ઉત્તર પ્રદેશ ચૂંટણી : માયાવતી પોતાનો વારસો સાચવી શકશે?

    • લેેખક, વિકાસ પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ ખાતે અન્ય રાજકીય પક્ષોની સરખામણીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના કાર્યાલયે મિજાજ થોડો ઢીલો લાગ્યો. ઉત્તર પ્રદેશમાં સાત ચરણમાં મતદાન યોજાયું છે અને તા. 10 માર્ચે અન્ય ચાર રાજ્યોની સાથે ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં પરિણામો પણ આવશે.

બસપા સુપ્રિમો માયાવતી ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી રહી ચૂક્યાં છે અને સીએમપદ માટે અન્ય દાવેદારોની સરખામણીમાં સૌથી વધુ અનુભવી છે.

આમ છતાં અત્યારસુધીનો તેમનો ચૂંટણીપ્રચાર ફિક્કો રહ્યો છે અને નિષ્ણાતો તેમની સરકાર બને તેવી શક્યતા ખૂબ ઓછી છે. આ આકલન તેમનાં ભવિષ્ય તથા રાજકીય વારસા ઉપર પણ પ્રશ્ન ઊભો કરે છે.

બસપાના કાર્યકર્તા અને નેતા માયાવતીના રાજકીય ભાવિ અંગેના સવાલોને નકારી કાઢે છે. લખનૌ ખાતે પાર્ટીના એક કાર્યકર્તાએ મને જણાવ્યું કે મીડિયા તથા અન્ય બધાનાં અનુમાન ખોટાં પડે છે.

તેમણે કહ્યું કે આ વખત તેમની પાર્ટી મોટી રેલીઓના બદલે ડૉર-ટુ-ડૉર પ્રચાર ઉપર ભાર મૂકી રહી છે. તેમણે જણાવ્યું :

માયાવતીના શાસનની ચર્ચા વહીવટી બાબતો પર તેમની પકડ તથા ગુનાખોરી વિશે કડક વલણને માટે થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માયાવતીના શાસનની ચર્ચા વહીવટી બાબતો પર તેમની પકડ તથા ગુનાખોરી વિશે કડક વલણને માટે થાય છે

"તેઓ દેશનો સૌથી વધુ જાણીતો દલિત ચહેરો છે. તેઓ સમાજની આશાઓ અને આકાંક્ષાઓ તથા સુશાસનનું પ્રતીક છે. "

માયાવતીના શાસનની ચર્ચા વહીવટી બાબતો પર તેમની પકડ તથા ગુનાખોરી વિશે કડક વલણને માટે થાય છે. 2007માં "સોશિયલ ઇજનેરી"ની મદદથી તેઓ ભારે બહુમતીથી વિધાનસભા ચૂંટણી જીતી શક્યાં હતાં, પરંતુ એ પછીથી તેમના રાજકીય કદમાં સતત ઘટાડો થતો રહ્યો છે.

2007માં તેમણે બીએસપીની પરંપરાગત વ્યૂહરચનાથી તદ્દન અલગ વ્યૂહરચના અપનાવી હતી. તેઓ સવર્ણ હિંદુઓની સામે લડવાને બદલે તેમની સાથે રહીને લડ્યાં. તેમણે દલિતો તથા સવર્ણોને સુશાસન તથા વિકાસનું વચન આપ્યું.

પાંચ વર્ષના કાર્યકાળ પછી પાર્ક અને પ્રતિમા પર જનતાનો પૈસો વેડફવાના આરોપો તથા ભ્રષ્ટાચારના આળને કારણે તેઓ સત્તા પર પરત ન ફરી શક્યાં.

ત્યારથી તેઓ એક પછી એક ચૂંટણી હારી રહ્યાં છે. તેમના અનેક વિશ્વાસુ નેતા બસપા છોડીને અન્ય પક્ષોમાં જોડાઈ ગયા છે. ગત એક દાયકા દરમિયાન સપાટી પર તેમનું સંગઠન નબળું પડ્યું છે.

અલ્હાબાદ યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના પ્રાધ્યાપક તથા સેફૉલૉજિસ્ટ વી. કે. રાયના કહેવા પ્રમાણે જ્યારે કોઈ પક્ષ સત્તા ઉપર ન હોય ત્યારે નેતાઓ સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરતા હોય છે. પરંતુ એવું લાગે છે કે માયાવતીએ આ તક ગુમાવી દીધી. તેમનો પક્ષ મૂળ મિશન ભૂલી ગયો હોય તેમ લાગે છે.

આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયેલાઓની લડાઈ લડવા માટે દલિતનેતા કાંશીરામે બસપાની સ્થાપના કરી હતી. તેઓ દેશભરના દલિત તથા ગરીબોનો રાજકીય અવાજ બનવા માગતા હતા. બસપા ક્યારેય ઉત્તર પ્રદેશની બહાર પોતાની પહોંચ વધારી ન શકી. માયાવતીએ પણ તેમનો મોટાભાગનો સમય અને ઊર્જા યુપી માટે જ ખર્ચ્યાં.

પ્રો. રાયના મતે બસપા નબળી પડવા માટે આ એક કારણ છે, જ્યારે યુપીમાં બસપા નબળી પડી ત્યારે મજબૂત બનવા માટે બીજે ક્યાંય જવાને સ્થાન ન હતું. દેશના પ્રાદેશિક પક્ષોની આ લાક્ષણિકતા રહી છે કે તેઓ મોટાભાગે એક જ રાજ્યમાં કેન્દ્રિત હોય છે.

માયાવતી ઉપર આરોપ લાગે છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપની સામે કૂણું વલણ અપનાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માયાવતી ઉપર આરોપ લાગે છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપની સામે કૂણું વલણ અપનાવે છે

માયાવતી ઉપર આરોપ લાગે છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપની સામે કૂણું વલણ અપનાવે છે. અહીં એ યાદ રાખવું રહે કે કેન્દ્ર તથા યુપીમાં ભાજપની સરકાર છે.

હિંદુ રાષ્ટ્રવાદ તથા પછાત જાતિઓના ઉદ્ધારની બેવડી વ્યૂહરચનાની મદદથી ભાજપ દલિતોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યો હતો. જેમ-જેમ બસપાનું ધોવાણ થતું ગયું, તેમ-તેમ અન્યપક્ષો તેમાં પણ વિશેષ કરીને ભાજપને લાભ થતો ગયો.

જોકે આ ચૂંટણીમાં ભાજપને તેના કટ્ટર હરીફ સમાજવાદી પક્ષ તરફથી પડકાર મળી રહ્યો છે અને સત્તાવિરોધી વલણનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

લખનૌ યુનિવર્સિટીના પ્રાધ્યાપક પ્રો. રવિ કાંત ચંદનની જેમ અનેક વિશ્લેષકો માને છે કે આ વખતે સપા અને ભાજપાની વચ્ચે મુખ્ય મુકાબલો છે. સાથે જ ઉમેરે છે કે માયાવતીની પાર્ટીને માંડી વાળવી એ ભૂલ છે.

પ્રો. કાંતનું માનવું છે કે બસપાના કટ્ટર સમર્થકોનો એક વર્ગ ફરી એક વખત પાર્ટી તરફ વળી શકે છે, કારણ કે તેમને લાગે છે કે ભાજપે તેમને આપેલા વાયદા પૂરા નથી કર્યા.

બસપા બ્રાહ્મણ મતદારોને પણ પોતાની તરફ આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે. જો તેમની આ વ્યૂહરચના અમુક બેઠક ઉપર પણ સફળ રહે તો ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં તેનું મહત્ત્વ વધી જશે.

પ્રો. કાંતને લાગે છે કે 403 ધારાસભ્યોવાળી વિધાનસભામાં જો સપા કે ભાજપ બહુમતી માટેનો 202નો જાદુઈ આંકડો પાર ન કરી શકે તો માયાવતી "કિંગમૅકર"ની ભૂમિકા ભજવી શકે છે. માયાવતી અગાઉ બંને પક્ષની સાથે ગઠબંધન કરી ચૂક્યાં છે.

એમાં પણ જો તેમની પાર્ટીનો ટેકો અનિવાર્ય બની જશે તો તેઓ મુખ્ય મંત્રીપદ માટે પણ દાવો કરી શકે છે. પરંતુ, જો આમ ન થાય તો દેશના વર્તમાન રાજકીય પરિદૃશ્યમાં ટકી રહેવું તેમના માટે મુશ્કેલ બની જશે.

પ્રો. રાયના કહેવા પ્રમાણે, "બસપામાં માયાવતી સિવાય કોઈ નથી, આથી જો તેઓ સાંપ્રત નહીં રહે, તો તેમનો પક્ષ પણ અસંગત બની જશે."

આ સંજોગોમાં શૂન્યાવકાશ સર્જાશે અને કમ સે કમ નજીકના ભવિષ્ય પૂરતું દલિતોએ વર્તમાન પક્ષો તરફ નજર દોડાવવી પડશે. પ્રો. રાય કહે છે કે લાંબા ગાળા માટે સમુદાયને પોતાનો નેતા જોઈશે – દલિત નેતા જે તેમના હકો માટે નિર્ભયપણે લડી શકે.

આથી જ માયાવતી માટે તેમનું પોતાનું ભવિષ્ય, તેમનો વારસો તથા બસપાનું અસ્તિત્વ પણ આ ચૂંટણી ઉપર આધાર રાખે છે.

કદાચ તેઓ સ્વતંત્ર ભારતના સંપન્ન અને સિદ્ધ દલિત નેતાઓમાંથી એક છે અને એટલે જ તેઓ આ ચૂંટણી સાથે પોતાના વારસાનો અંત નહીં ઇચ્છે.

ફૂટર
line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો