ભુજની જેલમાં બંધ નાઈજીરિયન મહિલાનો જેલ અધીક્ષક પર મહિનામાં ત્રણ વાર બળાત્કાર કર્યાનો આરોપ
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"જેલ અધીક્ષક રાજેન્દ્રસિંહ રાવે મારી મરજી વિરુદ્ધ મારી સાથે શરીરસંબંધ બાંધ્યો છે. મારી ઉપર કસ્ટોડિયલ રેપ કરવામાં રાજેન્દ્રસિંહને મંજુલા ચૌધરી અને મહેશ મકવાણાએ મદદ કરી હતી. આ તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી મારી પ્રાર્થના છે."
ભુજની પાલારા જેલમાં બંધ 34 વર્ષીય નાઈજીરિયન મહિલા પોતાની લેખિત અરજીમાં કંઈક આ રીતે પોતાની આપવીતી જણાવે છે.

નાઈજીરિયન મહિલાએ આ અરજી તારીખ 21 એપ્રિલ 2022ના રોજ ભુજના સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટને લખી હતી.
પાલારા જેલમાં બંધ નાઇજીરિયન મહિલાએ અરજીમાં બળાત્કારની ઘટના અંગે લખ્યું હતું, "તારીખ 5 એપ્રિલ 2022ની રાતે દસ વાગ્યા બાદ રાજેન્દ્રસિંહ રાવ મારી બૅરેકમાં આવ્યા અને મારી સાથી મહિલા કેદીને બૅરેકની બહાર જવાનો આદેશ આપ્યો. રાજેન્દ્રસિંહે પોતાનાં કપડાં ઉતાર્યાં પછી તેમણે તેઓના પ્રાઇવેટ પાર્ટને અડવાનું કહ્યું, એ પછી તેઓ જતા રહ્યા. થોડી મિનિટો બાદ ફરી આવ્યા અને મારી મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો."
બીજી ઘટના અંગે મહિલાએ અરજીમાં લખ્યું, "તારીખ 8 એપ્રિલે બીજી વાર મારી મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો. વિરોધ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલે હું શારીરિક સબંધ માટે વિરોધ ન કરી શકી."
વધુ એક ઘટનાનો ઉલ્લેખ કરતાં મહિલાએ લખ્યું હતું, "ત્રીજી વાર 12 એપ્રિલે ફરી આવી મારી મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો. મારા ઉપર કસ્ટોડિયલ રેપ કરવામાં રાજેન્દ્રસિંહને મંજુલા ચૌધરી અને મહેશ મકવાણાએ મદદ કરી હતી. આ તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી મારી પ્રાર્થના છે."
કેદી નાઇજિરિયન મહિલાએ અરજીમાં પોતે કસ્ટોડિયલ રેપનો ભોગ બન્યાં છે અને જવાબદાર જેલ અધીક્ષક અને તેઓને મદદ કરનાર પોલીસ કર્મચારીઓ પર પોલીસ ફરિયાદ નોંધવા માટેની લેખિત રજૂઆત કરી હતી.
પરંતુ ન્યાયાધીશે આ બનાવ પાલારા જેલની અંદર બન્યો હોઈ અને તે કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતું ન હોઈ હકૂમત ધરાવતી કોર્ટ સમક્ષ રજૂઆત કરવા હુકમ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે પીડિત મહિલાએ તારીખ 27 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટમાં વિશેષ અપરાધની અરજી દાખલ કરી જવાબદાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની દાદ માગી છે. આ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ સુનાવણી કરશે.

જેલ અધીક્ષકનો આક્ષેપો સામે રદિયો

ઇમેજ સ્રોત, Science Photo Library
બીજી તરફ નાઇજીરિયન મહિલાએ કસ્ટોડિયલ રેપનો આરોપ લગાડ્યો છે તે અધિકારી તમામ આરોપને પાયાવિહોણા ગણાવી રહ્યા છે.
પાલારા જેલના જેલ અધીક્ષક રાજેન્દ્રસિંહ રાવે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "નાઇજીરિયન મહિલા દ્વારા મારી સામે કરવામાં આવેલા આક્ષેપ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ મહિલા જેલના સ્ત્રી વિભાગમાં રહે છે."
"જેલના સ્ત્રી વિભાગમાં કોઈ પણ પુરુષ અધિકારીને જવાની પરમિશન નથી. તેમજ જ્યારે સવારે નવ વાગે રાઉન્ડમાં જવાનું હોય ત્યારે 15 જેટલા અધિકારી અને કર્મચારીની ટીમ સાથે હોય છે. રાઉન્ડ દરમિયાન મહિલા મેટ્રન પણ સાથે જ રહે છે."
"તારીખ 29 માર્ચ 2022ના દિવસે જેલમાંથી મોબાઇલ પકડાયા હતા. જેમાં નાઇજીરિયન મહિલા પાસેથી પણ મોબાઇલ પકડાયો હતો. નાઇજીરિયન મહિલાની સાથી કેદીએ મને ધમકી આપી હતી કે તેઓ મને ફસાવશે."
તેઓ વધુમાં કહે છે, "મને ફસાવવાની ધમકી આપનાર મહિલા કેદી ઊભા કરાયેલા પ્રકરણમાં સાક્ષી છે. મને ફસાવવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે. મારા ચારિત્ર્ય પર દાગ લગાવવામાં આવી રહ્યો છે. હું સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થાય તેવી માગણી કરી છું. મારા સામે થયેલા ખોટા આક્ષેપો કરનાર સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ."

સાક્ષીને ધમકાવવાની ફરિયાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફરિયાદી નાઇજીરિયન મહિલાના વકીલ દિલીપ જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "34 વર્ષીય મહિલા સાથે જેલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા એપ્રિલ મહિનાની અલગઅલગ તારીખે ત્રણ વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું."
"પીડિતા સાથે થયેલા અત્યાચાર માટે જેલ અધીક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગ સાથે તારીખ 27 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યિલ ક્રિમિનલ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. જેલ અધીક્ષક સામે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કરીએ છીએ."
ફરિયાદી નાઇજીરિયન મહિલાના વકીલે જેલ અધીક્ષક દ્વારા સાક્ષીને પરેશાન કરવાનો આક્ષેપ કરતાં કહ્યું, "જેલ અધીક્ષક દ્વારા મુખ્ય સાક્ષીને પાલારા જેલમાંથી અન્ય જેલમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી સાક્ષીઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે, તેમજ સાક્ષીઓને ધમકાવવામાં આવી રહ્યાં છે."

કેદી અને ફરિયાદી નાઇજીરિયન મહિલા કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાપ્ત વિગતો અનુસાર, નાઇજીરિયન મહિલા ગત જાન્યુઆરી 2015માં માન્ય પાસપોર્ટ અને બિઝનેસ વિઝા લઈને ભારતમાં આવ્યાં હતાં. તેઓ વાળની વિગના વ્યવસાય સાથે સંકળાયેલાં છે.
મહિલા ઑક્ટોબર 2021માં વ્યવસાય અર્થે ભુજ શહેરમાં આવ્યાં હતાં. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા તારીખ 23 ઑક્ટોબર 2021ના રોજ મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
મહિલાના વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી તારીખ 6 ડિસેમ્બર 2021ના રોજ કચ્છના માધાપર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 465 અને 471 અને પાસપોર્ટ ઍક્ટ અને ફોરેનર્સ ઍક્ટની જોગવાઈઓ હેઠળ આ નાઇજીરિયન મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
તારીખ 8 ડિસેમ્બરે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી મહિલાને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતાં તેમને પાલારા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયાં હતાં. તારીખ 23 જાન્યુઆરી 2022ના રોજ મહિલા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
મહિલાને તારીખ 21 એપ્રિલે ભુજના અધિક મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં ત્યારે તેમણે લેખિત અરજી આપીને જેલ અધીક્ષક રાજેન્દ્રસિંહ રાવ ઉપર કસ્ટડીયલ રેપનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત, અન્ય બે પોલીસ કર્મચારી ઉપર મદદગારીનો આરોપ લગાવ્યો હતો.
બૅરેકની મહિલા સહકેદીને સાક્ષી દર્શાવી જવાબદારો સામે પોલીસ ફરિયાદની માગ કરી હતી. હવે આ કસ્ટડીયલ રેપનો સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












