અમિત શાહ શું પશ્ચિમ બંગાળમાં વિખેરાતા ભાજપને એક કરી શકશે?

    • લેેખક, પ્રભાકરમણિ તિવારી
    • પદ, કોલકાતાથી બીબીસી હિન્દી માટે

દો મઈ, દીદી (મમતા બેનરજી) ગઈ... આ સૂત્ર પશ્ચિમ બંગાળમાં ગત વર્ષની વિધાનસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણી રેલીઓનો અભિન્ન હિસ્સો બની ગયું હતું.

બીજી મેના રોજ એટલે કે ચૂંટણીનાં પરિણામોના દિવસે દીદી તો ક્યાંય ન ગયા, પરંતુ ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓ બંગાળનો રસ્તો ભૂલી ગયા છે. એ વાતને બરાબર એક વર્ષ વીતી ગયું.

આ દરમિયાન હુગલીમાંથી ઘણાં પાણી વહી ગયાં છે. આ દરમિયાન બંગાળ ભાજપ પણ સતત વિખેરાતો જોવા મળી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SANJAY DAS

પક્ષના વરિષ્ઠ નેતાઓ ખુલ્લેઆમ એકબીજાની પોલ ઉઘાડવાના પ્રયાસો કરી રહ્યા છે અને નેતાઓમાં પક્ષ છોડવાની સ્પર્ધા ચાલી રહી છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન પાર્ટીના સાત ધારાસભ્યો ભાજપ સાથેનો નાતો તોડીને તૃણમૂલ કૉંગ્રેસમાં પરત ફર્યા છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 77 બેઠકો જીતી હતી.

line

વિખેરાઈ રહેલી પાર્ટી એકસંપ થશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SANJAY DAS

આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહની બંગાળની ત્રણ દિવસની મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. રાજકીય વર્તુળોમાં સવાલ એ છે કે શું અમિત શાહ અહીં વિખરાયેલા ભાજપને એકસંપ કરી શકશે?

તેમની મુલાકાત પહેલાં ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતના 15 નેતાઓએ એકસાથે રાજીનામું આપી દીધું છે, જેના કારણે ભાજપમાં જ આ સવાલ ઊભા થવા લાગ્યા છે.

પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારનું માનવું છે કે કેટલાક મુદ્દાઓને લઈને નેતાઓમાં નારાજગી હોઈ શકે છે. પરંતુ આવી તકલીફો અને સમસ્યાઓનું સમાધાન પક્ષની અંદર થવું જોઈએ, જાહેરમાં નહીં.

અમિત શાહની આ મુલાકાત રાજકીય પણ છે અને સત્તાવાર પણ. આ દરમિયાન તેઓ કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે અને કેટલાક પાર્ટીના કાર્યક્રમમાં પણ જશે.

ગત વર્ષની વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ લગભગ ઓસરી ગયો છે. ગયા વર્ષે મુકુલ રાયની ટીએમસીમાં વાપસી સાથે ભાજપ છોડવાની પ્રક્રિયા અત્યારે પણ ચાલી રહી છે.

પાર્ટીના તમામ નેતાઓ 'અપની અપની ડફલી, અપના અપના રાગ'ની તર્જ પર અલગ-અલગ રાગ આલાપતા જોવા મળી રહ્યા છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન યોજાયેલી તમામ ચૂંટણીઓમાં પાર્ટીને પછડાટ મળી છે. તાજેતરનો મામલો આસનસોલ સંસદીય બેઠકનો છે, જ્યાં પેટાચૂંટણીમાં ટીએમસીએ પ્રથમ વખત આ બેઠક કબજે કરી છે.

પક્ષના સામાન્ય કાર્યકરોનો પણ હવે મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. નામ નહીં આપવાની શરતે એક નેતા કહે છે, "ગયા વર્ષે ચૂંટણી પછીની હિંસામાં હજારો કાર્યકરોએ ઘણું સહન કરવું પડ્યું હતું, પરંતુ કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના નેતૃત્વ દ્વારા તેઓને તેમની દરકાર લીધી નહોતી. આનાથી કાર્યકરોની નારાજગી અને પાર્ટી પ્રત્યેનો તેમનો મોહભંગ થવો વાજબી છે."

line

મીટિંગ પર નજર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SANJAY DAS

હવે રાજકીય વર્તુળોમાં તમામની નજર અમિત શાહ અને ભાજપના નેતાઓ વચ્ચે 6 મેના રોજ યોજાઈ રહેલી બેઠક પર છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે બેઠકમાં પેટાચૂંટણીમાં પક્ષના ખરાબ પ્રદર્શનનો મુદ્દો ચોક્કસ ઊઠશે. આ સિવાય અસંતુષ્ટ જૂથોના નેતાઓ પણ તેમની સમક્ષ ફરિયાદ મૂકી શકે છે, જેના કારણે રાજ્યની નેતાગીરી સામે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ શકે છે.

કેન્દ્રીય નેતૃત્વએ રાજ્યના નેતાઓને અમિત શાહની મુલાકાત પહેલા તમામ મતભેદો ઉકેલવા નિર્દેશ આપ્યો હતો. પરંતુ તેના બદલે સામૂહિક રાજીનામાં પડી રહ્યાં છે.

તાજેતરમાં પક્ષના બે પૂર્વ પ્રદેશ પ્રમુખો તથાગત રોય અને દિલીપ ઘોષે જે રીતે જાહેરમાં એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા, તેનાથી પક્ષની પ્રતિષ્ઠા વધુ ખરડાઈ છે.

