કચ્છની બાલિકાપંચાયત, ગુજરાતનું એ ગામ જ્યાં કિશોરીઓ અને મહિલાઓ 'રાજ કરે છે'

કચ્છના કુનરિયા ગામની બાલિકા પંચાયત
ઇમેજ કૅપ્શન, કચ્છના કુનરિયા ગામની બાલિકા પંચાયત

તમે મહિલાસંચાલિત ફેકટરી જોઈ હશે, મહિલાઓ દ્વારા સંપૂર્ણપણે સંચાલિત એવી ઘણી બધી સંસ્થાઓ અંગે તમે જાણતા હશો. પણ તમે કદી મહિલાઓ અને બાળકીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સંપૂર્ણપણે મહિલાઓ અને બાળકીઓ દ્વારા સંચાલિત પંચાયત જોઈ છે ખરી?

ખાતરી છે કે તમારામાંથી ઘણાનો જવાબ ના હશે. આવી પંચાયત કોઈ દૂર દેશમાં નહીં પણ આપણા ગુજરાતની ધરતી પર જ છે. આ વાત છે આપણા કચ્છની.

કચ્છ જિલ્લાના કુનરિયા ગામની 'બાલિકાપંચાયત' એ મહિલાઓ અને બાળકીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એક નવીન પ્રયોગ છે.

line

શું છે બાલિકાપંચાયત?

મહિલાઓ અને બાળકીઓને લોકશાહી અંગે માહિતગાર કરવાની સાથે હુન્નર શીખવી પગભર કરતી બાલિકાપંચાયત
ઇમેજ કૅપ્શન, મહિલાઓ અને બાળકીઓને લોકશાહી અંગે માહિતગાર કરવાની સાથે હુન્નર શીખવી પગભર કરતી બાલિકાપંચાયત

ગામની પરંપરાગત પંચાયત કરતાં બાલિકાપંચાયત અલગથી ચૂંટાયેલી મહિલાઓની પંચાયત હોય છે. જેમાં દસ વર્ષથી 21 વર્ષની ઉંમરની બાળકીઓ અને મહિલાઓ મતદાન કરે છે.

બાલિકાપંચાયતનું મુખ્ય કામ ગ્રામસભા કે ગ્રામપંચાયતની બેઠક દરમિયાન મહિલાઓની વાત મૂકવાનું છે અને તેમના પ્રશ્નો ઉઠાવી તેના નિરાકરણ માટે પ્રયત્ન થાય એ છે.

કુનરિયા ગામની બાલિકાપંચાયતમાં કુલ આઠ સભ્યો છે, જેની દર અઠવાડિયે કે દસ દિવસે મિટિંગ થાય છે.

આ મિટિંગમાં મહિલાઓ આગળ વધે તથા પોતાના ભવિષ્ય માટે વિચારી શકે, તે રીતે તેમને સશક્ત બનાવવાનો પ્રયત્નો કરાય છે.

line

બાલિકાપંચાયતનું મહત્ત્વ

ગામની મહિલાઓ અને બાળકીઓના પ્રશ્નો મુખ્ય પંચાયતમાં ઉઠાવવા માટે કરાઈ બાલિકા પંચાયતની રચના
ઇમેજ કૅપ્શન, ગામની મહિલાઓ અને બાળકીઓના પ્રશ્નો મુખ્ય પંચાયતમાં ઉઠાવવા માટે કરાઈ આ અલાયદી પંચાયતની રચના

સૌથી મહત્ત્વની વાત એ છે કે દસ વર્ષની ઉંમરથી બાલિકાઓ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે છે અને મતદાન કેવી રીતે થાય? તેની શું પ્રક્રિયા હોય? તે વિશે તેમને ખ્યાલ આવી જાય છે.

ગામનાં ગીતાબહેન કેરસિયા બાલિકાપંચાયતના મહત્ત્વ વિશે વાત કરતાં કહે છે કે, "અમારા ગામની અંદર બાલિકાપંચાયત રચાશે અને તેની ચૂંટણી યોજાશે, તેવી જાણ થઈ ત્યારે અમને ખૂબ આનંદ થયો અને ગામની બાલિકાઓ ખૂબ ઉત્સાહિત પણ હતી."

"દસથી 21 વર્ષની બાલિકાઓએ ઉત્સાહપૂર્વક મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. અમને ખુશી છે કે અત્યારથી જ બાલિકાઓ પંચાયતના કામોમાં ભાગ લે છે અને ઉત્સાહભેર તેમાં જોડાઈ રહી છે."

તેઓ બાલિકાપંચાયતના કામ વિશે વાત કરતાં કહે છે, "બાલિકાપંચાયતની મિટિંગમાં બાલિકાઓ જુદાં-જુદાં કાર્યોની ચર્ચા કરે છે અને નિર્ણયો લે છે. તેમના મારફતે અમને પણ જાણવા મળે છે કે પંચાયત કયાં-કયાં કાર્યો કરે છે."

