લેસ્ટરમાં દાયકાઓથી હળીમળીને રહેતા હિંદુ-મુસ્લિમોની વચ્ચે અચાનક ખાઈ કેમ ઊભી થઈ? - ગ્રાઉન્ડ રિપોર્ટ

મંદિરની સામે કિશોર ચૌહાણની 'મિલન્સ' દુકાન
    • લેેખક, આશિતા નાગેશ
    • પદ, સંવાદદાતા, સામુદાયિક બાબતો

"લોકો ભયભીત છે એટલે હરવા-ફરવા માટે બહાર નથી નીકળી રહ્યા." આ શબ્દો છે, જય પટેલના. જેઓ તણાવગ્રસ્ત લેસ્ટરના વિખ્યાત ગોલ્ડન માઇલ પર શિવ સાગરના નામથી શાકાહારી રેસ્ટોરાં ચલાવે છે.

તેઓ કહે છે કે શનિવારની રાત્રે તેમનો ડાઇનિંગ હૉલ ખચાખચ ભરેલો હતો. લગભગ 80 જેટલા ગ્રાહકો ભોજન લઈ રહ્યા હતા, જેમાં કપલ્સ, પરિવારો તથા સ્થાનિક નગરસેવકો સામેલ હતા. ત્યારે અચાનક જ મોટી સંખ્યામાં યુવાનોનું ટોળું ધસી આવ્યું.

એવું અનુમાન છે કે એ રાત્રે સેંકડો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. મોટાભાગના લોકો માથાથી લઈને પગ સુધી કાળાં કપડાંમાં ઢંકાયેલા હતા - એમાંથી કેટલાકની પાસે હથિયાર હોય એમ જણાતું હતું.

પટેલે મને કહ્યું કે તે ખૂબ જ ભયજનક હતું. તેઓ કહે છે, "લોકો આમતેમ ભાગી રહ્યા હતા, દરવાજો ખખડાવી રહ્યા હતા...અમે બધી લાઇટો બંધ કરી દીધી અને બધા પડદા પાડી દીધા હતા."

એ ઘટના પછી લોકો શિવ સાગરમાં બુકિંગ કૅન્સલ કરાવી રહ્યા છે - જ્યારે અમે અંદર પ્રવેશ્યા, ત્યારે તે લગભગ ખાલી જ હતો. પટેલના કહેવા પ્રમાણે આ ખૂબ જ અસામાન્ય છે, કારણ કે છેલ્લાં ચાર વર્ષથી રેસ્ટોરાં ચાલી રહી છે અને સામાન્ય રીતે આવા સમયે તે ધમધમતી હોય.

પટેલ કહે છે, "લોકો તેમના ટેબલ બુકિંગ એમ કહીને કૅન્સલ કરી રહ્યા છે કે 'આ બધું થઈ રહ્યું, એટલે અમે ત્યાં આવવા નથી માગતા'" તેઓ ઉમેરે છે, "સામાન્ય રીતે ત્રણ-ચાર લોકો એકસાથે આવતા - પરંતુ હવે કોઈ નથી આવી રહ્યું."

line

ક્રિકેટની ટક્કર અને ટકરાવ

જય પટેલ
ઇમેજ કૅપ્શન, જય પટેલ

છેલ્લાં કેટલાક અઠવાડિયાંથી શહેરમાં હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચે તણાવ વધી રહ્યો હતો, જે ગત સપ્તાહાંત દરમિયાન બહાર આવ્યો હતો. ઑગસ્ટ મહિનાના અંતભાગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી તે પછી આની શરૂઆત થઈ હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચો હંમેશાં રાજકીય રીતે ઉગ્ર હોય છે, છતાં જેટલા લોકો સાથે મેં વાત કરી, તેઓ એક વાત સાથે સહમત હતા કે આ ક્રિકેટ વિશે ન હતું. મૅચના કારણે બંને સમુદાયો વચ્ચે પ્રવર્તમાન તણાવને હવા મળી કે પછી તેના કારણે બહારના ઉશ્કેરણી કરનારાઓને તક મળી ગઈ, તે વ્યાપક અટકળોનો વિષય છે.

કુલ 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી કેટલાકને હથિયાર રાખવી બદલ સજા થઈ છે. આ મુદ્દે ઑનલાઇન પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ધર્મને કારણે લોકો ઉપર હુમલા થયા હોવાના દાવા વાઇરલ થઈ રહ્યા છે - જોકે તેમાંથી અનેક એવા છે કે જેની પુષ્ટિ થઈ શકે તેમ નથી. વાઇરલ ઘટનાઓમાંથી એક તો ઘટી જ નહીં હોવાની સ્પષ્ટતા પોલીસે કરી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

બુધવારે પોલીસે લોકોને અપીલ કરી હતી કે તેઓ સત્યતા વગરના દાવાને સોશિયલ મીડિયા પર શૅર ન કરે. લેસ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટે ચાકુ રાખવા બદલ એક શખ્સને સજા ફટકારી છે, તે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ હતો.

હિંદુઓ તથા મુસ્લિમો દ્વારા સોશિયલ મીડિયા પર ફૂટૅજ શૅર કરવામાં આવી રહ્યા છે. જે કથિત રીતે તાજેતરના સપ્તાહોમાં પ્રવર્તમાન તણાવ દરમિયાન લેવામાં આવ્યા હતા. જેમાં બંને બાજુના સમૂહોને જોઈ શકાય છે. માસ્કધારી લોકોએ હિંદુબહુમતીવાળા વિસ્તારોમાં બારીઓને ઠોકી હતી અને ધાર્મિક શણગારને ઉખાડી ફેંક્યો હતો. જ્યારે અન્યોમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં "જય શ્રી રામ"ના નારા લગાવ્યા હતા.

ઑનલાઇન પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં બૅલગ્રૅવ રોડ પર આવેલા હિંદુ મંદિર પર એક શખ્સને ચઢતો જોઈ શકાય છે, જે ધજાને ઉતારી દે છે. મંદિર દ્વારા પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લોકોનું ટોળું અને તેમનામાંથી એક શખ્સને ધજા સળગાવતો જોઈ શકાય છે.

કથિત રીતે આ વીડિયો શુક્રવારની રાત્રે શૂટ કરવામાં આવ્યા હતા. એ ઘટનાને અનેક દિવસ થઈ ગયા હોવા છતાં આ વિસ્તારમાં તણાવ પ્રવર્તે છે. હું મંદિરે પહોંચી ત્યારે તેના દરવાજે તાળું હતું. મારા માટે એક મહિલાએ તેને ખોલી આપ્યું, પરંતુ મેં મારી ઓળખ આપી એટલે તેમણે કહ્યું કે તેઓ પ્રેસ સાથે વાત નથી કરવા માગતાં અને વાતને પતાવી દીધી. મંદિરની વાડ પર અરધી બળેલી ધજા લટકી રહી હતી.

line

તહેવારો પહેલાં તણાવ

ફૂટેજમાં કથિત રીતે બૅલગ્રૅવ રોડ પરના હિંદુ મંદિર પરથી ધજાને ઉતારી તેને સળગાવી દેવાઈ હતી(
ઇમેજ કૅપ્શન, ફૂટેજમાં કથિત રીતે બૅલગ્રૅવ રોડ પરના હિંદુ મંદિર પરથી ધજાને ઉતારી તેને સળગાવી દેવાઈ હતી(

કિશોર ચૌહાણ 45 વર્ષથી મંદિરની સામે 'મિલન્સ' નામની દુકાન ધરાવે છે. ચૌહાણના કહેવા પ્રમાણે, લેસ્ટરમાં તેમણે અગાઉ આવું ક્યારેય નથી જોયું. તેમના કહેવા પ્રમાણે, તેમણે અગાઉ ક્યારેય આવા પ્રકારના વંશીય હુલ્લડ નથી જોયાં અને તે ખૂબ જ ભયજનક હતાં.

સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને તા. 24મી ઑક્ટોબરે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ગૉલ્ડન માઇલ પરની અન્ય દુકાનોની જેમ હિંદુ તહેવારો દરમિયાન ચૌહાણનો ધંધો વધી જતો, તેમને આશંકા છે કે અશાંતિની આશંકાએ લોકો આ વિસ્તારમાં આવતા ખચકાશે.