દિલીપ ઘોષે તથાગત રાય પર તેમના કાર્યકાળ દરમિયાન પાર્ટી હેડક્વાર્ટરને દારૂનું પીઠું બનાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. તો સામે તથાગત રાયે તેમને ઓછું ભણેલા ફિટર કે મિકેનિક ગણાવ્યા હતા.

line

અમિત શાહ સામે પડકાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SANJAY DAS

પાર્ટીના અન્ય નેતાઓ પણ અવારનવાર રાજ્યના નેતૃત્વ પર સવાલો ઉઠાવતા રહ્યા છે. આવી સ્થિતિમાં અમિત શાહ માટે આ પ્રવાસ કપરો પડકાર બની રહેશે.

તેઓ રાજ્યના વિવિધ જિલ્લાના નેતાઓ ઉપરાંત આરએસએસના વરિષ્ઠ નેતાઓ સાથે પાર્ટીને એકસંપ કરવા અને ભાવિ રણનીતિ નક્કી કરવા માટે ચર્ચા કરશે.

રાજકીય વિશ્લેષક સમીરન પાલ કહે છે, "રાજ્યમાં આવતા વર્ષે પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલાં અમિત શાહ માટે પક્ષમાં વધતા જતા મતભેદો અને અસંતોષને દૂર કરીને તેને ફરી ચેતનવંતો બનાવવું કામ સહેલું નથી."

"પંચાયતની ચૂંટણીઓ એક રીતે 2024ની સામાન્ય ચૂંટણીઓનું રિહર્સલ છે અને તમામ પક્ષો માટે શક્તિ પરીક્ષણની છેલ્લી તક હશે."

પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે અમિત શાહ તેમના પ્રવાસ દરમિયાન નેતાઓ અને કાર્યકરોના સતત ઘટી રહેલા મનોબળને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

line

બંગાળ બન્યું ભાજપની પ્રયોગશાળા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પાર્ટીના એક અસંતુષ્ટ નેતા કહે છે, "બંગાળ ભાજપની પ્રયોગશાળા બની ગયું છે. અહીં અલગ-અલગ પ્રકારના લોકોને પાર્ટીની કમાન સોંપવામાં આવી છે, પરંતુ તેનાથી નફા કરતાં નુકસાન વધુ થયું છે. દિલીપ ઘોષને હટાવીને સુકાંત મજુમદારને પાર્ટીની કમાન સોંપવામાં આવી ત્યારથી દરેક ચૂંટણીમાં પાર્ટીની અધોગતિ થઈ છે."

રાજ્ય સમિતિના પુનર્ગઠન વખતે મજૂમદારે ઘણા નેતાઓની બાદબાકી કરી તો તેઓ બળવાખોર બની ગયા. તેમની ખુલ્લેઆમ ટીકા કરવા બદલ પૂર્વ ઉપાધ્યક્ષ જય પ્રકાશ મજુમદાર અને રીતેશ તિવારીને અસ્થાયી રૂપે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જય પ્રકાશ ગયા માર્ચમાં ટીએમસીમાં જોડાઈ ગયા હતા.

તાજેતરના કિસ્સામાં બેરકપુરના સાંસદ અર્જુનસિંહે પણ રાજ્યના ફૂટવેર ઉદ્યોગ પ્રત્યે કથિત ઉપેક્ષા માટે કેન્દ્ર સરકાર અને ફૂટવેર કમિશનરની નિંદા કરી હતી અને મુખ્ય મંત્રી મમતા બેનરજીની પ્રશંસા કરી હતી, જેના કારણે તેની વતન પરત ફરવાની અટકળોએ જોર પકડ્યું છે.

શું અમિત શાહની મુલાકાત પક્ષમાં વધતા જતા મતભેદો, અહંકારની અથડામણો અને જૂથવાદને દૂર કરવા અને કાર્યકરોના રસાતળ પહોંચેલા મનોબળને મજબૂત કરવા માટે સંજીવનીનું કામ કરશે?

લાખ ટકાના આ સવાલનો જવાબ કદાચ આવનારા દિવસોમાં જ મળશે, પરંતુ ખુદ ભાજપના નેતાઓને આવો વિશ્વાસ નથી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષ કહે છે, "ભાજપ નવા અને જૂના નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. અમિત શાહ પક્ષની આંતરિક લડાઈથી પણ વાકેફ છે. તેમની મુલાકાત પણ બંગાળ ભાજપનું નસીબ નહીં બદલી શકે."

ભાજપ હેડક્વાર્ટરથી મળતી માહિતી અનુસાર, અમિત શાહ બુધવારે કોલકાતા પહોંચશે. અહીંના હિંગલગંજમાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બીજા દિવસે તેઓ સિલિગુડી જશે, જ્યાં તેઓ પાર્ટીની જાહેર સભાને સંબોધશે.

તે જ દિવસે તેઓ ત્યાં વિવિધ વર્ગના નેતાઓ સાથે પણ મુલાકાત કરવાના છે.

શુક્રવારે તીનબીઘામાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ કોલકાતા પરત ફરશે અને પાર્ટીના તમામ અગ્રણી નેતાઓ સાથે બેઠક કરશે.

આ તેમના પ્રવાસનો સૌથી મહત્ત્વનો ભાગ છે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી વિક્ટોરિયા મેમોરિયલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે અને આરએસસના કોલકાતા કાર્યાલયની પણ મુલાકાત લેશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો