તૃષા હત્યા કેસ : પીડિતાનાં માતાનું આક્રંદ, 'મારી દીકરીને પોલીસ બનવું હતું, સપનું અધૂરું રહી ગયું'
વડોદરામાં મંગળવારે રાત્રે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યાનો દાવો કર્યો અને જણાવ્યું કે એકતરફી પ્રેમમાં આ હત્યા કરાઈ છે. ગુજરાતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ વધુ એક એવો જ કેસ બહાર આવ્યો છે.

ઇમેજ સ્રોત, Rajiv Parmar
વડોદરા પાસે આવેલા ધનિયાવી ગામની સીમમાંથી મંગળવારે રાત્રે 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો હતો. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
જોકે આ ઘટનામાં વિચલિત કરી મૂકે તેવી બાબત એ હતી કે યુવતીનો હાથ કાપી નાખવામાં આવ્યો હતો.
છેલ્લા બે મહિનાથી રાજ્યમાં આ પ્રકારે મહિલાઓ પર હુમલા અને હત્યાના કેસ આવ્યા હોવાથી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ આદરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એકતરફી પ્રેમનો મામલો છે અને પ્રેમ કરતા યુવાને જ પાળિયા વડે હુમલો કરીને હત્યા કરી હતી.
બનાવ બાદ યુવતીનાં માતાએ આક્રંદ સાથે માગ મૂકી હતી કે હત્યારાને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવે. જેથી દાખલો બેસાડી શકાય.

'મેં મારી દીકરી નહીં, દીકરો ગુમાવ્યો છે'

ઇમેજ સ્રોત, Rajiv Parmar
એકની એક દીકરી ગુમાવ્યા બાદ તૃષાનાં માતાપિતા આઘાતમાં સરી પડ્યાં છે. તેમનાં માતા જનકબહેને રડતાં-રડતાં બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "એ મારી દીકરી નહીં, મારો દીકરો જ હતો. આજે મેં મારો દીકરો ગુમાવ્યો છે."
તેઓ કહે છે, "એનું પીએસઆઈ બનવાનું સપનું હતું. એ સપનું પૂરું કરવા જ વડોદરા આવી હતી. 10 એપ્રિલે યોજાનારી લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે અહીં રહેતી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુત્રી વિશે વાત કરતા તેઓ કહે છે, "તે હંમેશાં ખુશ રહેતી હતી. દિવસમાં બે-ત્રણ વખત ફોન પણ કરતી હતી."
તેમની માગ છે કે તેમની દીકરીની હત્યા કરનાર યુવકને ફાંસીથી ઓછી સજા ન આપવામાં આવે,
તૃષાના પિતા રાજેન્દ્રસિંહ સોલંકીનું સ્વપ્ન હતું કે તેમની પુત્રી પોલીસમાં જાય, પણ તેઓ કહે છે કે આ ઇચ્છા હવે અધૂરી રહેશે.
તેમની માગ છે કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને હત્યારાને જલદીથી જલદી ફાંસીની સજા આપવામાં આવે.

'ચારેક વર્ષથી યુવક તેને હેરાન કરતો હતો'

ઇમેજ સ્રોત, Rajiv Parmar
મૃતક યુવતી તૃષા પંચમહાલ જિલ્લાના સામલી ગામનાં વતની હતાં અને છેલ્લા બે મહિનાથી વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા મામાને ત્યાં રહેતાં હતાં.
પોલીસકર્મી બનવા માગતાં તૃષાએ પોલીસ કૉન્સ્ટેબલની શારીરિક કસોટી પાસ કરી દીધી હતી. જ્યારે એપ્રિલ મહિનામાં યોજાનારી લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતાં.
પોલીસના જણાવ્યા પ્રમાણે તેમની હત્યા કરનાર વ્યક્તિનું નામ કમલેશ ઠાકોર છે. જે માણેજા વિસ્તારમાં જ રહેતો હતો.
વડોદરાના અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ પત્રકારપરિષદમાં જણાવ્યું કે બન્ને છેલ્લાં ચારેક વર્ષથી સંપર્કમાં હતાં.
તેમણે કહ્યું, "આ યુવક અવારનવાર તૃષાનો પીછો કરતો હતો અને વારંવાર હેરાન કર્યા કરતો હતો."
ઘટના વિશે તેમણે જણાવ્યું કે, મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ કમલેશે તૃષાને મળવા માટે બોલાવ્યાં હતાં. જ્યાં પાછળથી તૃષાની ગરદન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું, "કમલેશે તૃષાની ગરદન અને હાથ પર સંખ્યાબંધ ઘા કર્યા હતા અને હાથ કાપી નાખ્યો હતો. ત્યાર બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