ચૌહાણ કહે છે, "આશા રાખું કે સમુદાયો સ્થિતિને સમજે અને તેને અટકાવે, જો તહેવારો દરમિયાન પણ આમ જ ચાલુ રહ્યું તો ધંધા ખોરવાઈ જશે." ચૌહાણ ઉમેરે છે, "આ માત્ર વેપારની વાત નથી. જો લેસ્ટરની બહારના લોકો અહીં આવતા ખચકાશે તો લેસ્ટરનું જે આકર્ષણ છે તે ખોવાઈ જશે. બહારના લોકો આકર્ષિત થઈને હંમેશાથી અહીં આવે છે."

line

હિંદુ-મુસ્લિમ અને ભારત

યાસ્મિન સુરતીના મતે સમુદાય પર નેતાઓનો પ્રભાવ હોવાની વાત જૂની થઈ
ઇમેજ કૅપ્શન, યાસ્મિન સુરતીના મતે સમુદાય પર નેતાઓનો પ્રભાવ હોવાની વાત જૂની થઈ

ભારતમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી તણાવ પ્રવર્તમાન છે, અહીં હિંદુ અને મુસ્લિમ સમુદાયોના અમુક વર્ગોની વચ્ચે અથડામણ સામાન્ય બાબત છે.

તાજેતરનાં વર્ષોમાં ધાર્મિક દૃષ્ટિએ લઘુમતીઓ વિરુદ્ધ નફરતના ગુનામાં વધારો થયો છે. હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સરકારમાં લઘુમતી સમુદાયો તથા માનવ અધિકાર કાર્યકર્તાઓની આશંકા વધી ગઈ છે.

ગત વર્ષે હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ચેતવણી આપી હતી, 2014માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારથી તેણે "અનેક કાયદેસર તથા અન્ય પગલાં લીધાં છે, જેથી કરીને ધાર્મિક દૃષ્ટિએ લઘુમતીઓ સાથેના ભેદભાવને કાયદેસરતા મળે અને ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદને લાભ પહોંચે."

ફેબ્રુઆરી-2020માં દિલ્હીની કોમીહિંસામાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી 40 મુસ્લિમ હતા. અઠવાડિયાં સુધી મુસ્લિમોએ નાગરિકતા કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓને આશંકા હતી કે તેના કારણે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવશે.

50 પોલીસકર્મીઓની વિશેષ ટીમ હુલ્લડોની તપાસમાં લાગી
ઇમેજ કૅપ્શન, 50 પોલીસકર્મીઓની વિશેષ ટીમ હુલ્લડોની તપાસમાં લાગી

ફેબ્રુઆરી-2002માં ગુજરાતમાં આઝાદી પછીના ભયાનક કોમી હુલ્લડોમાંથી એક ગુજરાતમાં ફાટી નીકળ્યાં હતાં. જેમાં એક હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આને કારણે શું હિંસામાં બહારના તત્ત્વોનો હાથ હતો કે કેમ તેવા સવાલ ઊઠી રહ્યા છે. લેસ્ટર પોલીસના કહેવા પ્રમાણે, તણાવને માટે જે લોકોની ધરપકડ કરવામાં આવી, તેમાંથી અનેક શહેરના ન હતા. સોમવારે કાર્યકારી મુખ્ય પોલીસ અધિકારી રૉબ નિકસને કહ્યું, "અન્ય શહેરોમાંથી લોકોનાં ટોળાં આવ્યાં હતાં અને તેમણે નુકસાન પહોંચાડ્યું હતું." કેટલાક કર્મશીલોને આશંકા છે કે ભારતનાં હિંદુ રાષ્ટ્રવાદી જૂથો પણ તેમાં સંડોવાયેલા છે.

યુકેમાં અને તેમાં પણ લેસ્ટરમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે હિંસાની ઘટના જવલ્લે જ જોવા મળે છે. લેસ્ટર તેના સાંપ્રદાયિક સૌહાર્દ માટે વિખ્યાત છે. બ્રિટનમાં હિંદુઓ અને મુસ્લિમો લઘુમતી સમુદાય છે અને તેમને અસમાનતા તથા વંશીય ભેદભાવનો સામનો કરવો પડે છે એટલે તેમની વચ્ચે પરસ્પરાવલંબન પ્રવર્તે છે.

મંગળવારે બંને સમુદાયના નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું અને આ મુદ્દાને ભારપૂર્વક યાદ કરાવ્યો હતો. તેમણે કહ્યું, "લગભગ અડધી સદી કરતાં વધુ સમયથી બંને ધરમના લોકો આ સુંદર શહેરમાં શાંતિપૂર્ણ રીતે રહે છે. આપણે આ શહેરમાં સાથે જ આવ્યા. આપણે સમાન પ્રકારના પડકારોનો સામનો કર્યો."

"વંશીય ભેદભાવકારોનો આપણે મળીને સામનો કર્યો તથા સાથે મળીને આ શહેરને વૈવિધ્ય તથા સામુદાયિક સૌહાર્દની મિસાલ બનાવ્યું."

તેમણે કહ્યું કે તેમના "હૃદયભંગ" થઈ ગયાં છે અને "નિર્દોષ નાગરિકો ઉપરના હુમલા તથા સંપત્તિને નુકસાનએ સભ્ય સમાજનો કે બંને ધર્મોનો ભાગ નથી."

line

એ રાતે દેખાઈ સદ્દભાવના

હિંસા બાદ પોલીસે સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી છે
ઇમેજ કૅપ્શન, હિંસા બાદ પોલીસે સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી છે

લેસ્ટરના ફેડરેશન ઑફ મુસ્લિમ ઑર્ગેનાઇઝેશન્સના યાસ્મીન સુરતીએ મને જણાવ્યું કે સમુદાયના નેતાઓનો પ્રભાવ છે એ વાત જૂની થઈ ગઈ છે અને તેના કારણે પણ સમસ્યા થઈ રહી છે.

તેઓ કહે છે, "આપણે આ યુવાનો સુધી પહોંચવાની અને તેમની સાથે સંવાદ સાધવાની જરૂર છે. કદાચ તેઓ મંદિરો અને મસ્જિદોમાં તેમના વડીલો સાથે સંપર્કમાં નથી રહ્યા."

મધ્ય-પૂર્વ માટે ફાળો ઉઘરાવનારા માજિદ ફ્રીમૅન પોલીસની નિષ્ક્રિયતા સામે આક્રોશ ઠાલવે છે. તેમના કહેવા પ્રમાણે, પોલીસે સમગ્ર ઘટનાક્રમમાં ઢીલાશ દાખવી હતી. તેઓ કહે છે, "હુલ્લડ થવાની આશંકા સેવાઈ રહી હતી, જે સાચી પડી છે."

ફ્રિમૅનના કહેવા પ્રમાણે, શનિવારની પોલીસની કાર્યવાહી અંગે સમુદાયના મનમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે કાર્યકારી મુખ્ય પોલીસ અધિકારી નિક્સનના કહેવા પ્રમાણે, "સમાજના તાણાંવાણાંને વિખેરવા માટે જવાબદાર લોકોને ઝડપી લેવા તથા તેમને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરવા અને નાગરિકોની સલામતી માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે."

પટેલના કહેવા પ્રમાણે, લેસ્ટરમાં જ્યારે હિંસા ચરમ પર હતી, ત્યારે પણ કોમી એકતા જોવા મળી હતી. શનિવારની રાત્રે બુકાનીધારી લોકોની ઉગ્ર ભીડે શિવ સાગરને ઘેરી લીધી હતી ત્યારે મુસ્લિમ સમુદાયના નેતા આવ્યા હતા અને તેમણે રેસ્ટોરાંમાં રહેલી ભીડને સલામત રીતે બહાર કાઢી હતી.

પટેલે કહ્યું, "મુસ્લિમ સમુદાયના એક ભાઈ આવ્યા - મને તેમનું નામ તો નથી ખબર, પરંતુ તેઓ એક પછી એક પરિવારને પોતાની સાથે લઈ ગયા અને તેમને ઘર સુધી મૂકી આવ્યા. તેમણે કહ્યું, 'જો તમારે બહાર જવું હોય, તો તે મારી પ્રાથમિકતા હશે.' એ પછી તેઓ એક પછી એક ગ્રાહકો તેમની સાથે લઈ ગયા."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન