બંગાળમાં ભાજપના કાર્યકરો જાહેરમાં માફી કેમ માગી રહ્યા છે?

લાઉડસ્પિકર મારફતે જાહેરમાં ભાજપના કાર્યકર્તાઓ માફી માગી રહ્યા છે.

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઇમેજ કૅપ્શન, બંગાળમાં લાઉડસ્પિકર મારફતે જાહેરમાં ભાજપના કાર્યકર્તાઓ માફી માગી રહ્યા છે
    • લેેખક, પ્રભાકર મણિ તિવારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, કોલકાતાથી

મુકુલ રોય ટીએમસીમાં પરત ફર્યા બાદ એવા લોકોની ભીડ વધી ગઈ છે જેઓ ભાજપમાંથી ટીએમસીમાં પરત આવવા માગે છે. આ વાતનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ જાહેરમાં માફી માગીને ટીએમસીમાં પરત આવવાની અપીલ કરી રહ્યા છે.

આવી સ્થિતિ કેમ સર્જાઈ એ વિશે રાજ્ય યુનિટના લોકોનું કહેવું છે કે શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસનો આતંક એવો છે કે તેઓ આવું કરી રહ્યા છે. પરંતુ ટીએમસીનો જવાબ છે કે લોકોને હવે તેમની ભૂલ સમજાઈ ગઈ છે.

ભાજપના મોટા નેતાઓનું ટીએમસીમાં પરત ફરવું અથવા એવું કરવા ઇચ્છુક નેતાઓની યાદીનું લાંબુ થવું, આ બધાની વચ્ચે રાજ્યના કાર્યકર્તાઓ પણ ભાજપમાંથી ટીએમસીમાં પરત ફરવા તમામ કોશીશ કરી રહ્યા છે.

તેથી તેઓ જાહેરમાં માફી માગવાની સાથે સાથે ટીએમસી પ્રત્યે નિષ્ઠાની શપથ પણ લઈ રહ્યા છે.

હવે ચૂંટણીપરિણામો બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં તેમને પોતાના વિસ્તારમાં રહેવા માટે માફી માગીને ઘરવાપસી કરવાનો એકમાત્ર વિકલ્પ દેખાઈ રહ્યો છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં લગભગ 300 કાર્યકર્તાઓએ શપથ લઈને ટીએમસીમાં ફરીથી પ્રવેશ લીધો હતો.

line

વેપારીઓને ધમકી

દુકાનદાર બાપ્પા કર

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઇમેજ કૅપ્શન, દુકાનદાર બાપ્પા કર

આ જ રીતે હુગલી જિલ્લાના ધનિયાખાલી વિસ્તારમાં એક દુકાનદાર બાપ્પા કરની દુકાન ગત બીજી મેથી બંધ હતી. બપ્પા પણ ચૂંટણી પહેલાં ટીએમસીમાંથી ભાજપમાં ગયા હતા. જોકે, આખરે એમની દુકાન બંધ કેમ હતી?

ભાજપના નેતાઓનો આરોપ છે કે તેમને ધમકી આપવામાં આવી હતી કે ભાજપ સાથે રહેશો તો દુકાનો નહીં ખોલવા દેવામાં આવે.

આખરે બાપ્પાએ જાહેરમાં માફીનામું વાંચ્યુ અને ટીએમસીને પ્રત્યે નિષ્ઠા દાખવવાના શપથ લીધા. ત્યાર બાદ તેમને દુકાન ખોલવાની મંજૂરી મળી ગઈ.

જિલ્લાતંત્ર કે પોલીસ આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી રહ્યાં છે. પરંતુ રાજ્યપાલ જગદીપ ધનખડ અને ભાજપના સ્થાનિક નેતા આ બાબતને ટીએમસીના વધી રહેલા આતંકના પુરાવા તરીકે ગણાવે છે.

બીરભૂમ જિલ્લાના જ બોલપુરમાં લાઉડસ્પિકરના મારફતે માફી માગી રહેલા ભાજપના કાર્યકર્તાઓનું કહેવું હતું, "અમને ભાજપે તમામ લાલચ આપીને પાર્ટીમાં સામેલ કરી લીધા હતા. તે દગાબાજોની પાર્ટી છે."

"અહીં મુખ્ય મંત્રી મમતા બેનરજીનો કોઈ વિકલ્પ નથી. અમે તેમની વિકાસયોજનાઓમાં સામેલ થવા માગીએ છીએ. અમે ટીએમસીને બદનામ કરી છે. અમે ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા. પણ હવે ઘરવાપસી કરી રહ્યા છીએ."

