લેસ્ટર તણાવ : હિન્દુ-મુસલમાન વચ્ચે તણાવ બાદ હાલ કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, LEICESTER MEDIA
- લેેખક, કૅરોલિન લોબ્રિજ
- પદ, બીબીસી સંવાદદાતા

- હિન્દુ અને મુસ્લિમના લોકો વચ્ચે તણાવ સર્જાતાં આ અશાંતિ પેદા થઈ હતી. પોલીસની કાર્યવાહી સોમવાર સાંજ સુધી પણ ચાલુ હતી
- કેટલાક અધિકારીઓએ અન્ય દળોને મદદ કરવા માટે તેમની રજાઓ રદ કરી છે
- પોલીસે જણાવ્યું હતું કે શનિવારે પૂર્વ લેસ્ટર વિસ્તારમાં વિરોધપ્રદર્શનને કારણે આ અવ્યવસ્થા સર્જાઈ હતી
- પોલીસે જણાવ્યું કે 28 ઑગસ્ટથી લેસ્ટરના પૂર્વમાં અશાંતિના મામલામાં કુલ 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે

યુકેના લેસ્ટરમાં શનિવારે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના યુવાઓ વચ્ચે તણાવ થયો હતો અને તણાવ બાદ પોલીસ અને સ્થાનિક નેતાઓએ લોકોને શાંતિની અપીલ કરી છે.
પોલીસ ફોર્સના ચીફ કૉન્સ્ટેબલે જણાવ્યું કે પોલીસને "નોંધપાત્ર આક્રમકતા"નો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક ઘાયલ પણ થયા છે, કારણ કે લેસ્ટરમાં અવ્યવસ્થા વધી ગઈ છે.
રૉબ નિક્સને જણાવ્યું કે શનિવારે પુરુષોનું જૂથ એકબીજા પર હુમલો કરતું હતું અને તેમને રોકતી વખતે 16 અધિકારી અને એક પોલીસ શ્વાન ઘાયલ થયા છે.
હિન્દુ અને મુસ્લિમના લોકો વચ્ચે તણાવ સર્જાતાં આ અશાંતિ પેદા થઈ હતી. પોલીસની કાર્યવાહી સોમવાર સાંજ સુધી પણ ચાલુ હતી.
લેસ્ટરશાયર પોલીસના જણાવ્યા અનુસાર, લેસ્ટરની 20 વર્ષીય વ્યક્તિને 10 મહિના માટે જેલમાં મોકલી દેવામાં આવી છે. તેણે સોમવારે ઘાતકી હથિયાર રાખવા અંગેની કબૂલાત કરી હતી.

અધિકારીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી

ઇમેજ સ્રોત, LEICESTER MEDIA
નિક્સને કહ્યું કે ઑપરેશનમાં મદદ કરવા માટે "દેશના વિવિધ ભાગોમાંથી" અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.
"તેમને આક્રમકતાનો સામનો કરવો પડ્યો હતો. મને લાગે છે કે તેમણે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો અને હું ખરેખર માનું છું કે તેઓ જનતાની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે."
"મારે કહેવું છે કે હું વાસ્તવમાં (શનિવારે) સ્થળ પર હતો અને મેં આક્રમકતા અને અશિસ્તનું સ્તર જોયું છે. મને લાગ્યું કે મારા અધિકારીઓએ નોંધપાત્ર રીતે વધુ સારું કામ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને લાગે છે કે અમારે મોટી સંખ્યામાં એવા લોકોનો સામનો કરવો પડ્યો, જેઓ અન્ય લોકોને મોટી ઇજા પહોંચાડવાના હેતુથી ઊભા હતા અને એ સમયે મારા અધિકારીઓ સ્થળ પર હતા."
કેટલાક અધિકારીઓએ અન્ય દળોને મદદ કરવા માટે તેમની રજાઓ રદ કરી છે.
નિક્સને કહ્યું કે "આ લોકોને એવા સમયે બોલાવાઈ રહ્યા છે, જ્યારે દેશમાં કદાચ સૌથી મોટી પોલીસ કામગીરી થઈ રહી છે, જે રાજ્યના અંતિમસંસ્કાર સાથે જોડાયેલી છે, તેથી આ બાબતની વ્યાપક અસર થઈ રહી છે."
પોલીસે જણાવ્યું હતું કે શનિવારે પૂર્વ લેસ્ટર વિસ્તારમાં વિરોધપ્રદર્શનને કારણે આ અવ્યવસ્થા સર્જાઈ હતી.

અશાંતિ મામલે 47 લોકોની ધરપકડ

રવિવારે પણ લગભગ 100ના સમૂહ સાથે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે કહ્યું કે સોમવાર સુધી રાત સુધી વધુ કોઈ અવ્યવસ્થા થઈ નથી.
શનિવારે હંગામા દરમિયાન એક ધારદાર વસ્તુ રાખવાની શંકામાં અને અન્ય હિંસક અવ્યવસ્થા કરવાના કાવતરા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કહ્યું કે રવિવારે રાતે વધુ 18 લોકોની મારપીટ, સામાન્ય હુમલો, ઘાતકી હથિયાર રાખવા અને હિંસક અવ્યવસ્થા સહિતના અપરાધો બદલ ધરપકડ કરાઈ છે.
સમુદાયના કેટલાક સભ્યોએ મૂળ અવ્યવસ્થા દરમિયાન વધુ ધરપકડ નહીં કરવા બદલ પોલીસની ટીકા પણ કરી છે.
નિક્સને કહ્યું કે "શનિવારે રાતે મોટા સમૂહને વીખેરવાનો પ્રાથમિક ઉદ્દેશ હતો, જેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પણ હું કહીશ કે ફૂટેજોના આધારે સુરક્ષા માટેનાં ઠોસ પગલાં ભરાયાં હતાં. અમે એક તપાસ ટીમ બનાવી છે, જેને તણાવવાળા વિસ્તારોમાં રાખવામાં આવી છે. અમે ત્યાં પાછા જઈશું અને તપાસ કરી રહ્યા છીએ."
28 ઑગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મૅચ બાદ થયેલી હિંસા સહિત સપ્તાહના અંતે થયેલી આ અવ્યવસ્થા તાજેતરની ઘટના હતી.
પોલીસે જણાવ્યું કે 28 ઑગસ્ટથી લેસ્ટરના પૂર્વમાં અશાંતિના મામલામાં કુલ 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બર્મિંઘમ સહિત કેટલાક બહારના લોકોનો સમાવેશ થાય છે.
લેસ્ટરના ચૂંટાયેલા મેયર સર પીટર સોલ્સબીએ જણાવ્યું હતું કે તેઓ અને સમુદાયના નેતાઓ અઠવાડિયાના અંતમાં બનેલી ઘટનાઓથી "ચકિત" હતા.
સોલ્સબીએ કહ્યું કે "આ કેટલાક ખૂબ જ વિકૃત સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવ્યું છે."
"બહારથી આવેલા ઘણા લોકો તેમજ કેટલાક સ્થાનિક છોકરાઓ દ્વારા તેને ઉત્તેજન આપવામાં આવ્યું, જેમને લાગ્યું કે આ શાંતિપૂર્ણ શહેરને ડરાવવું અને ખલેલ પહોંચાડવી સરળ છે."
"હું એ પણ જાણું છું કે શનિવારે છેક બર્મિંઘમથી લોકોને લેસ્ટર લાવવાનો ઠોસ પ્રયાસ કરવામાં આવ્યો હતો."
શહેરના સમુદાયના આગેવાનો પણ શાંતિ માટે પોલીસ સાથે જોડાયા છે.
લેસ્ટરસ્થિત ફેડરેશન ઑફ મુસ્લિમ ઑર્ગેનાઇઝેશનના સુલેમાન નાગદીએ બીબીસીને કહ્યું કે "કેટલાક ખૂબ જ અસંતુષ્ટ યુવાઓ પાયમાલીનું કારણ બની રહ્યા છે."
"આપણે સંદેશો પહોંચાડવો જોઈએ કે આનો અંત આવવો જોઈએ અને માતાપિતા અને દાદા-દાદીએ તેમની સાથે વાત કરીને આ પ્રયાસ કરવો જોઈએ."
સમગ્ર લેસ્ટરમાં હિંદુ અને જૈન મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા સંજીવ પટેલે કહ્યું, "હિંસા એ કોઈ પણ બાબતનો ઉકેલ નથી. આ શાંતિ અને સંગાથનો સમય હોવો જોઈએ."

'શરમજનક હુમલો'

લેસ્ટરશાયર પોલીસ ફેડરેશને જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓને થયેલી ઇજાઓ "સંપૂર્ણપણે ધિક્કારને પાત્ર" હતી.
ચૅરમૅન ઍડમ કૉમન્સે કહ્યું કે "મારા સાથીદારો આ પ્રકારના વર્તનને તાબે થવા માટે કામ પર આવતા નથી, અને નર્સિંગ કટ અને ઉઝરડા માટે ઘરે જવું જોઈએ નહીં.
"આ શરમજનક હુમલામાં અમારો એક પોલીસ શ્વાન પણ ઘાયલ થયો છે."
"તેઓ બધા તેમનું કામ કરવા અને લોકોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













