સુરત : કથિત ગોમાંસ ખાવાના લીધે આપઘાત કરવાનો સમગ્ર મામલો શો છે?

ઇમેજ સ્રોત, Rohits family
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"આજ હું આ દુનિયાને છોડીને જઈ રહ્યો છું, મારા મોતનું કારણ મારી પત્ની સોનમ અને તેનો ભાઈ છે, મારી બધા મિત્રોને વિનંતી છે કે તમે મને ન્યાય અપાવજો. મને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગોમાંસ ખવડાવવામાં આવ્યું, હું આ દુનિયામાં જીવવા લાયક નથી. એટલે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું."
કથિત રીતે આ શબ્દો ફેસબુક પર અપલોડ થયેલી સુસાઇડ નોટના છે.
સુરત પોલીસમાં નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર આ સુસાઇડ નોટ 27 વર્ષના રોહિતસિંહ નામના યુવાને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી.
પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે મુજબ સુરત શહેરના ઉધના વિસ્તારમાં બીઆરસી ખાતે મિલમાં માસ્તર તરીકે નોકરી કરતા 27 વર્ષના યુવક રોહિત સિંઘે ફેસબુક પર સુસાઇડ નોટ અપલોડ કરી આપઘાત કરી લીધો.
ફરિયાદ અનુસાર પોતાની સુસાઇડ નોટમાં રોહિતે તેમનાં પત્ની સોનમ જાકિર અલી અને સાળા મુખ્તાર અલીએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દેવાનો આરોપ મુક્યો હતો.
તેમણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જણાવવામાં આવ્યું છે.
સુરત પોલીસે આરોપી સોનમઅલી અને મુખ્તારઅલી સામે આઈપીસીની કલમ 306, 506(2) અને 114 અંતર્ગત ગુનો નોંધાયો છે.
સુરત પોલીસના એસીપી જે.ટી.સોનારાએ જણાવ્યું છે કે "રોહિતની આત્મહત્યા બાદ ફેસબુક પર સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટના આધારે મૃતકની માતાની અમે ફરિયાદ લીધી છે કે સોનમ અને તેના ભાઈ મુખ્તારે રોહિતને ગાયનું માંસ ખવડાવ્યું હતું. જેનું ખોટું લાગી આવતા રોહિતે આત્મહત્યાનું પગલું ભર્યું હતું." તેમણે વધુમાં કહ્યું કે, "સુસાઇડ નોટ અમને મળી નથી પરંતુ ફેસબુક પરથી તેની ઝેરોક્ષ લઈને તપાસ ચાલુ કરી છે અને પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે બીબીસી ગુજરાતીએ સોનમ જાકિર અલી અને તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.
આ મામલે હજી અનેક સવાલો છે જેની બીબીસી ગુજરાતી સ્વતંત્ર રૂપે પુષ્ટિ નથી કરી શકતું

મોડેથી કથિત આપઘાતની જાણ થઈ?

ઇમેજ સ્રોત, Rohits family
આ સમગ્ર ઘટના બે મહિના પહેલાં બની હતી પરંતુ મૃતકના પરિવારને એક મિત્ર મારફતે મૃતકના આપઘાતની ખબર પડી હતી. આ અંગે મૃતકનાં માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં સુરતના ઉધનાના પટેલનગર ખાતે રહેતાં મૃતકનાં પત્ની સોનમ જાકીર અલી અને તેમના ભાઈ મુખ્તાર અલી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને જાનથી મારી નાખવાની ધમકી આપવના આરોપસર ગુનો દાખલ કર્યો છે.
મૃતક યુવાનનાં માતા વીનાદેવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " મારા દીકરા રોહિતના મોત અંગે મને ખબર ન હતી. અમારા એક સંબંધી દ્વારા મને જાણ થઈ કે મારા દીકરાએ બે મહિના પહેલાં જ આત્મહત્યા કરી લીધી છે તેમજ તેને ફેસબુક પર સુસાઇડ નોટ લખીને મૂકી છે ત્યારબાદ અમે તપાસ કરતા અમને ખબર પડી કે સાચે જ મારા દીકરાએ બે મહિના પહેલાં આત્મહત્યા કરેલી છે."
તેમણે રડતાંરડતાં જણાવ્યું હતું કે," જે દિવસે એને આત્મહત્યા કરી છે એના આગળના દિવસે રવિવારે જ મારે છેલ્લે મારા દીકરા સાથે વાત થઈ હતી. મારે વાત થઈ ત્યારે તેણે કહ્યું હતું કે તે મળવા આવશે પરંતુ તે આવ્યો ન હતો. જેથી સોમવારે બહુ ફોન કર્યા હતા પરંતુ કોઈએ ઉપાડ્યો ન હતો. મને લાગ્યું કે તે કામમાં હોવાને કારણે આવ્યો નહીં હોય."
"તે આમ પણ અમને મળવા 15 દિવસે કે મહિને જ આવતો હતો. જે દિવસે મારે વાત થઈ હતી એ દિવસે એ અમારા ગામડે જઈને આવ્યો હતો."
"તે કોઈ કામથી એક અઠવાડિયું અમારા ગામડે ગયો હતો. મને લાગ્યું કે તે ગામડે ગયો ત્યારે રજાઓ લીધી હશે જેથી તે કામના કારણે મળવા આવ્યો નહીં હોય."
વીનાદેવીએ વધુમાં જણાવ્યું હતું કે, "ગત મે 2021માં રોજગારી મેળવવા માટે હું, મારા દીકરા રોહિત અને બે દીકરીઓ સાથે ગુજરાત આવી હતી. તેમજ મારો એક દીકરો ગામડે ખેતી કરે છે."
"અમે ગુજરાત આવ્યા ત્યારબાદ મારો દીકરો રોહિત ફેક્ટરીમાં કામ કરતો હતો. મારો દીકરો એક દિવસ સોનમ અલીને લઈને ઘરે આવ્યો હતો. મને કહ્યું હતું કે, માં મને આ છોકરી ગમે છે અને મારે તેની સાથે જ લગ્ન કરવા છે."
"મેં ત્યારે કહ્યું હતું કે યુવતી બીજા ધર્મની છે તો આપણા સમાજના લોકો એને સ્વીકારશે નહીં તેમજ તારી નાની બહેનોના લગ્ન પણ થશે નહીં પરંતુ રોહિત માન્યો નહીં."
"એકવાર અગાઉ તે આ યુવતી સાથે રહેવા જતો રહ્યો હતો. યુવતી સાથે રહેવા ગયા બાદ તેણે અમારા સગા સંબંધીઓ વગેરે સાથે સંબંધ ઓછો કરી દીધો હતો."
"અમને મહિને એકાદવાર ક્યારેક મળવા આવતો હતો. તે ક્યાં રહેતો હતો તે અંગે અમને કોઈ જાણ હતી નહીં. મને ખબર ન હતી કે રોજગાર મેળવવા માટે સુરત આવ્યા બાદ મારે મારો દીકરો ગુમાવવો પડશે. મારો આધાર છીનવાઈ ગયો. મારો દીકરો તો મને મળશે નહીં પરંતુ મારે ન્યાય જોઈએ છે."
બીબીસી ગુજરાતીએ આરોપીઓના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી.

રોહિતની આત્મહત્યાની અઠવાડિયા પહેલાં જાણ થઈ

ઇમેજ સ્રોત, Rohits family
મૃતક રોહિતના ફૂવા રાજેશસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, " રોહિતે આત્મહત્યા કરી છે તે અંગે અમને એક અઠવાડિયા પહેલાં જ સમાચાર મળ્યા હતા. અમારા ગામમાં રહેતા અમારા એક સંબંધીએ રોહિતના ફેસબુક પર તેની સુસાઇડ નોટ જોઈ હતી."
"ત્યારબાદ તેને ગામડે રહેતા રોહિતના ભાઈને આ વાત કરી હતી. રોહિતના ભાઈએ અમને લોકોને ફોન કર્યા હતા. જેથી અમે એક અઠવાડિયાથી તપાસ શરૂ કરી હતી. રોહિતે આ યુવતી સાથે સંબંધ રાખતા અમારા સગા સંબંધી હોય તેની સાથે સંબંધ કાપી નાખ્યો હતો જેથી તે વધારે કોઈના સંપર્કમાં હતો નહીં તેથી તે ક્યાં રહેતો હતો તે અમને ધ્યાનમાં ન હતો."
"તપાસ કરતા જાણવા મળ્યું કે તે પટેલનગરમાં રહેતો હતો. જેથી અમે પટેલનગરમાં તપાસ કરી હતી પરંતુ ત્યાં અમને કંઈ પતો મળ્યો ન હતો."
"ત્યારબાદ અમારા એક સંબંધી રોહિતની ફેકટરીએ ગયા હતા જેથી એના ફેકટરીના એક ભાઈ તેને ઉધનામાં આવેલા પટેલનગરમાં લઈ ગયા હતા જ્યાં ગયા બાદ અમને ખબર પડી કે રોહિતે બે મહિના પહેલાં આત્મહત્યા કરી હતી એ વાત સાચી છે. જેથી અમે આગળની કાર્યવાહી કરી હતી."

ગોમાંસ ખવડાતા આપઘાત

ઇમેજ સ્રોત, Rohits family
પોલીસ ફરિયાદમાં મૃતકનાં માતા વીનાદેવીએ નોંધવી છે અને તેમાં જણાવ્યું છે કે, " ગત 27 જૂન 2022ના રોજ બપોરના 2.30 વાગ્યા દરમિયાન તેમના દીકરા રોહિતે આત્મહત્યા કરી લીધી હતી. રોહિતની પ્રેમિકા સોનમ તથા સોનમના ભાઈ મુખ્તારે જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાયનું માંસ ખવડાવીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તે ત્રાસના કારણે પોતાના રહેણાકના સ્થળે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. "
તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મૂળ ઉત્તપ્રદેશના પ્રતાપગઢના ગંગેહટી ગામના નિવાસી છે અને હાલમાં તેઓ સુરતના લિંબાયત વિસ્તારમાં જે.બી.નગર ખાતે રહે છે. તેમના પતિનું 2018માં મૃત્યુ થયું હતું.
તેમના પરિવારમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાં સૌથી મોટો દીકરો 27 વર્ષનો રોહિત હતો. રોહિતે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.
તેમના જણાવ્યા અનુસાર તેઓ દોઢેક વર્ષ પહેલાં રોહિત અને બે દીકરીઓ સાથે સુરત રહેવા આવ્યાં હતાં. રોહિતે મિલમાં નોકરી શરૂ કરી હતી જ્યાં તેની સાથે કામ કરતી સોનમ સાથે પ્રેમસંબંધ થયો હતો. સોનમ મુસ્લિમ હતાં અને તેના અગાઉ એકવાર લગ્ન થયેલાં હતાં.
વીનાદેવીનો દાવો છે કે સોનમ સાથે લગ્ન પછી રોહિતનો પરિવાર સાથે સંપર્ક નહોતો.
વીનાદેવીએ કહ્યું કે, 26 ઑગસ્ટના દિવસે હું ઘરે હાજર હતી તે વખતે સવારના 10 વાગ્યે મારા જીજાજી રાજેશસિંઘ અન્ય ગામના ઓળખીતા સાથે ઘરે આવ્યા હતા અને તેઓના થકી જાણવા મળ્યું હતું કે, ગત 27 જુલાઈ 2022ના રોજ રોહિતે આત્મહત્યા કરી લીધી છે અને તે અંગે તેણે ફેસબુક ઉપર એક સુસાઇડ નોટ પણ મૂકી છે.
આ અંગે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી સોનમઅલી અને મુખ્તારઅલી સામે આઈપીસીની કલમ 306, 506(2) અને 114 અંતર્ગત ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસના એસીપી જે.ટી.સોનારાએ જણાવ્યું છે કે "રોહિતની આત્મહત્યા બાદ ફેસબુક પર સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટના આધારે મૃતકની માતાની અમે ફરિયાદ લીધી છે કે સોનમ અને તેના ભાઈ મુખ્તારે રોહિતને ગાયનું માંસ ખવડાવ્યું હતું. જેનું ખોટું લાગી આવતા રોહિતે આત્મહત્યાનું પગલું ભર્યું હતું."
(આ કહાણીમાં સુરતથી બીબીસી ગુજરાતીના સાથી પત્રકાર ધર્મેશ અમીન પાસેથી ઇનપુટ્સ મળેલા છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