આ લોકોનું કહેવું હતું કે ભાજપમાં સામેલ થઈને તેમણે ભૂલ કરી હતી પણ હવે તેઓ એ ભૂલને સુધારવા માગે છે.

તે કાર્યકર્તાઓમાં સામેલ મુકુલ મંડલ કહે છે,"અમે ભાજપના ચારિત્ર્યને સમજવામાં ભૂલ કરી હતી. મમતા બેનરજીનાં વિકાસકાર્યો માટે અમે ટીએમસીમાં પરત ફરી રહ્યા છીએ."

ઘરવાપસી માટે આયોજિત સમારોહમાં ટીએમસી નેતા તુષાર કાંતિ મંડલે પહેલા આવા 67 પરિવારોને શપથ લેવડાવ્યા અને પછી શુદ્ધિકરણ સમારોહ આયોજિત કર્યો.

તે શપથપત્રમાં લખ્યું હતું, "ભાજપમાં જઈને અમે ભૂલ કરી હતી, હવે અમે ટીએમસીમાં જ રહીશું."

આ પ્રસંગે ટીએમસીમાં પરત ફરનારા વનગ્રામ પંચાયતના પ્રસેનજિત સાહાનું કહેવું હતું, "વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે લાભપુર વિસ્તારના તત્કાલીન ટીએમસી ધારાસભ્ય મનીરુલ ઇસ્લામ સહિતના કેટલાક નેતા ભાજપમાં સામેલ થઈ ગયા હતા. હું પણ એ સમયે ભાજપમાં જતો રહ્યો હતો. પણ હવે ત્યાં રહેવું મુશ્કેલ છે."

line

આરોપ-પ્રત્યારોપ

અણુવ્રત મંડલ, બીરભૂમ ટીએમસી નેતા

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઇમેજ કૅપ્શન, અણુવ્રત મંડલ, બીરભૂમ ટીએમસી નેતા

ભાજપના બીરભૂમ જિલ્લાઅધ્યક્ષ ધ્રુવ સાહા કહે છે, "આ લોકો ભાજપમાં સામેલ થવાની સજા ભોગવી રહ્યા હતા. તેમને તમામ સરકારી સુવિધાઓ અને યોજનાથી વંચિત કરી દેવાયા હતા. તેમણે સ્વેચ્છાએ નહીં પણ મજબૂરીમાં ટીએમસીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે."

સાહા કહે છે કે આ ઘટનાથી સ્પષ્ટ છે કે લાભપુરમાં લોકશાહીની કેવી રીતે હત્યા થઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓને ડરાવીને ધમકાવીને ટીએમસીમાં સામેલ થવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને પ્રસાસન પણ આ આરોપોનો કોઈ જવાબ નથી આપતું.

બીરભૂમ જિલ્લાના એક પોલીસ અધિકારીએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું,"અમારી પાસે બળજબરીની કોઈ ફરિયાદ નથી આવી. આવી સ્થિતિમાં જો કોઈ પાર્ટી બદલે તો પછી અમે શું કરી શકીએ છીએ?"

બીજી તરફ લાભપુરના ટીએમસીના ધારાસભ્ય અભિજીતસિંહ સાહા આ આરોપોને પાયાવિહોણા ગણાવે છે.

તેઓ કહે છે,"અમે કોઈને દબાણ નથી કર્યું. ભાજપ જ દબાણ કરીને લોકોને ખોટા રસ્તે લઈ આવે છે. ભાજપના કાર્યકર્તા પોતાની ભૂલ સુધારીને માફી માગીને ટીએમસીમાં આવી રહ્યા છે."

ટીએમસીના બીરભૂમ જિલ્લાઅધ્યક્ષ અણુવ્રત મંડલ કહે છે, "અમારે કોઈને બળજબરીથી બોલાવવાની જરૂર નથી. ભાજપ અને તેમની નીતિઓથી મોહભંગ થવાના કારણે તેઓ ખુદ પરત આવવા ઇચ્છે છે."

line

હુગલીનો મામલો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હુગલી જિલ્લામાં ધનિયાખાલીના બેલમુડી ગ્રામ પંચાયતના ફીડર રોડ પર દુકાન ચલાવતા બાપ્પા કરે ચૂંટણી પહેલાં ભાજપને સમર્થન આપ્યું હતું. પરંતુ જે દિવસથી ચૂંટણીનું પરિણામ આવ્યું એ દિવસથી તેમની મોબાઇલની દુકાન બંધ હતી.

આખરે ગત શુક્રવારે ટીએમસી નેતા-કાર્યકર્તાઓની હાજરીમાં બજાર વચ્ચે તેમણે માફીનામું વાંચ્યું અને પછી ફરી ટીએમસીમાં સામેલ થયા. ત્યાર પછી તેમની દુકાન ખોલવામાં આવી.

ટીએમસીની ધમકીને લીધે દુકાન બંધ રાખી હતી?

બાપ્પા કહે છે, "મેં ખુદ ડરના લીધે દુકાન બંધ રાખી હતી. પરંતુ રોજીરોટી માટે પરેશાની થવા લાગી એટલે મેં ટીએમસી પાસે દુકાન ખોલવા પરવાનગી માગી."

તેઓ આનાથી વધુ બોલવા તૈયાર નહોતા.

ટીએમસીના સ્થાનિક નેતા અને બેલમૂડીના અંચલ પ્રમુખ સુબ્રત સાહા કહે છે, "અમે ન તો બળજબરીથી કોઈની દુકાન બંધ કરાવી ન તો કોઈને ટીએમસીમાં પરત ફરવા દબાણ કર્યું. બાપ્પાએ ખુદ દુકાન બંધ રાખી હતી."

"તેઓ પહેલાં ટીએમસીમાં હતા. પોતાની ભૂલ માનીને તેઓ પરત ફરવા માગતા હતા. આથી તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા."

પરંતુ ધનિયાખાલી વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર રહેલા તુષાર મજૂમદાર આરોપ લગાવે છે, "જિલ્લામાં બધે આવું જ ચાલી રહ્યું છે. ઘણી દુકાનો બંધ કરાવી દેવાય છે."

"ટીએમસીમા જોડાનારી વ્યક્તિને જ દુકાન ખોલવાનની મંજૂરી આપવામાં આવે છે. બાપ્પાનો મામલો પણ અપવાદ નથી. વિસ્તારમાં ભાજપના સેંકડો સમર્થક હજુ પણ ઘર છોડીને બીજી રહી રહ્યા છે."

ભાજપના યુવા મોરચાના હુગલી જિલ્લા અધ્યક્ષ સુરેશ સાવ પણ આવો જ આરોપ લગાવે છે.

તેઓ કહે છે, "વિસ્તારમાં ટીએમસીમાં હોય તે જ દુકાન ખોલી શકે છે. ટીએમસીએ ઘણાના સામાજિક બહિષ્કારની અપીલ કરી છે. પોલીસનું એક દળ પણ તેને સમર્થન આપી રહ્યું છે."

જોકે હાઈકોર્ટના નિર્દેશને પગલે વિસ્તારમાં 130 પરિવાર રવિવારે પરત ફર્યા છે. તેઓ ચૂંટણીપરિણામો બાદ ટીએમસીના કથિત આતંક અને અત્યાચારના કારણે ઘર છોડીને ભાગી ગયા હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષનું કહેવું છે, "જે વ્યક્તિને કોઈ પણ પાર્ટીંમાં જવું હોય તે જઈ શકે છે. આ લોકો કોઈ ગાય-ભેંસ નથી કે તેમને બાંધીને રાખવામાં આવે. કોઈ રહે કે ન રહે કોઈ ફરક નથી પડતો."

ઘોષનું આ નિવેદન જોકે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય સહિતના કેટલાક અન્ય નેતાઓ ટીએમસમાં સામેલ થયા એ મામલે હતું. પરંતુ તે પાર્ટીના હાલના વલણના પણ સંકેતો છે. પાર્ટી સામે પરિવાર બચાવવાનો પડકાર છે.

પાર્ટીના કેન્દ્રીય નેતૃત્ત્વે બંગાળ તરફથી મોં ફેરવી લીધું છે. પ્રદેશનેતા અસંતોષની લાગણીઓનો ચારેબાજુથી સામનો કરી રહ્યા છે.

આ દરમિયાન દિલીપ ઘોષને અહીંથી હઠાવીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવા અને અહીં વિપક્ષી નેતા શુભેંદુ અધિકારી માટે મેદાન ખુલ્લુ કરવાની ચર્ચા પણ છેડાઈ છે. જોકે ઘોષે આની પુષ્ટિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ખાસકરીને મુકુલ રોય જેવા મોટા નેતાઓ ટીએમસીમાં પરત ફર્યાં અને કેટલાક અન્ય નેતાઓ પરત ફરવાના છે તેની યાદીને પગલે કાર્યકર્તાઓનું મનોબળ ઝડપથી તૂટી રહ્યું છે.

રાજકીય વિશ્લેષક પ્રોફેસર સમીરન પાલ કહે છે, "બંગાળમાં જેની લાઠી એની ભેંસની જેમ રાજકીય હિંસાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગામના લોકોએ આખરે રહેવાનું તો ત્યાં જ છે. એટલે પાણીમાં રહીને મગર સાથે વેર લેવાનું જોખમ કોણ લે?"

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો