એક ભારતીય મહિલા દુબઈ જવાના નામે પાકિસ્તાનમાં 20 વર્ષ સુધી કઈ રીતે ફસાઈ ગયાં?

ઇમેજ સ્રોત, WALIULLAH MAROOF
- લેેખક, શુમાઇલા જાફરી અને અમૃતા દુર્વે
- પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ અને મુંબઈથી
20 વર્ષ પહેલાં ભારતમાંથી ગાયબ થઈ ગયેલાં એક મહિલા સોશિયલ મીડિયા પરના એક વીડિયોના કારણે પાકિસ્તાનમાંથી મળી આવ્યાં.
હમીદાબાનુએ વર્ષ 2002માં એક રિક્રૂટમૅન્ટ એજન્ટ દ્વારા દુબઈમાં રસોઇયણની નોકરી અપાવવાના કારણે ભારત છોડ્યું હતું.
હમીદાબાનુ કહે છે કે નોકરી અપાવવાના નામે તેમની સાથે છેતરપિંડી થઈ અને તેમને પાકિસ્તાન પહોંચાડી દીધાં.
મુંબઈમાં રહેનારાં હમીદાબાનુના પરિવારે બીબીસીને જણાવ્યું કે પાછલાં 20 વર્ષોથી તેઓ હમીદાબાનુને શોધવાની કોશિશ કરી રહ્યા હતા.
અંતે એક ભારતીય અને પાકિસ્તાની વ્યક્તિની મદદથી તેમને શોધી કઢાયાં
ભારત અને પાકિસ્તાનના એકમેક સાથેના સંબંધો તાણભર્યા રહ્યા છે જેના કારણે પાકિસ્તાની અને ભારતીય નાગરિક બૉર્ડર પાર કરવામાં મુશ્કેલી અનુભવે છે.
હમીદાબાનુ પૈસા અને સ્થાનિક જાણકારીના અભાવ સામે પણ ઝઝૂમી રહ્યાં હતાં. જોકે, એમ છતાં હમીદાબાનુએ આટલાં વર્ષો પછી પણ પોતાનાં બાળકોને મળવાની આશા નહોતી મૂકી.

જ્યારે સોશિયલ મીડિયા પર પહોંચ્યાં હમીદાબાનુ
આ વર્ષે જુલાઈમાં તેમની આ આશામાં વધારો થયો જ્યારે પાકિસ્તાનમાં સામાજિક કાર્યકર વલિઉલ્લાહ મારૂફે હમીદાબાનુનું ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈમાં રહેનારા ભારતીય પત્રકાર ખલફાન શેખે આ વીડિયોને પોતાના ફૉલોઅરો સાથે શૅર કર્યો, જેનાથી તે બાનુના પરિવાર સુધી પહોંચી શક્યો.
આ બંને શખ્સોએ બાનુ અને તેમનાં પુત્રી યાસમીન શેખ વચ્ચે વીડિયો કૉલ થકી વાતચીત કરાવી.
આ ભાવનાત્મક વીડિયો કૉલમાં યાસમીન શેખ પોતાનાં માતાને કહેતાં દેખાઈ રહ્યાં છે, "તમે કેમ છો? શું તમે મને ઓળખી? તમે આટલાં વર્ષો સુધી ક્યાં હતાં?"
આ અંગે હમીદાબાનુ કહે છે કે, "મને એવું ન પૂછ કે હું ક્યાં છું અને મેં આ બધું કેવી રીતે સહન કર્યું? મને તમારા બધાની ઘણી યાદ આવી. હું અહીં પોતાની ઇચ્છાથી નહોતી રહી રહી, મારી પાસે આના સિવાય કોઈ વિકલ્પ નહોતો."

પાકિસ્તાનમાં કેવી રીતે પસાર કર્યાં 20 વર્ષ?

ઇમેજ સ્રોત, WALIULLAH MAROOF
મારૂફને આપેલા ઇન્ટરવ્યૂમાં હમીદાબાનુ જણાવે છે કે પતિના મૃત્યુ બાદથી તેઓ બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યાં હતાં.
તેમણે દોહા, કતાર, દુબઈ અને સાઉદી અરેબિયામાં પણ એક રસોઇયણ તરીકે કામ કર્યું છે.
હમીદા જણાવે છે કે વર્ષ 2002માં તેમણે દુબઈમાં નોકરી મેળવવા માટે એક રિક્રૂટમૅન્ટ એજન્ટનો સંપર્ક કર્યો. આ મહિલાએ હમીદા પાસેથી 20 હજાર રૂપિયા ઍડ્વાન્સ તરીકે માગ્યા.
બાનુ પોતાના ઇન્ટરવ્યૂમાં કહે છે કે તેમને દુબઈના સ્થાને પાકિસ્તાનના હૈદરાબાદમાં લાવવામાં આવ્યાં, જ્યાં તેમને ત્રણ માસ માટે બંદી બનાવીને રાખવામાં આવ્યાં.
આવનારાં અમુક વર્ષોમાં હમીદાએ કરાચીના એક શખ્સ સાથે લગ્ન કર્યાં. તેમનું પણ કોવિડ-19 મહામારી દરમિયાન મૃત્યુ થઈ ગયું.
આ દરમિયાન હમીદાબાનુ પાકિસ્તાનમાં પોતાના સાવકા પુત્ર સાથે રહેતાં હતાં.
યાસમીન જણાવે છે કે આ પહેલાં વિદેશમાં કામ કરતાં તેમનાં માતા નિયમિતપણે ફોન કરતાં હતાં. પરંતુ 2002માં ભારત છોડ્યા બાદ તેમણે ઘણા મહિના સુધી ફોન ન કર્યો.
યાસમીન જણાવે છે કે જ્યારે આ એજન્ટનો સંપર્ક કરાયો તો "તેમણે કહ્યું તમારાં માતા ઠીક છે અને તેઓ તેમની સાથે વાત કરવા નથી માગતાં. અમે વારંવાર એજન્ટનો સંપર્ક કરતાં રહ્યાં પરંતુ એક દીવસે તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ."

હમીદાબાનુની તલાશ

ઇમેજ સ્રોત, AMAN SHAIKH
વલિઉલ્લાહ મારૂફ પાકિસ્તાનના કરાચીમાં એક સ્થાનિક મસ્જિદમાં ઇમામ છે.
મારૂફ જણાવે છે કે આ મહિલા (હમીદાબાનુ)ને લગભગ 15 વર્ષ પહેલાં મળ્યા હશે જ્યારે તેમણે મારૂફના મહોલ્લામાં દુકાન ખોલી.
તેઓ કહે છે કે, "હું તેમને મારા બાળપણથી જોઈ રહ્યો છું. તેઓ હંમેશાં પરેશાન દેખાય છે."
મારૂફ પાછલાં ઘણાં વર્ષોથી પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટની મદદથી બાંગ્લાદેશમાંથી તસ્કરી થકી પાકિસ્તાન લવાયેલ મહિલાઓનો તેમના પરિવારો સાથે મિલાપ કરાવી રહ્યા છે.
બીજા પતિના મૃત્યુ બાદથી હમીદા પોતાનાં સાસુને કહી રહ્યાં હતાં કે તેઓ મારૂફને તેમની પણ મદદ કરવા માટે મનાવી લે.

ઇમેજ સ્રોત, AMAN SHAIKH
મારૂફ કહે છે કે તેઓ તેમની કહાણી સાંભળીને ભાવુક થઈ ગયા પરંતુ તેઓ બંને દેશો વચ્ચેના તણાવભર્યા સંબંધોના કારણે ખચકાઈ રહ્યા હતા.
મારૂફ કહે છે કે, "મારા મિત્રોએ મને ભારતથી દૂર રહેવાની સલાહ આપી હતી, મને કહેવાયું કે મને પરેશાની થઈ શકે છે. પરંતુ મને તેમની હાલત જોઈને એટલું ખરાબ લાગ્યું કે હું પોતાની જાતને રોકી ન શક્યો."
મારૂફે જણાવ્યું કે પોતાના આ પ્રયાસો માટે તેઓ કોઈ પણ આર્થિક મદદ સ્વીકારતા નથી. આ ઇન્ટરવ્યૂમાં હમીદાબાનુએ પોતાનું મુંબઈવાળું સરનામું અને બાળકોનાં નામ આપ્યાં.
જ્યારે ભારતીય પત્રકાર ખલફાન શેખે વીડિયો શૅર કર્યો તો યાસમીનના દીકરાએ તે જોયો. યાસમીનના 18 વર્ષીય દીકરાએ પોતાની નાનીને પણ નહોતાં જોયાં કારણ કે તેમનો જન્મ તેમના ભારત છોડ્યા બાદ થયો હતો. પરંતુ યાસમીન તરત જ પોતાનાં માતાને ઓળખી ગયાં.
મારૂફ જણાવે છે કે પાકિસ્તાનમાં સ્થિત ભારતીય હાઈકમિશનના અધિકારીઓએ તેમનો સંપર્ક સાધ્યો અને હમીદાબાનુને આધિકારિક નિવેદન આપવાનું કહ્યું જેથી તેમને ભારત પહોંચાડવાનું કામ શરૂ કરી શકાય.
યાસ્મીન કહે છે કે, "અમે 20 વર્ષો સુધી તેમની રાહ જોઈ છે. હવે હું અત્યંત ખુશ છું. મેં જ્યારથી વીડિયો જોયો ત્યારથી મારા ચહેરાનું સ્મિત નથી જઈ રહ્યું. આ એક અનોખી લાગણી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