ગામનાં અન્ય એક બહેન રુકસાના સુમરા જણાવે છે, "આમ તો 18 વર્ષની વયે પ્રથમ વખત મત આપવાની તક મળતી હોય, પરંતુ આ બાલિકાપંચાયતની ચૂંટણીમાં દસ વર્ષથી 21 વર્ષ સુધીની બાલિકાઓએ મતદાન કર્યું હતું."

અનુભવ વિશે જણાવતાં તેઓ કહે છે કે, "હું 17 વર્ષની છું અને મને ખુશી હતી કે એક વર્ષ પછી મને પણ મત આપવાની તક મળશે, પરંતુ એના પહેલાં જ મને આ બાલિકાપંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાનો મોકો મળ્યો. આવી બાલિકાપંચાયત માત્ર કચ્છમાં જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં રચાવી જોઈએ."

line

મહિલાઓ સક્રિય રાજકારણમાં ભાગ લે તે ઉદ્દેશ

કુનરિયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ છાંગા
ઇમેજ કૅપ્શન, કુનરિયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ છાંગા

કુનરિયા ગ્રામપંચાયતના સરપંચ સુરેશ છાંગા બાલિકાપંચાયતની રચનાના ઉદ્દેશ વિશે વાત કરતાં કહે છે, "કુનરિયા ગ્રામપંચાયત અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો થકી બાલિકાપંચાયતની સ્થાપના કરાઈ છે."

"આ પંચાયતનો હેતુ કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લે અને લોકશાહી પદ્ધતિથી ચૂંટણીપ્રક્રિયામા ભાગ લઈ બહેનોનો અવાજ બને એવો છે."

તેઓ કહે છે, "બાલિકાપંચાયત અંગે ગામની મહિલાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે."

"પાછલા એક મહિનાથી બાલિકાપંચાયત કાર્યરત્ થઈ છે. આ સમયગાળા દરમિયાન બહેનોના આર્થિક સશક્તિકરણનાં કામો કરવામાં આવી રહ્યાં છે."

"સાથે-સાથે ઘરેલુ હિંસા કે કાનૂની સલાહને લગતી બાબતોમાં પણ બાલિકાપંચાયત દ્વારા સહાય કરાય છે."

સુરેશ છાંગા આ પંચાયત દ્વારા હાથ ધરાતી તાલીમો અંગે જણાવતાં કહે છે કે "અત્યાર સુધીમાં 17થી 18 મહિલાઓને ભરતગૂંથણની તાલીમ પણ આપવામાં આવી છે. આમ બાલિકાપંચાયત અને કુનરિયા ગ્રામપંચાયત સાથે મળીને મહિલાઓના સામાજિક ઉત્કર્ષ માટે સતત કાર્ય કરી રહી છે."

line

મહિલા સરપંચ બની શકે તો શાસન કેમ ન ચલાવી શકે?

કુનરિયા બાલિકા પંચાયતનાં નવનિયુક્ત સરપંચ ભારતી ગરવા
ઇમેજ કૅપ્શન, કુનરિયા બાલિકાપંચાયતનાં નવનિયુક્ત સરપંચ ભારતી ગરવા

બાલિકાપંચાયતની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ગામનાં જ ભારતી ગરવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાં છે.

તેઓ આ પંચાયત અને પોતાના દૃષ્ટિકોણ વિશે વાત કરતાં કહે છે, "પહેલાંના જમાનાની શાસનવ્યવસ્થાની વાત કરીએ તો ત્યારે સ્ત્રીઓનું શોષણ થતું હતું અને અનેક જાતના કુરિવાજો પણ હતા."

"બાળકી જન્મે તો દૂધપીતી કરવી, દહેજપ્રથા, સતીપ્રથા વગેરે કુપ્રથાઓ હતી."

"બાદમાં મહિલાઓ માટે 50 ટકા અનામત રાખવામાં આવી અને તેમને સત્તા મળી, પણ શાસન કરવા ન મળ્યું."

તેઓ વાત કરતાં કહે છે, "કોઈ ગામમાં મહિલા સરપંચ હોય તો તેની સત્તાનો ઉપયોગ તેના પતિ, ભાઈ અથવા તો પિતા કરતા હોય છે. પરંતુ જો મહિલા સરપંચ હોય અને તેની પાસે સત્તા હોય તો તે પોતે જ શાસન શા માટે ન કરે."

"આ સ્થિતિની વચ્ચે કુનરિયા ગ્રામપંચાયત દ્વારા એક અવિશ્વસનીય પહેલ કરવામાં આવી છે કે જેમાં બાલિકાપંચાયતની રચના કરાઈ છે."

તેઓ સરપંચ તરીકેની પોતાની ફરજો બજાવવાના નિર્ધાર અંગે કહે છે, "મને ગામની મહિલાઓએ બાલિકાપંચાયતની સરપંચ બનાવી અને તેમનો આ વિશ્વાસ હું ટકાવી રાખીશ. મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહીશ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન