પાટીદાર અનામતઆંદોલન : ભાજપની ચૂંટણી પહેલાં કેસ પાછા ખેંચવાની ગણતરી ઊંધી પડશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતની ભાજપ સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ કરવામાં આવેલા મોટા ભાગના કેસ પાછા ખેંચી લઈને તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.

પાટીદાર આંદોલન સમયે જ દલિત અને ઓબીસી સમાજનાં આંદોલન થયાં હતાં અને તેમના સામે પણ કેસ દાખલ થયા હતા.

જો કોઈ શખ્સ સામે કેસ ચાલુ હોય તો તેને પાસપોર્ટ મેળવવામાં, વિદેશ જવામાં કે સરકારી નોકરીમાં નિમણૂક સમયે એનઓસી (નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવામાં મુશ્કેલી પડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો કોઈ શખ્સ સામે કેસ ચાલુ હોય તો તેને પાસપોર્ટ મેળવવામાં, વિદેશ જવામાં કે સરકારી નોકરીમાં નિમણૂક સમયે એનઓસી (નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવામાં મુશ્કેલી પડે છે

જો કોઈ શખ્સ સામે કેસ ચાલુ હોય તો તેને પાસપોર્ટ મેળવવામાં, વિદેશ જવામાં કે સરકારી નોકરીમાં નિમણૂક સમયે એનઓસી (નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવામાં મુશ્કેલી પડે છે.

આથી, ગુજરાત સરકાર ઉપર દબાણ લાવવા આ બંને સમાજે પણ બાંયો ચઢાવવાનું નક્કી કર્યું છે.

line

ત્રણ સમાજ, એક સમસ્યા

અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, ALPESH THAKOR FB

ઇમેજ કૅપ્શન, અલ્પેશ ઠાકોર

પરંપરાગત રીતે પટેલ સમાજ ભાજપની પડખે રહ્યો છે અને તેની તરફેણમાં મતદાન કરતો રહ્યો છે. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નારાજ પાટીદાર સમાજે કૉંગ્રેસના હાથને સાથ આપ્યો હતો, જેના કારણે ભાજપના પ્રદર્શન પર અસર પડી હતી અને પાર્ટીને માત્ર 99 બેઠક મળી હતી. જે તાજેતરના ઇતિહાસનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.

2021માં યોજાયેલી સ્થાનિકસ્વરાજ્ય તથા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પુનરાગમન કર્યું છે અને આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો પાટીદાર સમાજની નારાજગી ઓછી થઈ હોય તેમ જણાય છે. આમ છતાં 'કોઈ કચાશ' ન રહી જાય તે માટે તથા નારાજ વર્ગને મનાવવા માટે પાટીદાર અનામતઆંદોલન સમયે દાખલ કરવામાં આવેલા કેસ તબક્કાવાર પાછા ખેંચાઈ રહ્યા છે.

પોલીસ કેસના કારણે પાટીદાર યુવાનોને પાસપોર્ટ મેળવવામાં, વિદેશ જવામાં, મોટી કંપનીઓમાં નોકરીઓ મેળવવામાં તથા સરકારી નોકરીઓ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. એટલે ડિસેમ્બર-2021માં ખોડલધામ (લેઉવા પાટીદાર) તથા ઉમિયાધામના (કડવા પાટીદાર) આગેવાનો તથા પટેલ સમાજના પ્રતિનિધિઓએ ભૂપેન્દ્ર પટેલને મળીને 2015માં ફાટી નીકળેલી હિંસા સમયે દાખલ કરવામાં આવેલા કેસ પાછા ખેંચી લેવા માગ કરી હતી અને ધરાતલ પર તેની અસર પણ દેખાવા લાગી છે.

પાટીદાર અનામતઆંદોલન સમયે ઉત્તર ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવનારાં વંદના પટેલે કહ્યું, "ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરનારા નેતાઓમાં હું હતી. હું અમદાવાદમાં રહું છું, પરંતુ અમારાં સગાં અને સમાજના લોકો ઉત્તર ગુજરાતમાં રહે છે. અમે થાળી વગાડીને એમએલએના ઘેરાવ જેવા કાર્યક્રમ આપ્યા હતા."

વંદનાનું કહેવું છે કે ઋષિકેશ પટેલની ઑફિસે તોફાની ટોળાએ તોડફોડ કરી તે પહેલાં તેઓ અમદાવાદ આવી ગયાં હતાં.

જીએમડીસી ગ્રાઉન્ડ પર હુલ્લડ થયા બાદ તેઓ અમદાવાદમાં હતાં ત્યારે તેમની સામે કેસ દાખલ થયો અને તેમની સમસ્યાઓ શરૂ થઈ. વંદના કહે છે :

"મારી સામે કેસ દાખલ થયો એટલે મારે જેલમાં જવું પડ્યું. મારો પાસપોર્ટ જપ્ત થઈ ગયો. મારા પિતા અમેરિકામાં હતા, જ્યાં તેઓ ગંભીર રીતે બીમાર થઈ ગયા. વારંવારની વિનંતી છતાં મને પાસપોર્ટ પરત ન મળ્યો અને તેમની સેવા કરવા માટે હું અમેરિકા જઈ ન શકી."

તેઓ ઉમેરે છે, "મારી સાથેના અનેક આંદોલનકારીઓ ભાજપમાં જોડાઈ ગયા. હું રાજકારણમાં ન જોડાઈ. એક જ ચાર્જશીટમાં મારું નામ હતું, એટલે જ્યારે મારી સામેનો કેસ પાછો ખેંચાયો ત્યારે પાસપોર્ટ પાછો મળ્યો."

તેમનો દાવો છે કે તેઓ ઓછામાં ઓછા 21 યુવાનોને ઓળખે છે કે જેમની સામે કેસ ચાલતા હોવાથી તેમનો પાસપોર્ટ બની ન શક્યો અને ભણવા કે નોકરી માટે વિદેશ જવાની તક ગુમાવવી પડી.

2014થી 2018 દરમિયાન માત્ર પાટીદાર જ નહીં, પરંતુ ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) સમાજના મુખ્યત્વે ઠાકોર તથા દલિત સમાજ દ્વારા પણ પોતાના હક માટે આંદોલન હાથ ધરવામાં આવ્યાં હતાં

ઇમેજ સ્રોત, ALPESH THAKOR/FACEBOOK

ઇમેજ કૅપ્શન, 2014થી 2018 દરમિયાન માત્ર પાટીદાર જ નહીં, પરંતુ ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) સમાજના મુખ્યત્વે ઠાકોર તથા દલિત સમાજ દ્વારા પણ પોતાના હક માટે આંદોલન હાથ ધરવામાં આવ્યાં હતાં

2014થી 2018 દરમિયાન માત્ર પાટીદાર જ નહીં, પરંતુ ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) સમાજના મુખ્યત્વે ઠાકોર તથા દલિત સમાજ દ્વારા પણ પોતાના હક માટે આંદોલન હાથ ધરવામાં આવ્યાં હતાં.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે અને યુવાનો વધુ જાગૃત થયા છે. 2014માં અમારા સમાજમાં પ્રવર્તમાન દારૂની બદીને દૂર કરવા માટે અમે આંદોલનો કર્યાં હતાં. ઠાકોર સમાજનો સમાવેશ ઓબીસી વર્ગમાં થાય છે. પાટીદાર આંદોલન શરૂ થયું, ત્યારે અનામતમાં અમારો ભાગ બચાવી રાખવા માટે અમે ઠાકોર સેના બનાવી હતી અને આંદોલન ચલાવ્યાં હતાં."

"સમાજમાંથી દારૂની બદીને દૂર કરવા માટે અમે જનતા રેડનું શસ્ત્ર ઉગામ્યું હતું. એ સમયે અમે કરેલાં આંદોલનોને કારણે સંખ્યાબંધ લોકો ઉપર રાયોટિંગ, સુલેહ-શાંતિના ભંગ, જાહેરવ્યવસ્થા ખોરવવી વગેરે જેવા આરોપોસર કલમ 143, 147 અને 148 વગેરે હેઠળ ગુના દાખલ થયા હતા. સરકારે અમને વચન આપ્યું હતું કે પટેલ સમાજની જેમ અમારી સામેના પણ તમામ કેસ પરત ખેંચી લેવામાં આવશે, પરંતુ હજુ સુધી તેની ઉપર અમલ નહીં થતાં કેસ પરત ખેંચવા માટે અમે આંદોલનો કરીશું"

નવઘણજી ઠાકોર માને છે કે પાટીદારો દ્વારા ભાજપતરફી મતદાન કરવામાં આવતું હોવાથી સરકાર દ્વારા ઠાકોર સમાજ પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. એક ઉદાહરણને ટાંકતાં નવઘણજી કહે છે કે ઠાકોર સમાજનો એક યુવાન ભણી-ગણીને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માગતો હતો. તેની પાસે આર્થિક સગવડ ન હતી. એટલે સમાજે પૈસા એકઠા કરીને તેને વિદેશ મોકલવાનું આયોજન કર્યું, પરંતુ તેની સામે કેસ ચાલતો હોવાથી તે પરદેશ જઈ શક્યો ન હતો.

કોર્ટમાં કેસ ચાલતો હોવાથી પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે સિદ્ધપુરના એક ઠાકોર યુવાને બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "જ્યારે ઠાકોર આંદોલન ચાલતું હતું, ત્યારે હું ઇજનેરીમાં ભણતો હતો. મારા પિતા ભાજપ સરકારના પૂર્વ પ્રધાનના ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. મારી સામે કેસ દાખલ થયો હતો. હું ભણવામાં હોશિયાર હતો એટલે ઇજનેર થયા પછી ઑસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીમાં મને માસ્ટર ડીગ્રીમાં પ્રવેશ મળી ગયો. અમારી પૈસા ન હતા, એટલે સમાજના લોકોએ પૈસા એકઠા કર્યા. પરંતુ પોલીસ કેસને કારણે મને પાસપોર્ટ ન મળ્યો અને વિદેશમાં ભણવાનું સપનું રોળાઈ ગયું."

ઉનાકાંડ પછી ગુજરાતભરમાં દલિત અધિકાર આંદોલન શરૂ થયું. અન્ય બે સમાજની જેમ દલિતો સામે પણ કેસ દાખલ થયા. દલિત નેતા પરષોત્તમ વાઘેલાના કહેવા પ્રમાણે, "આંદોલનો દરમિયાન 450થી વધુ દલિત કાર્યકર્તા સામે કેસ થયા છે. મારી વોટબૅન્ક પટેલો જેટલી મજબૂત નથી તથા સરકાર બનાવવા માટે અમે નિર્ણાયક સંખ્યામાં ધારાસભ્ય આપી શકતા નથી, એટલે પટેલો સામેના કેસ ખેંચાયા તો પણ દલિતો સામેના કેસ પરત નથી લેવાયા."

વાઘેલાની માગ છે કે જેમ પટેલો સામેના કેસ પાછા ખેંચાયા છે, એવી જ રીતે દલિતો સામેના કેસ પણ પરત ખેંચાવા જોઈએ.

line

આંદોલન 2.0

પાટીદાર, ઓબીસી અને દલિત સમાજ જ નહીં, પરંતુ આદિવાસી સમાજ પણ કેસ પાછા ખેંચવાની માગણી કરી રહ્યો છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES/FB

ઇમેજ કૅપ્શન, પાટીદાર, ઓબીસી અને દલિત સમાજ જ નહીં, પરંતુ આદિવાસી સમાજ પણ કેસ પાછા ખેંચવાની માગણી કરી રહ્યો છે

પાટીદાર, ઓબીસી અને દલિત સમાજ જ નહીં, પરંતુ આદિવાસી સમાજ પણ કેસ પાછા ખેંચવાની માગણી કરી રહ્યો છે.

ગુજરાતમાં આદિવાસીઓના અધિકાર માટે લડતી ભારતીય ટાઇગર સેનાના મહામંત્રી મહેશ વસાવાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સમયે અનેક આદિવાસી પરિવારોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના હક માટે અનેક આદિવાસી યુવાનોએ લડત ચલાવી હતી. સરકારે તેમની સામે કેસ દાખલ કર્યા હતા. ચૂંટણી પહેલાં સાડા છ વર્ષ જૂના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો અમારી સામેના કેમ નહીં ? ગુજરાતમાં પટેલ સિવાયની જ્ઞાતિના લોકો પણ છે. જો આગામી દિવસોમાં અમારી સામેના કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો અમે આંદોલન હાથ ધરીશું."

બીજી તરફ બુધવારે (તા. 23મી માર્ચે) બનાસકાંઠા જિલ્લાના સાબરડા ગામ ખાતે દલિત, ઓબીસી તથા આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં તેમના સમાજોના લોકો સામે દાખલ કરવામાં આવેલા કેસ મુદ્દે આગળની લડત કેમ ચલાવવી તથા સરકાર ઉપર કેવી રીતે દબાણ લાવવું તેના વિશે વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠક યોજનાર મુકેશભાઈ ઠાકોરે કહ્યું, "સરકાર દ્વારા માત્ર પાટીદાર યુવાનો સામેના કેસ પાછા ખેંચવામાં આવે તે યોગ્ય વાત નથી. આજની બેઠકમાં દલિત, ઓબીસી તથા આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો. આવતા અઠવાડિયે ગુજરાતભરના ત્રણેય સમાજના આગેવાનોને સાથે લઈને આંદોલન હાથ ધરવામાં આવશે."

આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવા માટે સરકારની સત્તા અને કાયદેસરની જોગવાઈઓ અંગે વાત કરતા જાણીતા વકીલ ઍડ્વોકેટ ચંદ્રશેખર ગુપ્તાએ કહ્યું, "સીઆરપીસીની (ક્રિમિનલ પ્રોસિજર કોડ) કલમ 321માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે, સરકારી વકીલ કોર્ટમાં અરજી દાખલ કરે તો સરકાર દ્વારા દાખલ કરવામા આવેલા કેસ પાછા ખેંચી શકાય તેવી જોગવાઈ છે. જેના આધારે પાટીદાર આંદોલન સમયે દાખલ કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે."

"આ કલમની જોગવાઈ પ્રમાણે, સમાજ માટે હાનિકારક ન હોય તેવા કેસ પાછા ખેંચી શકાય છે. જેમ કે મંજૂરી વગર સભા કરવી, કલમ 144ના ભંગના કેસ, રાયોટિંગ દરમિયાન સામાન્ય ઈજા પહોંચાડવા જેવા ગુના સરકાર પરત ખેંચી શકે છે."

કોર્ટને જો યોગ્ય લાગે તો તે કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી શકે છે. તાજેતરમાં અમદાવાદમાં નોંધાયેલા અનેક કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જોકે, અસામાન્ય પ્રકારના ગુનામાં કેસ પાછા ખેંચવાની અરજી કરવાનું સરકાર ટાળતી હોય છે અને તેમ કરવા ચાહે તો પણ કોર્ટની ઝાટકણીનો ભોગ બનવાની આશંકા રહેલી હોય છે.

આ પાટીદારો પણ ખુશ નથી. હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર આગેવાનોના કેસ લડનારા ઍડ્વોકેટ બાબુભાઈ મંગુકિયાએ કહ્યું :

"આનંદીબહેન મુખ્ય મંત્રી હતાં, ત્યારે જ સમાધાન થઈ ગયું હતું, પરંતુ તેનો અમલ નહોતો થયો. સરકારે નિર્દોષ હોવા છતાં તેમને ઘરેથી ઉઠાવી જઈને તેમની સામે કેસ દાખલ કર્યા હતા અને જેલમાં ગોંધાઈ રહેવું પડ્યું હતું. પટેલ આંદોલન દરમિયાનના અનેક કેસ એવા છે કે જેમાં પોલીસ દ્વારા બેજવાબદારપણે ફાયરિંગ કરવામાં આવ્યું હોય અને મૃત્યુ પણ થયાં હોય. આવા કેસ અમે ગુજરાત હાઇકોર્ટમાં લડી રહ્યા છીએ. અમારી માગણી છે કે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે."

માંગુકિયા ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની ટિકિટ ઉપર અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમનો પરાજય થયો હતો.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો