટેલના આગમનની અસલામતીને કારણે હાર્દિક પટેલ છોડી ગયા અથવા તો એમના પરિબળે ભાગ ભજવ્યો છે, એ ચર્ચા હાઇપૉથેટિકલ છે. કારણ કે ખુદ નરેશ પટેલે પોતાના રાજકીય પત્તાં ખોલ્યાં નથી. તેઓ ભાજપમાં જાય છે, કૉંગ્રેસમાં કે આપમાં, એના વિશે તેમણે કોઈ સ્પષ્ટતા નથી કરી."
જોકે, હાર્દિક પટેલ ખુલ્લો પત્ર લખીને નરેશ પટેલને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણી સમયે 25 વર્ષથી ઓછી ઉંમરના હોવાને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા નહોતા, જ્યારે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેમને બે વર્ષની સજા થઈ હોવાથી ગેરલાયક ઠર્યા હતા. સુપ્રીમ કોર્ટે સજા મોકૂફ કરતાં હાર્દિક પટેલ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.
ત્રીજો વિકલ્પ કે ચોથો ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સિવાય ગત રવિવારે ઉદયપુર ખાતે કૉંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી હતી, ત્યારે પાસના અન્ય નેતાઓ સાથે હાર્દિક પટેલે ખોડલધામના નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.
બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું, 'જે કંઈ એમનો રાજકીય નિર્ણય હોય, એ રાજકીય નિર્ણયમાં અમે સૌ લોકો સહમત છીએ. એ કોઈ પણ પ્રકારનો રાજકીય નિર્ણય લે, કોઈ પણ પ્રકારનો એમનો આદેશ હોય, એને અમે લોકો સર્વમાન્ય રીતે સ્વીકારીને આગળ વધવાનો પ્રયાસ કરીશું.'
હાર્દિક પટેલ કૉંગ્રેસ છોડી ચૂક્યા છે એટલે ભાજપ, આપ અથવા નવો મોરચો ઊભો કરવા જેવા વિકલ્પ રહે. અગાઉ કેશુભાઈ પટેલના નેજા હેઠળ 'ગુજરાત પરિવર્તન પાર્ટી' તથા ગોરધન ઝડફિયાના નેતૃત્વ હેઠળ 'મહાગુજરાત જનતા પાર્ટી' જેવા પાટીદાર મત આધારિત વિકલ્પ ગુજરાતના રાજકારણ ઉપર અસર છોડવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે નવો મોરચાની સફળતા અને સાંપ્રતતા ઉપર સવાલ રહે.
આ સિવાય સમયસર ચૂંટણી યોજાય તો પણ નવા મોરચા પાસે માંડ છ મહિના જેટલો સમય રહે, જે રાજકીય ગણતરી પ્રમાણે અપૂરતો ગણાય. આ સંજોગોમાં આપ તથા ભાજપ જ મુખ્ય વિકલ્પ રહે. હાર્દિક પટેલનું કહેવું છે કે કયા પક્ષમાં જોડાવું તે અંગે ભવિષ્યમાં નિર્ણય કરશે અને જનતાને જણાવશે.
PAAS કેટલું પાસે?

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર અનામત આંદોલનમાંથી હાર્દિક પટેલ ઉપરાંત અલ્પેશ કથિરિયા, રેશમા પટેલ, વરૂણ પટેલ તથા ધાર્મિક માલવીય સહિત અનેક નેતા ઉભરી આવ્યાં. જોકે, મોટાં ભાગનાં નેતાઓ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો વિશે સકારાત્મક નથી.
પાસ આંદોલન દરમિયાન રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું, "હાર્દિક પટેલ કૉંગ્રેસમાં હતા ત્યારે બંને પક્ષકારો તરફથી સંવાદ અને સંકલનની ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે. પરિણામે વાત રાજીનામા સુધી પહોંચી ગઈ હતી. આગામી સમયમાં કૉંગ્રેસ પક્ષે ગુજરાતમાં સુધાર થવા જોઈએ એના માટે તથા હાર્દિક પટેલે પોતાના ભવિષ્ય માટે મનોમંથન કરવાનું છે."
"આંદોલન જ્યારે શરૂ થયું, ત્યારે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની રાજકીય મહત્ત્વકાંક્ષા ન હતી. દરેક આંદોલનમાંથી નેતા ઊભા થતા હોય છે. આ આંદોલનમાંથી પણ કેટલાક લોકો આગળ આવ્યા અને તેમને જે પક્ષ પ્રત્યે ઝુકાવ હોય તેના તરફ ઢળતા ગયા."
હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા વિશે ટિપ્પણી કરતાં કથીરિયાએ કહ્યું કે, 'ભાજપ તથા તેની નેતાગીરીએ નક્કી કરવાનું છે કે એમના વિરુદ્ધ જે લોકો બોલ્યા છે એમને જ સ્થાન આપવું કે નહીં.'
કથીરિયાના દાવા પ્રમાણે, પાટીદાર આંદોલનને કારણે સમાજને અનામત, અનેક યોજનાઓ તથા સ્કૉલરશિપો મળી છે.
સાથીઓના સૂર

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
રેશમા પટેલે બીબીસી ગુજરાતીના તેજસ વૈદ્ય સાથે વાત કરતાં કહ્યું, "છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ જે ભાષા બોલી રહ્યા હતા, તેનાથી લાગતું હતું કે આવું કંઇક થશે. હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી તરફ જવાનો રસ્તો પણ બાળમરણ જેવો છે અને વગર પાર્ટીએ કોઈ સંગઠનનું કામ કરશે, તો પણ કોઈ રાજકીય કારકિર્દી રહેવાની નથી."
"હું તથા અન્ય સાથી ભાજપમાં જોડાયાં હતાં ત્યારે સમાજને માટે અમને અમુક વાયદા કરવામાં આવ્યા હતા, જે હજુ સુધી પૂર્ણ નથી થયા. હવે હું તેમને મોટી બહેન તરીકે સલાહ આપીશ કે હવે તમે જ્યારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, તમે તમારી રાજકીય કારકિર્દીનું બાળમરણ કરી તો દીધું જ છે, પરંતુ ભાજપમાં જોડાઈને તમારી રાજકીય કારકિર્દી વધારે રુંધાય એવું કૃત્ય ન કરતા."
રેશમા પટેલના માનવા પ્રમાણે, હાર્દિક પટેલે હવે ભાજપમાં ન જવું જોઈએ કારણ કે, "આંદોલનમાંથી ઊભા થયેલા નેતાઓ માટે ભારતીય જનતા પાર્ટી નથી. ત્યાં નિવેદન આપવા માટે પણ છૂટ નથી. જે પાર્ટીઓ આંદોલનમાંથી ઊઠી છે, જે સમવૈચારિક પાર્ટીઓ છે, કૉંગ્રેસ કે યુપીએનાં ઘટકદળો છે, એમાં તેમના માટે જગ્યા છે. એમાં તમને સ્વતંત્રતા મળે છે, તમે બોલી શકો છો. તેઓ જે બોલી ચૂક્યા છે, એવું ભાજપમાં રહીને બોલ્યા હોય તો સસ્પેન્સનનો પત્ર આવી જાય."
2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં રેશમા પટેલ ભાજપમાં જોડાયાં હતાં, જોકે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયાં હતાં, જ્યાં તેઓ મહિલા પાંખનાં વડાં છે.
આંદોલન સમયના હાર્દિક પટેલના અન્ય એક સાથી મનોજ પનારાના કહેવા પ્રમાણે, "હાર્દિક પટેલે રાજીનામું આપીને ભૂલ કરી છે. જો ભાજપમાં જશે તો એ મહાભયંકર ભૂલ હશે. આ આખી પટકથા અમિત શાહ તથા ભાજપના ઇશારે ચાલી રહી છે. જે કંઈ ડિઝાઇન છે, તે અમિત શાહ ઘડી રહ્યા છે."
"હાર્દિક પટેલ જેવા નેતા એવું માનવા લાગે છે કે તેઓ જ કંઇક છે. સમાજ તેમની સાથે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે સમાજ મુદ્દાની સાથે હોય છે અને કોઈ વ્યક્તિની સાથે નહીં."
કૉંગ્રેસ મહાસચિવ મનોજ પનારાના કહેવા પ્રમાણે, 'હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ જશે. નરેશ પટેલના સંભવિત પ્રવેશને કારણે તેઓ અસુરક્ષા અનુભવી રહ્યા હતા, તે વાત અસ્થાને છે. હવે તેમના નિર્ગમન બાદ પાર્ટી સારી રીતે તૈયારીઓ કરી શકશે.'
પનારાનો દાવો છે કે તાજેતરમાં હાર્દિક પટેલે પાસના સંયોજકોને કૉલ કરીને તેમની સાથે ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોઈ ધારાસભ્ય કે પાસ આગેવાન તેમની પાછળ ભાજપમાં જોડાશે નહીં.
પાસના અન્ય એક આગેવાન ધાર્મિક માલવીયના કહેવા પ્રમાણે, "નરેશ પટેલનું રાજકીય અને સામાજિક કદ હાર્દિક પટેલ તથા અન્ય તમામ આંદોલનકારીઓ કરતાં ઊંચું છે. આંદોલનકારીઓને પણ જ્યારે પણ કોઈ માર્ગદર્શનની જરૂર રહેતી, ત્યારે નરેશ પટેલનો સંપર્ક સાધતા અને તેઓ સમાજના વડીલ તરીકે અમારું માર્ગદર્શન કરતા. આ સંજોગોમાં એમના કારણે હાર્દિક પટેલે પાર્ટી છોડી હોય એમ નથી જણાતું."
માલવીયે ઉમેર્યું હતું કે નરેશ પટેલ રાજકીય રીતે જે કોઈ નિર્ણય લેશે, તો સમાજનું હિત એમાં હશે એમ માનીએ છીએ તથા સમાજ તેમની સાથે રહેશે.
ગુરુવારે હાર્દિક પટેલે કહ્યું હતું, "મેં જિગ્નેશ મેવાણી તથા કનૈયા કુમાર જેવા મારી ઉંમરના નેતાઓનાં નામોની ભલામણ કરી હતી, ત્યારે મને 55-60 વર્ષીયથી શું સમસ્યા હોય શકે? કૉંગ્રેસ પાર્ટીમાં જે સ્થિતિ પ્રવર્તમાન તેનાથી નરેશ પટેલને વાકેફ કર્યા હતા અને તેમને સાવધ કર્યા હતા. ભવિષ્યમાં પણ કોઈ રાજકીયપક્ષમાં જોડાઇશ ત્યારે નરેશ પટેલનું માર્ગદર્શન લઇશ."
ભાજપમાં જોડાશે તો...

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે, 28મી મેના રોજ આટકોટ ખાતે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે, તે પહેલાં તેઓ ભાજપમાં જોડાઈ જશે. હાર્દિક પટેલના પિતાની વરસી નિમિતે હાર્દિક પટેલે તેમના વતન વિરમગામ ખાતે રામધૂનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતા તેમાં ભાગ લેવાના હતા તથા એના માટે હેલિપેડનું નિર્માણ થઈ ગયું હતું, એટલે આ અટકળોને વેગ મળ્યો હતો.
ભાજપના મોટા ભાગના નેતાઓએ મીડિયા તથા સોશિયલ મીડિયા પર કાર્યકારી અધ્યક્ષપદેથી હાર્દિક પટેલના રાજીનામાને 'કૉંગ્રેસની આંતરિક બાબત' તથા 'હાર્દિક પટેલની વ્યક્ગિત બાબત' કહીને તેના વિશે પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે.
2017ની ચૂંટણી પૂર્વે પાસમાંથી ભાજપમાં જોડાનારા હાર્દિક પટેલના પૂર્વ સાથી વરુણ પટેલના કહેવા પ્રમાણે, "ભાજપના કાર્યકરોએ જે રીતે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે, તે જોતાં, કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે. બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે,પરંતુ માયકાંગલો નથી."
અહીં ભાઈનો સંદર્ભ હાર્દિક પટેલ સાથે છે. વરુણ પટેલે ઉમેર્યું કે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા સામે વ્યક્તિગત રીતે તેમને કોઈ વાંધો નથી.
હાર્દિક પટેલે તેમના રાજીનામાના પત્રમાં અપ્રત્યક્ષ રીતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે 370ની નાબૂદી, અયોધ્યામાં રામમંદિર તથા જીએસટી કાયદા જેવા મુદ્દે કૉંગ્રેસે વિરોધ કર્યો અને એ માત્ર વિરોધનું જ રાજકારણ કરતી રહી છે.
ધાર્મિક માલવીયના કહેવા પ્રમાણે, "છેલ્લા કેટલાક સમયથી તેઓ જે રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા તે એ પછી તેમનું રાજીનામું અપેક્ષિત જ છે. જ્યાં સુધી એમની ભાજપમાં જોડાવાની વાત છે, તો આના વિશે અમે સમગ્ર ટીમ સાથે બેસીને વિચારવિમર્શ કરીશું અને હાર્દિક પટેલને સહકાર આપવો કે નહીં, એના વિશે નિર્ણય કરીશું. પાટીદાર યુવા સામે થયેલા પોલીસ કેસ તથા પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવવા માટેની અમારી લડત યથાવત્ રહેશે."
માલવીયે ઉમેર્યું હતું કે વ્યક્તિગત રીતે હાર્દિક પટેલ કે બીજું કોઈ આગળ આવતું હોય તો વ્યક્તિગત રીતે તેને સમર્થન રહેશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












