બિટકૉઇન : એ વ્યક્તિ, જેણે કરોડોની ક્રિપ્ટોકરન્સી ધરાવતી હાર્ડ-ડ્રાઇવ ફેંકી દીધી અને હવે એ શોધે છે

- લેેખક, નિક હાર્ટલી
- પદ, બીબીસી વેલ્સ ન્યૂઝ

- હૉવેલ્સે 2013માં અજાણતા ફેંકી દીધેલી હાર્ડ ડ્રાઇવમાં 8000 બિટકૉઇન હતા
- આ બિટકૉઇનની કિંમત આજે 150 મિલિયન પાઉન્ડ જેટલી છે
- કચરામાંથી હાર્ડ ડ્રાઇવ શોધવાની મંજૂરી બદલ 10 ટકા દાનની ઑફરને ન્યૂપોર્ટ કાઉન્સિલે ઠુકરાવી દીધી છે

આશરે દસ વર્ષ પહેલાની વાત છે જ્યારે બ્રિટિશ વ્યક્તિ જેમ્સ હૉવેલ્સે પોતાની હાર્ડ ડ્રાઇવ (હાર્ડ ડ્રાઇવ એ વસ્તુ છે જે કમ્પ્યૂટરની મેમરીને સ્ટોર કરે છે) ઘરની સફાઈ દરમિયાન ફેંકી દીધી હતી. તેઓ એ ભૂલી ગયા હતા કે તે ડિવાઇસમાં એક ડિજિટલ વૉલેટ પણ હતું જેમાં ક્રિપ્ટોકરન્સી હતી.
તે હાર્ડ ડ્રાઇવના વૉલેટમાં જે આઠ હજાર બિટકૉઇન હતા તેની કિંમત આજે 150 મિલિયન પાઉન્ડ જેટલી છે. હવે તે હાર્ડ ડ્રાઇવને શોધવા માટે હૉવેલ્સ હજારો પાઉન્ડ ખર્ચીને વેલ્સના ન્યૂપૉર્ટ શહેરની એ જગ્યાને ખોદવા માગે છે જ્યાં બધો કચરો જમા થાય છે.
હૉવેલ્સ કહે છે કે જો તેમને તેમની હાર્ડ ડ્રાઇવ મળી જાય તો તેઓ તેમાંથી 10 ટકા દાન શહેરને આપશે જેનાથી ક્રિપ્ટોકરન્સીને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની સિરીઝ તૈયાર કરી શકાય. જોકે, સિટી કાઉન્સિલનું કહેવું છે કે તે જગ્યાનું ખોદકામ કરવું તે એક પરિસ્થિતિવિષયક ખતરો છે.

લાખો રૂપિયા કચરામાં

હૉવેલ્સ એક આઈટી ઍન્જિનિયર છે અને 2013માં તેમણે આકસ્મિકરૂપે હાર્ડ ડ્રાઇવ ફેંકી દીધી હતી. તેમાં 8000 બિટકૉઇન હતા.
બિટકૉઇનનો ભાવ બદલાતો રહે છે. જાન્યુઆરી 2021માં 8000 બિટકૉઇનનો ભાવ આશરે 210 મિલિયન પાઉન્ડ હતો. પરંતુ આ વર્ષે તેની કિંમત ખૂબ જ ઓછી છે.
ન્યૂપોર્ટ કાઉન્સિલે વારંવાર હૉવેલ્સને તે જગ્યાનું ખોદકામ કરવાની ના પાડી છે. તેમના 10 ટકા દાનની ઑફર બાદ પણ તેઓ તે ખોદકામને પર્યાવરણ માટે નુકસાનકારક ગણાવી રહ્યા છે.
અધિકારીઓનો દાવો છે કે આ કરવા માટે મોટા પ્રમાણમાં હાથેથી ખોદકામ કરવું પડશે અને તેના માટે હજારો ટનનો કચરો નીકળશે જે દાયકાઓથી ત્યાં જમા થતો ગયો છે. પરંતુ હૉવેલ્સ માને છે કે તેમની પાસે પૈસા અને અનુભવ બંને છે જેનાથી તેઓ એ જગ્યાનું ખોદકામ એવી રીતે કરાવી શકે છે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય.
તેઓ કહે છે, "લૅન્ડફિલને ખોદવું જ સૌથી મોટું કામ છે. તેના માટે ફંડ સુરક્ષિત રાખવામાં આવ્યું છે. અમે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઍક્સપર્ટ લઈ આવ્યા છીએ. તેની ટેકનૉલૉજીથી હાર્ડ ડ્રાઇવને શોધવા માટે સરળતાથી વાપરી શકાય તેમ છે. અમારા પ્લાનમાં પર્યાવરણની ટીમ પણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બધું સાફ કર્યા બાદ અમે ત્યાં પવનચક્કી જેવી પાવર જનરેશન ફૅસિલિટી લગાવીશું. અમે અહીંના લોકો માટે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ ફૅસિલિટી પણ ઊભી કરીશું, જે પાવર જનરેશન ફૅસિલિટીનો ઉપયોગ કરીને ન્યૂપોર્ટના લોકો માટે બિટકૉઇન બનાવશે."
હાર્ડ ડ્રાઇવને શોધવું એક કામ છે, પણ તેની કોઈ ગૅરંટી નથી કે હાર્ડ ડ્રાઇવ ચાલી શકશે કે નહીં.
પણ જો તે ચાલી જાય તો તેના માલિકને પુષ્કળ ફાયદો થશે.

નોંધપાત્ર ઇકૉલૉજિકલ જોખમ
હૉવેલ્સની યોજના મુજબ જો તેમને આ ફાયદો થયો તો તેઓ શહેરની દરેક વ્યક્તિને 50 પાઉન્ડના બિટકૉઇન આપશે.
જોકે, ન્યૂપોર્ટ કાઉન્સિલ તેમના વિચાર સાથે સહમત નથી. તેઓ કહે છે, "અમારે લૅન્ડફિલની જાળવણી કરવાની છે. જો આ ખોદકામ થયું તો તેનાથી તે જગ્યાએ ઇકૉલૉજિકલ ખતરો રહેશે. અમે હૉવેલ્સનો પ્રસ્તાવ માન્ય રાખી શકીએ તેમ નથી. અમારું લાઇસન્સ પણ તેની મંજૂરી આપતું નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













